You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૌરવ ગાંગુલીએ પહેલા બૉલે સિક્સર મારી અને ભારતમાં ડે-નાઇટ ટેસ્ટ શક્ય બનાવી
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ પત્રકાર
કૅરી પૅકરે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સામે બળવો કર્યો અને વિશ્વના મોટા ભાગના ક્રિકેટરને ખરીદી લીધા. તથા કૅરી પૅકર સર્કસના નામે અલગથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી ત્યારે પૅકરના મનમાં એક જ વાત હતી કે પરંપરાગત ક્રિકેટથી કાંઇક અલગ કરવું છે.
જેને કારણે પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી આકર્ષાય અને તેણે ફ્લડલાઇટ હેઠળ ક્રિકેટનું આયોજન કર્યું.
શરૂઆતમાં તો પરંપરાવાદીઓએ તેનો ભારે વિરોધ કર્યો પરંતુ અત્યારે જે રીતે ડે-નાઇટ ક્રિકેટ રમાય છે તે જોતાં સૌએ અંદરખાને તો તેને આવકારી જ લીધું હતું.
આજે તો ડે-નાઇટ વન-ડે સામાન્ય બની ગઈ છે અને ટી20 તો મોટા ભાગે ફ્લડલાઇટ હેઠળ જ રમાય છે પરંતુ હવે તો ટેસ્ટમેચ પણ ડે-નાઇટ યોજાવાની શરૂઆત થઈ ગઈ છે.
છેલ્લે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ તેમાં ઝંપલાવ્યું છે અને 22મી નવેમ્બરે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ પર ફરીથી ઇતિહાસ રચાશે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાશે.
અત્યાર સુધી ભારતીય ક્રિકેટર્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડ ડે-નાઇટ ટેસ્ટ રમવા કે યોજવા અચકાતા હતા. તેની પાછળ ઘણાં કારણો હતાં.
પહેલું તો બીસીસીઆઈ રાત્રીના સમયે મૅચ યોજવામાં આવતી તકલીફોથી સારી રીતે વાકેફ હતું. બોર્ડને ડર હતો કે વાતાવરણમાં ભેજ હોવાને કારણે બૉલની સ્થિતિ વારંવાર બગડી જશે.
બીજું ભારતમાં મોટા ભાગે નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં ટેસ્ટમેચો યોજાતી હોય છે અને આ સમયગાળામાં ખાસ કરીને ઉત્તર ભારતમાં ભેજનું પરિબળ વધુ અસર કરતું હોય છે. પિંક બૉલથી મૅચ રમાડવામાં પણ આસાની નથી હોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષના પ્રારંભમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારતને ઍડિલેડમાં ફ્લડલાઇટ હેઠળ ટેસ્ટની ઑફર કરી હતી પરંતુ ભારતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
તેની પાછળ માત્ર ભેજનું કારણ ન હતું પરંતુ એ વખતે ભારત પાસે સિરીઝ જીતવાની તક રહેલી હતી અને વિરાટ કોહલીની ટીમ અંતે સિરીઝ જીતી પણ હતી.
સિરીઝના પ્રારંભે ભારતને દહેશત હતી કે ડે-નાઇટ ટેસ્ટનો તેના ખેલાડીને અનુભવ નથી તે જોતાં ઑસ્ટ્રેલિયા મેદાન મારી જશે તો ભારત સિરીઝથી વંચિત રહેશે.
સૌરવ ગાંગુલીએ પહેલ કરી
ભારતે વિરોધ કર્યો ત્યારે ડે-નાઇટ ટેસ્ટ યોજવાની સૌરવ ગાંગુલીએ એક કૉમેન્ટેટર તરીકે તરફેણ કરી હતી પરંતુ બોર્ડ કોઈનું સાંભળે તેમ ન હતું.
હવે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ બન્યા છે. આ હોદ્દો સંભાળ્યા બાદ કૅપ્ટન વિરાટ કોહલી સાથેની પહેલી મુલાકાતમાં જ ડે-નાઇટ ટેસ્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કોહલીએ પણ સહમતિ દર્શાવી દીધી.
એ વખતે પણ એમ લાગતું હતું કે આગામી સિઝનમાં આ શક્ય બનશે પરંતુ એક મહિનામાં જ તે શક્ય બનવા પાછળનું કારણ એમ લાગે છે કે બાંગ્લાદેશની ટીમ ભારત આવવાની જ હતી. ભારતમાં ડૉમેસ્ટિક ક્રિકેટમાં ડે-નાઇટ મેચ યોજવાનો શ્રેય પણ ગાંગુલીને ફાળે જ જાય છે.
થોડા સમય અગાઉ સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈની ટેકનિકલ સમિતિના ચેરમૅન તરીકે દુલીપ ટ્રૉફીની મૅચો ડે-નાઇટ યોજવાની ભલામણ કરી હતી.
બે સિઝન સુધી દુલીપ ટ્રૉફીની મૅચો ફ્લડલાઇટ હેઠળ રમાઈ હતી. આમ ગાંગુલીને પ્રારંભથી જ ડે-નાઇટ ક્રિકેટમાં રસ હતો.
બીજું અન્ય હરીફ સામે તેમની ધરતી પર ડે-નાઇટમાં બિનઅનુભવી ભારતીય ટીમ રમે તેના કરતાં બાંગ્લાદેશ સામે રમવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં.
ભારત માટે આમેય આ ટેસ્ટ સિરિઝ લગભગ ઔપચારિકતા છે અને તેમાં ભારત જીતી શકે તેમ છે. બાંગ્લાદેશના બે પ્રમુખ ખેલાડી સાકીબ હસન અને તમિમ ઇકબાલ રમવાના નથી તે નફામાં.
તમિમ અંગત કારણોસર ભારત આવવાનો નથી તો સાકીબ સામે આઈસીસીએ પ્રતિબંધ લાદી દીધો છે.
ડે-નાઇટ ટેસ્ટ રમવાનો અનુભવ કોઈ પાસે નથી
માત્ર ભારત નહીં બાંગ્લાદેશ પાસે પણ ડે-નાઇટ ટેસ્ટ રમવાનો અનુભવ નથી.
ભારતીય ટીમની જ વાત કરીએ તો ચાર ખેલાડી એવા છે જે અગાઉ ડે-નાઇટ ડૉમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યા છે.
આ ચારમાંથી બે ખેલાડી આ વખતે ઇડન ગાર્ડન્સ પર ટેસ્ટ રમે તે નિશ્ચિત છે.
તો બાકીના બે રમે તેવી શકયતા વધારે છે. ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રિશભ પંત અને કુલદીપ યાદવ અગાઉ ડે-નાઇટ દુલીપ ટ્રૉફી રમી ચૂક્યા છે.
જેમાં પૂજારાએ તો બેવડી સદી ફટકારી હતી. પંત અને કુલદીપ યાદવની ટીમમાં પસંદગી થાય તો 22મી નવેમ્બરે એવા ચાર ખેલાડી હશે જેની પાસે અગાઉ ડે-નાઇટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો અનુભવ હશે.
આ ઉપરાંત મોહમ્મદ શમી અને રિદ્ધિમાન સહા ક્લબ ક્રિકેટમાં પિંક બૉલથી રમેલા છે. જોકે આ સિવાયના ખેલાડીઓ માટે આ પ્રકારના ક્રિકેટનો અનુભવ નથી જેમાં ખુદ વિરાટ કોહલી પણ આવી જાય છે.
બીજી તરફ બાંગ્લાદેશમાં માત્ર એક ફર્સ્ટ ક્લાસ મૅચ ફ્લડલાઇટ હેઠળ રમાઈ હતી જે છેક ફેબ્રુઆરી 2013માં રમાઈ હતી અને એ વખતે તેના મોટા ભાગના ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વ્યસ્ત હતા.
આમ ભારત આવનારી બાંગ્લાદેશી ટીમનો કોઈ ખેલાડી ડે-નાઇટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો નથી.
ભેજનું પરિબળ મુખ્ય ભૂમિકા અદા કરશે
ક્રિકેટજગતમાં અત્યાર સુધીમાં 11 ડે-નાઇટ ટેસ્ટ રમાઈ છે પરંતુ ખરા શિયાળામાં કોઈ ટેસ્ટ રમાઈ હોય તો તે પહેલી વાર બનશે.
મોટા ભાગની ડે-નાઇટ ટેસ્ટ ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં રમાઈ છે. દુબઈમાં બે ટેસ્ટ ઑક્ટોબરમાં રમાઈ હતી તો બાર્બાડોઝ ખાતે જૂન મહિનામાં રમાઈ હતી.
ઍજબસ્ટન ખાતે ઇંગ્લૅન્ડની ટીમ ઑગસ્ટમાં રમી હતી. આ સિવાય ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ નવેમ્બર કે ડિસેમ્બરમાં રમાઈ છે પરંતુ તેને ઑસ્ટ્રેલિયન ઉનાળો માનવામાં આવે છે.
શિયાળામાં ભારે ધુમ્મસ હોય છે અને સખત ભેજ હોય છે. આ સંજોગોમાં બૉલનું વજન વધી જાય છે અને હાથમાંથી સ્લીપ થઈ જાય છે.
આ સંજોગોમાં બૅટિંગ આસાન છે પરંતુ બૉલિંગ કરવી કઠીન છે. વન-ડેમાં આ બાબત ચાલે પરંતુ ટેસ્ટમેચમાં તે આવકાર્ય બાબત નથી.
માત્ર ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 12 ફર્સ્ટ ક્લાસ મૅચો ફ્લડલાઇટ હેઠળ રમાઈ છે અને એ તમામ મૅચ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં રમાઈ છે તેનો અર્થ એ થયો કે નવેમ્બરમાં ભારતમાં કયારેય ચાર કે પાંચ દિવસીય ફર્સ્ટ ક્લાસ મૅચ ફ્લડલાઇટ હેઠળ રમાઈ નથી.
કયા સમયે રમાશે તે પણ અગત્યનું રહેશે
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ડે-નાઇટ વન-ડે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થતી હોય છે. હવે ડે-નાઇટ ટેસ્ટ પણ આ જ સમયે શરૂ થાય તો માત્ર એક જ સત્ર ફ્લડલાઇટ હેઠળ ખરેખર રાત્રે રમાશે. બાકી પ્રારંભના ભાગમાં તો સૂર્યપ્રકાશ રહેશે.
આમ છતાં એક બાબત નોંધવી જરૂરી છે કે કોલકતા અને ભારતના પૂર્વીય પ્રાંતમાં દિવસ વહેલો આથમે છે તે સંજોગોમાં સાંજે 4.00ની આસપાસ લગભગ અંધારા જેવું વાતાવરણ હોય છે.
દેશના અન્ય ભાગમાં સાંજ પડે ત્યારે કોલકતામાં લગભગ રાત્રી જેવું વાતાવરણ બની જાય છે.
ડે-નાઇટ ટેસ્ટમાં ખરેખર પ્રેક્ષકો આવશે ?
આ તમામ પરિબળ બાદ સૌથી મહત્ત્વનું પરિબળ છે પ્રેક્ષકો.
ડે-નાઇટ ટેસ્ટનું આયોજન પ્રેક્ષકોને આકર્ષવા માટે જ છે પરંતુ ભારતમાં આ પ્રકારની ટેસ્ટ નિહાળવા પ્રેક્ષકો આવશે ખરા? આ સૌથી મોટો સવાલ છે. બોર્ડની નીતિ મુજબ ટેસ્ટની ફાળવણી રૉટેશન પૉલિસી મુજબ થાય છે.
મુખ્ય શહેરો સિવાયનાં શહેરમાં આમેય ટેસ્ટમાં પ્રેક્ષકો આવતા નથી. તાજેતરમાં રાંચી કે પૂણેમાં આમ બન્યું હતું.
બીજું પ્રેક્ષકોને કેવી સવલતો મળે છે તે સૌ જાણે છે.
વન-ડેમાં પણ પ્રશંસકોને ભારે હાડમારીનો સામનો કરવો પડતો હોય છે પણ તે એક દિવસ પૂરતું હોય છે એટલે કદાચ લોકો ચલાવી લેતા હશે પરંતુ પાંચ દિવસ સુધી આવો સંઘર્ષ કરવો ક્રિકેટપ્રેમીને પોષાય તેમ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો