You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
“અમે અહીંથી ‘વિશ્વાસ’ લઈને જઈ રહ્યા છીએ” – અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને આવું કેમ કહ્યું?
આઈસીસી ટી20 વર્લ્ડકપ-2024ની પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી દીધું છે.
ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં જીત સાથે જ દક્ષિણ આફ્રિકાએ પહેલી વાર વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
બીજી સેમીફાઈનલમાં ભારત અને ઇંગ્લૅન્ડમાંથી જે ટીમ વિજેતા થશે તેની સામે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા ટકરાશે.
આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનાં પ્રદર્શનને જોતાં દક્ષિણ આફ્રિકા સામે અતિશય રોમાંચક મુકાબલો ખેલાશે તેવી અપેક્ષા હતી. પરંતુ સેમીફાઈનલમાં આશાથી વિપરીત દક્ષિણ આફ્રિકાને ખૂબ આસાન જીત મળી હતી.
અફઘાનિસ્તાનને માત્ર 56 રનમાં ઑલઆઉટ કરી દેવાયું
ટોસ જીતીને અફઘાનિસ્તાનનો બેટિંગ કરવાનો નિર્ણય જ જાણે કે તેમના માટે સૌથી મોટી ભૂલ સાબિત થયો હતો.
માર્કો યાનસેન અને રબાડાની બૉલિંગ સામે જાણે કે અફઘાનિસ્તાનનો ટૉપ ઑર્ડર ધરાશાયી થઈ ગયો હતો.
માત્ર 3.4 ઓવરમાં જ અફઘાનિસ્તાનનો સ્કોર 4 વિકેટ 20 રન થઈ ગયો હતો.
પહેલા પાવરપ્લેની વાત કરીએ તો અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને છ ઓવરમાં માત્ર 28 રન બનાવ્યા હતા. જ્યારે 10 ઓવર પછી અફઘાનિસ્તાન 8 વિકેટ ગુમાવીને માત્ર 50 રન બનાવી શક્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાનની ટીમ માત્ર 11.5 ઓવર જ રમી શકી અને સૌથી વધુ અજમતુલ્લાહ ઉમરઝઈએ 10 રન બનાવ્યા હતા. બાકી કોઈપણ ખેલાડી ડબલ ફિગર સુધી પણ પહોંચી ન શક્યો.
સમગ્ર ટીમ માત્ર 56 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યાનસેને ત્રણ ઓવરમાં 16 રન આપીને ત્રણ બૅટ્સમૅનોને આઉટ કર્યા હતા, જ્યારે શમ્સીએ માત્ર 1.5 ઓવરમાં છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કાગિસો રબાડા અને એનરિક નોર્ખિયાએ પણ બે-બે વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાએ આસાનીથી પડકાર પાર પાડ્યો
માત્ર 57 રનના પડકારને દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં જ એક વિકેટે પાર પાડ્યો હતો અને જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી રેઝા હૅનરિક્સે 29 અને માર્ક્રમે 23 રન બનાવ્યા હતા.
આ સાથે જ આઈસીસી વર્લ્ડકપની સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી હોય તેવું પ્રથમ વાર બની રહ્યું છે.
અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાએ સાત સેમીફાઈનલ મુકાબલા રમ્યા હતા જેમાંથી છમાં તેની હાર અને એક મૅચ ટાઈ થઈ હતી.
આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ તેના પર લાગેલું ‘ચૉકર્સનું ટેગ’ તોડવામાં સફળતા મેળવી છે.
હાર બાદ રાશિદ ખાન શું બોલ્યા?
હાર બાદ અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને કહ્યું હતું કે, “આ અઘરું છે, ટીમ તરીકે આ હાર સ્વીકારવી અઘરી છે. અમારે વધુ સારી રમતનું પ્રદર્શન કરવું હતું પરંતુ પરિસ્થિતિઓએ અમારે જે કરવું હતું એ ન થવા દીધું. આને જ ટી20 ક્રિકેટ કહેવાય છે. તમારે દરેક પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડે છે.”
“અમે ટુર્નામેન્ટમાં ખરેખર આનંદ માણ્યો છે. અમે સેમીફાઇનલમાં રમવું અને દક્ષિણ આફ્રિકા જેવી મોટી ટીમ સામે હારી જવું તેને સ્વીકારીએ છીએ. અમારા માટે આ શરૂઆત છે. અમારી પાસે વિશ્વાસ છે અને એક ભરોસો છે કે અમે ગમે તે ટીમને હરાવી શકીએ છીએ. અમારા માટે આ શીખવાનો શાનદાર તબક્કો રહ્યો. જો અમને કોઈ એક વસ્તુ લઈને અહીંથી જઈ રહ્યા છીએ તો એ છે ‘વિશ્વાસ’. ”
તેઓ કહે છે કે, “અમને ખ્યાલ છે કે અમારી પાસે સ્કિલ્સ છે, માત્ર અમારે અઘરી પરિસ્થિતિઓ, દબાણભરી પરિસ્થિતિઓમાં કામ કરતાં શીખવાનું છે.”
અહીં ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પણ પહેલી વાર કોઈ આઈસીસી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચ્યું હતું.
આ વર્લ્ડકપમાં તેણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવી મોટી ટીમોને હરાવીને સફળતા મેળવી હતી.