કોલકાતા નાઇટરાઇડર્સ ચોથીવાર પહોંચી આઈપીએલ ફાઇનલમાં, શાહરૂખ ખાને કરેલી ભૂલ વાઇરલ કેમ થઈ?

આઈપીએલ 2024માં મંગળવારે પહેલી ક્વોલિફાયર મૅચ રમવામાં આવી જે લગભગ એકતરફી હતી. જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆરે સનરાઇઝર્સ હૈદરાબાદ એટલે કે એસઆરએચને હરાવીને ચોથીવાર ફાઇનલમાં ઍન્ટ્રી કરી લીધી છે. જ્યારે કે હૈદરાબાદની ટીમને વધુ એક તક મળશે કારણકે તેને હજુ ક્વોલિફાયર-2 મૅચ રમવાની થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ધમાકેદાર પ્રદર્શન કરતાં પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી. મિશેલ સ્ટાર્કની શાનદાર બૉલિંગ સામે હૈદરાબાદની ટીમ ઘૂંટણિયે પડી ગઈ.

કેકેઆર હવે ચેન્નઈ ખાતે રવિવારે આઈપીએલની ફાઇનલ મૅચ રમશે. જ્યારે હૈદરાબાદની ટીમે રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી ઍલિમિનેટર મૅચમાંથી જે જીતશે તેની સાથે બેંગલુરુમાં ક્વૉલિફાયર- 2 મૅચ રમવાની રહેશે. આ ક્વૉલિફાયર- 2માં જે જીતશે તે કેકેઆર સામે ફાઇનલ મૅચ રમશે.

ઉલ્લેખનીય છે કે કેકેઆર આ પહેલાં 2012 અને 2014માં આઈપીએલ સિઝનની ફાઇનલમાં પહોંચી હતી અને બંને વખતે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં સિઝનના વિજેતાનો ખિતાબ જીત્યો હતો.

ત્યારબાદ 2021ની સિઝનમાં ઓએન મોર્ગનની કપ્તાનીમાં કેકેઆર ફાઇનલમાં જરૂર પહોંચી હતી, પરંતુ તેને ચેન્નઈ સુપરકિંગ્સ સામે હાર ખમવી પડી હતી. આઈપીએલમાં હવે ચોથીવાર કેકેઆર ફાઇનલમાં પહોંચી છે.

સ્ટાર્કનો તરખાટ

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે પાવરપ્લેમાં જ હૈદરાબાદના ત્રણ બૅટ્સમૅનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આમ હૈદરાબાદની ખતરનાક ગણાતી બેટિંગલાઇનઅપ ધરાશાયી થઈ ગઈ. પહેલી પાંચ ઓવરમાં વૈભવ અરોરા અને સ્ટાર્કે હૈદરાબાદના ચાર બૅટ્સમૅનોને આઉટ કરી દીધા હતા.

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર સ્ટાર્કે સ્પીડ અને સ્વિંગનો ઉપયોગ કર્યો. તેણે હૈદરાબાદના સૌથી ખતરનાક અને આઈપીએલની આ સિઝનના ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવનારા હેડને શૂન્ય રને આઉટ કરી દીધા.

હેડના આઉટ થયા બાદ હૈદરાબાદની આશા અભિષેક શર્મા પર હતી, પરંતુ વૈભવ અરોરાએ તેને પણ આઉટ કરી દીધા. ત્યારબાદ સ્ટાર્કે નીતિશ રેડ્ડી અને શાહબાઝ અહેમદને સસ્તામાં પૅવેલિયન ભેગા કરીને મૅચ પર કેકેઆરનું નિયંત્રણ સ્થાપી દીધું.

19.3 ઓવરમાં હૈદરાબાદની ટીમ 159 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ.

મૅચ બાદ મિશેલ સ્ટાર્કે કહ્યું, “હું કેટલીક મોટી મૅચમાં ભાગ્યશાળી રહ્યો છું. મારી ટીમને સારી શરૂઆત આપાવીને મને સારું લાગ્યું. આપણે જાણીએ છીએ કે પાવરપ્લેમાં હૈદરાબાદની ટીમ અમારી બરાબરી કઈ રીતે કરે છે. તેમની હેડ અને અભિષેકની ભાગેદારી મહત્ત્વપૂર્ણ રહી છે તેથી તેમને બંનેને સસ્તામાં આઉટ કરવું વાસ્તવમાં સુખદ હતું. વિકેટ થોડી સ્કિડ થઈ અને તેમાં સ્વિંગ પણ જોવા મળતું હતું. મને લાગ્યું જ હતું કે ડ્યૂ હશે તો વિકેટ બહેતર થઈ જશે અને પાવરપ્લે મહત્ત્વનો સાબિત થશે.”

હૈદરાબાદની ખરાબ શરૂઆત

ટૉસ જીતીને પહેલી બૅટિંગ કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. ટીમે 39 રનોમાં જ ચાર વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ 35 બૉલમાં 55 રન અને સાથે હૅનરિક ક્લાસેને 21 બોલમાં 32 રન બનાવીને ટીમને 159 રનના સન્માનજનક સ્કોર પર પહોંચાડી.

