You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત યુરોપને સસ્તું રશિયન તેલ વેચી રહ્યું છે, તેનો લાભ કોને થઈ રહ્યો છે?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
યુક્રેન પર હુમલાની સજા આપવા માટે યુરોપિયન યુનિયન (ઈયુ)એ પાછલા વર્ષે ડિસેમ્બર માસથી રશિયન ક્રૂડઑઇલ પર લગભગ પ્રતિબંધ લાદી દીધો હતો.
બે મહિના બાદ રશિયાની રિફાઇન્ડ ઑઇલ પેદાશો પર પણ પ્રતિબંધ લાદી દેવાયા. પ્રતિબંધ અગાઉ યુરોપની જરૂરિયાતમાંથી 30 ટકા ઑઇલ રશિયાથી ખરીદાતું હતું.
એવું મનાઈ રહ્યું હતું કે રશિયન ઑઇલની આયાત પર પ્રતિબંધને કારણે યુરોપિયન યુનિયન સહિત સમગ્ર યુરોપમાં પુરવઠો ખૂટી શકે છે.
યુરોપ માટે આ ચિંતા જન્માવનારી બાબત હતી કારણ કે પ્રદેશ પહેલાંથી જ ઊંચા મોંઘવારી દરો સામે ઝઝૂમી રહ્યો હતો.
પરંતુ પ્રતિબંધો છતાં યુરોપમાં રશિયન ઑઇલ સપ્લાય થઈ રહ્યું છે.
યુરોપિયન બજારમાં રશિયન ઑઇલ હવે ભારત મારફતે પહોંચી રહ્યું છે.
રશિયાનું ક્રૂડઑઇલ સીધું યુરોપ સુધી ન પહોંચવાના કારણે ત્યાંની ઑઇલ રિફાઇનિંગ કંપનીઓ સામે ઉત્પાદનની સમસ્યા સર્જાઈ છે.
પરંતુ ભારતની ખાનગી સૅક્ટરની રિફાઇનરીઓએ આ સ્થિતિને યુરોપમાં પુરવઠામાં સર્જાયેલ ગૅપને ભરવાની સારી તક સ્વરૂપે જોઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંકડા પ્રમાણે ગત વર્ષે જાન્યુઆરી સુધી ભારતથી યુરોપિયન સંઘના દેશોમાં રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ સતત પાંચ મહિના સુધી વધતી રહી. આ મહિને આંકડો 19 લાખ ટન સુધી પહોંચી ગયો.
ઈયુ ભારતથી પેટ્રો પ્રોડક્ટ્સ આયાત કરવા મામલે ટોચ
નાણાકીય વર્ષ 2022-23માં આ સર્વોચ્ચ માસિક આંકડો હતો. એપ્રિલ 2022થી માંડીને જાન્યુઆરી 2023 સુધી ભારતથી યુરોપને નિકાસ કરાતા રિફાઇન્ડ પેટ્રોલિયમનો જથ્થો વધીને 1.16 કરોડ ટન સુધી પહોંચી ગયો.
આ કારણે ભારતથી જે 20 ક્ષેત્રોમાં રિફાઇન્ડ પેટ્રોલ પ્રોડક્ટ આયાત કરાય છે તેમાં યુરોપિયન યુનિયન ટોચે પહોંચી ગયું હતું.
આ સમયગાળા દરમિયાન ભારતથી રિફાઇન્ડ પેટ્રોલ પ્રોડક્ટ્સની નિકાસનો 15 ટકા એકલા યુરોપિયન બજારમાં કરાઈ. બાદમાં આ આંકડો વધીને 22 ટકા સુધી પહોંચી ગયો.
બ્લૂમબર્ગના એક સમાચાર અનુસાર રશિયાની પેટ્રોલિયમ પેદાશો પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધ બાદ ભારતના રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આ બજારમાં નિકાસ સતત વધી છે અને હવે ત્યાં સૌથી મોટા સપ્લાયર બનવાના રસ્તે છે.
