રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાતનો રૂટ પસંદ કરવા પાછળ શું રાજકીય ગણતરી છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' ગુરૂવારે ગુજરાતમાં પ્રવેશી રહી છે, જે પહેલાં રાજસ્થાનના બાંસવાડા ખાતે જાહેરસભાને સંબોધિત કરશે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, ત્રણ રાત્રી અને ચાર દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતની 26માંથી 14 લોકસભા બેઠક આવરી લેવામાં આવશે.

રાહુલ ગાંધી ગુજરાતયાત્રાનો રૂટ જોતા આદિવાસી મતદાતાઓ સુધી પહોંચવાની રાજકીય યોજના ઊડીને આંખે વળગે છે. એક સમયે આ વિસ્તારો કૉંગ્રેસ પાર્ટીનો ગઢ રહ્યા હતા, પરંતુ બદલાતા જતાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને માટે આ ગઢ જાળવી રાખવાના પડકાર ઊભા થયા છે.

ગત શનિવારે આ યાત્રા રાજસ્થાનના ધૌલપુરથી ફરી શરૂ થઈ હતી, રાજ્યમાં પુનઃપ્રવેશ પહેલાં તે મધ્યપ્રદેશના આદિવાસી બહુલ વિસ્તારોમાંથી પસાર થઈ, જેનો હેતુ આ વિસ્તારોમાં કાર્યકરોને પ્રોત્સાહિત અને પાર્ટીને પુનઃસ્થાપિત કરવાનો છે.

ભાજપ સતત ત્રીજી વખત તમામ 26 બેઠક ઉપર વિક્રમજનક સરસાઈ સાથે વિજય મેળવી 'હેટ્રિક' કરવાની યોજના ધરાવે છે, તો કૉંગ્રેસે આ વિજયરથને અટકાવવા માટે દિલ્હી-પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

અહીંથી યાત્રા રવિવારે મહારાષ્ટ્રના નંદુરબાર તથા ધૂળે જિલ્લામાંથી પસાર થવાની છે. તા. 10મી માર્ચે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તેનું સમાપન નિર્ધારિત છે, જોકે આ દરમિયાન એક 'ટેકનિકલ' અડચણ પણ ઊભી થઈ શકે છે.

રૂટનું રાજ'કારણ'

રાહુલ ગાંધીએ તા. 14મી જાન્યુઆરીએ મણિપુરથી મુંબઈની 'ભારત જોડો ન્યાયયાત્રા'ની શરૂઆત કરી હતી. પક્ષનું કહેવું છે કે આ યાત્રાનો હેતુ યુવા, ભાગીદારી, નારી, કિસાન અને શ્રમિકોને ન્યાય અપાવવાનો છે.

આ યાત્રા 66 દિવસ દરમિયાન છ હજાર 700 કિલોમીટરનો પ્રવાસ ખેડશે અને તે 15 રાજ્યમાંથી પસાર થશે. પહાડી, દુર્ગમ અને વનવિસ્તારોમાંથી યાત્રા પસાર થવાની હોવાથી યાત્રા માટે વાહન અને પદયાત્રા એમ હાઈબ્રીડ માધ્યમ અપનાવવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે રૂટનિર્ધારણ વિશે વાત કરતા જણાવ્યું, "સામાન્ય રીતે આ પ્રકારના કાર્યક્રમોના આયોજન સમયે કયા-કયા વિસ્તાર, મુદ્દા, સમુદાયને આવરી લેવા જોઈએ તેના વિશે પ્રદેશ કૉંગ્રેસ કમિટીનો અભિપ્રાય લેવામાં આવે છે. આ સિવાય જ્વલંત મુદ્દા અને સમસ્યા વિશે પણ ફીડબૅક લેવામાં આવે છે, જેથી કરીને યાત્રા દરમિયાન ગુજરાતકેન્દ્રિત મુદ્દા વિશે ચર્ચા થાય."

"ભૌગોલિક, રાજકીય અને વ્યૂહાત્મક બાબતો સહિતનાં બૃહદચિત્રને ધ્યાને લઈને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા રૂટ વિશેનો અંતિમ નિર્ણય લેવામાં આવતો હોય છે."

યાત્રા ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે અને ગુજરાતની 26માંથી 14 બેઠકને કવર કરશે.

રાવલ ઉમેરે છે, "ગુજરાતયાત્રા દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારોમાંથી પસાર થશે, આ સિવાય ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાનો કેટલાક ભાગ પણ તેમના પ્રવાસમાં સામેલ છે. આ રેલીને કારણે પાર્ટી અને તેના કાર્યકરોના મનોબળમાં વધારો થશે અને કદાચ કોઈ બેઠક ઉપર કાર્યકરોને મનદુખ થયું હશે તો તે દૂર થશે."

'ન્યાય યાત્રા'ના છેલ્લા તબક્કામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોને આવરી લેવામાં આવ્યાં છે. આ ચારેય રાજ્યમાં ભાજપ એકલાહાથે કે સાથીપક્ષો સાથે સત્તામાં છે. ગત પાંચ વર્ષ દરમિયાન કૉંગ્રેસે આ ચારમાંથી ત્રણ રાજ્યમાં સત્તા કે સરકારમાં ભાગીદારી ગુમાવી છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેના કહેવા પ્રમાણે, "જ્યાં-જ્યાંથી રાહુલ ગાંધીની યાત્રા પસાર થવાની છે, ત્યાં-ત્યાં અગાઉથી જ કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને આગામી લોકસભા ચૂંટણી પર આ યાત્રાની કોઈ અસર નહીં થાય. પાર્ટી તમામ 26 બેઠક ઉપર વિજય મેળવશે અને આ વખતે અમારું લક્ષ્યાંક તમામ બેઠક પર દેશભરમાં સૌથી વધુ લીડ સાથે સંસદસભ્યો મોકલવાનું છે."

"જે વિસ્તારમાંથી યાત્રા પસાર થવાની છે, તેમાં પણ કૉંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કૉંગ્રેસે 'ભારત જોડો'ના બદલે પક્ષને જોડી રાખવા ઉપર તથા તે તૂટે નહીં તે વાત ઉપર વિચાર કરવો જોઈએ."

દવેનું નિવેદન છોટા ઉદેપુરની બેઠક પરથી કૉંગ્રેસના પૂર્વ સંસદસભ્ય નારણ રાઠવાના સંદર્ભમાં હતું. રાઠવા અને તેમના દીકરા સંગ્રામસિંહ સેંકડો કાર્યકર્તાઓ સાથે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

વિપક્ષથી વિમુખ, સત્તાની સન્મુખ

વિપક્ષનો આરોપ છે કે ભાજપમાં આત્મવિશ્વાસનો અભાવ છે એટલે તે વિરોધીદળોના નેતાઓને તોડીને પોતાની સત્તા જાળવી રાખવા માગે છે. વિપક્ષને તોડીને જ તે વિશ્વની પહેલા ક્રમાંકની પાર્ટી બની છે.

કૉંગ્રેસના અનેક નેતાઓના પ્રવેશ બાદ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપ મજબૂત થયો છે અને નારણ રાઠવા આ શ્રેણીમાં નવી કડી છે. કૉંગ્રેસ છોડતી વખતે સંગ્રામસિંહે કહ્યું હતું કે "ક્ષતિયુક્ત ટિકિટવહેંચણી અને જીપીસીસીના મજબૂત નેતાઓને અન્ય રાજ્યોમાં મોકલી દેવાને કારણે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ તૂટી રહ્યું છે અને વર્ષ દરવર્ષ પાર્ટી અસંગઠિત થઈને તૂટી રહી છે."

રાવલના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસને નબળી પાડવા માટે ભાજપ સરકાર દ્વારા 'સામ-દામ-દંડ'ની નીતિથી અમારા નેતાઓને તોડવામાં આવે છે. પાર્ટીએ નારણભાઈ રાઠવાને લોકસભાના સંસદસભ્ય અને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા હતા. તેઓ રાજ્યસભામાંથી પણ સંસદસભ્ય હતા. ત્રીસ વર્ષથી અમે ગુજરાતમાં સત્તા ઉપર નથી, છતાં પાર્ટીએ શક્ય હોય એટલું નારણભાઈ રાઠવાને આપ્યું હતું. વિપક્ષમાં રહીને સરકાર સામે લડવુંએ કાચાપોચા લોકોનું કામ નથી."

આ પ્રકારના ઘટનાક્રમને કારણે જ 'કૉંગ્રેસમુક્ત ભારત'ની વાત કરતો ભાજપ પોતે જ 'કૉંગ્રેસયુક્ત' થઈ રહ્યો હોવાની ટિપ્પણી થતી રહે છે.

