ઋષભ પંત અકસ્માત બાદ માત્ર 13 મહિનામાં કેવી રીતે મેદાનમાં પાછા ફર્યા?

    • લેેખક, વિમલ કુમાર
    • પદ, વરિષ્ટ પત્રકાર, બીબીસી હિન્દી માટે

જો રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને ગયા વર્ષના વર્લ્ડ કપ પછી કહેવામાં આવ્યું હોત કે તેમની જોડી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની જવાબદારી સંભાળશે અને વિકેટકીપર ઋષભ પંત તેમને મિડલ ઑર્ડરમાં સપોર્ટ કરશે, તો કદાચ તેમને એ વાત પર ભરોસા ના થયો હોત.

થોડી વાર માટે કૅપ્ટન-કોચ તરીકેની તેમને ભાગીદારીને વેસ્ટ ઇન્ડિઝ સુધી જતા જોવી તો શક્ય પણ હતી. પરંતુ તે સફરમાં પંતનો પણ સાથ મળશે તેવું વિચારી શકાય તેમ નહોતું.

આ કારણોસર જ પંતના ટીમ ઇન્ડિયાથી બહાર થયા પછી, ટીમે કે. એસ. ભરત, ઇશાન કિશન, કે. એલ. રાહુલ, સંજુ સૅમ્સન, જિતેશ શર્મા અને ધ્રુવ જુરેલ સહિત અડધો ડઝન વિકેટકીપર બૅટ્સમૅનોને અલગ-અલગ ફૉર્મૅટમાં અજમાવ્યા હતા.

પરંતુ, પ્રતિભા, પ્રદર્શન અને સાતત્યના માપદંડ પર કોઈ પંતની નજીક નથી આવી શક્યું.

પરંતુ જેવી જ બીસીસીઆઈએ જાહેરાત કરી કે પંત હવે માત્ર આઈપીએલ માટે જ ફિટ નથી પણ ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ થવા માટે પણ પ્રબળ દાવેદાર છે, રોહિત અને દ્રવિડે રાહતનો શ્વાસ લીધો હશે.

ઘરે પાછા ફરતી વખતે થઈ હતી દુર્ઘટના

30 ડિસેમ્બર, 2022ના રોજ, જ્યારે ઋષભ પંતનો દિલ્હીથી દેહરાદૂન જવાના રસ્તે અકસ્માત થયો હતો, ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઓછામાં ઓછા 2-3 વર્ષ સુધી તેમના માટે મેદાન પર પરત ફરવું મુશ્કેલ હશે.

ટીમ ઇન્ડિયા અથવા તેમની ફ્રેન્ચાઈઝી દિલ્હી કૅપિટલ્સ તો દૂરની વાત છે, પરંતુ પંતની ભવિષ્યમાં ક્લબ-સ્તરના ક્રિકેટમાં પાછા ફરવાની શક્યતા પણ ઓછી દેખાતી હતી.

કેટલાક નિરાશાવાદી ટીકાકારોને એવો પણ ડર હતો કે પંત કદાચ ફરીથી ક્રિકેટ રમી શકશે નહીં કારણ કે તેમના ઘૂંટણની ઈજા ખૂબ જ ગંભીર હતી.

પરંતુ આ ફિટનેસને લગતી સમસ્યા અથવા ક્રિકેટના મેદાન પર થતી ઈજા નહોતી, તેથી તેમના પુનરાગમન માટે યોગ્ય સમયરેખાનો અંદાજ લગાવી શકાય તેમ નહોતો.

આ સાથે પંતના સતત સંપર્કમાં રહેલી દિલ્હી કૅપિટલ્સને પણ થોડા મહિના પહેલાં સુધી વિશ્વાસ નહોતો કે પંત આઈપીએલ -2024માં ભાગ લઈ શકશે.

કદાચ, તેથી જ તેઓએ વિકેટકીપર અને બૅટ્સમૅનના વિકલ્પ તરીકે ડિસેમ્બર 2023ની મીની આઈપીએલની હરાજીમાં અભિષેક પોરેલ, કુમાર કુશાગ્ર, શે હોપ અને ટ્રિસ્ટન સ્ટબ્સને પણ પસંદ કર્યા હતા.

જોકે, પંત માટે મેદાન પર પાછા ફરવું અથવા અપેક્ષા કરતાં વહેલાં પરત ફરવું, એ કોઈ ચમત્કારથી ઓછું નથી, કારણ કે તેમની પ્રારંભિક ઈજાને ધ્યાનમાં લેતા, ડૉક્ટરોએ અનુમાન લગાવ્યું હતું કે તે ફરીથી ફિટ થવા 16 થી 18 મહિના લેશે.

પરંતુ ક્રિકેટના મેદાન પર જબરદસ્ત સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરતા પંતે માત્ર 13 મહિનામાં જ પરત ફર્યા છે અને રિટર્નનો સ્ટ્રાઇક રેટ પણ શાનદાર રાખ્યો છે.