અમેરિકા અને યુરોપના પ્રતિબંધ બાદ ભારત રશિયાથી ભારે પ્રમાણમાં સસ્તા દરે ક્રૂડઑઇલ ખરીદી રહ્યું છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં સુધી ભારતની આયાત બાસ્કેટમાં રશિયન ઑઇલની ભાગીદારી માત્ર એક ટકા હતી પરંતુ એક વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી 2023માં આ ભાગીદારી વધીને 35 ટકા સુધી પહોંચી ગઈ.
આ વર્ષે માર્ચ મહિનામાં રશિયાના ઉપવડા પ્રધાન ઍલેક્ઝેન્ડર નોવાકે જણાવ્યું કે "તેમના દેશે ભારતમાં ઑઇલની નિકાસમાં પાછલા એક વર્ષમાં 22 ટકા વધારો કર્યો છે."
ભારત ચીન અને અમેરિકા બાદ ઑઇલનો ત્રીજો મોટો ખરીદદાર દેશ છે. પરંતુ અમેરિકન અને યુરોપિયન પ્રતિબંધો બાદથી જ્યારે રશિયાએ પોતાનું ઑઇલ સસ્તુ કર્યું તો ભારત માટે આ પોતાનો તેલભંડાર વધારવાની સારી તક હતી.
રશિયા પાસેથી વધેલા ઑઇલ પુરવઠાનો લાભ હવે ત્યાંની ખાનગી ઑઇલ રિફાઇનિંગ કંપનીઓ ઉઠાવી રહી છે અને તેમને આનો સૌથી સારું બજાર યુરોપ દેખાઈ રહ્યું છે.
રિફાઇનિંગ કંપનીઓને લાભ
ભારત વિશ્વના સૌથી મોટા તેલ રિફાઇનિંગ દેશોમાં સામેલ છે.
ભારતીય રિફાઇનિંગ કંપનીઓ મારફતે સપ્લાયમાં થયેલા વધારાને કારણે યુરોપિયન બજારમાં ઑઇલનું સંકટ બેકાબૂ નથી બન્યું, જ્યારે અગાઉ આવું થવાની વધુ આશંકા વ્યક્ત કરાતી હતી.
ભારત ક્રૂડઑઇલના સૌથી મોટા આયાતકાર દેશોમાં સામેલ છે. પરંતુ ભારતની રિફાઇનરી ક્ષમતા તેની ઘરેલુ માગથી ઘણી વધુ છે.
આ જ કારણે વધારાનો પુરવઠો ઝડપથી યુરોપિયન બજાર તરફ વળ્યો છે.
આનાથી ભારતીય રિફાઇનિંગ કંપનીઓ રિલાયન્સ અને રશિયન ઍનર્જી ગ્રૂપ રોજનેફ્ટની ભાગીદારીવાળી કંપની નાયરાને સારો એવો લાભ થઈ રહ્યો છે.
યુરોપિયન યુનિયને રશિયન ઑઇલ પર ભલે પ્રતિબંધ લાદ્યો હોય પરંતુ ભારત મારફતે યુરોપમાં આ ઑઇલ ખૂબ વેચાઈ રહ્યું છે.
એ વાત પણ રસપ્રદ છે કે યુરોપિયન દેશોએ રશિયા પાસેથી સસ્તા દરે ઑઇલ ખરીદવાના ભારતના પગલા પર નારાજગી વ્યક્ત કરી હતી.
ડિસેમ્બર 2022માં ભારત આવેલાં જર્મનીનાં વિદેશમંત્રી એનેલિના બેરબૉકે જ્યારે રશિયા પાસેથી ઑઇલ ખરીદવા મામલે ભારતને ફરિયાદ કરી ત્યારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે પાછલા નવ મહિનામાં યુરોપિયન યુનિયને જેટલું ઑઇલ ખરીદ્યું છે, ભારતે તેના છઠ્ઠા ભાગનું જ ઑઇલ ખરીદ્યું છે.
હવે યુરોપિયન દેશોમાં ભારત પાસેથી ઑઇલ મગાવવાને લઈને કોઈ નારાજગી નથી દેખાઈ રહી.
- યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ યુરોપિયન દેશો દ્વારા રશિયન ઑઇલની આયાત પર પ્રતિબંધ લાદી દેવાયો હતો
- ભારતે જ્યારે રશિયામાંથી સસ્તા દરે ઑઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું ત્યારે કેટલાક દેશોએ આ પગલાની ટીકા પણ કરી હતી
- પરંતુ હવે સામે આવી રહેલા આંકડા પ્રમાણે પ્રતિબંધ છતાં યુરોપના દેશોમાં રશિયાનું ઑઇલ પહોંચી રહ્યું છે
- પરંતુ તેમાં ભારતીય કંપનીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે
- ભારત રશિયા પાસેથી સસ્તા દરે ઑઇલ મગાવીને રિફાઇન પ્રોડક્ટ્સ યુરોપ મોકલી રહ્યું છે
શું ભારત એક ભરોસાપાત્ર સપ્લાયર તરીકે સામે આવી રહ્યું છે?
આઈઆઈએફએલ સિક્યૉરિટીઝમાં કમૉડિટીઝના ઉપપ્રમુખ અનુજ ગુપ્તાનું કહેવું છે કે ભારતની પોતાની ક્રૂડની માગ ખૂબ વધુ છે. ભારત પાસે એક મહિના કરતાં વધુ ઑઇલ રિઝર્વ નથી રહેતું.
આવી સ્થિતિમાં ભારતીય રિફાઇનિંગ કંપનીઓ વધુ સપ્લાયનો ઉપયોગ પેટ્રોલિયમ પેદાશોનો નિકાસ વધારવા માટે કરી રહી હોય તો એ તેમના માટે ખૂબ સારી વાત છે.
ગુપ્તાનું અનુસાર રશિયાના ઑઇલ પરના પ્રતિબંધ બાદ યુરોપિયન યુનિયનના દેશોમાં જે ઑઇલ સંકટ છે.
તેના કારણે ત્યાં આયાત વધી છે.
અત્યાર સુધી યુરોપિયન દેશો ભારત પાસેથી વધુ પ્રમાણમાં રિફાઇન્ડ પ્રોડક્ટ નહોતા ખરીદતા પરંતુ હાલના સંકટને કારણે તેમણે ભારતના પ્રોડક્ટ્સને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે.
ગુપ્તા જણાવે છે કે, "આ ભારતની આર્થિક ક્ષમતા માટે ખૂબ સારી વાત છે. આના કારણે ભારત એક વિશ્વાસપાત્ર સપ્લાયર તરીકે સામે આવ્યું છે."
"ભારત સપ્લાય ચેઇનની એક મજબૂત કડી તરીકે સામે આવે તેવી પણ શક્યતા સર્જાઈ છે, જેના પર અમેરિકા અને યુરોપિયન દેશો વિશ્વાસ કરી શકે છે."
કુલ આ ભારતની આર્થિક શાખ માટે સારી બાબત છે.
વિશ્લેષકોનું કહેવું છે કે "ભલે પશ્ચિમના અમુક દેશો રશિયા પાસેથી વધુ ઑઇલ ખરીદવાને લઈને ભારતથી નારાજ હતા, વિશ્વ સામે તેમણે આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ અંદરોઅંદર તેમને આ સ્થિતિથી કોઈ પરેશાની નહોતી."
અમેરિકા અને પશ્ચિમના ઘણા દેશો માટે ભારતની રિફાઇનિંગ કંપનીઓને ગ્લોબલ ઑઇલનો પુરવઠો મળતો રહે એ રાહતની વાત હશે.
કારણ કે આવું કરવાથી ભારતની રિફાઇન્ડ પેટ્રોલિયમ પેદાશો તેમના માર્કેટમાં પહોંચી શકશે અને ત્યાં પુરવઠાની સ્થિતિ સારી જળવાઈ રહે.
