અફઘાનિસ્તાનનું ઑસ્ટ્રેલિયાને હરાવવું એ કેમ હવે ઊલટફેર ન કહી શકાય?

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે

ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે. અફઘાનિસ્તાને આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં શક્તિશાળી મનાતી ઑસ્ટ્રેલિયાની ટીમને કિંગ્સટાઉન મેદાન પર હરાવીને ફરી એક વાર આ વાતને સાબિત કરી છે.

પરંતુ આ પરિણામને ઊલટફેર કે અપસેટ સર્જાયો એમ કહેવું એ હવે અફઘાનિસ્તાનની ટીમને ઓછી આંકવા બરાબર નથી?

જે પરિસ્થિતિઓમાં અને જે ઝડપે અફઘાનિસ્તાનની ટીમ આ મુકામ સુધી પહોંચી છે અવિશ્વસનીય છે. પરંતુ આ પરિણામોના સંકેત આપણને ગત વર્લ્ડકપમાં જ મળી ગયા હતા.

રાશિદ ખાનની કૅપ્ટન્સીમાં અફઘાનિસ્તાનની ટીમે પહેલી વાર ઑસ્ટ્રેલિયાને હરાવી દીધું છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

બંને ટીમો વચ્ચે વન-ડેમાં ચાર અને ટી20માં બે મુકાબલા રમાયા છે.

વન-ડેમાં અફઘાનિસ્તાનની ટીમ ઑસ્ટ્રેલિયા સામે ક્યારેય જીતી નથી પરંતુ ટી20માં બીજી જ મૅચમાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને હરાવી દીધું અને ઇતિહાસ રચી દીધો છે.

જોકે, લીગ મૅચમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલૅન્ડને પણ હરાવ્યું હતું.

2023માં રમાયેલા વર્લ્ડકપની મૅચમાં પણ અફઘાનિસ્તાનની ટીમ ઑસ્ટ્રેલિયા સામે જીત મેળવતા રહી ગઈ હતી.

જોકે, ગ્લૅન મૅક્સવેલની બેટિંગને કારણે ત્યારે ઊલટફેર થતાં રહી ગયો હતો.

અહીં એ પણ યાદ રાખવાની જરૂર છે કે અફઘાનિસ્તાન એટલી આસાનીથી ત્યારે પણ હાર્યું ન હતું. તેના માટે ગ્લૅન મૅક્સવેલે એવી ઇનિંગ રમવી પડી હતી કે જે ક્રિકેટ ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ઇનિંગમાં સામેલ થઈ.

પરંતુ આ વખતે અફઘાનિસ્તાનની ટીમે કોઈ ભૂલ ન કરી અને ઑસ્ટ્રેલિયાનો કોઈ ખેલાડી કરિશ્મો પણ ન કરી શક્યો.

ગુરબાઝ-ઝાદરાનની ભાગીદારી અને નઈબની બૉલિંગ

મૅચમાં ટોસ ઑસ્ટ્રેલિયાએ જીત્યો હતો અને અફઘાનિસ્તાનને પહેલી બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝાદરાને શાનદાર શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી.

જોકે, તેમણે આ સ્કોર 15.4 ઓવરોમાં નોંધાવ્યો હતો. ગુરબાઝે 60 અને ઝાદરાને 51 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટે 148 રન બનાવ્યા હતા.

જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર 19.2 ઓવરમાં જ ઑલઆઉટ થઈ ગઈ.

ગુલબદીન નઈબે ચાર વિકેટ ઝડપી હતી. એક સમયે તો ઑસ્ટ્રેલિયાએ માત્ર 32 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યારબાદ ગ્લૅન મેક્સવેલે માર્કસ સ્ટૉઇનિસ સાથે મળીને 39 રનની પાર્ટનરશિપ નઈબે આ ભાગીદારીને તોડી અને મૅચનું પાસું પલટાઈ ગયું.

બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા આઠ બૅટ્સમેન

મૅક્સવેલે જ્યારે આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીની 11મી અડધી સદી ફટકારી ત્યારે 2023ના વન-ડે વર્લ્ડકપની યાદ આવી ગઈ, જ્યારે મૅક્સવેલે અવિશ્વસનીય ઇનિંગ રમીને ઑસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન સામે જીત અપાવી હતી.

એવું લાગી રહ્યું હતું કે મૅક્સવેલ ફરીથી એ કરતબ દેખાડશે પરંતુ ગુલબદીને મૅક્સવેલને આઉટ કરીને ઑસ્ટ્રેલિયાની આશા પર પાણી ફેરવી દીધું.

અફઘાનિસ્તાનની સટીક બૉલિંગ સામે મૅક્સવેલ સિવાય કોઈપણ ખેલાડી 15 રન પણ બનાવી ન શક્યો.

ટ્રેવિસ હેડ(0), ડૅવિડ વૉર્નર (3), કૅપ્ટન મિશેલ માર્શ (12), માર્કસ સ્ટૉઇનિસ(11), ટિમ ડેવિડ (2), મેથ્યૂ વેડ (5), પેટ કમિન્સ(3), એશ્ટન અગર(2) અને એડમ ઝામ્પા (9) એમ તમામ બૅટ્સમેન નિષ્ફળ રહ્યા.

અફઘાનિસ્તાનની આ જીતથી હવે સુપર-8ના ગ્રુપ-1માં સેમિફાઇનલની જંગ રોચક બની ગઈ છે.

હવે ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન એમ બંનેના બે-બે પોઇન્ટ છે. ઑસ્ટ્રેલિયાને તેની છેલ્લી મૅચ ભારત સામે અને અફઘાનિસ્તાનને બાંગ્લાદેશ સામે રમવાની છે.

બંને ટીમો માટે છેલ્લી મૅચ જીતવી આવશ્યક છે.

2023માં રમાયેલા વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, પહેલી મૅચમાં તેને બાંગ્લાદેશે જ્યારે બીજી મૅચમાં તેને ભારતે હરાવી દીધું હતું.

પરંતુ અફઘાનિસ્તાનની ટીમનું મનોબળ ન તૂટ્યું. અફઘાનિસ્તાને ત્યારપછીની મૅચમાં ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને હરાવીને તરખાટ મચાવી દીધો હતો અને ત્યારબાદ પાકિસ્તાનને પણ હરાવી દીધું હતું.

જ્યારે પાકિસ્તાન પર મેળવી મોટી જીત

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ચેન્નાઈમાં હશમતુલ્લાહ શાહિદીની કપ્તાનીમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે કૅપ્ટન બાબર આઝમ અને અબ્દુલ્લા શફીકની અડધી સદીની મદદથી સાત વિકેટે 282 રન બનાવ્યા હતા.

18 વર્ષીય નૂર અહેમદે અફઘાનિસ્તાન માટે તેની પ્રથમ વર્લ્ડકપ મૅચ રમીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઇબ્રાહિમ ઝાદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝની ઓપનિંગ જોડીની ભાગીદારીને કારણે અફઘાનિસ્તાને એક ઓવરમાં આઠ વિકેટે શાનદાર જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો હતો.

આમ, અફઘાનિસ્તાનની ટીમે ટૂંકા ગાળામાં ઝડપથી પ્રગતિ કરી છે.

ગત વર્લ્ડકપમાં ટીમના મેન્ટર રહેલા અજય જાડેજાનું માનવું છે કે અફઘાનિસ્તાનના ખેલાડીઓની સૌથી મોટી ખાસિયત તેમની નિર્ભયતા છે.

તેઓ કોઈપણ ટીમને ટક્કર આપવાનું મનોબળ ધરાવે છે.

તાલિબાનની ચેતવણી

આ જીત અનેક રીતે ખાસ છે. કારણ કે દુનિયાને એ તસવીરો યાદ છે જ્યારે તાલિબાનને સત્તા સોંપીને અમેરિકી સૈનિકો પાછા જઈ રહ્યા હતા.

તાલિબાનના કોપથી બચવા માટે અફઘાન નાગરિકો દેશ છોડીને ભાગી રહ્યા હતા. કેટલાક લોકો તો અમેરિકી વિમાનો ઉપર ચડી ગયાં હતાં.

હાલમાં જ તાલિબાનના સર્વોચ્ચ નેતાએ અફઘાનિસ્તાનના લોકોને પૈસૈ કમાવા કે સાંસારિક સન્માન મેળવવા સામે ચેતવણી જાહેર કરી હતી. તેમનું કહેવું હતું કે દેશ માનવીય સંકટમાં છે અને વૈશ્વિક મંચ પર બીજાથી અલગ પડી ગયો છે.

આવી ચેતવણી પછી પણ અફઘાનિસ્તાનની ટીમની આ સફળતા વખાણવાલાયક છે.

દુનિયાના નકશા પર અફઘાનિસ્તાનની આ તસવીર અતિશય ભયાવહ છે.

કોલ્ડ વૉર દરમિયાન દાયકાઓ સુધી બે મહાશક્તિઓ સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેની ખેંચતાણનો શિકાર રહેલું અફઘાનિસ્તાન ચાર દાયકાથી ભૂખ, ગરીબી, લાચારી, વિવશતા અને જુલમ સામે લડી રહ્યું છે.

પ્રાકૃતિક અને માનવીય ત્રાસદી વચ્ચે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ એ આશાનું કિરણ છે.

ક્રિકેટની સફળતાથી અફઘાનીઓ તેમની પીડાને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. દરેક જીત તેમના માટે મલમ સમાન છે.

પાકિસ્તાનમાં જ અફઘાનિસ્તાને ક્રિકેટ શીખ્યું

1979માં જ્યારે રશિયાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે લાખો લોકોએ પાકિસ્તાન પલાયન કર્યું હતું.

તેમણે શરણાર્થી શિબિરોમાં ક્રિકેટ રમ્યું અને ત્યાં જ ક્રિકેટ શીખ્યું. એ જ લોકો જ્યારે અફઘાનિસ્તાન પરત ફર્યા ત્યારે ક્રિકેટ તેમની સાથે આવ્યું.

તમામ વિરોધવંટોળ વચ્ચે 1995માં અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડની સ્થાપના થઈ.

જોકે, પહેલાં તો તાલિબાને ક્રિકેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો પણ તેની લોકપ્રિયતાને ધ્યાને લેતાં તેણે વર્ષ 2000માં તેને માન્યતા આપવી પડી હતી.

નાની લીગમાં રમવાથી માંડીને ટેસ્ટનો દરજ્જો મેળવ્યા સુધી ટીમે લાંબી સફર ખેડી છે અને એ પણ ઘણા ઓછા સમયગાળામાં.

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અતિશય ઝડપથી પ્રગતિ કરી છે. ટીમે 2010માં આઈસીસી ટી20 વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ કર્યું હતું.

2012માં અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાની પ્રથમ વન-ડે મૅચ રમી હતી જેમાં તેમની સાત વિકેટથી હાર થઈ હતી. 2013 સુધીમાં અફઘાનિસ્તાનની ટીમ આઈસીસીની ઍસોસિયેટ સભ્ય ટીમ પણ બની ગઈ.

2017માં અફઘાનિસ્તાન અને આયરલૅન્ડને ટેસ્ટ સ્ટેટસ પણ મળી ગયું.

અફઘાનિસ્તાન અને આયરલૅન્ડ 11માં અને 12માં ટૅસ્ટ સ્ટેટસ પામનારા દેશો બની ગયા. 2018માં અફઘાનિસ્તાને ભારત સામે પહેલી ટૅસ્ટ મૅચ રમી હતી.

અફઘાનિસ્તાનમાં સૌથી લોકપ્રિય રમત

અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકામાં ક્રિકેટની લોકપ્રિયતા અતિશય વધી છે. હવે ક્રિકેટ અહીં સૌથી વધુ જોવાતી રમત છે. જ્યારે અફઘાનિસ્તાન જીતે છે ત્યારે દેશમાં તહેવાર જેવો માહોલ થઈ જાય છે.

એવા પણ લોકો છે કે જેમને ક્રિકેટ વિશે વધુ સમજ નથી પરંતુ અફઘાનિસ્તાનના ઝંડાને લહેરાતો જોવા માટે તેઓ મૅચ જુએ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનના આ સફરમાં ભારત અને બીસીસીઆઈ તેના સાથી રહ્યા છે. વન-ડે અને ટૅસ્ટનો દરજ્જો અપાવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહી છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને જોકે આઈસીસી અને અન્ય દેશો તરફથી સહયોગની જરૂર છે.

તેમની પાસે ક્રિકેટનું પ્રાથમિક માળખું નથી. એકમાત્ર વિશ્વસ્તરીય મેદાન કાબુલમાં છે. પરંતુ અહીં હજુ એકપણ આંતરરાષ્ટ્રીય મૅચનું આયોજન થયું નથી. ભારત એ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું બીજું ઘર રહ્યું છે.

પોતાના દેશમાં સુવિધાઓના અભાવમાં અફઘાની ટીમે લખનૌ, ગ્રેટર નોઇડા અને દેહરાદૂનને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું હતું. હાલમાં અફઘાનિસ્તાને શારજાહને પોતાનું ઘર બનાવેલું છે.

એવું કહી શકાય કે ક્રિકેટ અફઘાનિસ્તાન માટે આશાનું પ્રતીક અને રાષ્ટ્રીય ગૌરવનું સ્રોત બની ગયું, જે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે પ્રયાસરત યુદ્ધગ્રસ્ત દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

ક્રિકેટ એ અફઘાની લોકોના સમર્પણ, દૃઢતા અને અડગ ભાવનાનું પ્રતીક છે.