યુરોપનું એ આલિશાન ગામ જે વેચવા કાઢ્યું, કિંમત કેટલી રાખી?

    • લેેખક, ગે હેજેકો
    • પદ, બીબીસી ન્યૂઝ, માડ્રિડ

ઘર-બાર વેચીને નીકળી જવાના સમાચાર તો અવારનવાર વાંચવા કે સાંભળવા મળે છે પરંતુ આખેઆખું ગામ વેચવા બહાર પડે તો?

ઉત્તર-પશ્ચિમ સ્પેનમાં સાલ્ટો ડી કાસ્ટ્રો નામનું ગામ વેચવા કાઢ્યું છે અને આખા ગામની કિંમત 2,60,000 પાઉન્ડ (અંદાજે અઢી કરોડ) રાખવામાં આવી છે.

સાલ્ટો ડી કાસ્ટ્રો નામનું આ ગામ ઝામોરા પ્રાંતમાં પોર્ટુગલની સરહદ પર આવેલું છે અને તે માડ્રિડથી ત્રણ કલાકના અંતરે છે.

એવું નથી કે આ કોઈ સામાન્ય ગામ છે, આ ગામમાં કેટલીક નાના શહેરમાં હોય એવી વૈભવી ઇમારતો પણ છે.

ગામમાં કુલ 44 મકાન, એક હોટલ, એક ચર્ચ, એક શાળા અને એક મ્યુનિસિપલ સ્વિમિંગ-પૂલ છે.

ગામમાં એક બેરેક બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે જે સિવિલ ગાર્ડને રાખવા માટે વપરાય છે.

ગામમાં જો કોઈ વસ્તુ ખૂટતી હોય તો તે છે રહેવાસીઓ.

સાલ્ટો ડી કાસ્ટ્રો ત્રણ દાયકાથી વધુ સમયથી ત્યજી દેવામાં આવેલું ગામ છે એટલે કે વસ્તી વગરનું ગામ છે.

આ ગામના માલિકે વર્ષ 2000ના અરસામાં ગામને પર્યટન સ્થળમાં રૂપાંતરિત કરવાના હેતુથી ખરીદ્યું હતું. જોકે તે સમયે જ યુરોઝોન કટોકટી આવી અને એ યોજના લટકી પડી.

ગામમાલિક તરફથી દલાલ કંપની રૉયલ ઇન્વેસ્ટના રોની રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, "માલિકે અહીં હોટલ ખોલવાનું સપનું જોયું હતું પરંતુ તે બધું અટકી પડ્યું હતું. તેમની તે હજી પણ ઇચ્છા છે કે પ્રોજેક્ટ સાકાર થાય."

આઈડિયાલિસ્ટ વેબસાઇટ પર આ મિલકત મૂકવામાં આવી છે, તે અનુસાર માલિકની ઉંમર 80 વર્ષની છે અને તેઓ જણાવે છે કે "ગામ વેચવાનું મારું કારણ એ છે કે હું એક શહેરી-નિવાસી છું અને ગામની જાળવણી કરી શકતો નથી."

300 લોકોનો ખરીદીમાં રસ

એક અઠવાડિયા પહેલાં આ કિંમત નિર્ધારિત કરવામાં આવી તે પછી 50,000થી વધુ વિઝિટ થઈ હતી.

રોની રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે રશિયા, ફ્રાન્સ, બેલ્જિયમ અને યુકેમાંની પૂછપરછ સાથે 300 લોકોએ ખરીદીમાં રસ દર્શાવ્યો છે. એક સંભવિત ખરીદદારે સોદો પાક્કો કરવા પહેલેથી જ બાનું ચૂકવી દીધું છે.

સાલ્ટો ડી કાસ્ટ્રોનું નિર્માણ વીજઉત્પાદક કંપની ઇબરડ્યુરો દ્વારા 1950ના દાયકામાં બાજુમાં જ જળાશય બનાવનારા કામદારોના પરિવારો માટે કરવામાં આવ્યું હતું.

પરંતુ કામ પૂરું થઈ ગયા બાદ કામદારો જતા રહ્યા અને 1980ના દાયકાના અંતભાગે ગામ સાવ ખાલી થઈ ગયું.

આ ગામ અને તેની આજુબાજુનો વિસ્તાર "ખાલી સ્પેન" તરીકે ઓળખાય છે, કેમ કે અહીં જવલ્લે જ વસ્તીવાળા ગ્રામીણ વિસ્તારો જોવા મળે છે અને અહીં મોટા ભાગની સેવાઓનો અભાવ છે.

સાલ્ટો ડી કાસ્ટ્રોને અગાઉ 60 લાખ પાઉન્ડની કિંમતે વેચવા કાઢ્યું હતું. જોકે, કોઈ ખરીદદાર ન મળતા અને ઘણી ઇમારતો ખંડેર બનતા કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

હાલ આખા ગામની 2.60 લાખ પાઉન્ડની કિંમતે તો માડ્રિડ અથવા બાર્સેલોનાના પૉશ વિસ્તારોમાં માત્ર એક બેડરૂમનું ઘર મળે છે.

સાલ્ટો ડી કાસ્ટ્રો ગામ ખરીદી લીધા પછી પણ આ ગામમાં મુલાકાતીઓને આકર્ષવા માટે ઘણો ખર્ચ કરવો પડે તેમ છે.

આઈડિયાલિસ્ટા અનુસાર: "ગામને 100% કાર્યક્ષમ બનાવવા અને નફાકારક બનવા માટે 20 લાખ પાઉન્ડ કરતાં વધુ ખર્ચવાની જરૂર નહીં પડે."