આ યુરોપ અને અમેરિકા બંનેના હિતમાં છે. ખાસ કરીને યુરોપ માટે, કારણ કે વધતી મોંઘવારીને જોતાં ત્યાં ઑઇલ મોંઘું થવું એ ખતરાની ઘંટડી સમાન છે.
અમેરિકા અને યુરોપને લાગે છે કે ઑઇલના ગ્લોબલ પુરવઠાને ફટકાથી બચાવવા માટે ભારતીય રિફાઇનિંગ કંપનીઓની નિકાસ વધે એ સારો સંકેત છે.
ભારતીય રિફાઇનિંગ કંપનીઓને આનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.
સસ્તા રશિયન ઑઇલના કારણે તેનો રિફાઇનિંગ ખર્ચ ઘટ્યો છે અને માર્જિન વધ્યો છે.
અનુજ ગુપ્તા જણાવે છે કે, "ભારતને આનો લાભ મળશે. આ પહેલાં જ મજબૂત ભારતીય રિફાઇનિંગ ઇન્ડસ્ટ્રી વધુ શક્તિશાળી બનશે."
"આનાથી ભારત એક મધ્યસ્થ બજાર બની શકશે. મોટા ભાગના દેશ ભારતથી રિફાઇનિંગ પેટ્રો પ્રૉડક્ટ્સ ખરીદશે."
ભારતને વધારવી પડશે પોતાની રિફાઇનિંગ ક્ષમતા
રશિયન ઑઇલ પર પ્રતિબંધને લઈને યુરોપિયન યુનિયનના દેશોમાં શરૂઆતના સમયમાં સંમતી નહોતી.
આ ઉતાવળે લેવાયેલ એક નિર્ણય હતો. એટલે સુધી કે ફ્રાન્સ અને જી-7માં ન હોય એવા દેશોએ પણ કહ્યું કે એ ઉતાવળે લેવાયેલ નિર્ણય છે.
ઍનર્જી ઍક્સપર્ટ અરવિંદ મિશ્રા કહે છે કે, "યુરોપ સામે સૌથી મોટું સંકટ એ ઊર્જાની કીમતોમાં વધારાનું છે."
"યુરોપમાં વીજળીના દરમાં 35 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. આજે ભલે રશિયન ઑઇલ પર પ્રતિબંધ લદાયો હોય પરંતુ યુરોપને રશિયન ઍનર્જી પર આધારિત રહેવું જ પડશે."
"આજે પણ સ્થિતિ આવી જ છે. બદલાયેલી સ્થિતિમાં માત્ર આ ઑઇલ સીધું રશિયાથી નહીં પરંતુ ભારતથી આવી રહ્યું છે."
"ઍનર્જી સિક્યૉરિટી એક એવો વિષય છે જે અંગે સીધેસીધી કોઈ લાઇન અપનાવી ન શકાય."
ભારતે રશિયાથી સસ્તું ઑઇલ ખરીદીને અત્યાર સુધી 35 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.
બીજી તરફ તે પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો સપ્લાયર દેશ પણ બનીને સામે આવ્યું છે.
અરવિંદ મિશ્રા કહે છે કે, "યુદ્ધે એવી સ્થિતિ બનાવી છે કે ભારત જે કોમૉડિટીનો આયાતકાર દેશ રહ્યો છે એ હવે તેનું નિકાસકાર બનતું જઈ રહ્યું છે."
"ભારત ઝડપથી પેટ્રોલના વૅલ્યૂ ઍડેડ પ્રોડક્ટના પુરવઠાનું મોટું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. પરંતુ ભારત ભવિષ્યની સ્થિતિનો ત્યારે જ લાભ ઉઠાવી શકશે જ્યારે એ પોતાની રિફાઇનિંગ ક્ષમતાને વધુ વિસ્તારે અને તેને મજબૂત બનાવે."