ગુજરાતી યુવતી પર અમૃતસરના સુવર્ણમંદિરમાં યોગ કરવા બદલ એફઆઈઆર, અત્યાર સુધી શું-શું થયું?

પંજાબ પોલીસે વડોદરાનાં ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અર્ચના મકવાણાને 30 જૂન સુધીમાં તપાસ માટે હાજર થવા કહ્યું છે.

શીખોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપસર અર્ચના મકવાણા સામે અમૃતસરમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે તેમણે પંજાબના અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબની પરિક્રમામાં યોગ કરતાં ફોટો શૂટ કરાવ્યું હતું અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

શીખ સમુદાયની આ મામલે કડક પ્રતિક્રિયા પછી અર્ચના મકવાણાએ તરત જ માફી માગી હતી અને કથિત આપત્તિજનક તસવીરો સહિત વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી હઠાવી દીધા હતા.

પરંતુ શિરોમણી કમિટીએ આ ઘટનાને દરબાર સાહિબના શિષ્ટાચારનું ઉલ્લંઘન ગણાવતાં પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી.

એનડીટીવી અનુસાર, પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "અર્ચનાને મોકલવામાં આવેલ એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ 30મી જૂન સુધી હાજર નહીં થાય તો તેમને વધુ બે નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ પણ તેઓ હાજર નહીં થાય તો તેમની ધરપકડ કરવા માટે એક ટીમ મોકલવામાં આવશે."

અમૃતસરના અધિક પોલીસ કમિશનર દર્પણ અહલુવાલિયાએ કહ્યું હતું કે, "પહેલાં અર્ચના મકવાણાનું નિવેદન લેવામાં આવશે અને પછી જ તેમની અટકાયત કરવામાં આવશે."

તેમણે કહ્યું કે, "અર્ચનાને પોલીસ સામે હાજર થવા માટે અને નિવેદન દાખલ કરવા માટે નોટિસ આપવામાં આવી છે."

સોશિયલ મીડિયા પોસ્ટમાં અર્ચનાએ કહ્યું છે કે હવે તે કોઈ ગુરુદ્વારામાં નહીં જાય.

અર્ચના સામે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 295-એ હેઠળ દુર્ભાવનાથી ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

એફઆઈઆર પછી અર્ચનાનું શું કહેવું છે?

બુધવારે સવારે 26મી જૂને અર્ચનાએ વધુ એક વીડિયો અપલોડ કરીને કહ્યું કે જો એફઆઈઆર પાછી ન ખેંચવામાં આવી તો તેમની લીગલ ટીમ પણ લડાઈ માટે તૈયાર છે.

વીડિયોમાં થોડા ગુસ્સાવાળા અંદાજમાં તેમણે કહ્યું હતું કે,"21 જૂને જ્યારે હું સ્વર્ણ મંદિરમાં શીર્ષાસન કરી રહી હતી ત્યારે પણ ત્યાં સેંકડો શીખો હાજર હતા. મારો ફોટો ખેંચનાર વ્યક્તિ પણ શીખ જ હતા. તેઓ મારી સાથે પહેલા તસવીરો જ ખેંચી રહ્યા હતા."

"ત્યાં ધ્યાન રાખનાર લોકો પણ પક્ષપાતી હોય છે, તેઓ કોઈને આમ કરતાં રોકે છે, તો કોઈને નથી રોકતા. તો મેં પણ ફોટો પડાવ્યા, એમાં મને કશું જ ખોટું ન લાગ્યું."

"જ્યારે હું ફોટો લઈ રહી હતી ત્યારે ત્યાં જેટલા પણ શીખો હાજર હતા તેમની ભાવનાને ઠેસ ન પહોંચી. તો મને લાગ્યું કે મેં કંઈ જ ખોટું નથી કર્યું. પરંતુ સાત સમંદર પાર રહેતી વ્યક્તિએ વિચાર્યું કે મેં કંઈક ખોટું કર્યું છે. મારો ફોટો નેગેટિવ રીતે વાઇરલ કરવામાં આવ્યો."

"પછી આ મામલો બગડ્યો, મારો ઈરાદો ખરાબ ન હતો."

"આખો સીસીટીવી વીડિયો વાઇરલ કરવો જોઈએ. ત્યાં કોઈ નિયમ લખેલો નથી. ત્યાં રોજ આવતા-જતાં શીખોને પણ નિયમનો ખ્યાલ નથી."

"ગુજરાતથી પહેલી વાર આવેલી યુવતીને કેવી રીતે ખબર હોય. મને ત્યાં કોઈએ રોકી ન હતી. જો તેમણે મને રોકી હોત તો મેં ફોટો ડિલીટ કરી નાખ્યા હોત."

"મારી સામે એફઆઈઆર દાખલ કરવાની શું જરૂર હતી? મારી સાથે માનસિક પ્રતાડના થઈ, એનું શું? હજુ પણ સમય છે, એફઆઈઆર પાછી ખેંચી લો, નહીંતર હું અને મારી લીગલ ટીમ લડવા માટે તૈયાર છીએ."

વિવાદ બાદ માફી માંગી

ઘટના પર વિવાદ થયા બાદ એક વીડિયો જાહેર કરીને અર્ચનાએ માફી માગી હતી.

એસજીપીસીએ દાખલ કરેલી એફઆઈઆર પછી તેમણે 23મી જૂને ઇન્સ્ટાગ્રામ પર વધુ એક વીડિયો અપલોડ કર્યો હતો.

એ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, "મને એ વાતનું બહુ દુ:ખ છે કે મેં નેક ઈરાદાથી જે કર્યું તેને બહુ ખોટી રીતે લોકોએ જોયું."

તેમણે કહ્યું, "મેં 20મી જૂને સ્વર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું. 21મી તારીખે યોગ દિવસ હતો. અને જે રીત દિલજીત દોસાંજ કહે છે એ રીતે આપણે સૌએ યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ. આ સંદેશ ફેલાવવા માટે જ મેં વિચાર્યું હતું કે હું એવું કંઈક કરીશ કે જેનાથી પંજાબના વધુમાં વધુ લોકો યોગને અપનાવે."

"મને એ જાણીને બહુ ખોટું લાગ્યું છે કે મેં કોઈને ઠેસ પહોંચાડી છે. મારો આમ કરવાનો કોઈ ઈરાદો ન હતો."

તેમણે આ મામલાને સાંપ્રદાયિક કે રાજકીય ન બનાવવાની અપીલ કરી હતી.

"જે લોકો એવું કહી રહ્યા છે કે હું ત્યાં ખરાબ ઇરાદાથી જ આવી હતી, એ સંભવ નથી. હું પંજાબ પોલીસ અને એસજીપીસી અમૃતસર બંનેને એ દિવસના સીસીટીવી વીડિયો જોવા માટે અપીલ કરું છું. તેઓ તેને સાર્વજનિક પણ કરી શકે છે, મને કોઈ વાંધો નથી."

તેઓ કહે છે, "મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી, બળાત્કારની ધમકીઓ મળી છે. મને ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી છે જેથી હું તેમની આભારી છું. નહીંતર તો અત્યાર સુધી શું થઈ ગયું હોત."

તેમણે કહ્યું હતું કે મેં એટલો મોટો ગુનો નથી કર્યો કે તમે મને જાનથી મારી નાખવાની કે બળાત્કારની ધમકીઓ આપો.

એસજીપીસીએ ફરિયાદમાં શું કહ્યું છે?

દરબાર સાહિબના જનરલ મેનેજર ભગવંતસિંહે એસજીપીસી તરફથી કૉરિડોર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીને ફરિયાદ આપી છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “22મી જૂને હું મારી ડ્યૂટી પર હાજર હતો એ દિવસનો વીડિયો યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે. તેમાં અર્ચના મકવાણા નામની યુવતી શહીદ બાબા દીપસિંહની જગ્યા દરબાર સાહિબની પરિક્રમાના સ્થળે યોગ કરી રહી છે અને આપત્તિજનક તસવીરો ખેંચીને જાણીજોઈને વાઇરલ કરી રહી છે. જેના કારણે શીખ ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ યુવતી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ."

અર્ચના મકવાણા કોણ છે?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, અર્ચના મકવાણા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લ્યુએન્સર અને આંત્રપ્રૅન્યોર છે. તેઓ ગુજરાતના વડોદરામાં પોતાની ફેશન બ્રાન્ડ ‘હાઉસ ઑફ અર્ચના’ ચલાવે છે.

તેઓ અન્ય બ્રાન્ડ હીલિંગ ફિલોસોફી સાથે પણ જોડાયેલા છે અને ટ્રાવેલ વ્લોગર તરીકે તેમના અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરે છે.

સોશિયલ મીડિયા પર તેમના અંદાજે 1 લાખ 41 હજાર ફૉલોઅર્સ છે. તેઓ પોતાને એક ફેશન ડિઝાઈનર, આંત્રપ્રેન્યોર અને ઇન્ફ્લ્યુએન્સર તથા ફેશન વ્લોગર ગણાવે છે.

યોગને પ્રોત્સાહન આપવા માટે તથા તેનો ફેલાવો કરવા માટેના પ્રયત્નોને કારણે તેમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સન્માનિત પણ કરવામાં આવેલાં છે.