રશિયાનું ઑઇલ રસ્તો બદલીને ભારત થઈને પાકિસ્તાન પહોંચી રહ્યું છે?

એક લાખ મૅટ્રિક ટન ઑઇલ (ક્રૂડ ઑઇલ)ની ખરીદીની ડીલ બાદ પાકિસ્તાનને રશિયાથી ઑઇલ મળવાનું શરૂ થઈ ગયું છે.

રશિયા અને પાકિસ્તાન બંનેએ આની પુષ્ટિ કરી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમને આ ઑઇલ સસ્તા દરે એટલે કે સસ્તા ભાવે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે. જોકે રશિયાનું કહેવું છે કે પાકિસ્તાનને કોઈ વિશેષ છૂટ (ડિસ્કાઉન્ટ) નથી આપવામાં આવી.

પાકિસ્તાને આ ઑઇલ માટે ચીનની મુદ્રા યુઆનમાં ચુકવણી કરી છે.

ગત મહિને પાકિસ્તાનના ઊર્જામંત્રી ખુરમ દસ્તગીર ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનને રશિયા તરફથી રસ્તા દરે ઑઇલ મળી રહ્યું છે.

જ્યારે રશિયાનું ઑઇલ પાકિસ્તાન પહોંચ્યું હતું ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એ દિવસને બદલાવનો દિવસ ગણાવ્યો હતો.

શહબાઝ શરીફે કહ્યું હતું, “મેં દેશને કરેલો એક વધુ વાયદો પૂરો કર્યો છે. ડિસ્કાઉન્ટ પર મળેલું ક્રૂડ ઑઇલ કરાચી પહોંચી ગયું છે. આજનો દિવસ બદલાવનો દિવસ છે. આપણે સમૃદ્ધિ, આર્થિક પ્રગતિ અને ઊર્જા સુરક્ષાની તરફે વધુ એક પગલું આગળ વધી રહ્યાં છે.”

કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે કે, પાકિસ્તાનને જે ક્રૂડ ઑઇલ મળ્યું છે, જે રશિયાથી આવેલું છે, તેને ભારતમાં રિફાઇન કરવામાં આવ્યું છે અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના માર્ગે પાકિસ્તાન પહોંચાડવામાં આવ્યું છે.

પહેલું જહાજ ક્યારે આવ્યું?

પાકિસ્તાનમાં એક રશિયન કાર્ગો જહાજ મારફતે 11 જૂનના રોજ ઑઇલ આવ્યું હતું. યુક્રેન પર રશિયાના હુમલા બાદ પાકિસ્તાન કોશિશ કરી રહ્યું હતું કે તેમને પણ સસ્તા દરે રશિયાનું ઑઇલ મળે.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન રશિયાનું ઑઇલ લાવવાના મામલામાં ભારતનું ઉદાહરણ આપતા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલુ ભારે યુદ્ધ વચ્ચે ભારતની રશિયાથી ઑઇલની આયાત ખૂબ જ વધી છે.

પાકિસ્તાને આ વર્ષે એપ્રિલમાં રશિયાથી એક લાખ મૅટ્રિક ટન ઑઇલ માટે ડીલ કરી હતી. આ સમજૂતી પછી ઑઇલની પહેલી આયાત 11 જૂને પહોંચી હતી.

રશિયાથી પાકિસ્તાન ઑઇલ આવવાની બાબતને ઘણા દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. કહેવાય છે કે યુક્રેનમાં ચાલતા યુદ્ધ બાદ રશિયા અને ભારતના સંબંધોમાં ઘણા પડકારો આવ્યા છે અને આ વચ્ચે રશિયાનો પાકિસ્તાન માટેનો સહયોગ વધ્યો છે.

આ સાથે જ એને એ રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે કે ગ્લોબલ સાઉથના દેશ પશ્ચિમ અને રશિયા સાથે સંબંધોમાં સંતુલન બનાવીને ચાલવાની કોશિશ કરી રહ્યા છે.

રશિયા અને પાકિસ્તાન વચ્ચે સંબંધ શીતયુદ્ધથી જ સારા નથી રહી રહ્યા. શીતયુદ્ધમાં પાકિસ્તાન અમેરિકી જૂથમાં સામેલ હતું.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જ્યારે યુક્રેન પર હુમલાની જાહેરાત કરી ત્યારે નક્કી ત્યારે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાન મૉસ્કો પહોંચ્યા હતા.

પાકિસ્તાનની વર્તમાન સરકાર પણ રશિયા સાથે ઊર્જા સમજૂતી કરવાની કોશિશ કરતી રહી.

પાકિસ્તાનના પેટ્રૉલિયમમંત્રીએ કહ્યું કે તેમનો દેશ પોતાની જરૂરિયાતનું એક તૃતીયાંશ ઑઇલ રશિયા પાસેથી લેવા માગે છે. પાકિસ્તાન અત્યાર સુધી સાઉદી અરબ અને યુએઈથી ઑઇલ આયાત કરતું રહ્યું છે.

ગત સપ્તાહે સોમવારે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોફે પાકિસ્તાન સાથે દ્વપક્ષિય સંબંધના 75 વર્ષ પૂરા થવા પર ઉર્દૂમાં કહ્યું હતું – દોસ્તી જિંદાબાદ.

યુક્રેન જંગ શરૂ થયા બાદ રશિયાનો સંબંધ ચીન સાથે પણ ગાઢ થયો છે. રશિયા અને ચીન વચ્ચે રક્ષા સહયોગ પણ વધી રહ્યો છે. કહેવાય છે કે રશિયાની ચીન પર વધતી નિર્ભરતાની અસર ભારત અને રશિયાના સંબંધો પર પણ પડી રહી છે.

પાકિસ્તાનના પડકારો

પાકિસ્તાન સાથે વધતા રશિયાનો સહયોગ પણ આ દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. જોકે પાકિસ્તાન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમય સુધી રશિયા પાસેથી ઑઇલ નહીં ખરીદી શકે કેમ કે તેમની પાસે રિફાઇન કરવાની વ્યવસ્થા નથી. પાકિસ્તાન ખુદ આર્થિક સંકટમાં ફસાયેલું છે.

રશિયાને લઈને પાકિસ્તાન એટલી હદ સુધી નથી જવા માગતું કે તે અમેરિકાને નારાજ કરી શકે. વૈશ્વિક નાણાકીય સંસ્થાનો પર અમેરિકાનો દબદબો છે અને પાકિસ્તાનને કરજ લેવા માટે અમેરિકાની મદદની જરૂર છે.

પાકિસ્તાન જી-7ના પ્રાઇસ કૅપ વિરુદ્ધ જઈને રશિયા ઑઇલ ખરીદવાનો નિર્ણય કદાચ કરી શકે છે. પાકિસ્તાન ખુદને યુક્રેન-રશિયા જંગમાં તટસ્થ દર્શાવવાની કોશિશ કરી રહ્યું છે

‘રશિયાએ કહ્યું કોઈ ડિસ્કાઉન્ટ નહીં’

પાકિસ્તાની મીડિયામાં રશિયાના ઊર્જામંત્રી નિકોલય શુલગિનોવનું નિવેદન સમાચારમાં છવાયેલું છે.

પાકિસ્તાનના ચર્ચિત અંગ્રેજી અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂને લખ્યું કે પાકિસ્તાને રશિયાને તેલના બદલામાં યુઆનમાં ચુકવણી કરી છે.

રશિયાના ઊર્જામંત્રી નિકોલે શુલગિનોવે પુષ્ટિ કરી છે કે એક મિત્ર દેશની મુદ્રામાં ચુકવણી મળ્યા બાદ પાકિસ્તાન માટે ઑઇલની નિકાસ શરૂ કરી દેવાઈ છે.

રશિયા અને અમેરિકી મીડિયાના રિપોર્ટ અનુસાર રશિયાના ઊર્જામંત્રીએ આ વાત પર ભાર મૂક્યો છે કે પાકિસ્તાનને ઑઇલ ખરીદી પર કોઈ વિશેષ છૂટ નથી આપવામાં આવી.

ગત સપ્તાહે સૅન્ટ પિટઝરબ્ગમાં ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ફોરમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા શુલગિનોવે કહ્યું હતું કે રશિયા પાકિસ્તાનને વધુ પ્રમાણમાં ઑઇલ મોકલવા પર ભાર મૂકશે. તેમણે રશિયાના ઑઇલ નિકાસ પર લાગેલા પ્રતિબંધોને નજરઅંદાજ કરવાની કોશિશ પણ કરી.

