You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આફ્રિકાથી ચિત્તાને ભારત તો લવાયા પણ તેમના જીવને હવે શેનું જોખમ છે?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
- 17 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડાયા આઠ ચિત્તા
- વર્ષોનાં સંશોધન બાદ ચિત્તાને લાવ્યા બાદ પણ હજુ ઘણા પડકારો છે
- અન્ય પરભક્ષીઓના સંપર્ક અને શિકાર માટેની પળોજણમાં શું થશે ચિત્તાનું?
- ચિત્તાને લઈને આગળના પડકારો વિશે શું કહેવું છે જુદાજુદા વન્ય પ્રાણી વિશેષજ્ઞોનું?
વન્યજીવના વિશેષજ્ઞોનું માનવું છે કે મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દેશમાંથી વિલુપ્ત થયેલા ચિત્તાને પુન:સ્થાપિત કરવાની તેમની મહેનત ત્યારે રંગ લાવી, જ્યારે નામીબિયાથી આઠ ચિત્તા ત્યાં પહોંચ્યા હતા. તેના માટે ઘણાં વર્ષોનું સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞો સામેલ હતા.
17 સપ્ટેમ્બરે એક ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિત્તાને ઔપચારિક રીતે છોડ્યા હતા. તમાામ ચિત્તાઓના ગળામાં કૉલર લાગેલા છે અને જંગલમાં પણ સીસીટીવી અને ડ્રોનથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
હાલમાં ચિત્તા ક્વોરૅન્ટીનમાં છે અને એક મહિનો પૂરો થયા બાદ તેમને જંગલમાં છોડવામાં આવશે. પરંતુ ત્યાર બાદ કુનો રાષ્ટ્રીય અભ્યારણ્યના અધિકારીઓ સામે ઘણા પડકારો ઊભા થશે.
બીબીસી સાથે વાત કરતા રાજ્ય સરકારના મુખ્ય વનરક્ષક અને 'ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન' જસવીરસિંહ ચૌહાણ કહે છે કે પડકાર ત્યારે શરૂ થશે, જ્યારે આ ચિત્તા અને અન્ય પરભક્ષીઓ આમનેસામને આવશે.
ચૌહાણ કહે છે, "આમ તો અમે તેમને લાવતા પહેલાં જ ઘણી તૈયારીઓ કરી હતી. જેમકે જંગલમાં ઠેરઠેર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા હતા. કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી દિવસ-રાત તેમના પર નજર રાખવામાં આવી રહી છે."
"આ ચિત્તાને જંગલમાં છોડ્યા બાદ પણ તેમના પર નજર રાખવામાં આવશે. દરેક ચિત્તા માટે એક વિશેષ વિસ્તાર છે અને દરેક ચિત્તાના ગળામાં કૉલર લાગેલો છે. જેથી તેમના પર નજર રાખવામાં આવશે."
તેમને એક વાતની ચિંતા વધારે છે કે ચિત્તા ક્યાંક કુનો રાષ્ટ્રીય પાર્કની આસપાસનાં ગામોમાં જઈ ન ચઢે. તેના માટે વનવિભાગના સ્ટાફ અને ગ્રામજનોને સતર્ક કરવામાં આવી રહ્યા છે.
નિષ્ણાતોને શું છે ચિંતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક વિશેષજ્ઞોને લાગે છે કે આ પડકાર એટલા માટે પણ મોટો છે કારણ કે આ ચિત્તા એશિયન નહીં, પરંતુ આફ્રિકન છે. તેમનાં જનીનમાં પણ થોડોક ફરક હોય છે.
ઘણાં વર્ષના સંશોધન બાદ જ ચિત્તાની પ્રથમ ખેપ ભારત આવી છે, પરંતુ કેટલાક વિશેષજ્ઞો માને છે કે નામીબિયા અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકન ચિત્તા ખુદથી તાકતવર પરભક્ષીઓનો સામનો કેવી રીતે કરી શકશે? એ ચિંતાનો વિષય છે.
કુનોમાં દીપડાની સંખ્યા પણ ઘણી વધારે છે અને અહીં હાઇના પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જે ચિત્તાથી વધુ તાકતવર છે અને તેમના પર હુમલો પણ કરી શકે છે.
ચૌહાણ કહે છે, "દીપડા અને હાઇના સિવાય જંગલી કૂતરાઓનાં આક્રમણથી બચવું પડે છે. દક્ષિણ આફ્રિકા અને નામીબિયામાં આ ચિત્તા સિંહ અને વાઘ જેવા પરભક્ષીઓ વચ્ચે રહે છે. આ બંને જગ્યાએ હાઇના પણ છે."
"જોકે, તે ઝૂંડમાં રહે છે અને ચિત્તા પર આક્રમણ કરે છે. કુનોમાં જોવા મળતા હાઇના ઝૂંડમાં રહેતાં નથી. જેથી કુનોમાં ચિત્તાઓએ દીપડા સાથે સમાધાન કરવું પડશે."
જાણકારોનું શું કહેવું છે?