લક્ષ્મણ સાથે વિતાવ્યો સૌથી વધારે સમય

પંત જયારે તેમની કારકિર્દીના આવા ખૂબ જ સંઘર્ષભર્યા તબક્કામાંથઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે, પંતને નેશનલ ક્રિકેટ ઍકેડમીના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ સાથે સમય પસાર કરવાની તક મળી.

હૈદરાબાદના આ અનુભવી ખેલાડી તેમની બેટિંગ માટે તેટલા જ જાણીતા છે, જેટલા તેમના નમ્ર વ્યક્તિત્વ માટે.

લક્ષ્મણ જે સરળતા સાથે વ્યવહાર કરે છે અને જુનિયર ખેલાડીઓનું માર્ગદર્શન કરે છે તે વિશે ભૂતકાળમાં ઘણા ખેલાડીઓએ વાત કરી છે.

લક્ષ્મણ સાથે વિતાવેલી એ યાદગાર ક્ષણોના કારણે કદાચ આજે પંતને એ વાતનો અહેસાસ થયો છે કે જીવનમાં ક્રિકેટ કરતાં પણ વધુ મહત્ત્વની ઘણી બાબતો છે.

26 વર્ષની ઉંમરે જ, પંતનાં જીવન તરફના દૃષ્ટિકોણમાં એવી ફિલસૂફીને પ્રતિબિંબિત થાય છે જે ખાસ કરીને 36 વર્ષીય ખેલાડીઓ તેમની કારકિર્દીના છેલ્લા તબક્કામાં ઘણીવાર મેળવે છે.

જે પંતને મેદાન પર રમતા જોઈને લાખો લોકો તેમનો ઉત્સાહ વધારતા હતા, તે જ પંતને જયારે ઍરપૉર્ટ પર થોડાક જ લોકોએ પ્રેમથી હાલચાલ પૂછ્યા ત્યારે તેમને લોકોના પ્રેમની અનુભૂતિ થઈ.

પંતે મેદાનમાં પરત ફરવા શું કર્યું?

પંત, તેમના અંગત જીવનમાં પરિવાર ઉપરાંત, તેમના વ્યાવસાયિક જીવનમાં તેમના કોચ તારિક સિંહાથી ખૂબ પ્રભાવિત હતા અને તેમની સાથે તેમનો સંબંધ પણ ખાસ રહ્યો છે.

પરંતુ, કોવિડ દરમિયાન સિંહાનું અવસાન થયું અને ત્યારબાદ પંતના સહાયક કોચ દેવેન્દ્ર શર્મા સાથેના સંબંધો પણ એટલા જ લાગણીશીલ હતા.

પડદા પાછળના પરિવારના સભ્યો ઉપરાંત, પંતની આવી મજબૂત સપોર્ટ સિસ્ટમે પણ માનસિક મનોબળ જાળવવામાં તેમની ઘણી મદદ કરી છે.

જોવા જઈએ તો, પંતની રમતમાં તેમનું માનસિક મનોબળ જ છે જેના કારણે તેમણે માત્ર 33 ટેસ્ટની તેમની ટૂંકી કારકિર્દીમાં આશ્ચર્યજનક રીતે પાંચ સદી ફટકારી છે.

ઑસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ટેસ્ટ સદી ફટકારનાર પંત ઇતિહાસમાં એકમાત્ર વિકેટકીપર બૅટ્સમૅન છે.

હા, એટલું ચોક્કસ કહી શકાય કે આ જ સમયગાળા દરમિયાન 30 ઓડીઆઈ મૅચો અને 66 ટી-20 મૅચોમાં પંત ટેસ્ટ ક્રિકેટની એ બેફિકર અને હિંમતભરી શૈલીનું પુનરાવર્તન કરી શક્યા નથી.

પરંતુ, એવી અપેક્ષા રાખી શકાય છે કે પંત જેવા સમજદાર ક્રિકેટરે ક્રિકેટથી દૂર રહેવા દરમિયાન તેમની રમતનાં આ નબળાં પાસાં પર ચોક્કસપણે ધ્યાન આપ્યું હશે.

શક્ય છે કે પંત આઈપીએલ 2024માં કૅપ્ટન, વિકેટકીપર-બૅટ્સમૅનના ટ્રિપલ રોલમાં સફળ થાય અને જો તે સફળ થાય તો મેના છેલ્લા સપ્તાહમાં ટીમ ઇન્ડિયાની અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ફ્લાઈટમાં પણ એક સીટ તેમના નામે થઈ જશે.

જો કોઈએ ત્રણ મહિના પહેલા જ રોહિત-દ્રવિડ અથવા પંતને પણ આ વાત કહી હોત તો તેઓ વિશ્વાસ ન કરી શક્યા હોત.