You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમીનમાં 11 કિમીનો ખાડો, ચીન કેમ આટલે ઊંડે સુધી ખોદી રહ્યું છે? ત્યાંથી શું મળશે?
- લેેખક, અતાહુઆલ્પા અમેરાઇસૉ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ચીને ધરતીની સપાટી પર 11,100 મીટર ઊંડો ખાડો ખોદવાની શરૂઆત કરી છે.
ગત અઠવાડિયે આ કામ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા રેતીના રણ તક્લામકાન ખાતે શરૂ કરાયું હતું. જે ક્શિનજિયાંગ વીગર સ્વાયત્ત વિસ્તારમાં આવેલું છે.
સરકારી ન્યૂઝ એજન્સી ક્શિનહુઆના રિપોર્ટ અનુસાર આ ખાડો દસ કરતાં વધુ ખંડીય સ્તરોમાંથી પસાર થશે, અને ગ્રહના ક્રેટાસિયસ પિરિયડ એટલે કે 145થી 66 મિલયન વર્ષ પૂર્વેના સ્તર સુધી પહોંચશે.
આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં અંદાજે 457 દિવસનો સમય લાગશે જે દરમિયાન ઑપરેટરો બે હજાર ટનનાં સાધનો અને મશીનરી હૅન્ડલ કરશે.
એક મહત્ત્વાકાંક્ષી પહેલ
આ ચીનનો સૌથી મોટો ખનન પ્રોજેક્ટ છે. જે દસ હજાર મીટરની ઊંડાઈ સુધી પહોંચવાનો છે.
જોકે, ચીનનો આ ખાડો ધરતીના પેટાળમાં પડાયેલ સૌથી ઊંડું છિદ્ર નહીં હોય.
આ રેકૉર્ડ રશિયાના કોલા સુપર ડીપ ડ્રિલના નામે છે. વર્ષ 1989માં આ ખાડાનું કામ પૂરું થયું હતું. આ કામમાં બે દાયકાનો સમય લાગ્યો હતો અને તેની ઊંડાઈ 12,262 મીટર હતી.
વિશ્વમાં પોતાની ટેકનૉલૉજી અને વૈજ્ઞાનિક શક્તિ તરીકેની છબિ વધુ મજબૂત બનાવવા માટે દેશે આ પહેલ આદરી હોવાનું કહેવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે જે દિવસે આ કામની શરૂઆત થઈ બરાબર એ જ દિવસે બેઇજિંગ પોતાના ઑર્બિટલ સ્પેસ સ્ટેશન ખાતે પોતાના ત્રણ અવકાશયાત્રીઓને પણ મોકલ્યા હતા, જેનો હેતુ વર્ષ 2030 સુધી ચંદ્ર પર માણસને મોકલવાનો છે.
પરંતુ ધરતીના પેટાળમાં માઉન્ટ ઍવરેસ્ટ કરતાં પણ ઊંડો ખાડો શા માટે ખોદવો?
બે હેતુ
આ પ્રોજેક્ટની આગેવાની કરનાર સરકારી પેટ્રોકેમિકલ કૉર્પોરેશન સિનોપૅકે પોતાની ‘જિયોલૉજિકલ શોધો માટે ઊંડાઈની મર્યાદાનો વ્યાપ વધારવાની’ જાહેરાત કરી છે.
બે વર્ષ પહેલાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના વૈજ્ઞાનિકોને ધરતીના પેટાળમાં વધુ ઊંડે શોધો કરવા માટે આહ્વાન કર્યું હતું, જે બાદ હવે આ કામની શરૂઆત થઈ છે.
ચીનની સૌથી મોટી ઑઇલ ઍન્ડ ગૅસ કંપની ચાઇના નેશનલ પેટ્રોલિયમ કૉર્પોરેશનના (સીએનપીસી) પ્રતિનિધિએ કહ્યું કે, "આ ખાડો ખોદવાના બે હેતુ છે : એક વૈજ્ઞાનિક સંશોધન અને બીજો ઑઇલ અને ગૅસની શોધ."
એક વીડિયોમાં અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો છે કે આ પ્રોજેક્ટના કારણે પેટ્રોચાઇના (સીએનપીસી દ્વારા નિયંત્રિત બિઝનેસ જાયન્ટ જે હૉંગકૉંગ સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટેડ છે.)ને ખૂબ ઊંડાણમાં ખનન અને નવી મશીનરીના ઉત્પાદન બાબતે વધુ તાકત મળશે.
બીબીસી મુંડો સાથે વાત કરતાં કૅથલિક યુનિવર્સિટી ઑફ ટેમુકોના સિવિલ વર્ક્સ ઍન્ડ જિયૉલૉજીના ડિરેક્ટર ક્રિશ્ચિયન ફેરિઆસે જણાવ્યું હતું કે, "સપાટીની સૌથી નિકટના દસ કિલોમીટરના વિસ્તારના અભ્યાસ માટે આપણે સિસ્મિક ટોમોગ્રાફી અને અન્ય પ્રકારની ટેકનૉલૉજીનો ઉપયોગ કરીએ છીએ."
"આ પ્રકારના પ્રોજેક્ટો ખૂબ જ ઉપયોગી થઈ પડે છે કારણ કે આનાથી તપાસ માટે ભૌતિક પુરાવા મળે છે."
વધુમાં તેઓ કહે છે કે, "ચીનનો પ્રજોકેટ આપણને ટેકનૉલૉજીના ક્ષેત્રે થયેલા નવા સુધારાના પરીક્ષણ માટેની તક આપે છે. આનાથી શોધોનો નવો તબક્કો શરૂ થઈ શકે છે."
ગૅસ અને ઑઇલ
સીએનપીસીએ એ વાતનો સંકેત આપ્યો હતો કે તે દેશના ઉત્તરપૂર્વમાં પણ અલ્ટ્રા-ડીપ ઑઇલ ઍન્ડ ગૅસ ક્ષેત્ર શોધવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. પાંચ હજાર મીટર કરતાં વધુ ઊંડાઈએ આવેલ હાઇડ્રોકાર્બન ડિપૉઝિટ સામાન્યપણે જળ વિસ્તારોમાં આવેલ હોય છે. જેમ કે સમુદ્ર. આવી જગ્યાએ પથ્થરના સ્તર જાડા હોય છે. જોકે, આ સિવાય બૅઝિન ક્ષેત્રોમાં પણ આ પ્રકારના ભંડાર મળી આવે છે.
હાલનો કિસ્સો તરિમ બેઝિનનો છે, જે તક્લામકાન રણમાં આવેલ છે. આ ક્ષેત્રમાં ઑઇલ અને ગૅસના મોટા ભંડાર હોઈ શકે છે.
જોકે, નિષ્ણાતો અનુસાર આ પ્રકારની પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં થવાથી ઘણી ટેકનિકલ અને ટેકનૉલૉજિકલ મર્યાદાઓ સામે આવી શકે છે. જેમાં વધુ દબાણ અને તીવ્ર તાપમાનની પરિસ્થિતિ સામેલ છે.
પ્રોફેસર ફેરિઆસે કહ્યું કે, “આ સિવાય આ ખાડો જળવાઈ રહેશે કે કેમ એ પણ પડકારજનક બાબત છે.”
રશિયા ધરતીના પેટાળમાં 12 કિલોમીટર ઊંડો ખાડો ખોદી ચૂક્યું હોવા છતાં નિષ્ણાતોના મતે હાલ પણ આ કામ પડકારભર્યું છે.
ચાઇનીઝ ઍકેડમી ઑફ એન્જિનિયરિંગના વૈજ્ઞાનિક સુન જિનશેંગે ક્શિનહુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “આ પ્રકારનું કામ પાર પાડવું એ એક મસમોટી ટ્રકને બે સ્ટીલના કેબલ પર ચલાવવા જેટલું કપરું છે.”
વધુમાં તક્લામાન રણ એ કામ કરવાની દૃષ્ટિએ ખૂબ જ કપરી જગ્યા મનાય છે. અહીં શિયાળામાં તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ અને ગરમીમાં 40 ડિગ્રી સેલ્સિયસ હોય છે.