શુલગિનોવે રશિયાના જૂના સહયોગી અને પાકિસ્તાનના હરીફ ભારતના પ્રભાવને ઓછો દર્શાવતા કહ્યું કે ‘અમે માનીએ છીએ કે પાકિસ્તાન પણ એટલું જ મહત્ત્વનું સહયોગી છે, જેટલું ભારત.’

રશિયાના ઊર્જામંત્રીએ કહ્યું, “પાકિસ્તાન માટે ઑઇલની નિકાસ શરૂ થઈ ગઈ છે પરંતુ પાકિસ્તાન માટે કોઈ ખાસ છૂટ નથી. પાકિસ્તાનને એ જ ભાવમાં ઑઇલ વેચવામાં આવી રહ્યું છે, જે અન્ય ખરીદદારોને વેચાઈ રહ્યું છે. હાલમાં જ એક જહાજ ગયું અને નિકટ ભવિષ્યમાં એની ડિલિવરી પણ આપવામાં આવશે.”

ગત મહિને શુલગિનોવે કહ્યું હતું કે રશિયા પોતાની ઑઇલની નિકાસને સીમિત કરવા પર વિચાર કરી રહ્યું છે અને જો જરૂર પડી તો એ પ્રસ્તાવ લાવવામાં આવી શકાય છે. જોકે રશિયાના ટીવી ચેનલ રશા-24 ટીવી સાથેની વાતચીતમાં તેમણે ઑઇલ નિકાસ પર પ્રતિબંધ લગાવવાની સંભાવનાને પણ નજર અંદાજ કરી.

શુલગિનોવે કહ્યું, “જથ્થાબંધ બજારમાં વધી રહેલા ભાવોના સંબંધમાં અમે નિકાસને સીમિત કરવા પર ચર્ચા કરી છે. જથ્થાબંધ રિટેલ બજાર પર પણ ચર્ચા શરૂ છે. જોકે અમારું બજાર ઉત્પાદન પર પણ નિર્ભર છે.”

ભારતમાં રિફાઇન ઑઇલ યુએઈના રસ્તે પહોંચ્યું પાકિસ્તાન?

ભારતીય મીડિયાના રિપોર્ટ અનુસાર જે ઑઇલ પાકિસ્તાન પહોચી ગયું છે, તેને ભારતના ગુજરાતમાં સ્થિત રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવ્યું છે.

અંગ્રેજી અખબાર ધ ટ્રિબ્યૂન અનુસાર ગત રવિવારે રશિયાનું જે ઑઇલ કરાચી પહોંચ્યું હતું, તેને ગુજરાતમાં ભારતીય રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાન ભારત સંબંધિત સંવેદનશીલતાને જોતા તેને યુએઈ માર્ગે પાકિસ્તાન પહોંચાડવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય વ્યાપર બંધ છે.

માનવામાં આવી રહ્યું છે કે ઑઇલને યુએઈના રસ્તે મોકલીને રશિયા એ સુનિશ્ચિત કરવા ઇચ્છતું હતું કે ભારત પાકિસ્તાન સાથે ઑઇલ સમજૂતીને લઈને નારાજ ન થાય.

શિપિંગ રોકાણકાર અને વિશ્લેષક એડ ફિનલે રિચર્ડસને ટ્વિટર પર પાકિસ્તાન મોકલવામાં આવેલા રશિયાના ઑઇલનો રૂટ મૅપ પણ શૅર કર્યો અને લખ્યું – પાકિસ્તાનને રશિયાનું ઑઇલ કઈ રીતે મોકલવામાં આવે – પહેલા રશિયાનું તેલ ભારત આવ્યું, પછી ભારતથી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યું અને પછી ત્યાંથી પાકિસ્તાન.

પાકિસ્તાન સીધું જ ભારતથી મોકલવામાં આવેલું કાર્ગો સ્વીકાર નથી કરતું એટલે રશિયાના આ ઑઇલને યુએઈના રસ્તે મોકલાવમાં આવ્યું છે.

જે જહાજથી આ ઑઇલ પાકિસ્તાન પહોંચ્યું, તે યુએઈમાં નોંધાયેલી એક કંપની છે.

આ રૂટ પર સલાવ ઉઠાવતા રિચર્ડસને લખ્યું, “શું તમને આ રૂટ યોગ્ય લાગે છે? શું તમને લાગે છે કે આ રૂટને લઈને રશિયા ખુશ થશે? શું આનાથી ઑઇલના ભાવો પર દબાણ વધશે કે ઘટશે?”

આ વિશે વધુ જાણકારી આપતા રિચર્ડસને લખ્યું, “એ ક્યાસ લગાવાઈ રહ્યા છે કે રશિયા આ ઑઇલ પહેલા રશિયાથી ઈરાન આવ્યું, પછી ઓમાન ગયું અને પછી ઓમાનથી ભારત, જ્યાં આ રિફાઇન થયું અને ત્યાર બાદ એ સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યું અને પછી પાકિસ્તાન.”

પાકિસ્તાને રશિયાથી એક લાખ ટન ઑઇલ ખરીદવા ડીલ કરી છે. 45 હજાર ટન પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે જ્યારે 55 હજાર ટન હજુ પણ રસ્તામાં છે.

ઊઠતા સવાલ

પાકિસ્તાની પત્રકાર વકાસે સવાલ ઉઠાવતા કહ્યું કે આ ઑઇલ ડીલમાં ભારત અને યુએઈના વચેટિયાઓએ ફાયદો ઉઠાવ્યો છે.

વકાસ લખે છે,”રશિયાએ ભારતને 52 ડૉલર પ્રતિ બૅરલ પર ઑઇલ વેચ્યું, પછી ભારત અને યુએઈ વચ્ચે એક જ પક્ષે આ ઑઇલને એક કિંમત પર ખરીદ્યું અને વેચ્યું અને પછી તેને પાકિસ્તાનને ઓછામાં ઓછા 69 ડૉલર પ્રતિ બૅરલ પર વેચ્યું. એમાં ભારતીય ખરીદદારે એક બૅરલ પર ઓછામાં ઓછા 17 ડૉલર બનાવ્યા.”

વકાસ લખે છે, “પાકિસ્તાનને આ સોદામાં માત્ર લૉલિપોપ મળી. આ ચૂંટણી પહેલાં તેલના ભાવો ઓછા કરવાનું બહાનું હોઈ શકે છે.”

જ્યારે પાકિસ્તાનના લોકો આ ડીલમાં થયેલા વિલંબ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સાથે જોડાયેલા હમાદ ચૌધરી લખે છે કે, જો પાકિસ્તાને ગત વર્ષે એપ્રિલમાં રશિયા પાસેથી ઑઇલ ખરીદ્યું હોત તો ત્યારે પાકિસ્તાનને ફાયદો થયો હોત, કેમ કે એ સમયે ડિસ્કાઉન્ટ ઘણું વધુ હતું અને પાકિસ્તાનને એનાથી વિદેશી મુદ્રા બચાવવમાં પણ મદદ મળી હોત.

પાકિસ્તાનની તત્કાલીન ઇમરાન ખાન સરકારે રશિયાથી ઑઇલ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.

રશિયા અને પાકિસ્તાન બંનેનો ફાયદો?

આ ઑઇલ ડીલથી રશિયા અને પાકિસ્તાન બંનેને ફાયદો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રશિયાની ઑઇલ નિકાસ પર અમેરિકા અને પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે. એવામાં રશિયા પોતાના ઑઇલ માટે નવું બજાર શોધવા કોશિશ કરી રહ્યું છે.

પાકિસ્તાન રશિયાના ઑઇલ માટેનું મોટું બજાર પુરવાર થઈ શકે છે.

વળી બીજી તરફ પાકિસ્તાન આર્થિક સંકટનો સમાનો કરી રહ્યું છે. રશિયાનું ઑઇલ પાકિસ્તાન માટે પણ નવી તક હોઈ શકે છે.

પાકિસ્તાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે અને તેની વિદેશી મુદ્રાનો ભંડારનો સૌથી મોટો ભાગ ઑઇલ ખરીદવા પર ખર્ચ થાય છે.

પાકિસ્તાનને આશા છે કે રશિયાનું ઑઇલ ખરીદવાથી તેની બચત થશે અને તેને રાહત પણ મળશે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી 6.5 અરબ ડૉલરનો બેલઆઉટ પૅકેજ પણ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યું છે.