આ યોજના પર બે દાયકા કરાતં વધુ સમયથી કામ કરી રહેલા ભારતીય વનસેવાના પૂર્વ અધિકારી હરભજનસિંહ પાબલા વિશેષજ્ઞ છે અને મધ્ય પ્રદેશના મુખ્ય વનરક્ષક પણ રહી ચૂક્યા છે.
પાબલાએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "દક્ષિણ આફ્રિકા અને નામીબિયામાં જે રીતે આ ચિત્તાના પ્રાકૃતિક આશ્રયસ્થાન છે, એવાં જ અહીં પણ તૈયાર કરવામાં આવ્યાં છે. તેથી તેમને અહીં તકલીફ ન પડવી જોઈએ."
'ચિત્તા કન્ઝર્વેશન ફંડ' નામની જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થાના નિદેશક લૉરી માર્કરે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં નામીબિયાથી જણાવ્યું, "આ પ્રોજેક્ટ માટે અમે ઘણી મહેનત કરી અને આશા છે કે બધું સારું જ રહેશે."
"આ ચિત્તા સિંહ, વાઘ અને દીપડા સહિત અન્ય જાનવરોની આસપાસ રહ્યા અને મોટા થયા છે. ભારતમાં પણ તેઓ પોતાનું ઘર બનાવી લેશે. પાંચ-સાત વર્ષનો સમય આપો, આ પ્રોજેક્ટ ઘણી ઝડપથી આગળ વધશે."
આ પરિયોજના સાથે જોડાયેલા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન યાદવેન્દ્રદેવ ઝાલા પણ બીબીસી સાથેની વાતચીતમાં તેને પડકારજનક માને છે. સાથે જ કહે છે કે વિલુપ્ત જાનવરોને પાછા લાવવાના પ્રયત્નમાં ભારત માટે આ એક મોટી સફળતા છે.
જોકે આ મુદ્દે વિશેષજ્ઞોના અભિપ્રાય બે પક્ષમાં વહેંચાયેલો છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા જાણીતા વન્યજીવ વિશેષજ્ઞ વાલ્મિકી થાપરનું કહેવું હતું કે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી આવનારા ચિત્તાને જંગલમાં ઘણા દુશ્મનો મળશે અને તેમના માટે શિકાર ઓછા હશે.
બીજું મહત્ત્વપૂર્ણ પાસું, જેના પર થાપરે સરકારને ધ્યાન આપવાનું સૂચન કર્યું છે, તે છે ઘાસનાં મેદાનની અછત. તેઓ આફ્રિકાનું ઉદાહરણ આપતા કહે છે કે ત્યાં ચિત્તાની વસતી એટલા માટે છે કારણ કે તેમના દોડવા માટે મોટો વિસ્તાર કે પછી ઘાસનાં મેદાન મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. તેઓ કહે છે કે ભારતમાં એવું નથી.
તેના જવાબમાં મધ્ય પ્રદેશ સરકારના મુખ્ય વનસંરક્ષક અને મુખ્ય વાઇલ્ડલાઇફ વૉર્ડન જસવીરસિંહ ચૌહાણ કહે છે કે ગીરમાંથી જ્યારે સિંહ લાવવાની વાત થઈ રહી હતી, ત્યારે જ ઘણા મોટા વિસ્તારનું અધિગ્રહણ કરી લીધું હતું.
આ માટે કુનો નેશનલ પાર્કની આસપસાના 150 જેટલાં ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યાં હતાં. તેમને અન્યત્ર ખસેડવામાં આવ્યાં હતાં અને ઘાસનાં મેદાન તૈયાર કરવામાં આવ્યાં હતાં.
જીવવૈજ્ઞાનિક અને હૈદરાબાદસ્થિત સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલિક્યુલર બાયૉલૉજીના ડૉ. કાર્તિકેયનને ડર છે કે આફ્રિકાથી નવા પરિવેશમાં લાવવામાં આવેલા ચિત્તામાં પ્રોટીન સંક્રમણ થઈ શકે છે. અન્ય પ્રકારનાં સંક્રમણોની પણ શંકા રહેલી છે. ચિત્તા ઈજા કે સંક્રમણ સહન કરી શકતા નથી.
જાણીતા વન્યજીવ વિશેષજ્ઞ આદિત્ય પંડાએ બીબીસીને કહ્યું કે "આટલા દાયકા બાદ જે થઈ રહ્યું છે તે એક પ્રયોગ છે."
તેમનું કહેવું છે કે જો પ્રયોગ સફળ થાય તો સારું છે, જો નહીં થાય તો તેનાથી શીખવા મળશે. જેનાથી આવનારા સમયમાં અન્ય ચિત્તા લાવતા પહેલાં વધુ તકેદારી રાખી શકાશે.
પંડાએ કહ્યું, "જંગલનો નિયમ એ જ છે કે જે સૌથી શક્તિશાળી હશે, તે જ બચશે. અન્ય પરજીવીઓને ચિત્તાની આદત પડી જશે. એ સારી વાત છે કે આ પરિયોજના પર દાયકાઓથી કામ થઈ રહ્યું હતું. તેની સાથે જોડાયેલા અધિકારીઓ અને સંસ્થાઓ તમામ સંશોધન બાદ જ કામ કરી રહ્યા છે. રસ્તો નીકળી જ જશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો