You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોહિત, ગિલની સદી પછી પોતાની 100મી મૅચમાં અશ્વિને એવું શું કર્યું કે ભારતે પાંચમી ટેસ્ટમાં પણ વિજય મેળવ્યો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મૅચની શ્રેણીની અંતિમ મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવીને 4-1થી શ્રેણી જીતી લીધી છે.
પાંચમી ટેસ્ટ મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને એક ઇનિંગ અને 64 રનથી હરાવી દીધું છે.
ભારતે પહેલેથી જ આ શ્રેણી જીતી લીધી હોવાથી એક પ્રકારે આ ઔપચારિક મૅચ હતી પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં મજબૂત સ્થાન જાળવી રાખવા માટે આ જીત પણ મહત્ત્વની મનાય છે.
ભારત તરફથી કૅપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી હતી.
તો બીજી તરફ પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ મૅચ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને બોલિંગમાં તરખાટ મચાવતા બંને ઇનિંગમાં મળીને કુલ નવ વિકેટ ઝડપી હતી.
કારકિર્દીની પ્રથમ મૅચ રમી રહેલા દેવદત્ત પડ્ડીકલે પણ 65 રન ફટકારીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
અશ્વિનની જબરદસ્ત બોલિંગ
ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો ઇંગ્લૅન્ડનો નિર્ણય ખોટો પડ્યો હતો. ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો ઝેક ક્રૉલી અને ડકેટે સારી શરૂઆત અપાવી હતી.
પરંતુ ત્યારબાદ ઇંગ્લૅન્ડના કોઈ બૅટ્સમેનો પીચ પર ટકી શક્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંગ્લૅન્ડની બેટિંગ ભારતની સ્પિન બોલિંગ સામે ધરાશાયી થઈ ગઈ હતી અને તેની દસેય વિકેટ ભારતીય સ્પિનરોએ ઝડપી હતી.
પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે પાંચ, અશ્વિને ચાર અને જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
ઇંગ્લૅન્ડ તરફથી ઝેક ક્રૉલીએ સૌથી વધારે 79 રન બનાવ્યા હતા અને ઇંગ્લૅન્ડ 218 રને ઑલઆઉટ થઈ ગયું હતું.
રોહિત અને શુભમન ગિલની શાનદાર સદી
ભારતના ઓપનિંગ બેટ્સમેનો યશસ્વી જાયસ્વાલ અને રોહિત શર્માએ ભારતને ધુંઆધાર શરૂઆત અપાવી હતી.
ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારતાં અનુક્રમે 103 અને 110 રન નોંધાવ્યા હતા.
પછી પહેલી ટૅસ્ટ રમી રહેલા દેવદત્ત પડ્ડીકલ અને પહેલી ટેસ્ટ સિરીઝ રમી રહેલા સરફરાઝ ખાને પણ અડધી સદી નોંધાવી હતી.
પડ્ડીકલે 65 અને સરફરાઝે 56 રન નોંધાવ્યા હતા. ભારત પહેલી ઇનિંગમાં 477 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું અને ઇંગ્લૅન્ડ પર 259 રનની સરસાઈ મેળવી હતી.
બીજી ઇનિંગમાં પણ ઇંગ્લૅન્ડનો ધબડકો
આટલી વિશાળ સરસાઈ બાદ દબાણ હેઠળ મેદાન પર ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે માત્ર 36 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ફરીથી રવિચંદ્રન અશ્વિનની સ્પિન ગોલંદાજી સામે ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો સફળ થયા ન હતા અને અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.
ઇંગ્લૅન્ડ તરફથી રૂટે 84 રન અને બેયરસ્ટોએ 39 રન ફટકારીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ પીચ પર વધુ ટકી શક્યા ન હતા.
ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ માત્ર 195 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી અને તેઓ સરસાઈ પણ વટાવી શક્યા ન હતા.
આથી, ભારતનો એક ઇનિંગ અને 64 રને પ્રભાવશાળી વિજય થયો હતો.
અશ્વિન તેમની ડૅબ્યૂ મૅચ અને 100મી મૅચમાં પાંચ વિકેટ ઝડપનાર વિશ્વના પ્રથમ બોલર બન્યા છે. જોકે, કુલદીપ યાદવને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
જીત બાદ અશ્વિન અને કુલદીપે શું કહ્યું?
અશ્વિને 100મી ટેસ્ટમાં કરેલા શાનદાર પ્રદર્શન બાદ કહ્યું હતું કે, "હું ખૂબ ખુશ છું. 100મી ટેસ્ટ મૅચ પહેલાં મને ઘણી શુભેચ્છાઓ મળી હતી. સમગ્ર સીરિઝ દરમિયાન મેં વધુ-ઓછી ગતિ, મિશ્રણ અને ઍક્શનનો પ્રયોગ કર્યો હતો."
"ભારતમાં દરેક મેદાનમાં એક અલગ પ્રકારનો ચૅલેન્જ હોય છે. પણ જે રીતે દડો સ્પિન થતો હતો તેનાથી બોલિંગ કરવામાં મજા આવતી હતી."
અશ્વિને કુલદીપ યાદવના પણ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે, "કુલદીપના હાથમાંથી ફેંકાઈ રહેલા બોલ આશ્ચર્યજનક હતા. હું તેના માટે ખૂબ ખુશ છું."
કુલદીપ યાદવે કહ્યું હતું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલી મહેનત મને કામ આવી છે. રાંચી ટેસ્ટમાં કરેલી બોલિંગથી પણ મારો આત્મવિશ્વાસ વધ્યો હતો. મારી રીધમથી હું ખુશ છું. બેટિંગ કોચને પણ આનો શ્રેય જાય છે. તેમણે મારી ઘણી મદદ કરી છે. તેમણે મને માનસિક ધોરણે પણ ખૂબ મદદ કરી છે."
શ્રેણીમાં યુવા ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન
આ સિરીઝમાં ભારતે યશસ્વી જાયસ્વાલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને દેવદત્ત પડ્ડીકલ જેવા યુવા ખેલાડીઓને રમવાની તક આપી હતી.
મહદઅંશે આ તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું.
દેવદત્ત પડ્ડીકલે પોતાની પ્રથમ ટેસ્ટ મૅચમાં 65 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને બે અડધી સદી સાથે બે ટેસ્ટ મૅચમાં 144 રન બનાવ્યા હતા.
ધ્રુવ જુરેલે એક અડધી સદી સાથે બે ટેસ્ટ મૅચમાં 175 રન બનાવ્યા હતા.
યશસ્વી જાયસ્વાલે તો એક ભારતીય બૅટ્સમેન તરીકે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન નોંધાવવાનો વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
તેમણે આ શ્રેણીમાં 700થી વધુ રન નોંધાવીને વિરાટ કોહલીનો 655 રનનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. તેમને પ્લૅયર ઑફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.
આ જીત સાથે જ ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સ્થાન વધુ મજબૂત બન્યું છે અને 64.58 પૉઇન્ટ સાથે પહેલા સ્થાને છે. ન્યૂઝીલૅન્ડ 60 પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે.