You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય યુવક રશિયન આર્મીમાં કેવી રીતે જોડાયા અને જીવ ગુમાવ્યો, શું છે સમગ્ર મામલો?
હૈદરાબાદના મોહમ્મદ અસફાન નોકરીની શોધમાં હતા અને આ શોધ તેમને રશિયન આર્મીમાં લઈ ગઈ. તેમને નોકરી મળી પણ તે તેમના જીવનનો છેલ્લો મુકામ સાબિત થયો.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને રશિયામાં ભારતીય દૂતાવાસે અસફાનના મોતની પુષ્ટિ કરી છે.
રશિયામાં ભારતીય દૂતાવાસે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું, "અમને ભારતીય નાગરિક મોહમ્મદ અસફાનના દુઃખદ મૃત્યુ વિશે જાણ થઈ. અમે તેમના પરિવાર અને રશિયન પ્રશાસનના સંપર્કમાં છીએ. અમે તેમના પાર્થિવ દેહને ભારત મોકલવાના પ્રયાસો કરીશું." "
આ પહેલાં ઇઝરાયલમાં હિઝબુલ્લાહ હુમલામાં એક ભારતીયનું પણ મોત થયું હતું. આ જ હુમલામાં અન્ય બે ભારતીયો ઘાયલ થયા હતા. ત્રણેય કેરળના હોવાનું કહેવાય છે.
રશિયામાં એક ભારતીયના મોતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રશિયાની સેનામાં ઓછામાં ઓછા 20 ભારતીય નાગરિકો ફસાયા હોવાના અહેવાલ છે.
આ અહેવાલ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, રશિયન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને આ લોકોને પરત લાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
29 ફેબ્રુઆરીએ ભારતીય વિદેશ મંત્રાલયે સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું, "લગભગ 20 ભારતીયો ભારત પાછા ફરવા માટે મદદ માંગવા માટે મૉસ્કોમાં ભારતીય દૂતાવાસ પહોંચ્યા."
અસફાન કોણ છે?
મોહમ્મદ અસફાન હૈદરાબાદના હતા. અસફાનના પરિવારમાં તેમનાં પત્ની અસ્મા શિરીન અને એક નાનું બાળક છે. અસફાન 30 વર્ષના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીટીવી ચૅનલે અસફાનના પરિવાર સાથે વાત કરી છે. એનડીટીવીના અહેવાલમાં જણાવાયું છે કે, અસફાન હૈદરાબાદમાં કપડાંના શોરૂમમાં કામ કરતા હતા.
મોહમ્મદ અસફાનના ભાઈ મોહમ્મદ ઈમરાને ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું કે તેમનો ભાઈ બાબા વ્લૉગ નામના યુટ્યૂબરના વીડિયો જોઈને આ જાળમાં ફસાઈ ગયો.
ઇમરાન કહે છે કે બાબા વ્લૉગમાં યુટ્યૂબર દાવો કરતો હતો કે મૉસ્કોમાં રશિયન આર્મીમાં કામ કરવાની તકો છે અને તેમને એક વર્ષથી ઓછા સમયમાં રશિયન નાગરિકતા મળી જશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બાબા વ્લોગ્સ યુટ્યૂબ ચૅનલ પરથી આવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.
જેમાં રશિયામાં ડિલિવરી બોયની નોકરીઓ વિશે વાત કરવામાં આવી હતી. અન્ય એક વિડિયોમાં રશિયન આર્મીમાં સહાયકોની નોકરી વિશે વાત કરવામાં આવી હતી.
પીટર્સબર્ગના રસ્તાઓ પર ફરતા આ યુટ્યૂબર રશિયાના હવામાનના વખાણ કરે છે અને કહે છે કે, રશિયન આર્મીમાં 1 લાખ રૂપિયાના માસિક પગાર સાથે નોકરી છે. તેમનો દાવો છે કે, તેમને ત્રણ મહિનાની તાલીમ અને મફત રહેવા અને ભોજન આપવામાં આવશે.
મોહમ્મદ ઇમરાનના કહેવા પ્રમાણે, અસફાન આવા વીડિયોમાં કરવામાં આવેલા દાવામાં ફસાઈ ગયા.
અસફાનના ભાઈએ બીજું શું કહ્યું?
મોહમ્મદ ઇમરાને ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું કે, તે પોતાના ભાઈને શોધવા માટે આ અઠવાડિયે રશિયા જવાનું વિચારી રહ્યો હતો.
તેઓ કહે છે, "છોકરો ફસાઈ ગયો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તે રશિયા પહોંચ્યો હતો. તેમને રશિયનમાં સહી કરવાનો કરાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી ડિસેમ્બરમાં તેમને યુક્રેનની સરહદ પર લઈ જવામાં આવ્યો, ત્યારબાદ તેનો સંપર્ક થઈ શક્યો નહીં."
ઇમરાન કહે છે કે, "અસફાન સાથે કામ કરતા લોકોએ જાન્યુઆરીમાં ફોન કરીને જાણ કરી હતી કે તેમને પગમાં ગોળી વાગી છે."
અસફાન ઉપરાંત પંજાબ અને હરિયાણાના કેટલાક યુવાનો જેઓ રશિયા ગયા હતા તેમણે તેમના સંબંધીઓને એક વીડિયો મોકલી સરકાર પાસે મદદ માગી હતી. આ યુવાનોએ જણાવ્યું હતું કે, વિઝા વિના દેશમાં પ્રવેશવા બદલ તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેમને રશિયન સેનાને સોંપવામાં આવ્યા હતા.
ફોટો એજન્સી ગેટીના જણાવ્યા અનુસાર , ફેબ્રુઆરી 2024માં, અસફાનનો પરિવાર તેમના ફોટા સાથે મદદની વિનંતી કરી રહ્યો હતો. પરિવારે અસફાનને સમયસર રશિયામાંથી બહાર કાઢવાની માંગ કરી હતી.
ત્રણ લાખ નોકરી અપાવવાનો ખેલ શું છે?
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ , મોહમ્મદ ઇમરાને જણાવ્યું કે, એક એજન્ટની દુબઈમાં ઑફિસ હતી અને આ લોકોએ નોકરીના બદલામાં દરેક યુવક પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા.
અમે બાબા વ્લૉગ્સ યુટ્યૂબ ચૅનલ જોઈ, જેનો ઉલ્લેખ ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ અને મોહમ્મદ ઇમરાનનાં નિવેદનોમાં કરવામાં આવ્યો હતો.
આ ચૅનલોના લગભગ ત્રણ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. રશિયા સંબંધિત પ્રશ્નનો વીડિયો 26 સપ્ટેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
આ ચૅનલો પર અન્ય ઘણા દેશો વિશે માહિતી આપવામાં આવી છે અને ત્યાં નોકરીની તકો વિશે વાત કરવામાં આવી છે.
મોહમ્મદ અસફાનના મૃત્યુના સમાચાર પછી આ ચેનલ પર કોઈ અપડેટ નથી. ચેનલ પર અપલોડ થયેલો છેલ્લો વીડિયો જાન્યુઆરીનો છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, મોહમ્મદ ઇમરાને કહ્યું કે, રશિયા પહોંચ્યા પછી અસફાને એજન્ટોનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેમને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.
એજન્ટે અસફાનને કહ્યું કે, આ કામનો એક ભાગ છે. આ પછી આ યુવાનોને રશિયા-યુક્રેન યુદ્ધના મોરચે લઈ જવામાં આવ્યા હતા.
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર, મોહમ્મદ ઇમરાને કહ્યું કે, એજન્ટો દાવો કરી રહ્યા છે કે, અસફાન જીવિત છે અને ઍમ્બેસી કહી રહી છે કે અસફાન મરી ગયો છે.
ઓવૈસીના પક્ષે અપીલ કરી હતી
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે સોશિયલ મીડિયા પર મોહમ્મદ અસફાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "ઓવૈસીએ પહેલાં જ આ સંબંધમાં વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે ભારતીય યુવાનોને બળજબરીથી યુદ્ધમાં ધકેલી દેવામાં આવે છે. અમે અપીલ કરીએ છીએ કે વિદેશ મંત્રાલય મોહમ્મદ અસફાનના મૃતદેહને ભારત લાવવા માટે વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરે."
21 ફેબ્રુઆરીએ ઓવૈસીએ મીડિયાને કહ્યું હતું કે કેટલાક ભારતીયોના પરિવારો તેમને મળ્યા હતા અને તેમને તેમના પ્રિયજનોને બળજબરીથી રશિયા-યુક્રેન યુદ્ધમાં મોકલવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને રશિયા સરકાર સાથે વાત કરવા અને યુવાનોને દેશમાં પરત લાવવાની અપીલ કરી હતી.
ઓવૈસીએ દાવો કર્યો હતો કે, ભારતમાંથી લોકોને બે બેચમાં રશિયા મોકલવામાં આવ્યા છે.
રશિયા યુક્રેન યુદ્ધનાં બે વર્ષ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.
એવા ઘણા અહેવાલો હતા કે રશિયન સેના સૈનિકોની અછતથી પીડાય છે. તાજેતરમાં, એવા અહેવાલો આવ્યા હતા કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સૈનિકોની સાથે ભારતીય નાગરિકો પણ છે જે યુદ્ધના મેદાનમાં તેમની સાથે તહેનાત છે.
રશિયામાં ફસાયેલા લોકોના જણાવ્યા અનુસાર, એજન્ટોએ તેમને કહ્યું હતું કે તેમને સેનામાં નહીં પણ રશિયામાં મદદગાર અને સુરક્ષા સંબંધિત નોકરીઓ આપવામાં આવશે.
આ નેટવર્કમાં બે એજન્ટ રશિયામાં અને બે ભારતમાં હોવાનું કહેવાય છે.
ફૈઝલ ખાન નામનો અન્ય એક એજન્ટ દુબઈમાં હતો જે આ ચાર એજન્ટોના સંયોજક તરીકે કામ કરતો હતો.
ફૈઝલ ખાન યુટ્યૂબ ચેનલ 'બાબા વ્લૉગ્સ' ચલાવે છે.
આ એજન્ટોએ કુલ 35 લોકોને રશિયા મોકલવાની યોજના બનાવી હતી. પ્રથમ બૅચમાં, 9 નવેમ્બર 2023ના રોજ ત્રણ લોકોને ચેન્નાઈથી શારજાહ મોકલવામાં આવ્યા હતા.
શારજાહથી તેમને 12 નવેમ્બરે રશિયાની રાજધાની મૉસ્કો લઈ જવામાં આવ્યા હતા. 16 નવેમ્બરના રોજ ફૈઝલ ખાનની ટીમે છ ભારતીયો અને પછી સાત ભારતીયોને રશિયા લઈ ગયા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓએ સૈનિક તરીકે નહીં પણ મદદગાર તરીકે કામ કરવું પડશે.
'બાબા વ્લોગ્સ' એ તેની સ્પષ્ટતામાં શું કહ્યું?
આ ભારતીયોના પરિવારજનોએ જણાવ્યું કે તેમને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી, ત્યારબાદ 24 ડિસેમ્બર 2023ના રોજ તેમને સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.
ફૈઝલ ખાને બીબીસી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "જે નોકરીઓની વાત કરવામાં આવી હતી તે સેનામાં હેલ્પરની પોસ્ટ માટે હતી સામાન્ય નોકરીની નહીં."
તેમણે કહ્યું, "મેં નોકરી શોધી રહેલા ઉમેદવારોને કહ્યું હતું કે, આ આર્મી હેલ્પરની નોકરી છે. તમે મારી યુટ્યૂબ ચૅનલ પર અગાઉ પોસ્ટ કરાયેલો વીડિયો જોઈ શકો છો. અમે રશિયન સત્તાવાળાઓને પણ જાણ કરી હતી કે આ આર્મી હેલ્પરની નોકરી હતી. નોકરી. હું લગભગ સાત વર્ષથી આ ક્ષેત્રમાં છું. અત્યાર સુધીમાં મેં લગભગ બે હજાર લોકોને અલગ-અલગ જગ્યાએ રોજગારી આપી છે."
બીબીસીએ કેટલાક લોકોનાં નામ શોધી કાઢ્યાં છે જેઓ નોકરી માટે રશિયા ગયા છે.
જેમાં હૈદરાબાદના મોહમ્મદ અસફાન, તેલંગાણાના નારાયણપેટના સુફિયાન, ઉત્તર પ્રદેશના અરબાન અહેમદ, કાશ્મીરના ઝહૂર અહેમદ, ગુજરાતના હેમિલ અને કર્ણાટકના ગુલબર્ગાના સૈયદ હુસૈન, સમીર અહેમદ અને અબ્દુલ નઈમનો સમાવેશ થાય છે.