ચાર ઓવરમાં એક પણ રન ન આપ્યો અને ત્રણ વિકેટ લીધી, રેકૉર્ડ બનાવનાર ન્યૂઝીલૅન્ડનો ખેલાડી કોણ છે?

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વિશ્વકપમાં ન્યૂઝીલૅન્ડ અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે સોમવારે રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે સાત વિકેટે આસાન વિજય મેળવ્યો હતો.

ન્યૂઝીલૅન્ડે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલૅન્ડના ફાસ્ટ બોલરોની સામે પાપુઆ ન્યૂ ગિનીના બિનઅનુભવી બૅટ્સમૅનો કોઈ ખાસ કમાલ ન કરી શક્યા અને ટીમ માત્ર 78 રનના સ્કોર પર ઑલ આઉટ થઈ ગઈ હતી.

ચાર્લ્સ અમીનીએ પાપુઆ ન્યૂ ગિની તરફથી સૌથી વધારે 17 રન ફટકાર્યા હતા. જ્યારે ન્યૂઝીલૅન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને ત્રણ અને ટિમ સાઉથી, ટ્રેન્ટ બૉલ્ટ અને ઈશ સોઢીએ બે-બે વિકેટો ઝડપી હતી.

ન્યૂઝીલૅન્ડે આ નાનકડા ટાર્ગેટને માત્ર ત્રણ વિકેટ ગુમાવી 13મી ઓવરમાં જ હાંસલ કરીને જીત નોંધાવી હતી.

ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધારે રન ઑપનર ડેનવ કૉન્વેએ કર્યા હતા. કૉન્વેએ 32 બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 35 રન ફટકાર્યા હતા. જ્યારે કૅપ્ટન કેન વિલિયમસન નાબાદ 18 રન અને ડેરિલ મિચેલે 19 રન ફટકાર્યા હતા.

જોકે, આ મૅચમાં સૌથી વધારે ચર્ચા 33 વર્ષીય ફાસ્ટ બૉલર લૉકી ફર્ગ્યુસનની ઘાતક બૉલિંગની થઈ રહી છે.

ફર્ગ્યુસનનો રેકૉર્ડ બ્રેકિંગ સ્પેલ

ન્યૂઝીલૅન્ડના 33 વર્ષીય ફાસ્ટ બૉલર લૉકી ફર્ગ્યુસને પોતાની ચાર ઓવરમાં એક પણ રન આપ્યા વગર ત્રણ વિકેટો ઝડપની વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો.

પાવરપ્લેની પાંચમી અને પોતાની પ્રથમ જ ઓવરમાં ફર્ગ્યુસને પાપુઆ ન્યૂ ગિનીના કૅપ્ટન અસદ વાળાની વિકેટ મેળવી હતી. અસદે 16 બૉલમાં માત્ર છ રન જ કર્યા હતા. ત્યારબાદ ટીમની સાતમી અને પોતાની બીજી ઓવરમાં પણ તેમણે એક પણ રન આપ્યો ન હતો.

ફર્ગ્યુસનને ત્યારબાદ 12મી ઓવર સોંપવામાં આવી હતી. પોતાના બીજા સ્પેલમાં આવતાની સાથે જ તેમણે ચાર્લ્સ અમીનીને એલબીડબલ્યુ કર્યા હતા. ચાર્લ્સ અમીનીએ પાપુઆ ન્યૂ ગિની તરફથી બે ચોગ્ગાની મદદથી સૌથી વધારે 17 રન ફટકાર્યા હતા.

ટીમની 14મી અને પોતાની અંતિમ ઓવરમાં ચાદ સોપરને ક્લીન બોલ્ડ કર્યા હતા. આમ, પોતાની ચાર ઓવરના અંતે ફર્ગ્યુસને એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટો ખેરવીને પોતાનું નામ ક્રિકેટ ઇતિહાસમાં કાયમ માટે નોંધાવી લીધું.

ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર એક જ બૉલરે પોતાની કુલ ચાર ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો. કૅનેડાના ખેલાડી સાદ બિન ઝફરે પનામા વિરુદ્ધ રમાયેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં પોતાની ચાર ઓવરોમાં એક પણ રન ખર્ચ કર્યો ન હતો.

ફર્ગ્યુસન આ પ્રકારનો રેકૉર્ડ નોંધાવનાર માત્ર બીજા ખેલાડી છે. ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસની વાત કરીએ તો ફર્ગ્યુસન પોતાની ચાર ઓવરમાં એક પણ રન ન આપનાર પ્રથમ ખેલાડી છે.

ફર્ગ્યુસનના આ જબરદસ્ત પ્રદર્શન માટે તેમણે મૅન ઑફ ધી મૅચનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે આ ખિતાબને સ્વીકારતા કહ્યું, "આ પીચ બૅટિંગ કરવા માટે મુશ્કેલ હતી અને બૉલરોનું કામ થોડું સરળ હતું. ટી-20 ફોર્મેટમાં ખૂબ ઓછા મૅચો છે જેમાં મેં બધી જ ઓવરોમાં સીમ-અપ બૉલિંગ કરી હોય અને અહીં જીત મેળવવાથી ખુશ છું."

"આ પ્રકારની વિકેટો પર સારો સ્કોર શું છે તે કહેવું મુશ્કેલ છે. અમે સારી બૉલિંગ કરી હતી અને વિરોધી ટીમો પર દબાણ રાખ્યું હતું. જોકે, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામેની હારને કારણે અમારે ભોગવવું પડ્યું, પરંતુ તે પણ રમતનો જ એક ભાગ છે."

જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ વર્લ્ડ કપના સુપર 8 સ્ટેજ સુધી પહોંચી ન શકી. ગ્રૂપ સીમાંથી વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન સુપર 8માં પહોંચ્યા હતા.

કોણ છે લૉકી ફર્ગ્યુસન?

સ્પોર્ટસ મીડિયા વેબસાઇટ ક્રિકઇન્ફો અનુસાર, લૉકી ફર્ગ્યુસન ન્યૂઝીલૅન્ડ માટે પોતાની ડૅબ્યુ મૅચ ઑસ્ટ્રેલિયા સામે 2016માં રમ્યા હતા. તેમણે પોતાની પ્રથમ જ ઑવરમાં ઑસ્ટ્રેલિયના આક્રમક બૅટ્સમૅન ડૅવિડ વૉર્નરની વિકેટ ઝડપી હતી. ફર્ગ્યુસન ત્યારથી ન્યૂઝીલૅન્ડની વ્હાઇટ બૉલ ટીમનો એક મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યા છે.

જોકે, તેમનું ટેસ્ટ મૅચમાં ડૅબ્યુ કરવા માટે ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી અને 2019માં તેમનો ટેસ્ટ ડૅબ્યુ પણ ઑસ્ટ્રેલિયા સામે જ થયો હતો. જોકે, ફર્ગ્યુસને પોતાની ડૅબ્યુ ટેસ્ટના પ્રથમ દિવસે જ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ ત્યારબાદ એક પણ ટેસ્ટ મૅચ રમ્યા નથી.

તેમણે ન્યૂઝીલૅન્ડ તરફથી 65 વન-ડે મૅચોમાં કૂલ 99 વિકેટો લીધી છે. ટી-20ની વાત કરીએ તો ફર્ગ્યુસને ન્યૂઝીલૅન્ડ તરફથી 42 ટી-20 મૅચોમાં 7.15ની ઇકોનોમી રેટ સાથે 61 વિકેટો ઝડપી છે.

લૉકી ફર્ગ્યુસન આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાઇસિંગ પુણે સુપરજાઇન્ટસ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર જેવી ખ્યાતનામ ટીમો તરફથી રમી ચૂક્યા છે.

સુપર 8 તબક્કા સુધી કોણ પહોંચ્યું?

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વખત 20 ટીમો ભાગ લઈ રહી છે.

ટુર્નામેન્ટ હવે તેમના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ભારત, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો સુપર 8માં પહોંચી છે.

સુપર 8માં ભારતના પહેલો મુકાબલો 20 જૂને અફઘાનિસ્તાન સામે બાર્બાડોઝમાં થશે. ત્યારબાદ ભારતની બીજી મૅચ 22 જૂને બાંગ્લાદેશ સામે અને ભારતની સુપર 8ની અંતિમ મૅચ ઑસ્ટ્રેલીયા સામે 24 જૂને સેન્ટ લૂસીયામાં રમાશે.