ત્રિપાઠી અને ક્લાસેન વચ્ચે પાંચમી વિકેટ માટે 37 બૉલમાં 62 રનની ભાગેદારી થઈ. આખલે પેટ કમિન્સે પણ 30 રન ફટકાર્યા. આ સિવાય હૈદરાબાદના કોઈ બૅટ્સમૅન 20નો આંકડો વટાવી ન શક્યા.

કેકેઆર વતી ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે સૌથી વધારે ત્રણ વિકેટો ઝડપી. વરૂણ ચક્રવર્તીએ બે વિકેટો જ્યારે કે વૈભવ અરોરા, સુનીલ નારાણય અને આન્દ્રે રસેલ તથા હર્ષિત રાણાને એક-એક વિકેટ મળી.

હૈદરાબાદ સામે કેકેઆરનું પલ્લું હંમેશાં ભારે રહ્યું છે. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે અત્યારસુધી 27 મૅચો રમાઈ ચૂકી છે, જે પૈકી કેકેઆરે 18 મૅચમાં જીત મેળવી છે. જ્યારે હૈદરાબાદે માત્ર 9 મૅચમાં જીત મેળવી છે.

છેલ્લા પાંચ મુકાબલાની(આ મૅચ છોડીને) વાત કરીએ તો પણ તેમાં કેકેઆરનો દબદબો રહ્યો છે. આ પાંચ પૈકી કેકેઆરે ત્રણ જ્યારે કે હૈદરાબાદે માત્ર બે મૅચ જીતી છે.

શ્રેયસ અય્યર અને વેંકટેશની અર્ધીસદી

આ ક્વૉલિફાયર-1ની મૅચમાં ટૉસ જીતીને પહેલી બૅટિંગ કરતા હૈદરાબાદની ટીમે કેકેઆરને 160 રનોનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં કેકેઆરે માત્ર બે વિકેટો ગુમાવીને 13.4 ઑવરમાં જ જીત મેળવી લીધી હતી.

સુનીલ નારાયણ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે કેકેઆર વતી ઇનિંગની શરૂઆત કરી. ગુરબાઝ 14 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા જ્યારે નારાયણ 21 રન બનાવીને આઉટ થયા.

ત્યારબાદ શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરે કેકેઆરની બાજી સંભાળી.

કેકેઆરના કૅપ્ટન શ્રેયસ અય્યરે 24 બૉલમાં 58 રન બનાવ્યા અને નોટઆઉટ રહ્યા. જ્યારે કે વેંકટેશ અય્યરે 28 બૉલમાં 51 રન બનાવ્યા અને તેઓ પણ નોટઆઉટ રહ્યા.

બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 44 બૉલમાં 97 રનોની ભાગેદારી થઈ. હૈદરાબાદ વતી પેટ કમિન્સ અને ટી. નટરાજને એક-એક વિકેટ ઝડપી.

આ મૅચ જ્યારે પૂરી થઈ ત્યારે કેકેઆરની ટીમની માલિકી ધરાવતા હિન્દી ફિલ્મોના સુપર સ્ટાર શાહરૂખ ખાન તેમની ટીમના ખેલાડીઓ અને પ્રેક્ષકોના અભિવાદન (લૅપ ઑફ ઑનર) માટે મેદાન પર આવ્યા હતા.

શાહરૂખ ખાન હાથ ઉપર કરીને જ્યારે પ્રેક્ષકોનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે જ તેઓ ચાલતાં-ચાલતાં મૅચ પછી મેદાન પર એનાલિસીસ કરી રહેલા પાસે કૉમેન્ટેટરના સ્ટુડિયો પાસે પહોંચી ગયા હતા. જોકે તેમનું સંપૂર્ણ ધ્યાન સ્ટેડિયમમાં રહેલા પ્રેક્ષકો પર હોવાને કારણે તેઓ એ સમયે ત્યાં હાજર પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના, પાર્થિવ પટેલ અને આકાશ ચોપ્રા પાસે પહોંચી ગયા.

એ સમયે જ શાહરૂખ ખાનને ખ્યાલ આવ્યો કે તેઓ સ્ટુડિયો અને કૅમેરાની વચ્ચે આવી ગયા છે. તેમણે તરત જ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને કહ્યું હતું કે તેમને જરાપણ ખ્યાલ નહોતો રહ્યો કે તેઓ સ્ટુડિયોની જગ્યામાં પહોંચી ગયા છે. આમ કહી તેમણે રૈના, પટેલ અને ચોપ્રાનું પણ ઉષ્માપૂર્વક અભિવાદન કર્યું.

શાહરૂખ ખાનનો આ વીડિયો તેમના ચાહકો અને ક્રિકેટરસિકોમાં વાઇરલ થઈ રહ્યો છે.