હૅનરિક ક્લાસેન: હારેલી ટીમનો એ હીરો જેણે ભારતના કરોડો લોકોના શ્વાસ અધ્ધર ચડાવી દીધા હતા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આઈસીસી ટ્રોફીના એક દાયકા દુકાળને ખતમ કરતાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

દિલધડક ફાઇનલમાં ભારતે માત્ર સાત રનથી વિજય મેળવ્યો હતો.

વર્લ્ડકપનો આ ફાઇનલ મુકાબલો ક્યારેય એકતરફી રહ્યો ન હતો. તેમાં પહેલેથી અંત સુધી ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

177 રનના પડકારનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ નબળી શરૂઆત કરી હતી. પરંતુ એક તબક્કે ભારતની હાર નિશ્ચિત થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને દક્ષિણ આફ્રિકાએ પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું.

દક્ષિણ આફ્રિકાના ધુંઆધાર વિકેટકીપર બૅટ્સમૅન હૅનરિક ક્લાસેને 27 બૉલમાં 52 રનની ઝંઝાવાતી ઇનિંગ રમી હતી. તેમની ઇનિંગને કારણે ભારતીય દર્શકોના શ્વાસ થંભી ગયા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમ ભલે હારી ગઈ પરંતુ ક્લાસેનની લડાયક ઇનિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

જ્યારે ક્લાસેને શ્વાસ થંભાવી દીધા

177 રનના પડકારનો પીછો કરી રહેલા દક્ષિણ આફ્રિકાની ટીમનો સ્કોર 14 ઓવર બાદ ચાર વિકેટે 123 રન હતો.

હજુ દક્ષિણ આફ્રિકાને જીત માટે છ ઓવરમાં 54 રન કરવાના હતા. ક્રીઝ પર હૅનરિક ક્લાસેન અને ડૅવિડ મિલર હતા.

રોહિત શર્માએ અક્ષર પટેલને બૉલિંગ આપી.

પહેલાં જ બૉલે જ ક્લાસેને ચોગ્ગો ફટકાર્યો અને અક્ષર પટેલે પછીના બે બૉલ વાઇડ ફેંક્યા હતા.

ત્યારબાદ એક ડૉટ બૉલ ફેંકાયો.

પછીના બે બૉલમાં ક્લાસેને બે ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે બંને શોર્ટ બૉલ ફેંક્યા હતા જેનો ક્લાસેને ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.

ઓવરના પાંચમાં બૉલે ફરીથી ક્લાસેને ચોગ્ગો ફટકાર્યો અને અંતિમ બૉલે બે રન લીધા હતા.

આમ, એક જ ઑવરમાં ક્લાસેને 24 રન ફટકાર્યા હતા અને હવે દક્ષિણ આફ્રિકાને જીત માટે 30 બૉલમાં 30 રનની જ જરૂર હતી.

આ એવો તબક્કો હતો જ્યારે મોટાભાગના ભારતીય દર્શકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.

જોકે, સત્તરમી ઑવરના પહેલા બૉલે જ હાર્દિક પંડ્યાએ ક્લાસેનને આઉટ કરતાં ભારતે મૅચમાં પુનરાગમન કર્યું હતું.

ચારેકોર થઈ રહી છે ક્લાસેનની ચર્ચા

મૅચ બાદ ક્રિકેટ ઍક્સપર્ટ હર્ષા ભોગલેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકાએ પણ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેના માટે તેઓ અભિનંદનને પાત્ર છે. ક્લાસેનના સ્વરૂપમાં તેમને વ્હાઇટ બૉલ ક્રિકેટમાં આપણી જનરેશનનો શ્રેષ્ઠ બૅટ્સમેન મળ્યો છે. આજની તેની ઇનિંગ એ અતિશય ઉચ્ચતમ કક્ષાની હતી."

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લખ્યું હતું કે, "ક્લાસેનની રમત ખરેખર ખૂબ જ શ્રેષ્ઠ છે. તેમના વખાણ અને પ્રશંસા કરી શકીએ."

સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સ હૅનરિક ક્લાસેનની પ્રશંસા કરી રહ્યા છે.

ઍક્સ પર સુરેશ ઇએવી નામના એક યુઝરે લખ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકાએ આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ક્લાસેને લગભગ મૅચ ઝૂંટવી જ લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે જીત હાથવેંતમાં જ હતી, પણ ઘણી દૂર રહી ગઈ."

રાજ નિરૂપમ ત્રિપાઠી નામના એક યુઝરે ઍક્સ પર લખ્યું હતું કે, "ક્લાસેનને ખરેખર બિરદાવવા જોઈએ. તેઓ ખૂબ જ સાઇલન્ટ ક્રિકેટર છે પરંતુ જ્યારે બેટિંગ કરવા આવે છે ત્યારે વાવાઝોડું બનીને આવે છે."

ઝંઝાવાતી બૅટિંગથી સર્જ્યા છે અનેક રેકૉર્ડ્સ

દક્ષિણ આફ્રિકાના 32 વર્ષીય વિકેટકીપર બૅટ્સમેન હૅનરિક ક્લાસેન એ જમણેરી બૅટ્સમેન છે.

ઇએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે ક્લાસેન જબરદસ્ત સિક્સ-હિટિંગ માટે જાણીતા છે.

તેમણે 27 વર્ષની ઉંમર થઈ ગયા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું હતું અને એ પણ એવું કહી શકાય કે નસીબજોગે. ક્વિંટન ડી કૉકની ઈજાને કારણે તેમને ઓપનિંગ કરવાનો મોકો મળ્યો પરંતુ ધીરેધીરે તેમણે તેમનું સ્થાન મિડલ ઑર્ડરના બૅટ્સમેન તરીકે જમાવી દીધું.

તેઓ વિસ્ફોટક ઇનિંગ રમવા માટે જાણીતા છે. 2018માં સેન્ચુરિયનમાં તેમણે રમાયેલી બીજી ટી-20માં તેમણે 30 બૉલમાં ફટકારેલા 69 રન હજુ પણ ભારતીય દર્શકોને યાદ હશે.

નંબર 5 કરતાં નીચેના ક્રમે ઊતરીને 84 બૉલમાં તેમણે ઑસ્ટ્રેલિયા સામે 173 રનની ધૂંઆધાર ઇનિંગ રમી હતી. લૉઅર ઑર્ડરના બૅટ્સમેને રમેલી આ બીજી સૌથી મોટી ઇનિંગ હતી.

સ્પિન સામે રમવામાં તેમને અતિશય ફાવટ છે. 2023 આઈપીએલમાં સ્પિન સામે ક્લાસેનનો સ્ટ્રાઇકરેટ 191 અને સરેરાશ 132ની રહી હતી.

તેમણે 54 વન-ડે મૅચમાં 1723 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને છ અડધી સદી સામેલ છે.

આ સિવાય 52 ટી-20 મૅચમાં 912 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી સામેલ છે.