You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોહલી-રોહિતની નિવૃત્તિથી દ્રવિડના જોમ સુધી, એ મૅચ જે ભારત માટે ઐતિહાસિક બની ગઈ
ભારતે આઈસીસી ટી20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજીવાર ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલા ટી20 વર્લ્ડકપના ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી દીધું હતું.
આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઊજવણીનો માહોલ છે કારણ કે ભારતે દસ વર્ષ પછી કોઈ આઈસીસી ટ્રૉફી પોતાના નામે કરી છે.
રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે પહેલી વાર આઈસીસી ટ્રૉફી જીતી છે.
જીત બાદ ભારતીય ખેલાડીઓ પણ ભાવુક બન્યા હતા અને મેદાન પર ઉજવણી સાથે ખેલાડીઓની આંખમાં આંસુ પણ જોવાં મળ્યાં હતાં.
કોહલીએ ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી
ભારતના શાનદાર બૅટ્સમૅન વિરાટ કોહલીનું ફૉર્મ આ સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ચર્ચાનો વિષય બન્યું હતું. સમગ્ર વર્લ્ડકપ દરમિયાન તેઓ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
પરંતુ ફાઇનલ મૅચમાં તેમણે શાનદાર અડધી સદી ફટકારી હતી અને ‘પ્લૅયર ઑફ ધી મૅચ’ બન્યા હતા. પરંતુ આ સાથે જ તેમણે ભારતીય ચાહકોને ગમગીન કરી મૂકે તેવી જાહેરાત કરી હતી.
જીત બાદ કોહલીએ કહ્યું હતું કે, “આ મારો છેલ્લો ટી20 વર્લ્ડકપ હતો. આ એ જ છે જે અમારે મેળવવું હતું. ક્યારેક તમને એવું લાગે કે તમારાથી એક પણ રન બનતો નથી અને ક્યારેક આજે બન્યું એવું જ કંઈક બને છે. ગૉડ ઈઝ ગ્રેટ. આ મારી ભારત માટે પણ છેલ્લી ટી20 મૅચ હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, “અમારે વર્લ્ડકપ જીતવો હતો. આ ઑપન સીક્રેટ જ હતું. અમે હારી ગયા હોત તો પણ હું આ જાહેરાત કરવાનો હતો. હવે ટી20ની રમતને નવી જનરેશને આગળ લઈ જવાની છે. અમારે આ પળ માટે ઘણી રાહ જોવી પડી, આઈસીસી ટુર્નામેન્ટ જીતવા માટે અમારે ઘણી રાહ જોવી પડી. રોહિતે નવ ટી20 વર્લ્ડકપ રમ્યા અને મારો છઠ્ઠો વર્લ્ડકપ હતો. તેઓ આ જીતના હકદાર છે.”
વિરાટ કોહલીએ 124 આંતરરાષ્ટ્રીય ટી20 મૅચમાં 48.38ની સરેરાશથી 4112 રન બનાવ્યા છે.
તેમણે ટી20માં 37 અડધી સદી અને એક સદી ફટકારી હતી.
“છ મહિનાથી જાણે કે કોઈની સાથે બોલ્યો નથી”
વર્લ્ડકપ વિજય બાદ હાર્દિક પંડ્યાના હાથમાં ત્રિરંગો હતો અને તેમની આંખોમાં આંસુ જોઈ શકાતાં હતાં.
તેમણે કહ્યું હતું કે, “આ ખૂબ ભાવુક પળ છે, અમારા માટે ખૂબ મહત્ત્વની છે. અમે ઘણા સમયથી ખૂબ મહેનત કરી રહ્યા હતા પણ કંઈક એવું બની જતું હતું કે અમને પરિણામ મળતું નહોતું. પણ આજે સમગ્ર દેશને જે અપેક્ષા હતી એ પરિણામ મળ્યું છે.”
પોતાના વિશે વાત કરતાં હાર્દિક પંડ્યાએ ભાવુક અવાજમાં કહ્યું હતું કે, “આ જીત મારા માટે ખૂબ ખાસ છે. મારા છ મહિના કેમ વીત્યા છે એ મને જ ખબર છે. હું એક પણ શબ્દ જાણે કે બોલ્યો નથી. હું જાણતો હતો કે મારે મહેનત કરવાની છે અને બતાવવાનું છે, મારા હાથમાં ફક્ત આટલું જ હતું.”
હાર્દિક પંડ્યાએ પણ આ મૅચમાં ઉત્કૃષ્ટ બૉલિંગનું પ્રદર્શન કરતાં ત્રણ મહત્ત્વની વિકેટો ઝડપી હતી.
રોહિત શર્માએ કહ્યું, "આ મારા માટે સૌથી મોટી ખુશીની પળ”
ભારતીય કૅપ્ટન રોહિત શર્માના ચહેરા પર ભવ્ય જીત બાદ સંતોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
તેમણે જીત બાદ કહ્યું હતું કે, “છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અમે જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા તેને વર્ણવવી અહીં અઘરી છે. વ્યક્તિગત એક ખેલાડી અને એક ટીમ તરીકે અમે સખત મહેનત કરી છે.”
“હું જાણે કે ખોવાયેલો છું. અત્યારે મારા માટે કહેવું અઘરું છે કે આ કેવી ફિલિંગ હતી. અમે જીતી ગયા એ જ મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે.”
જીત બાદ તેમણે વિરાટ કોહલી અંગે પણ ફરીથી કહ્યું હતું કે, “હું કે બીજા કોઈ પણ તેમના ફૉર્મ અંગે શંકાસ્પદ ન હતા. અમે એ વાતથી આશ્વસ્ત હતા કે તેમની પાસે શું ક્વૉલિટી છે. તેમણે 15 વર્ષથી આ રમત રમી છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે આવા મોટા ખેલાડીનો અનુભવ કામ લાગે છે.”
મૅચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પણ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી પછી તેમની પણ આ જાહેરાતથી ક્રિકેટચાહકો ચોંકી ઊઠ્યા હતા.
રોહિત શર્માએ તેમની ટી-20 કારકિર્દીમાં 159 મૅચમાં 31.34ની સરેરાશથી 4231 રન બનાવ્યા છે. તેમણે 32 અડધી સદી અને પાંચ સદી ફટકારી છે.
કૉચ રાહુલ દ્રવિડને વિદાય
આ જીત સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના કૉચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ પૂર્ણ થયો હતો.
રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારત સતત ત્રણ વાર આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યું હતું, પરંતુ અંતે પહેલી વાર ટીમ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી છે.
હાર્દિક પંડ્યાએ જીત બાદ રાહુલ દ્રવિડ અંગે પણ કહ્યું હતું કે, “તેમના માટે પણ હું ખૂબ ખુશ છું. તેઓ ખરેખર જોરદાર વ્યક્તિ છે. તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તેમની સાથે અમારા સંબંધો ખૂબ સારા રહ્યા અને અમે મિત્રો બની ગયા.”
ટ્રૉફી હાથમાં આવ્યા બાદ વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડને બોલાવ્યા હતા અને રાહુલ દ્રવિડે પણ તેમની ખુશી વ્યક્ત કરી હતી.
જાણકારો અનુસાર તેમને આ રીતે ખુશી વ્યક્ત કરતાં સમગ્ર કારકિર્દી દરમિયાન પણ ક્યારેય જોઈ શકાયા નથી.