You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાક્ષી મલિક : ‘હું ભારતીય કુસ્તીસંઘની અધ્યક્ષ બનવા માગીશ’
- લેેખક, સર્વપ્રિયા સાંગવાન
- પદ, બીબીસી સંવાદદાતા
“પહેલાં મને ડર હતો કે જો હું ભારતીય કુસ્તીસંઘની પ્રમુખ બનવાનું વિચારીશ તો લોકો આક્ષેપો કરશે. તેઓ કહેશે કે આ લોકો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે તેઓ તેમનું નિયંત્રણ ઇચ્છે છે, પણ હવે હું કહીશ કે હા, હું એ કેમ ન બની શકું! હું અનુભવી છું, મારી પાસે જ્ઞાન છે, હું શિક્ષિત છું. હું મારા રેસલિંગ ઍસોસિયેશનનું સંચાલન કેમ ન કરી શકું?"
ઑલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તેમને તક મળશે તો તેઓ ચોક્કસપણે કુસ્તી ઍસોસિયેશનની ધુરા સંભાળવા માંગશે.
જોકે, હાલમાં તેમણે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.
સાક્ષી મલિક તેમનાં સાથી કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા સાથે છેલ્લા એક વર્ષથી યૌન ઉત્પીડનના કેસમાં આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સામે લડી રહ્યાં છે.
તેમની માંગ એવી હતી કે બ્રિજભૂષણ શરણસિંહ અથવા તેમના સહયોગીઓને ભારતીય કુસ્તીસંઘથી દૂર રાખીને આ મામલાની તપાસ થવી જોઈએ.
પરંતુ ડિસેમ્બર 2023માં યોજાયેલી ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણસિંહના કૅમ્પમાંથી સંજયસિંહ નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી તરત જ સાક્ષીએ પ્રેસ કૉન્ફરન્સમાં હંમેશ માટે રેસલિંગ છોડી દેવાની જાહેરાત કરી હતી.
આ એક એવું પગલું હતું જે ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યું હતું. તેથી ઘણા લોકોને આશા હતી કે સાક્ષી કુસ્તીમાં પરત ફરશે, પરંતુ સાક્ષીએ પરત ફરવાની ના પાડી દીધી.
તેમણે કહ્યું, “હું એવા વાતાવરણમાં રમી શકતી નથી, જ્યાં આવા ગંભીર આરોપોનો સામનો કરનારા લોકો હજુ પણ હાજર હોય. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષથી અમે સંઘર્ષ કરી રહ્યાં છીએ અને અમે તાલીમ લઈ શક્યાં નથી. ત્યાં કોઈ આહાર નથી. માનસિક તણાવ રહે. ક્યારેક અહીં જવાનું, તો ક્યારેક ત્યાં પોતાના વિચારો વ્યક્ત કરવાના આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે આપેલું આશ્વાસન હજુ પૂરું નથી કર્યું
પરંતુ શું તેમણે પહેલેથી જ કુસ્તી છોડવાનો નિર્ણય લીધો હતો કે પછી એ પરિણામ આવ્યા બાદનો ભાવનાત્મક નિર્ણય હતો?
તેમણે કહ્યું કે સરકારે તેમને આશ્વાસન આપ્યું હતું કે બ્રિજભૂષણ શરણસિંહમાંથી કોઈ પણ સંઘના અધ્યક્ષ નહીં બને, પરંતુ જ્યારે નિર્ણય આવ્યો ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અને લાગ્યું કે આટલી લડાઈ કરવાનો કોઈ અર્થ નથી. એટલા માટે તેમણે વિચાર્યું કે આ સિસ્ટમમાં રહીને તે કુસ્તી નહીં કરી શકે.
જોકે, તેઓને હજુ પણ સરકાર પાસેથી આશા છે.
ઇન્ડિયન રેસલિંગ ઍસોસિયેશનની ચૂંટણીના પરિણામ બાદ બીજા દિવસે રમતગમત મંત્રાલયે ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું હતું.
પરંતુ 26 ફેબ્રુઆરીના રોજ સસ્પેન્ડેડ ભારતીય કુસ્તીસંઘે સિનિયર એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપ 2024 અને એશિયન ઑલિમ્પિક ગેમ્સ ક્વૉલિફાયર માટે ટ્રાયલ આયોજિત કરવા અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ દિલ્હી હાઈકોર્ટમાં તેની સામે અરજી દાખલ કરી હતી.
ગત ગુરુવારે, હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રાયલ ફક્ત ઍડહૉક સમિતિ દ્વારા હાથ ધરવામાં આવશે.
સંજયસિંહના વકીલે કોર્ટને કહ્યું કે તેઓ તેમનો પરિપત્ર પાછો ખેંચી રહ્યા છે.
સાક્ષી પ્રમુખ બનશે તો શું ફેરફારો કરશે?
આ લડાઈનાં અન્ય બે ચહેરા બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ 2024 પેરિસ ઑલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે. તો પછી સાક્ષીએ રેસલિંગને કેમ અલવિદા કહ્યું?
તેઓ કહે છે કે તે દરેકના સ્વભાવ પર નિર્ભર છે.
જો સાક્ષી ઇન્ડિયન રેસલિંગ ઍસોસિયેશનનાં પ્રમુખ બને તો તેઓ કયા ફેરફારો કરવા માંગશે?
આ સવાલ પર તેમણે કહ્યું કે, "અમારા સમયમાં અમને ડાયરેક્ટ સ્પૉન્સર પણ નહોતા મળતા. પહેલાં સંઘમાં જાઓ, તેઓ અડધા પૈસા લઈ લે અને પછી જો કંઈ બચે તો એ અમારા સુધી પહોંચશે. આવી રીતે બાળકોની પ્રગતિ કેવી રીતે થશે?"
"મેડલ જીત્યા પછી ખેલાડી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, પરંતુ ફંડ એવાં બાળકો સુધી પહોંચવું જોઈએ, જેઓ તેમનાં ગામડાંમાં અને તેમના અખાડામાં કુસ્તી કરે છે. તેથી હું તેના પર કામ કરીશ."
'મેં કુસ્તી માટે બલિદાન કર્યાં'
પરંતુ શું તેમનું કુસ્તીની રમતને અલવિદા કહેવું એ સિસ્ટમ સામે હારવાનું ઉદાહરણ હશે કે ઇતિહાસમાં આ વાતને તાકતની નિશાની તરીકે જોવામાં આવશે?
તેના જવાબમાં તેઓ કહે છે કે ભલે હજુ સુધી ન્યાય મળ્યો નથી, પરંતુ અમે ચોક્કસપણે એટલું બધું કર્યું છે કે બીજી વખત કોઈ રેસલિંગ ઍસોસિયેશનમાં શોષણ કરતા પહેલાં બે વાર વિચારશે.
“કોઈ ત્યાગ કરવા નથી માગતું, પણ મેં મારી કુસ્તી માટે આ બલિદાન આપ્યું છે.”
સાક્ષી મલિકે 2016 સમર ઑલિમ્પિકમાં 58 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તેઓ ભારતનાં પ્રથમ મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં.
2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યાર બાદ તેમણે 2015 એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સિવાય ભારત સરકારે પણ તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યાં છે.