You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરાટ આઉટ કે નૉટાઉટ? કોલકાતા સામેની મૅચમાં કોહલીને ગુસ્સો કેમ આવ્યો?
ઇન્ડિયન પ્રીમિયર લિગ 2024માં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી મૅચ રોમાંચક રહી હતી. આ મૅચ કોલકાતા એક રનથી જીતી ગયું હતું.
કોલાકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મૅચમાં આરસીબીને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
બેંગલોરની શરૂઆત નબળી રહી હતી, જોકે બાદમાં ટીમ સારી વાપસી કરી હતી.
એટલે સુધી કે મૅચને છેલ્લી ઓવર સુધી લઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં આરસીબીએ ત્રણ છગ્ગા માર્યા હતા, તેમ છતાં મૅચ જીતી શકી નહોતી.
બેંગલોરની આખી ટીમ 20 ઓવરમાં 221 રન જ કરી શકી હતી. જોકે આ મૅચમાં સૌથી વધુ ચર્ચા બૅટ્સમૅન વિરાટ કોહલીની રહી હતી.
આઈપીએલમાં આરસીબીની આ સતત છઠી હાર છે.
223 રનનો ટાર્ગેટ અને છેલ્લી ઘડી સુધી રોમાંચક મુકાબલો
ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ઊતરેલી કોલાકાતા નાઇટ રાઇડર્સની ટીમે છ વિકેટ ગુમાવીને 222 રન કર્યા હતા.
ઓપનર ફિલ સાલ્ટે માત્ર 14 બૉલમાં 48 રન કર્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો કપ્તાન શ્રેયસ અય્યરે 36 બૉલમાં સૌથી વધુ 50 રન કર્યા હતા. અય્યરે આ મૅચમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો.
રનનો પીછો કરતા સમયે આરસીબીની શરૂઆત સારી નહોતી રહી અને 35 રનનો સ્કોર થાય ત્યાં સુધીમાં વિરાટ કોહલી અને ફાક ડુ પ્લેસિસ આઉટ થઈ ગયા હતા.
ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. વિરાટે 18 અને ડુ પ્લેસિસે માત્ર સાત રન કર્યા હતા.
ત્યાર બાદ વિલ જૅક્સ અને રજત પાટીદારે શતકીય ભાગીદારી કરીને આરસીબીને જીત તરફ ધકેલી હતી.
તેમની બંને વચ્ચે 102 રનની ભાગીદારી થઈ હતી. જૅક્સે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 32 બૉલમાં 55 રન કર્યા હતા.
તો પાટીદારે માત્ર 23 બૉલમાં 52 રન કર્યા હતા. તેમણે ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા માર્યા હતા.
એ પછી કોઈ બૅટ્મમૅન મોટો સ્કોર કરી શક્યો નહોતો, પણ મૅચ અંતિમ ઓવર સુધી પહોંચી હતી.
આ મૅચમાં અંતિમ ઓવરમાં આરસીબીને જીત માટે 21 રનની જરૂર હતી. મિચેલ સ્ટાર્કની એ ઓવરમાં કર્ણ શર્માએ ત્રણ સિક્સર મારી હતી.
એક સમયે એવું લાગતું હતું કે મૅચ આરસીબી જીતી શકે છે.
જોકે પાંચમા બૉલમાં કર્ણને મિચેલે કોટ ઍન્ડ બૉલ્ડ માર્યા હતા. હવે આરસીબીને જીત માટે એક બૉલમાં ત્રણ રન કરવાના હતા.
પણ લૉકી ફર્ગ્યુસન બીજો રન લેવા જતા રનઆઉટ થઈ ગયા હતા. જો તેઓ બીજો રન લઈ લેત તો મૅચમાં સુપર ઓવર આવી શકતી હતી.
વિરાટ કોહલીને ગુસ્સો કેમ આવ્યો?
આ મૅચમાં વિરાટ કોહલીના ગુસ્સે થયેલા અંદાજે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલીએ સાત બૉલમાં 18 રન કરી નાખ્યા હતા. એ પછી ત્રીજી ઓવરનો પહેલો બૉલ હર્ષિત રાણાએ કોહલીને કમર પર બૉલ નાખ્યો હતો.
એ બૉલને વિરાટ કોહલી ઑન સાઇડમાં મારવા માગતા હતા. જોકે તેઓ હર્ષિતને હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.
બૉલ કમર પર આવ્યો હોવાથી અને નો બૉલની શક્યતા હોવાથી વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો હતો. પણ ટીવી અમ્પાયરે હૉક આઈ સિસ્ટમનો સહારો લીધો હતો અને જોયું કે વિરાટ કોહલી ક્રીઝની બહાર નીકળી ગયા છે. આથી અમ્પાયરે તેમને આઉટ આપ્યા હતા.
મૅચમાં જોવા મળ્યું કે વિરાટ કોહલી એ સમયે ગુસ્સે થયા હતા અને ફિલ્ડ અમ્પાયર સાથે તકરાર થઈ હતી. તેઓ અમ્પાયર પાસે પહોંચી ગયા હતા અને કંઈક બોલતા નજરે પડ્યા હતા.
તો ડ્રેસિંગ રૂમમાં જતી વખતે તેમણે ગુસ્સામાં બેટ જમીન પર પછાડ્યું હતું.
મૅચનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર થઈ રહ્યો છે અને તેની પર ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર વિરાટ કોહલી ટ્રેન્ડ થવા લાગ્યા અને લોકોમાં ચર્ચા થવા લાગી, કેટલાક લોકોનું કહેવું હતું કે આ નો બૉલ હતો તો કેટલાક લોકોનો મત જુદો હતો. પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યા વગર ટ્વીટ કરી કહ્યું કે, "એ એક કાયદેસરનો બૉલ હતો."
અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે "મને આરસીબી માટે ખરાબ લાગી રહ્યું છે, 40 રન માટે લડ્યા અને એક રનથી હારી ગયા."