ભાજપના પ્રવક્તા દવેનું કહેવું છે કે રાઠવા સહિત કૉંગ્રેસના જે કોઈ નેતા ભાજપમાં જોડાય છે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરાઈને પાર્ટીમાં આવે છે. તેઓ ગુજરાતના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં સંગઠનનું જે કોઈ કામ મળે તે બિનશરતી રીતે કરવાની તૈયારી સાથે ભાજપમાં જોડાય છે.

ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતના રાજકારણ ઉપર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અશોક પટેલના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસમાં જનાધારવાળા કોઈ નેતા રહેવા જ ન દેવા, જેથી કરીને લાંબા સમય સુધી સરકાર સામે કોઈ પડકાર ઊભો ન થાય, એ વ્યૂહરચના ઉપર ભાજપ કામ કરી રહ્યો હોય તેમ જણાય છે."

સરકતો સમય, તૂટતો ગઢ

વર્ષ 1984ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને 184માંથી રેકર્ડ 149 બેઠક મળી હતી. જેનો શ્રેય નેતાઓ દ્વારા સાધવામાં આવેલા KHAM ક્ષત્રિય, હરિજન (એ સમયે દલિત સમાજ માટે પ્રચલિત શબ્દ), આદિવાસી અને મુસ્લિમ સમીકરણને આપવામાં આવ્યો હતો.

એ પહેલાં પણ દલિત, આદિવાસી અને મુસ્લિમ પાર્ટીની પરંપરાગત વૉટબૅન્ક રહ્યા હતા, જેને અંગ્રેજીમાં DAMની ટૂંકાક્ષરી આપી શકાય. છેલ્લાં કેટલાંક વર્ષોથી કૉંગ્રેસના આ ગઢમાં ગાબડાં પાડવામાં ભાજપને સફળતા મળી છે.

ગુજરાતમાં શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (આદિવાસી જાતિઓ) માટે 27 બેઠક અનામત છે, જેમાંથી હાલમા કાંતિભાઈ ખરાડી (દાંતા), તુષાર ચૌધરી (ખેડબ્રહ્મા) અને અનંતકુમાર પટેલ (વાંસદા) એમ ત્રણ બેઠક જ કૉંગ્રેસ પાસે છે.

રાવલના કહેવા પ્રમાણે, "આદિવાસી સમાજ હંમેશાં કૉંગ્રેસની સાથે રહ્યો છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન મતોનું ધ્રુવીકરણ થવાને કારણે આ વિસ્તારોમાં પાર્ટીનો પરાજય થયો હતો. આદિવાસીઓ કૉંગ્રેસથી વિમુખ થઈ ગયા છે એવો ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે."

"કૉંગ્રેસના નેતૃત્વમાં થયેલા જનઆંદોલનને કારણે જ સરકારે આદિવાસીઓનાં હિતો ઉપર તરાપ મારતો પાર-તાપી-નર્મદા લિંક પ્રૉજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો."

ભાજપ દ્વારા ગુજરાતના આદિવાસીવિસ્તારોમાં પાર્ટીના પ્રભુત્વનો શ્રેય કેન્દ્રની નરેન્દ્ર મોદી અને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારની યોજનાઓને આપવામાં આવે છે.

દવેનું કહેવું છે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'માં માને છે. અમારી સરકારે દ્વારા એસસી, એસટી કે ઓબીસી માટે યોજનાઓની માત્ર જાહેરાત નથી થતી, પરંતુ તેના ઉપર અમલીકરણ અને પછી સમીક્ષા પણ થાય છે, એટલે તમામ વર્ગોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે."

હજુ ચૂંટણી જાહેર નથી થઈ અને ચૂંટણીપ્રચાર શરૂ નથી થયો એવી તાકીદ સાથે રાજકીય વિશ્લેષક પટેલ કહે છે, "રાહુલ ગાંધીની યાત્રાને કારણે કૉંગ્રેસના પ્રદર્શન અને કાર્યકરોના મનોબળમાં ચોક્કસથી વધારો થશે, પરંતુ સામાપક્ષે લીડ એટલી જંગી છે કે તેને કાપી શકશે કે નહીં, તે જોવું રહે."

જોકે, કૉંગ્રેસના ગઢમાં ગાબડાં પડવા માટે ધાર્મિક, વ્યક્તિગત અને સામાજિક કારણોને પણ જવાબદાર માનવામાં આવે છે.

સામાજિક અને ધાર્મિક કારણો કયા છે?

ગુજરાતના આદિવાસીવિસ્તારોમાં ભાજપના પ્રભુત્વનો વિસ્તાર અને કૉંગ્રેસના વર્ચસ્વમાં થયેલો ઘટાડો રાતોરાત નથી થયો અને તેના લક્ષણો છેલ્લાં ઘણાં વર્ષોથી જોવા મળી રહ્યાં હતાં.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક તથા રાજ્યમાં જ્ઞાતિગત રાજકારણના અભ્યાસુ પ્રો. ગૌરાંગ જાનીના મતે, "રાહુલ ગાંધીની યાત્રાનો રૂટ જોતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પાર્ટી આદિવાસી મતદાતાઓ સુધી પહોંચવા માગે છે, જેઓ પરંપરાગત રીતે પાર્ટી સાથે રહ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના આ એવા વિસ્તાર છે કે જ્યાં ભીલીસ્તાનની માગણી ઉઠતી રહી છે."

"આઝાદી પહેલાંના સમયથી હાલના ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીજીની પ્રેરણાથી સેવાકાર્યો થતાં, જેમાં આશ્રમશાળાઓ પણ હતી. એ પછીના સમયમાં ઝીણાભાઈ દરજી જેવા નેતાઓએ ત્યાં ખૂબ જકામ કર્યું, જેથી પરંપરાગત રીતે આ વિસ્તારના લોકો કૉંગ્રેસ સાથે રહ્યા છે."

"ઇંદિરા ગાંધીએ ફરી ચૂંટાવા માટેનાં તેમનાં ચૂંટણીઅભિયાનની શરૂઆત દક્ષિણ ગુજરાતના વલસાડથી કરી હતી, જ્યાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ તીર-કામઠાં સાથે સામેલ થયા હતા. એટલે આ યાત્રા તેમના મનમાં કૉંગ્રેસ માટેની લાગણીઓ ફરી તાજી થશે. એક સમયે કૉંગ્રેસ માટે (મતની મેળવવાની દૃષ્ટિએ) ફળદ્રુપ જમીન ગણાતો આ વિસ્તાર ધીમે-ધીમે સૂકાઈ રહ્યો છે અને આ યાત્રાથી તેમાં કોઈ ફરક પડશે કે કેમ તે એક સવાલ છે."

વર્ષ 1980માં ઇંદિરા ગાંધી બાદ વર્ષ 1984માં રાજીવ ગાંધી તથા વર્ષ 2004માં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ વલસાડના લાલ ડૂંગરી ગામ ખાતેથી પ્રચારઅભિયાનની શરૂઆત કરી હતી અને સત્તા ઉપર પરત ફર્યાં હતાં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ લાલ ડૂંગરી ખાતેથી જ પ્રચારઅભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ તેમને ચૂંટણલક્ષી સફળતા નહોતી મળી.

આદિવાસી વિસ્તારોમાં ભાજપની પેઠ વધવા અંગે સમાજશાસ્ત્રી જાનીનું કહેવું છે, "દાયકાઓથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક જ શિક્ષક ભણાવતો હોય તેવી 'એકલશાળા'ના માધ્યમથી પેઠ વધારવાનો પ્રયાસ કર્યો છે. આ કામમાં રાજ્ય સરકાર અને હિંદુ ધાર્મિક સંપ્રદાયોએ પણ ભૂમિકા ભજવી છે, જેઓ આદિવાસી યુવાનોને હિંદુત્વના રંગે રંગી રહ્યા છે. તેમને પૂજાપાઠ અને મંદિરો તરફ વાળી રહ્યા છે. આ બધું કરવાથી હિંદુઓની સ્વીકૃતિ મળે છે એમ આદિવાસીઓના એક વર્ગને લાગે છે."

ગુજરાતમાં શિડ્યુલ્ડ કાસ્ટ્સ માટે 13 બેઠક અનામત છે, એમાંથી વર્તમાન વિધાનસભામાં જીગ્નેશ મેવાણી (વડગામ) તથા શૈલેષ પરમાર (દાણીલીમડા) એમ કૉંગ્રેસના બે વિધાનસભ્ય અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકો પરથી ચૂંટાઈ આવ્યા છે.

ત્યારે જાની કહે છે, "કોઈપણ સમાજમાં માળખાકીય સુધાર કરવા કરતાં ભાવનાત્મક મુદ્દો ઊભો કરીને મત મેળવવા સરળ રહે છે. હિંદુત્વને કારણે મુસ્લિમ તથા ધર્માંતરણ મુદ્દે ખ્રિસ્તી વિરોધી લાગણી ઉશ્કેરાવાથી મતોનું ધ્રુવીકરણ થાય છે. આવું જ દલિત મતદારો માટે પણ થઈ રહ્યું છે. અત્યારે સત્તા ભાજપ પાસે છે અને બંને સમાજમાંથી ચોક્કસ વર્ગને સત્તાનો લાભ મળે છે એટલે તેઓને હિંદુ દેખાવામાં પણ વાંધો નથી જણાતો."

"એક તરફ અયોધ્યામાં રામમંદિર બને છે, તો બીજી તરફ અનેક ગામડાંનાં મંદિરોમાં દલિતો માટે પ્રવેશ મુશ્કેલ છે અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. તેમને હક્ક અપાવવા માટે સામાજિકસુધાર કરવા પડે અને એમ કરવા જતાં અન્ય એક વર્ગ નારાજ થઈ જાય, એટલે ભાજપ માટે ભાવનાત્મક મુદ્દે ચૂંટણી લડવી સરળ છે તથા આને આધારે તે જીતી પણ રહ્યો છે."

વર્ષ 2011ની વસતિગણતરી પ્રમાણે, ગુજરાતમાં દસેક ટકા મુસ્લિમોની વસતિ છે અને વિધાનસભાની દસેક બેઠક ઉપર તે ચૂંટણીપરિણામોને અસર કરી શકે છે. છતાં પંદરમી વિધાનસભા દરમિયાન કૉંગ્રેસના ઇમરાન ખેડાવાલા (ખાડિયા) સ્વરૂપે એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે.

ભારત જોડો યાત્રા 2.0

આ પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તા. સાતમી સપ્ટેમ્બર 2022થી પિતા રાજીવ ગાંધીના સ્મારકસ્થળ શ્રીપેરામ્બદુર ખાતેથી 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરી હતી. જે દરમિયાન તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની લગભગ ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો.

આ યાત્રા મોટાભાગે પગપાળા ખેડી હતી અને તે તા. 30 જાન્યુઆરી 2023ના દિવસે આ યાત્રા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે સમાપ્ત થઈ હતી.

રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન કર્ણાટક અને હિમાચલ પ્રદેશને નોંધપાત્ર દિવસ ફાળવવામાં આવ્યા હતા અને ત્યાં કૉંગ્રેસે સત્તા ઉપર પુનરાગમન કર્યું હતું, ત્યારે પાર્ટીને આશા છે કે આ નવીન યાત્રાથી પણ પાર્ટીના ચૂંટણીલક્ષી પ્રદર્શનમાં સુધારો થશે.

ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રેકર્ડ 156 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. એ પછી કૉંગ્રેસના બે અને આપના એક ધારાસભ્ય પાર્ટી છોડી ગયા છે. જ્યારે ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પદ પરથી રાજીનામું ધરી દીધું છે, એમની ઘરવાપસીની ચર્ચા છે.

ગત બે વખતથી રાજસ્થાનની તપાસ 25 બેઠક ઉપર ભાજપ કે એનડીએનો વિજય થયો છે, જ્યારે મધ્ય પ્રદેશમાં આંગળીના વેઢે ગણી શકાય, એટલી બેઠકો જ ગુમાવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને આરપીઆઈ છે. જ્યારે કૉંગ્રેસની સાથે શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસનું શરદ પવાર જૂથ છે.

ભારતમાં ચૂંટણી જાહેર થયેથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે. ગત વખતે તા. 10મી માર્ચ 2019ના રોજ 17મી લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે એજ દિવસે મુંબઈ ખાતે રાહુલ ગાંધીની રેલી સમાપ્ત થવાની છે. જો ચૂંટણીપંચ દ્વારા ગત વખત કરતાં અમુક દિવસ વહેલો ચૂંટણીકાર્યક્રમ જાહેર કરવામાં આવશે, તો આ યાત્રામાં ટેકનિકલ અડચણ ઊભી થઈ શકે છે.