એ શહેર જે ભેંકાર રણની વચ્ચે અમૂલ્ય ખજાનો સાચવીને બેઠું છે

મૌરિતાનિયાના રેતીના ઊંચા ટેકરીઓના છેડા પર વસેલું ચિંગુએટી શહેર છેલ્લાં 1,200 વર્ષોથી મુસાફરોને આશ્રય આપી રહ્યું છે.

સહારાના રણ વચ્ચે આ નખલીસ્તાન શહેરની સ્થાપના આઠમી સદીમાં થઈ હતી.

જિયારત માટે મક્કા જતા યાત્રાળુઓનો સંઘ અહીં રોકાતો હતો.

લાલ પથ્થરો વાળું નખલીસ્તાન ધીમે ધીમે પશ્ચિમ આફ્રિકામાં વિજ્ઞાન, ધર્મ અને ગણિતના સૌથી મોટા કેન્દ્રોમાનું એક બની ગયું.

અહીં કાયદો, ચિકિત્સા અને ખગોળશાસ્ત્રના વિદ્વાનો પણ રહેતા હતા.

યાત્રીઓ અને વિદ્વાનો અહીં આવતા જતા રહેતા હતા.

પાંડુલિપિઓનું સંરક્ષણ

ચિંગુએટીમાં ધાર્મિક પુસ્તકો, વૈજ્ઞાનિક અભ્યાસો અને ઐતિહાસિક મહત્ત્વની પાંડુલિપિઓ તૈયાર થતી રહી છે.

13મી સદીથી લઈને 17મી સદી સુધી ચિંગુએટીમાં 30 પુસ્તકાલયો હતાં. જ્યાં પાંડુલિપિઓને સંભાળીને રાખવામાં આવતી હતી.

આજે એમાંથી માંડ પાંચ પુસ્તકાલયો બચ્યાં છે.

પુસ્તકાલયોના સંરક્ષક મધ્યકાલીન કુરાનની 1,000થી વધુ પાંડુલિપિઓને સહારાની રેતીથી બચાવીને રાખે છે.

સેફ અલ-ઇસ્લામ એવા જ એક પુસ્તકાલયના સંરક્ષક છે. તેઓ કહે છે, "અમારા પૂર્વજોએ વિભિન્ન વિષયો જેવા કે ધર્મ, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષય ઉપર પુસ્તકો અને પાંડુલિપિઓ લખી."

શહેરમાં લાલ પથ્થરથી બનેલી ઇમારતોની દીવાલો પહોળી છે. એની વચ્ચે લાકડાના બનેલા નાના-નાના દરવાજા છે.

અંદર દાખલ થતાં હજારો પાંડુલિપિઓ મળે છે. જેને લાકડા અને કાપડના થેલાઓમાં સંભાળીને રાખવામાં આવી છે.

સેફ અલ-ઇસ્લામ પાંડુલિપિને સ્પર્શ કરતાં પહેલા હાથમાં મોજાં પહેરે છે. પછી ખગોળશાસ્ત્રની પાંડુલિપિ બહાર કાઢે છે.

તેઓ કહે છે, "આ એક વૈજ્ઞાનિક પુસ્તક છે. જુઓ એમાં કર્ક અને તુલા નક્ષત્ર વિશે લખ્યું છે."

કૉપરનિકસ અને ગેલિલિયોથી ખૂબ પહેલાં મુસલમાન જાણતા હતા કે ધરતી ગોળ છે અને ફરી રહી છે.

પુરુષોનો અધિકાર

સેફ અલ-ઇસ્લામ બાળપણથી જ પુસ્તકાલય સંરક્ષક બનવાનું સપનું જોતા હતા.

તેઓ અન્ય સંરક્ષકો અને પ્રવાસીઓની મદદ કરતા હતા.

તેઓ કહે છે, "મારું ભાગ્ય સારું હતું કે હું એક પુરુષ છું. કોઈ મહિલા પુસ્તકાલય સંરક્ષક નથી બની શકતાં."

"અનેક મહિલાઓ એને માટે સક્ષમ છે જે આ કામ સારી રીતે કરી શકે છે."

"પરંતુ જ્યારે એમનાં લગ્ન થાય છે તો એમના પતિ સમગ્ર સંગ્રહના માલિક થઈ જાય છે. આ રીતે પૈતૃક સંપત્તિ અન્ય પરિવાર પાસે જતી રહે છે."

સહારાનું રણ વિસ્તરી રહ્યું છે. જેમ જેમ તે દક્ષિણની તરફ વધે છે તેમ ચિંગુએટીની ઇમારતોની સપાટ છતો ઉપર પણ રેતી જમા થવા લાગે છે.

સેફ અલ-ઇસ્લામ કહે છે, "1930થી 1995 વચ્ચે અનેક પરિવાર મોટાં શહેરો તરફ ચાલ્યા ગયા."

"કારણ કે અહીં એમના ઊંટો માટે ઘાસ નહોતું બચ્યું અને કોઈ નોકરી પણ ન હતી."

"સ્થળાંતર કરનારા પરિવાર પોતાની પાંડુલિપિ પણ સાથે લઈ ગયા. ચિંગુએટીમાં હવે 30માંથી ફક્ત 12 પુસ્તકાલય બચ્યાં છે અને એમાંથી પણ 5 કે 6 જ ખૂલે છે."

પર્યાવરણમાં આવેલાં પરિવર્તનોને કારણે વાદળ ફાટવા અને શહેરમાં પૂર આવવાની ઘટનાઓ વધી ગઈ છે.

એનાથી પણ પાંડુલિપિઓ નષ્ટ થઈ રહી છે. એવામાં ઇસ્લામિક જ્ઞાન-વિજ્ઞાનના આ અમૂલ્ય ખજાનાનું ભવિષ્ય જોખમમાં છે.

સેફ અલ-ઇસ્લામ કહે છે, "કેટલાંક પુસ્તકો એક ઘરના ઉપરના માળે હતાં. વરસાદ પડ્યો તો તે નષ્ટ થઈ ગયાં."

"કેટલીક પાંડુલિપિઓને બકરીઓ ખાઈ ગઈ. કેટલાંક પુસ્તકો બાળકોએ રમત-રમતમાં ફાડી નાખ્યાં."

આવકનું માધ્યમ નથી

ચિંગુએટીમાં કોઈ પુસ્તકાલયના માલિક હોવું સામાજિક પ્રતિષ્ઠાની વાત ગણાય છે. એને આવકનું માધ્યમ ગણવામાં નથી આવતું.

ઇન્સ્ટિટયૂટ ઑફ રિસર્ચ ઍન્ડ સાયન્સના બેચિર અલ મોહમ્મદ કહે છે, "પાંડુલિપિઓના મોટા ભાગના માલિકોને જાણકારી નથી કે એનું શું કરવાનું છે."

"એમના બાપ-દાદાને એનું જ્ઞાન હતું. પાંડુલિપિ સાથે આ જ સૌથી મોટી મુશ્કેલી છે."

પુસ્તકાલયોના માલિકને એટલી જ ખબર છે કે એમની પાસે કોઈ પૈતૃક ખજાનો છે.

"નિશ્ચિતપણે તેઓ સાચા છે કે તેમની પાસે ખજાનો છે પરંતુ તેઓ એ નથી જાણતા કે એ ખજાનામાં શું છે."

"અમે તેમને જણાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ કે આ વસ્તુઓ કેટલું મહત્ત્વ ધરાવે છે."

"આ ખજાનાને રાખવો જ પૂરતો નથી. એને હવા પાણી અને ભેજથી બચાવવો પણ જરૂરી છે."

ચિંગુએટી માટે હવે સારા દિવસો રહ્યા નથી. આ શહેરમાં હવે પ્રવાસીઓ ઓછા આવે છે.

લોકો પુસ્તકોને ભૂલવા લાગ્યા છે. સેફ અલ-ઇસ્લામ કેટલાંક બાળકોને પ્રશિક્ષણ આપી રહ્યા છે.

તેઓ કહે છે, "તેમાંથી બે કે ત્રણ કાબેલ છે. પરંતુ હું વિશ્વાસપૂર્વક નથી કહી શકતો કે તેઓ પુસ્તકાલયની દેખરેખ કરી શકશે કે નહીં. મને લાગે છે કે નવી પેઢી ઉત્સાહિત નથી."

સાચવણી માટે નાણાં નથી

બેચિર અલ મોહમ્મદનું કહેવું છે, "કેટલાક લોકો પાસે મોટાં મોટાં પુસ્તકાલય છે. પરંતુ એના સંરક્ષણ માટે એમની પાસે નાણાં નથી."

"આ મોટી મુશ્કેલી છે. હું બે પુસ્તકાલયોને જાણું છું જેના માલિક સાઉદી અરબમાં રહે છે."

"અમારે પાંડુલિપિઓને સારી સ્થિતિમાં સાચવવાની જરૂર છે. એને ચિંગુએટીની રેતીમાં આમ જ અનાથ છોડવી નથી. અમારે આ કરવું છે. અમારે હાર માનવી નથી."

સંરક્ષણવાદીઓએ પાંડુલિપિઓના આ સંગ્રહને બચાવવા માટે એને ચિંગુએટીની બહાર લઈ જવાના પ્રયાસ કર્યા પરંતુ શહેરના લોકોનું કહેવું છે કે આ પુસ્તકો તેમના પૂર્વજોની ધરોહર છે.

સેફ અલ-ઇસ્લામ કહે છે, "પોતાના ઘર, પોતાના હાથ-પગ, પોતાની આંખોને છૂટી પાડી દેવી અને પછી તેનું સંરક્ષણ કરવું અશક્ય છે."

"અમને મદદ આપવામાં આવે તો અમે એને સ્વીકારી લેશું. પરંતુ ન તો મોરિતાનિયાની સરકાર કે ન તો યુનેસ્કો કે પછી કોઈ અન્ય સંગઠન એને માટે સક્ષમ છે."

"તેમની પાસે આ વારસાના સંરક્ષણનો અધિકાર પણ નથી. આ અમારો વારસો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો