WTC : એ પળ જ્યારે ભારતની જીત માટે ભાડાના હાથીને મેદાનમાં ફેરવવામાં આવ્યો

    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી

'ભારતમાં ક્રિકેટ એક રમત નહીં ધર્મ છે' આવું કહેનારા ક્રિકેટચાહકો માટે ઇતિહાસના પાનામાં છૂપાયેલી 24 ઑગસ્ટ 1971ની તારીખ ખૂબ મહત્ત્વની છે.

આ એ દિવસ હતો જ્યારે ક્રિકેટના નિષ્ણાતો મુજબ ભારતીય ક્રિકેટનો સુવર્ણકાળ શરૂ થયો હતો. સ્થળ હતું યુકેના ઇંગ્લૅન્ડનું ઓવલ ગ્રાઉન્ડ.

ક્રિકેટનું એ જ મેદાન જ્યાં સાત જૂનથી ભારત-ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમવા જઈ રહ્યા છે.

એક ભારતીય માટે આ ગ્રાઉન્ડનું મહત્ત્વ જાણવું જરૂરી છે. એ દિવસે એક એવી ઘટના ઘટી હતી જે કદાચ આજ દિન સુધી ક્રિકેટના મેદાને નહીં જોઈ હોય.

શું હતી એ ઐતિહાસિક ઘટના અને કઈ રીતે ભારતે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઇંગ્લૅન્ડને એના જ ઘરમાં પરાસ્ત કર્યું હતું.

જ્યારે એક ભાડાનો હાથી ઐતિહાસિક મૅચનો સાક્ષી બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અજીત વાડેકરની કપ્તાનીમાં જુલાઈ-ઑગસ્ટ 1971 દરમિયાન યુકેના પ્રવાસે હતી.

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ મૅચ વરસાદના કારણે ડ્રૉ રહી હતી. હવે અંતિમ ટેસ્ટ મૅચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે આ પ્રવાસ શરૂ કર્યો એ સમયે ભારત એક પણ વખત ઇંગ્લૅન્ડની ટીમને ઇંગ્લૅન્ડમાં જઈ હરાવી નહોતું શક્યું.

ભારતે વર્ષ 1932માં ટેસ્ટ ટીમ રાષ્ટ્ર તરીકે માન્યતા મેળવી હતી અને પહેલો પ્રવાસ ઇંગ્લૅન્ડનો જ ખેડ્યો હતો. ત્યારબાદ ભારત 1971 સુધીમાં 19 ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડ સામે રમી ચૂક્યું હતું. પરંતુ એક પણ મૅચમાં ભારતને જીત હાંસલ થઈ નહોતી.

એટલે વર્ષ 1971માં પહેલો અવસર હતો જ્યારે ભારત ઇંગ્લૅન્ડમાં વિજય પતાકા ફરકાવી શકે એમ હતું.

ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે તારીખ હતી 24 ઑગસ્ટ. આ તારીખે ભારતમાં હિંદુઓનો પર્વ ગણેશ ચતુર્થી ઉજવાઈ રહ્યો હતો.

ઇંગ્લૅન્ડમાં આ ટેસ્ટ મૅચ જોવા આવેલા ક્રિકેટ રસીકોએ એક યુક્તિ આજમાવી હતી. તેઓ ચેસિંગ્ટન પ્રાણીસંગ્રહાલયમાંથી 'બેલ્લા' નામનો એક હાથી ભાડે લઈ આવ્યા હતા.

એટલું જ નહીં આ હાથીનું ત્રીજી ટેસ્ટ મૅચ દરમિયાન ઓવલના મેદાનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેને ક્રિકેટના મેદાનની ફરતે ગણેશ ચતુર્થીના દિવસે શુકનના પ્રતીક તરીકે ફેરવવામાં આવ્યો હતો જેથી ભારત આ ટેસ્ટ જીતી જાય.

એ સમયે ભારતીય ટીમના મૅનેજર હતા હેમુ અધિકારી. તેમણે આ હાથીને અચાનક મેદાનમાં જોયો હતો અને તેમણે પણ હાથીને શુભ દિવસે એક શુકન તરીકે ગણાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ સર્જ્યો હતો અને ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં પરાસ્ત કરી પહેલી વખત ઇંગ્લૅન્ડમાં જઈ ટેસ્ટ સિરીઝ પોતાને નામ કરી હતી.

ક્રિકેટ ઇતિહાસકારોના મતે આ એ સમય હતો જ્યારે કોઈ પણ ટેસ્ટ મૅચ રમનાર દેશ જ્યાં સુધી ઇંગ્લૅન્ડમાં જઈ ટેસ્ટ સિરીઝ ન જીતે ત્યાં સુધી વિશ્વ સ્તરે મજબૂત ક્રિકેટ ટીમ તરીકે તેમની ગણના ન થતી નહોતી.

જ્યારે ભારતની સ્થિતિ એવી હતી કે 1960ના દાયકામાં ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનું ‘વાઇટ વૉશ’ થઈ ગયું હતું.

મૅચમાં એ દિવસે શું થયું હતું?

રોન્જૉય સેનની પુસ્તક 'નેશન ઍટ પ્લે – અ હિસ્ટ્રી ઑફ સ્પૉર્ટ'માં આ પળને યાદ કરતા રોન્જૉય સેન લખે છે કે, ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ 101ના નજીવા સ્કોર પર ઑલ આઉટ થઈ ગઈ હતી. આ ઇંગ્લૅન્ડનો ભારત વિરુદ્ધ સૌથી ઓછો સ્કોર હતો. ભારત તરફથી લેગ-સ્પિનર ભાગવત ચંદ્રશેખરે આક્રમક સ્પિન બૉલિંગ કરી હતી.

ચંદ્રશેખરે 18.1 ઓવરમાં માત્ર 38 રન આપી 6 વિકેટ નોંધાવી હતી. આ દરમિયાન ત્રણ મેડન ઓવર સાથે 2.09નો ઇકૉનૉમી રેટ રહ્યો હતો.

રોન્જૉય સેન આગળ લખે છે કે, ભારતના બૅટ્સમૅનન સામે 173 રનનો ટાર્ગેટ હતો. આ સમયે ઓવલના મેદાનમાં માત્ર 5000 ભારતીય ચાહકો આ ઐતિહાસિક મૅચના સાક્ષી બનવાના હતા.

સેન પોતાની પુસ્તકમાં ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલને દર્શાવી લખે છે કે, "ભારતીય બૅટ્સમૅનન સૈયદ અબીદ અલીએ ચોક્કો ફટકારી ભારતને જીત અપાવી પેવેલિયન તરફ ભાગી રહ્યા હતા એ ક્ષણને ઉજવવવા મેદાનની છત પર હાજર ભારતીય ક્રિકેટ દર્શકો મેદાનની વચ્ચોવચ્ચ ભાગીને આવી ગયા હતા."

આ ભીડ એટલી હતી કે ભારતીય ક્રિકેટર સૈયદ અબિદ અલી અને ફારૂક ઍન્જિનિયર પેવેલિયન સુધી પહોંચી નહોતા શક્યા અને દર્શકોએ તેમને પીઠ પર ઊંચકી ઉજવણી કરવા લાગ્યા હતા.

ત્રીજી ટેસ્ટ મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન

19 ઑગસ્ટ 1971ના દિવસે ઇંગ્લૅન્ડના ઓવલ પર ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ રમવા આવી હતી.

ઇંગ્લૅન્ડના કપ્તાન રૅ ઇલિંગ્વર્થે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું.

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન 3.26ની રન રૅટ સાથે 355 રન નોંધાવી ઑલ આઉટ થઈ ગયા હતા.

ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ એકનાથ સોલકરે નોંધાવી હતી. જ્યારે બેદી, પ્રસન્ના અને ચંદ્રશેખરની ત્રિપુટીએ 2-2 વિકેટો નોંધાવી હતી. ભારત 355 રનનો પીછો કરવા મેદાન પર ઊતર્યું ત્યારબાદ 284 રને ઑલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી દિલીપ સરદેસાઇ અને ફારૂક એન્જિનિયરે અડધી સદી નોંધાવી હતી.

ઇંગ્લૅન્ડની ટીમ જ્યારે બીજી ઇનિંગમાં બૅટિંગ કરવા આવી ત્યારે લાગતું હતું કે ભારત આ ટેસ્ટ સિરીઝ પણ હારી જશે. પરંતુ ચોથા દિવસે ભારત તરફથી ભાગવત ચંદ્રશેખરે ધારદાર સ્પિન બૉલિંગ નાખી ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોને હંફાવી દીધા હતા.

ચંદ્રશેખરે માત્ર 38 રન આપી 6 વિકેટ નોંધાવી હતી. ઇંગ્લૅન્ડ 101 રનના નજીવા સ્કોર પર ઑલ આઉટ થઈ ગયું હતું.

હવે ભારત સામે ઇતિહાસમાં નામ નોંધાવવા 173 રનનો ટાર્ગેટ પાર કરવાનો હતો. એવામાં ભારતના આક્રમક ઓપનર સુનિલ ગવાસ્કર જ્હોન સ્નોની ઑવરમાં એલબીડબલ્યૂ આઉટ થઈ ગયા હતા. ભારતે બે રને એક વિકેટ ગુમાવી દીધી હતી. ગવાસ્કર વગર ખાતું ખોલે પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

ત્યારબાદ કપ્તાન અજિત વાડેકર અને અશોક માંકડ મેદાન પર હતા. પરંતુ અશોક માંકડ પણ માત્ર 11 રન નોંધાવી આઉટ થઈ ગયા હતા. ભારતનો સ્કોર એ સમયે માત્ર 37 રને 2 વિકેટ પર હતો. હવે બેટિંગ માટે દિલીપ સરદેસાઇ મેદાન પર ઊતર્યા હતા.

પાંચમાં દિવસે જ્યારે ભારત મેદાન પર ઊતર્યું હતું ત્યારે ભારતનો સ્કોર 76 રને બે વિકેટ પર હતો. આ દિવસે અજીત વાડેકર અને દિલિપ સરદેસાઇએ પોતાની ધીરજ અને બેટિંગનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં વાડેકર 118 બૉલમાં 45 રને રન આઉટ થઈ ગયા હતા જ્યારે દિલીપ સરદેસાઇએ 156 બૉલમાં 40 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. આ સમયે ભારતને 50 રન જીતવા માટે કરવાના હતા.

ભારત તરફથી ગુંડપ્પા વિશ્વનાથે 33 રન અને ફારૂક ઍન્જિનિયરે 28 રન નોંધાવી ભારતની જીત નિશ્ચિત કરવામાં મોટો ફાળો નોંધાવ્યો હતો.

પાંચમાં દિવસે લંચ પૂરું થયાને થોડી જ વાર થઈ હતી અને ભારતીય નીચેના ક્રમના બૅટ્સમૅન સૈયદ અબિદ અલીએ ચોક્કો ફટકારી ભારતને ઐતિહાસિક જીતનું સાક્ષી બનાવ્યું હતું.