એ પાંચ કારણો જેના લીધે ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલ 2024માંથી બહાર થઈ ગઈ

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, વરિષ્ટ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે

ગત આઈપીએલની સિઝનમાં ફાઇનલ સુધી રમનાર ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલ 2024ની રેસથી બહાર થઈ ગઈ છે.

સોમવારે રાતે અમદાવાદમાં વરસાદના કારણે કોલકાતા સામેની તેમની મૅચ રદ કરવામાં આવી હતી અને તેની સાથે જ ગુજરાત પાસે જે પ્લેઑફમાં પહોંચવાની થોડી ઘણી તક હતી તે પણ ખતમ થઈ ગઈ છે.

મુંબઈ અને પંજાબ પછી આ ગુજરાત એ ત્રીજી ટીમ છે જે ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

જોકે ગુજરાત પાસે એક મૅચ હજી બાકી છે, પરંતુ 11 અંક સાથે આ ટીમ જો જીતી પણ જાય છે તો તે 13 અંકે પહોંચી હોત જે ટુર્નામેન્ટમાં આગળ પહોંચવા માટે ઓછા છે.

છેલ્લી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાત ટાઇટન્સ આ વર્ષે નિરાશાજનક રમત રમી છે જેના કારણે ટીમના ફેન્સ પણ હતાશ છે.

2022માં ડેબ્યુ કરનાર ગુજરાત ટાઇટન્સે પહેલી સિરીઝમાં જ ટ્રોફી જીતી લીધી હતી.

અને, ગત વર્ષે તે ચેન્નઈ સામે ફાઇનલમાં ડીએલએસ મેથડથી હારી હતી.

આખરે એ ક્યાં કારણો છે જેના લીધે આ વર્ષે ગુજરાતના પ્રદર્શનમાં આવો ઘટાડો જોવા મળ્યો હતો?

1. શુભમન ગિલનું બૅટિંગ ફૉર્મ

ગત સિઝનમાં ગુજરાતની ટીમનું નંબર એક પર રહેવાનું કારણ શુભમન ગિલનું ફૉર્મ હતું.

તે વર્ષે ગિલે 17 ઇનિંગ્સમાં લગભગ 60ની ઍવરેજથી 890 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી હતી.

ગિલની બૅટિંગથી ગયા વર્ષે 33 છગ્ગા લાગ્યા હતા જેના કારણે આ લિસ્ટમાં તેઓ ત્રીજા ક્રમે હતા.

60ની ઍવરેજ અને 158ની સ્ટ્રાઇક રેટથી સુનિશ્ચિત થયું કે ગુજરાતને લગભગ દરેક મૅચમાં સારી શરૂઆત મળી અને ટીમને ક્યારેય રનની કમી ન રહી.

પરંતુ આ વર્ષે ગિલની બૅટિંગમાં એ ધાર ન જોવા મળી. હજી સુધી 12 ઇનિંગ્સમાં તેમણે 426 રન કર્યા છે.

તેમની સરેરાશ 60થી ગગળીને 38 પર આવી ગઈ છે અને સ્ટ્રાઇક રેટમાં પણ ઘટાડો થયો છે.

ગિલે 10 મેએ ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ સદી ફટકારી જેના કારણે તેમના સરેરાશમાં થોડો સુધારો થયો છે, નહીંતર જ્યારે પહેલી 10 મૅચમાં ગુજરાતને જીતની જરૂર હતી ત્યારે ગિલનું બૅટ શાંત રહ્યું.

જોકે સાઈ સુદર્શનએ 500થી વધુ રન બનાવી થોડી ભરપાઈ જરૂર કરી છે પરંતુ ગુજરાતની બેટિંગ સામાન્ય રહી.

2. મોહમ્મદ શમીનું ના હોવું

ગુજરાતની બીજી સૌથી મોટી નબળી કડી રહી મોહમ્મદ શમીની ગેરહાજરી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાચાર આવ્યા હતા કે સ્વિંગ અને સીમ બૉલિંગ માસ્ટર મોહમ્મદ શમી ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે આઈપીએલમાં ભાગ લઈ શકશે નહીં.

ગુજરાત માટે આ ખૂબ જ ખરાબ સમાચાર હતા કારણ કે ગયા વર્ષે તેમની બૉલિંગનું નેતૃૃત્વ શમીના હાથમાં હતું.

2023માં શમીએ 17 ઇનિંગ્સમાં 18.64ની ઍવરેજથી 28 વિકેટ લીધી હતી. તેમની ઇકોનૉમી 8.03ની રહી હતી જે આધુનિક ટી-20માં સારી માનવામાં આવે છે.

છેલ્લી સિઝનમાં, તે સરેરાશ દરેક14મા બોલ પર વિકેટ મેળવી રહ્યા હતા અને બે વખત તેમણે એક જ ઇનિંગ્સમાં 4 વિકેટ લીધી હતી.

જે રીતે ગિલ બેટિંગમાં શાનદાર શરૂઆત અપાવી રહ્યા હતા, તેવી જ રીતે શમી પણ બોલિંગમાં ગુજરાતને પ્રારંભિક લીડ અપાવી રહ્યા હતા.

પરંતુ આ વર્ષે તે શક્ય બન્યું ન હતું કારણ કે શમી ત્યાં ન હતા અને અન્ય બૉલરોએ તેમની કમી પૂરી ન કરી.

3. બૉલિંગમાં કોઈ ધાર નથી

એવું નથી કે બૉલિંગમાં ગુજરાતને ફક્ત શમીની કમી રહી, ટીમને બીજા સભ્યોએ પણ ઘણું ખરાબ પ્રદર્શન કર્યું.

ગત સિઝન સૌથી વધારે વિકેટ લેનારા બૉલરની લિસ્ટમાં પહેલા ત્રણ ખિલાડી ગુજરાતના હતા.

મોહમ્મદ શમીએ તો 28 વિકેટ લીધી જ હતી, પરંતુ બીજા બે બૉલરોએ મળીને તેમના કરતાં ફક્ત એક વિકેટ ઓછી લીધી હતી, એટલે કે, 27 વિકેટ લીધી હતી.

મોહિત શર્માએ 13ની આશ્ચર્યજનક ઍવરેજથી 27 વિકેટ લીધી હતી જ્યારે રાશિદ ખાને 20ની ઍવરેજથી 27 વિકેટ લીધી હતી.

આ બંનેની ઇકોનૉમી પણ 8ની રેન્જમાં રહી હતી, એટલે કે તેઓ વિકેટો લઈ રહ્યા હતા અને અને તેઓ ખર્ચ-અસરકારક પણ સાબિત થઈ રહ્યા હતા. આ સિવાય નૂર અહેમદે પણ 16 મહત્ત્વની વિકેટ લીધી હતી.

હવે આ બોલરોના આ વર્ષના પ્રદર્શન પર એક નજર કરીએ. મોહિત શર્મા 13 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં 20મા ક્રમ પર છે. તેમની સરેરાશ પણ લગભગ બમણી થઈ ગઈ છે.

રાશિદ ખાને 12 ઇનિંગ્સમાં માત્ર 10 અને નૂર અહેમદે 8 વિકેટ લીધી છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતની બૉલિંગની અસરકારકતા ગયા વર્ષ કરતાં લગભગ અડધી થઈ ગઈ છે.

4. ગુજરાતના વિદેશી ખિલાડીઓ ન ચાલ્યા

બેટિંગમાં ડેવિડ મિલર હોય કે રાશિદ ખાન, બંનેના બેટ આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ઓછાં ગર્જ્યાં.

આ સિવાય કેન વિલિયમસન અને હઝરત ઓમરઝાઈની બેટિંગે પણ નિરાશ કર્યા હતા.

ગયા વર્ષે, વિજય શંકર અને સાહા જેવા ભારતીય ખેલાડીઓએ બેટિંગમાં સારું યોગદાન આપ્યું હતું, પરંતુ આ વર્ષે તેઓ ગાયબ હતા અને તેમને પ્લેઈંગ ઈલેવનમાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, બૉલિંગમાં પણ રાશિદ ખાન, નૂર મોહમ્મદ, જોશુઆ લિટલ અને જૉન્સન જેવા બોલરો કંઈ ખાસ કરી શક્યા નથી.

જો આપણે આઈપીએલ ટીમો પર નજર કરીએ તો તે ટીમો સારું પ્રદર્શન કરે છે જેમાં ભારતીય અને વિદેશી બંને ખેલાડીઓ મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

પરંતુ આ વર્ષે ન તો ભારતીય ખેલાડીઓએ અને ન તો વિદેશી ખેલાડીઓએ ગુજરાતને વળતર આપ્યું.

5. હાર્દિક પંડયાની કમી

ટીમનું હળવું વાતાવરણ અને ખેલાડીઓનો ખુશનુમા દેખાવ ગુજરાત ટાઇટન્સની શરૂઆતનાં બે વર્ષમાં સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું.

ટીમમાં આ વાતાવરણ બનાવવામાં કોચ આશિષ નેહરાની સાથે તત્કાલીન કૅપ્ટન હાર્દિક પંડ્યાની પણ મોટી ભૂમિકા હતી.

પરંતુ આ વર્ષે હાર્દિક પંડ્યા ટ્રાન્સફરમાં મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા હતા.

તેમણે ગુજરાત સાથે જે સફળતા મેળવી હતી તેટલી સફળતા તેમને ત્યાં મળી નથી પણ ગુજરાતને નુકસાન પણ થયું છે.

શુભમન ગિલે તે કરિશ્માયુક્ત કૅપ્ટનશિપ દેખાડી નથી જેમાં હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપની ઝલક દેખાય છે.

પંડ્યાએ ગયા વર્ષે પણ ખેલાડી તરીકે સારું પ્રદર્શન કર્યું હતું.

તે સામાન્ય રીતે બેટિંગમાં ત્રીજા નંબરે આવ્યા હતા અને તેમણે ગુજરાત માટે 346 મૂલ્યવાન રન બનાવ્યા હતા.