લોકસભા ચૂંટણી પહેલાં પાંચ વાર કૉંગ્રેસના સાંસદ રહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાયા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં રાઠવા ભાજપમાં જોડાયા હતા.

નારણ રાઠવાની સાથે અન્ય નેતાઓ અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે આજે 10 હજારથી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ છે અને તેમનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થાય છે. રાઠવા યુપીએની સરકાર સમયે રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

રાઠવાનું ભાજપમાં જવાથી ચૂંટણી પહેલાં કૉંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કેમ કે નારણ રાઠવા આદિવાસી પટ્ટામાં પ્રભુત્વ ધરાવે છે. હવે તેમના ભાજપમાં જોડાવાથી ભાજપ આદિવાસી વિસ્તારમાં મજબૂત થાય તેવી પણ શક્યતા છે.

નારણ રાઠવા કૉંગ્રેસ છોડીને ભાજપમાં કેમ જોડાયા?

નારણ રાઠવા ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં મોટું નામ ગણાય છે. તેઓ છોટાઉદેપુરથી પાંચ વાર લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે.

પહેલી વાર 1989માં સાંસદ બન્યા હતા, બાદમાં 1991, 1996, 1998 અને છેલ્લે 2004માં ચૂંટાયા હતા.

નારણ રાઠવાની સાથે તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેમણે કૉંગ્રેસ છોડવાનું કારણ 'કૉંગ્રેસમાં નિર્ણયશક્તિનો અભાવ' ગણાવ્યું છે.

નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે "કૉંગ્રેસ હારનો સામનો કર્યા પછી પાર્ટીને ફરી બેઠી કરવામાં અસમર્થ છે. એટલા માટે ત્યાં નિર્ણય લેવાનો કોઈ પ્રયાસ થતો નથી. રાહુલ ગાંધી દેશભરમાં ન્યાય યાત્રા કરી રહ્યા છે, પણ પાર્ટીના શિક્ષિત યુવાનોને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. કૉંગ્રેસ પાસે મજબૂત યુવા આધાર હતો, પણ પાર્ટી તરફથી તેમને પ્રોત્સાહન મળતું નથી."

તેમણે વધુમાં કહ્યું કે "આટલાં વર્ષોથી પાર્ટીમાં હોવાથી પાર્ટી છોડવાનો નિર્ણય સહેલો નથી, પણ બીજો કોઈ રસ્તો પણ નથી. દર વર્ષે પાર્ટી તૂટી રહી છે, અસ્તવ્યસ્ત થઈ રહી છે."

આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટીનું 'રાજ'

જાણકારો માને છે કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં 'રાઠવારાજ' ચાલે છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા.

ત્રણેય એકબીજાના સંબંધી મનાય છે. અગાઉ મોહનસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

હવે નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને અસર થઈ શકે છે.

હાલમાં છોટાઉદેપુરથી ભાજપનાં ગીતાબહેન રાઠવા વર્તમાન સાંસદ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભામાં તમામ સીટ ભાજપ જીતતો આવે છે.