જૉસ બટલર: ઇંગ્લૅન્ડના કૅપ્ટનની એ ભૂલો જેના કારણે ભારત ફાઇનલમાં પહોંચ્યું

    • લેેખક, સામી ચૌધરી
    • પદ, ક્રિકેટ વિશ્લેષક

ભલે જૉસ બટલરે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો પરંતુ એ વાત સ્પષ્ટ છે કે એમણે મોટી ભૂલ કરી હતી. તેમણે બીજી ઇનિંગમાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જ્યાં પરિસ્થિતિઓ પહેલેથી જ ભારતના સ્પિનરો માટે અનુકૂળ હતી.

સાત મહિના પહેલાં જ્યારે બટલરના નેતૃત્ત્વમાં ઇંગ્લૅન્ડની ટીમ વન-ડે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી ત્યારે મૉર્ગને ભાર દઈને કહ્યું હતું કે મુખ્ય કૉચ મેથ્યૂ મૉટ અને જૉસ બટલરને વેસ્ટઇન્ડિઝમાં તેમના ખિતાબને ડીફેન્ડ કરવાનો મોકો આપવો જોઈએ.

જોકે, ચર્ચા તો એ વાતની પણ છે કે ઇંગ્લૅન્ડ ક્રિકેટ ફરીથી એ જ ભૂલભરેલા પથ પર આવીને ઊભું હતું જ્યાંથી મૉર્ગને ટીમનો પથ બદલ્યો હતો. મોઈન અલી, બેન સ્ટોક્સ અને આદિલ રાશિદ હવે સીનીયર ખેલાડીઓ બની ચૂક્યા છે જેમણે મૉર્ગનના સમયમાં ઇંગ્લૅન્ડ ક્રિકેટમાં ઉચ્ચતમ પ્રદાન કર્યું હતું.

ભલે ઇંગ્લૅન્ડને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવા માટે સેમીફાઇનલ સુધી રાહ જોવી પડી હોય, પરંતુ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ તેમણે જે રીતે ઑસ્ટ્રેલિયા સામે પ્રદર્શન કર્યું હતું તેનાથી એ વાત સ્પષ્ટ હતી કે તેમનું ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાવું નક્કી છે.

સ્પિન ફ્રેન્ડલી પીચ પર ફાસ્ટ બૉલરો પાસે બૉલિંગ

બટલર ભલે સેમીફાઇનલમાં પહોંચવાને પોતાની ટીમની ઉપલબ્ધિ માનતા હોય પરંતુ ઇંગ્લિશ ટીમે એ વાસ્તવિકતાનો સામનો કરવો પડશે કે આઈસીસી ટુર્નામેન્ટના મહત્ત્વના તબક્કામાં તેને નિષ્ફળતા મળી રહી છે.

ઇંગ્લૅન્ડ ક્રિકેટ માટે ચિંતાની વાત એ છે કે તેમણે ક્રિકેટના આ ફૉર્મેટમાં જે રીતે પોતાની આક્રમક બ્રાન્ડિંગ કરી હતી તેની તે છબી ધૂમિલ થવા લાગી છે. નીડર ક્રિકેટ એ બ્રિટિશ કલ્ચરનો ભાગ હતું, જે હવે ધીરેધીરે ભારતની વિશેષતા બનતી જાય છે.

બટલરે માત્ર ટૉસ જ જીત્યો ન હતો, પરંતુ ભારતના સ્પિનરોને બીજી ઇનિંગમાં બૉલિંગ કરવાનું જાણે કે સામે ચાલીને સોનેરી આમંત્રણ આપ્યું હતું. એ સિવાય તેમણે એ પણ વિચાર્યું ન હતું કે સ્પિન ફ્રેન્ડલી ગુયાનાની પીચ પર તેમના ચાર ફાસ્ટ બૉલરો શું કરશે.

મોઈન અલીને બૉલિંગ ન આપી

ઇંગ્લૅન્ડની બૉલિંગમાં પણ ટીમની પસંદગીની જેમ જ સાહસની કમી નજર આવી હતી. ધીમા ઉછાળ ધરાવતી પીચ પર ઇંગ્લૅન્ડના બૉલરો સંઘર્ષ કરી રહ્યા હતા.

જ્યારે રોહિત શર્મા સારી ફટકાબાજી કરવા લાગ્યા ત્યારે ઇંગ્લૅન્ડનું બૉલિંગ આક્રમણ નબળું દેખાવા લાગ્યું. ત્યાં સુધીમાં બટલરને સમજાઈ ગયું હતું કે ફાસ્ટ બૉલરો માટે કોઈ ફાયદો નથી. સ્પિનર આદિલ રાશિદ પણ સફળ ન થઈ શક્યા.

બટલરને એકબાજુ સીમિત સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવાનો હતો, તેમાં પણ તેઓ નિષ્ફળ નીવડ્યા. એ સ્પષ્ટ હતું કે પીચ પર સ્પિનર્સ વધુ પ્રભાવી છે તેમ છતાં મોઈન અલી પાસે પણ તેમણે બૉલિંગ ન કરાવી.

આ પ્રકારની ભૂલોને કારણે અને ખરાબ બૉલિંગ પ્રદર્શનના કારણે ભારતીય બૅટ્સમેનો 20-25 જેટલા વધુ રન બનાવવામાં સફળ રહ્યા. ઇંગ્લૅન્ડના હાથમાંથી ત્યાં જ અડધી મૅચ નીકળી ગઈ હતી.

રોહિત શર્માએ સમજી વિચારીને નિર્ણયો લીધા

ભારતીય સ્પિનરો માટે માહોલ થોડો વધુ અનુકૂળ હતો. બટલરની સરખામણીએ રોહિત શર્માએ ઘણું સમજી-વિચારીને નિર્ણયો લીધા.

ફાસ્ટ બૉલરોને સ્વિંગ ન મળતાં રોહિત શર્માએ તત્કાળ સ્પિનરોને બૉલિંગ આપી દીધી.

ધીમી પીચ પર ભારતના સ્પિનરો ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો પર ભારે પડ્યા.

આઈસીસી ઇવેન્ટ્સમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઘણી સારી પ્રતિસ્પર્ધા જોવા મળે છે. મૅચ પહેલાં ઇંગ્લૅન્ડના કૉચે કહ્યું હતું કે આ એક દિલચસ્પ મૅચ હશે કે જેમાં બંને ટીમો 40 ઑવર સુધી એકબીજાને ટક્કર આપશે.

પાવરપ્લેમાં બટલરે ઝડપી શરૂઆત કરવાની શરૂઆત કરી, પણ ટૉસ જીતીને ખોટો નિર્ણય લેવાતાં તેઓ પણ ઘણા પ્રેશરમાં દેખાતા હતા. વધુમાં ટીમની પસંદગીને કારણે તેમને નુકસાન થયું.

બટલરના અમુક નિર્ણયોને કારણે કદાચ ઇંગ્લૅન્ડની ટીમ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પણ પ્રેસ કોન્ફરન્સમાં માઇક સામે બેઠેલા બટલરને લાગ્યું કે ભારતીય મિડલ ઑર્ડરને રોકવા માટે મોઈન અલીને બૉલિંગ આપી શકાઈ હોત.