સિરાજે એવો શું 'જાદુ' કર્યો કે આફ્રિકા 55માં ઑલઆઉટ થઈ ગયું?

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા જ દિવસે દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ માત્ર 55 રનમાં ઑલઆઉટ થઈ ગઈ છે.

કેપટાઉનમાં રમાઈ રહેલી મૅચમાં ભારતીય ફાસ્ટ બૉલર સિરાજે છ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે.

ભારત તરફથી બુમરાહ અને મુકેશકુમારે પણ બે-બે વિકેટો ઝડપી છે.

ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટમાં નોંધાવેલો આ સૌથી ઓછો સ્કોર છે. ટેસ્ટ મૅચની આ શ્રેણીની પહેલી મૅચમાં ભારતની હાર થઈ હતી.

સિરાજની જબરદસ્ત બૉલિંગ

કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાનમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો દક્ષિણ આફ્રિકાનો નિર્ણય જરાય સફળ નીવડ્યો ન હતો.

ઇનિંગની ત્રીજી જ ઓવરમાં સિરાજે માર્કરામને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો આપ્યો હતો. અને ત્યારબાદની ઓવરમાં જ સિરાજે આફ્રિકાના ઇન-ફૉર્મ બૅટ્સમૅન ડીન ઍલ્ગરને આઉટ કરી દેતાં દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો.

બાદમાં ટોની ડીઝોર્ઝી, ડેવિડ બેડિંઘમ અને માર્કો યાનસન પણ સિરાજના શિકાર બન્યા હતા.

એક તબક્કે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 9.2 ઓવરમાં 4 વિકેટે 15 રન થઈ ગયો હતો.

જોકે, ત્યારબાદ કોઈ પણ બૅટ્સમૅનને ઇનિંગ સંભાળવાનો મોકો ભારતીય બૉલરોએ આપ્યો ન હતો અને આફ્રિકાની સમગ્ર ટીમ માત્ર 55 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાના નવ બૅટ્સમૅનો તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

સિરાજે નવ ઓવરમાં 15 રન આપીને છ વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ સિરાજની કહાણી

હૈદરાબાદના એક ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછરેલા મોહમ્મદ સિરાજના પિતા રિક્ષાચાલક હતા અને તેમનાં માતા લોકોનાં ઘરનું કામ કરતાં હતાં.

1994માં જન્મેલા સિરાજને ક્યારેય ક્રિકેટ ઍકેડમી જવાની તક મળી ન હતી.

નાની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરનારા સિરાજની રુચિ પહેલાં બૅટિંગમાં હતી. પણ બાદમાં તેમણે બૉલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમની લગન ત્યારે રંગ લાવી જ્યારે 2015માં 21 વર્ષની ઉંમરે હૈદરાબાદની રણજી ટીમ માટે તેમની પસંદગી થઈ. નવ મૅચમાં 18.92ની એવરેજથી તેમણે 41 વિકેટ લઈને તે જ વર્ષે ત્રીજા સૌથી સફળ બૉલર બન્યા.

રણજીમાં પોતાના પ્રદર્શનના કારણે સિરાજ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજીની રેસમાં આવી ગયા.

આઇપીએલમાં સિરાજને તેની બેઝ પ્રાઇઝથી તેર ગણી વધુ રકમ આપીને 2.6 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અને પછીના વર્ષે બૅંગ્લોરે ખરીદી લીધા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઍન્ટ્રી

આઈપીએલમાં પહેલા વર્ષે રમ્યા બાદ પોતાની શાનદાર બોલિંગના કારણે થોડા જ મહિનામાં સિરાજે ભારતની ટી20 ટીમમાં જગ્યા બનાવી લીધી.

ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ તેમને તક મળી. તેમણે કૅપ્ટન કેન વિલિયમસનની પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ પણ લીધી. પણ મૅચમાં ઘણા ખર્ચાળ સાબિત થયા. હજુ પણ તેમનું સ્થાન ટી20માં નિયમિત નથી.

ત્યારબાદ તેમને વન-ડેમાં પણ તક મળી જેમાં તેમણે 41 મૅચમાં 68 વિકેટો ઝડપી છે. તેઓ વન-ડેમાં પ્રમાણમાં સારું પ્રદર્શન કરી શક્યા છે અને આઇપીએલમાં પણ સફળ રહ્યા છે.

2020માં તેમણે ઑસ્ટ્રેલિયા સામે ટૅસ્ટમાં ડૅબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 23 ટૅસ્ટ મૅચમાં તેમણે 67 વિકેટો ઝડપી છે. ખાસ કરીને વિદેશી ઉછાળવાળી પીચો પર તેમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે.