ગેરકાયદેસર રીતે યુરોપ ઘૂસવા જીવના જોખમે ઑઇલ ટૅન્કરની બ્લેડમાં છુપાઈ જનારા 3 ઇમિગ્રન્ટની કહાણી

ઑઇલ ટૅન્કર કરતા વધુ ઝડપે એ ફોટો વિશ્વભરમાં ફરી વળ્યો અને તેની કઠોરતાને કારણે તેને જોનારા દરેકને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા.

હવે, ગ્રાન કેનેરિયા ટાપુના કિનારે જેમને ઝડપી પાડવામાં આવેલા, એ લોકોને તેમનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, બે દિવસ બાદ તેમને સ્પેન લઈ જવાયા અને આમ સ્પેનમાં રહેવાનું તેઓનું લક્ષ્ય હાલ પુરતું તો પ્રાપ્ત થઈ ગયું છે.

બીબીસી મુંડોને મળેલી માહિતી અનુસાર, અલિથિની II ઑઇલ ટૅન્કરની રડર બ્લૅડમાંથી તેમને બહાર કઢાયા અને ટૅન્કરે તેમને ગ્રાન કેનેરિયા ટાપુના કિનારે છોડીને સફર આગળ વધારી.

શરૂઆતમાં, કેનેરી ટાપુઓમાં સરકારી પ્રતિનિધિમંડળે એવું નિવેદન આપ્યું હતું કે ત્રણ ઇમિગ્રન્ટ્સ સ્વસ્થ થઈ જાય પછી તેઓને જહાજમાં પાછા મોકલી આપવામાં આવશે.

લાસ પાલમાસ ડે ગ્રાન કેનેરિયામાં સરકારી સબ-ડેલિગેશને બીબીસી મુંડોને જણાવ્યું, "આ પુખ્ત વયના ત્રણ નાઇજિરિયન છે. ત્રણેએ આશ્રયની વિનંતી કરી છે અને એમાંથી એક હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમને અહીં છોડીને જહાજ તેના માર્ગ પરની યાત્રા ચાલુ રાખી શકે છે."

આ રીતે, સ્પેનિશ સરકારે આખરે ત્રણ ઇમિગ્રન્ટ્સને ગ્રાન કેનેરિયા ટાપુ પર છોડીને જહાજને બંદર છોડવાની પરવાનગી આપી.

સામાજિક સંસ્થા કેમિનાન્ડો ફ્રન્ટેરાસે પણ બીબીસી મુંડો સમક્ષ આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી હતી, જેણે અધિકારીઓને ત્રણ નાઇજિરિયન નાગરિકોને પરત મોકલવાના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી.

એનજીઓએ દાવો કર્યો હતો કે "આવી જોખમી મુસાફરીમાંથી પસાર થવાની હકીકતને ધ્યાનમાં રાખીને ત્રણેયના વ્યક્તિગત સંજોગોનું વ્યક્તિગત રીતે વિશ્લેષણ કરવું જોઈએ."

સંસ્થાઓ વિનંતી કરી હતી કે તેમને ઇમિગ્રન્ટ કેન્દ્રમાં જવાની મંજૂરી આપવામાં આવે "જેથી તેઓ ઘટનાઓના ઊંડાણમાં જઈને જીવલેણ પ્રકારના આ ખતરનાક પ્રવાસને ધ્યાનમાં માનસિક સ્થિતિને દુરસ્ત કરવા જરૂરી સહાય મેળવી શકે."

જહાજની બ્લેડ ઉપર બેસીને કેવી રીતે પ્રવાસ કર્યો?

ત્રણેય બ્લૅડ પર કેવી રીતે પહોંચ્યા તેની જાણકારી મળતી નથી. પરંતુ એટલી જાણકારી મળે છે કે 17 નવેમ્બરના રોજ અલિથિની II સફરની શરૂઆત કરે તે પહેલાં ત્રણ નાઇજિરિયનો નાઇજિરીયાના લાગોસ બંદરે તેમાં સવાર થઈ ગયા હતા.

લાગોસ બંદરેથી ગ્રાન કેનેરિયા ટાપુની સફર 11 દિવસની હતી અને વચ્ચે કોઈ સ્ટૉપ નહોતું.

28 નવેમ્બરના રોજ સાલ્વામેન્ટો મેરિટિમો નામની સ્પેનની મરીન રેસ્ક્યૂ ટીમે આ ત્રણેય ઇમિગ્રન્ટ્સને વહાણના નીચેના ભાગમાં જોયા અને પછી બચાવ્યા હતા.

વહાણમાં તેઓ એવી જગ્યાએ મળી આવ્યા હતા, જે જગ્યા જહાજના એક ભાગ રડર બ્લૅડમાં હોય છે, જે વહાણના હળની બહાર હોય છે, જ્યાં તેઓ ખુલ્લામાં હતાં અને જહાજનો એ ભાગ સમુદ્રના મોજાની મારને લઈને સંવેદનશીલ હોય છે.

જે ફોટોગ્રાફ વિશ્વભરમાં વાયરલ થયો તે સાલ્વામર નુન્કીના પેટ્રન ઓર્લાન્ડો રામોસ અલયોન દ્વારા લેવામાં આવ્યો હતો, જેમણે તેમને બચાવ્યા હતા. બચાવ કામગીરીનું દસ્તાવેજીકરણ કરવું તે મેરીટાઇમ રેસ્ક્યૂમાં એક સામાન્ય પ્રક્રિયા છે.

ઓર્લાન્ડો રામોસે આ બુધવારે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં વિગતો આપતા કહ્યું, "તે સામાન્ય પ્રક્રિયાનો ભાગ હતો. અમે શક્ય હોય તો દસ્તાવેજ તરીકે રાખવા માટે તેમના ફોટા લઈએ છીએ."

"ફોટા પાડવા એ મૂળ કાર્ય નથી, વાસ્તવિક કાર્ય અન્ય છે અને તે છે ત્રણ જીવનને બચાવવા. જે લોકો અન્યત્ર સ્થાયી થવા માટે લાંબી મજલ કાપીને આવ્યા છે, નિર્બળ છે તેવા લોકો તેમના જીવનને જોખમમાં મૂકે તેવા દાવપેચ ન કરે તે પ્રકારે તેમનો બચાવ કરવો."

તેઓ કઈ સ્થિતિમાં અહીં આવ્યા?

સાલ્વામેન્ટો મેરિટિમોએ બીબીસી મુંડો સાથે વાત કરતા કહ્યુ હતું, "હાયપોથર્મિયા અને અશક્ત 3 સબ-સહારન પુરુષો હતા. તેમની બચાવ કામગીરી કરીને ત્રણમાંથી બેને ડૉક્ટર નેગ્રિન હોસ્પિટલમાં અને એકને વધુ ખરાબ હાલતમાં ઇન્સ્યુલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."

તેઓએ જણાવ્યું હતું કે હવે તેમની સાથે જે થઈ રહ્યું છે તે "રાજ્ય સુરક્ષા દળો અને સંસ્થાઓની જોગવાઈઓ" અનુસાર થાય છે.

તેમણે કહ્યું, "સાલ્વામેન્ટો મેરિટિમો પાસે લોકોને બચાવવા અને બંદર પર તેમના સ્થાળાંતરણની ક્ષમતા છે. સમુદ્રમાંથી જમીન પર લાવવા સાથે આરોગ્ય સેવાઓ અને રાજ્ય સુરક્ષા દળો અને સંસ્થાઓ તેની સંભાળ લેવાનું શરૂ કરે છે."

તેમાંથી બેને થોડા સમય પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને પહેલાં તેઓને જહાજમાં પાછા બેસાડવામાં આવ્યા હતા, જોકે બાદમાં તેઓએ આશ્રયની વિનંતી કર્યા પછી ફરીથી જહાજ પરથી ઉતારી લેવામાં આવ્યા હતા. દરમિયાન, ત્રીજી વ્યક્તિ હૉસ્પિટલમાં દાખલ છે જ્યાં તેને ડિહાઇડ્રેશન માટે સારવાર આપવામાં આવી રહી છે, જોકે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર તેઓ હવે જોખમમાંથી બહાર આવી ગયા છે.

હવે આ ત્રણેયનું શું થશે?

લાસ પાલમાસ ડી ગ્રાન કેનેરિયામાં સરકારી પેટા-પ્રતિનિધિમંડળ તરફથી તેઓએ અહેવાલ આપ્યો કે ત્રણ નાઇજિરિયનોએ સ્પેનમાં આશ્રયની વિનંતી કરી છે.

સ્પેનિશ કાયદા અનુસાર, ઇમિગ્રન્ટ્સે સ્પેનિશ પ્રદેશમાં પ્રવેશની વિનંતી કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કરતાની સાથે જ તેમને મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર મળે છે અને તેમને આશ્રયની વિનંતી કરવાનો અધિકાર પણ મળે છે.

રડર બ્લૅડમાં છુપાઈને આ રીતે સ્થળાંતર કરનારાઓ કેટલા?

તેઓ સાલ્વામેન્ટો મેરિટિમોથી બીબીસી મુંડોને કહે છે, "ટાપુઓ સુધી પહોંચવું એ સામાન્ય પ્રક્રિયા નથી."

બચાવની જવાબદારી સંભાળતી સંસ્થાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આવા કુલ પાંચ કેસ નોંધાયા છે.

જાન્યુઆરી 2018માં, સાલ્વામર નુન્કીએ ગ્રીન સ્કાય જહાજ પરના 4 ઇમિગ્રન્ટ્સને બચાવ્યા હતા અને તેઓ પણ રડર બ્લૅડમાં છુપાયેલા હતા.

ઑક્ટોબર 2020માં, લાગોસથી લાસ પાલમાસની મુસાફરી કર્યા પછી, નોર્વેજીયન ઑઇલ ટૅન્કર ચેમ્પિયન પુલા પર વ્હીલહાઉસમાં 4 ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. તે જ મહિને, સાલ્વામર નુન્કીએ એન્ડ્રોમેડા વહાણના સુકાન પરથી 7 ઇમિગ્રન્ટ્સને બચાવ્યા હતા.

તે ઓપરેશનના એક મહિના પછી નવેમ્બરમાં તે જ બોટે રડર બ્લૅડમાં છુપાયેલા એક ઇમિગ્રન્ટને બચાવ્યો હતો. અને થોડા સમય પછી નવેમ્બરમાં જ અન્ય 4 ઇમિગ્રન્ટ્સ ઑશન પ્રિન્સેસ I પર છુપાયેલા મળી આવ્યા હતા.

એનજીઓ કેમિનાન્ડો ફ્રન્ટેરાસ ભારપૂર્વક જણાવે છે કે પરંતુ આમાં "કેનેરી આઇલેન્ડ્સ રૂટ" બ્લૅડ પર પ્રવાસ કરનારા માટે સૌથી ખતરનાક રૂટ છે.

2022ના પ્રથમ છ મહિના દરમિયાન સંસ્થાએ આ માર્ગ પર 800 જાનહાનિ નોંધી હતી.

દરમિયાન, યુએન ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (આઈઓએમ) અનુસાર, વર્ષ 2021માં આ રૂટ પર 1,532 મૃત્યુ નોંધાયા હતા.