BCCI : ભારતની ક્રિકેટ સંસ્થાઓમાં પરિવારવાદનું રાજકારણ, કોણ છે સત્તા પર?

    • લેેખક, પરાગ ફાટક
    • પદ, બીબીસી સંવાદદાતા

સૌરવ ગાંગુલી, જેમને પ્રશંસકો 'દાદા' અને 'પ્રિન્સ ઑફ કોલકાતા' કહે છે, તેઓ ભારતીય ક્રિકેટ પ્રશાસનિક સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ હશે.

ગાંગુલીનું નામ અગાઉથી જ ચર્ચાતું હતું.

બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા અનુરાગ ઠાકુરે તેમનું નામ આગળ કર્યું હતું. જોકે બાદમાં એન. શ્રીનિવાસનના જૂથે બ્રિજેશ પટેલને આ રેસમાં ઉતારી દીધા હતા.

શ્રીનિવાસને આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. એ જ દિવસે સૌરવ ગાંગુલી પણ અમિત શાહને મળ્યા હતા.

સંન્યાસ બાદ ગાંગુલી રાજકારણમાં આવશે એવી અટકળો હતી. જોકે તેઓ તેનાથી દૂર રહ્યા.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને મનપસંદ બેઠક પર ચૂંટણી લડવાની ઑફર કરી હતી, પરંતુ ગાંગુલીએ આ ઑફર ઠુકરાવી દીધી હતી.

ગાંગુલી જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીને મળ્યા ત્યારે પણ ચર્ચા ચાલી હતી. પરંતુ ગાંગુલીએ કહ્યું કે આ મુલાકાત એક સ્કૂલ અંગે હતી, જેને તેઓ શરૂ કરવા માગે છે.

એ પણ સમાચારો હતા કે તૃણમૂલ કૉંગ્રેસ ગાંગુલીને રાજ્યસભામાં મોકલવા માગે છે. સચીન તેંડુલકર રાજ્યસભામાં જઈ ચૂક્યા હતા.

ગાંગુલીને પણ એ રીતે ઉચ્ચ સદનમાં મોકલવાનો વિચાર થઈ રહ્યો હતો, પણ શક્ય ન બન્યું.

2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાજપ કહે છે કે ગાંગુલી એ સમયે તેમના માટે પ્રચાર કરશે.

તેઓ ઔપચારિક રીતે ભાજપમાં આવશે કે નહીં એ સ્પષ્ટ નથી. એ પણ સ્પષ્ટ નથી કે તેઓ પાર્ટીના પ્રચાર માટે રાજી થયા છે કે નહીં. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે એવું નહીં થાય. તેમને કોઈએ આવી વાત કરી નથી.

અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સચિવ હશે. તેઓ અગાઉ ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે.

તો અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ બીસીસીઆઈના કોષાધ્યક્ષ હશે. સમાચાર એવા પણ છે કે બ્રિજેશ પટેલને આઈપીએલના ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન બનાવાઈ શકે છે.

બીસીસીઆઈ કાઉન્સિલમાં નવ સભ્યો હોય છે. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ, કોષાધ્યાક્ષ, સંયુક્ત સચિવ, ક્રિકેટર્સ ઍસોસિયેશનના પુરુષ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ.

નવા પદાધિકારીઓની સાથે બીસીસીઆઈની કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ એટલે કે સીઓએનો 33 મહિનાનો કાર્યકાળ પૂરો થઈ જશે.

સીઓએની રચના સુપ્રીમ કોર્ટના આદેશ પર લોઢા સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની લોઢા સમિતિ અને નવું બંધારણ

18 જુલાઈ, 2016માં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આરએમ લોઢા સમિતિનીની ભલામણોનો સ્વીકાર થયો હતો. લોઢા સમિતિએ બીસીસીઆઈના માળખામાં ફેરફારની ભલામણ કરી હતી.

તેમની ભલામણોને આધારે બીસીસીઆઈને એક નવું બંધારણ મળ્યું, જેમાં સભ્યોની યોગ્યતા અંગે કડક નિયમો રાખવામાં આવ્યા છે.

નવા નિર્દેશો પ્રમાણે 70થી વધુ ઉંમરના લોકો, મંત્રીઓ કે સરકારી સેવકો, અન્ય ખેલ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો અને બોર્ડના સભ્ય તરીકે પહેલાં જ નવ વર્ષ પૂરાં કરી ચૂકેલા પદાધિકારીઓને બોર્ડના સભ્ય બનાવવા પર પ્રતિબંધ છે.

એટલે કે પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસન અને પૂર્વ સચિવ નિરંજન શાહ અયોગ્ય થઈ ગયા છે.

બંનેની ઉંમર 70થી વધુ વર્ષ છે અને તેઓ બોર્ડમાં નવ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે.

ભૂતકાળમાં બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચૂકેલા 78 વર્ષીય એનસીપી નેતા શરદ પવાર પણ અયોગ્ય ઠર્યા છે.

અનુરાગ ઠાકુર, જેમને બીસીસીઆઈએ 2017માં બીસીસીઆઈના અધ્યક્ષપદેથી દૂર કર્યા હતા, તેઓ હવે કેન્દ્ર સરકારમાં મંત્રી છે. આથી તેઓ પણ ક્રિકેટ પ્રશાસનમાં પરત ફરી શકતા નથી.

બીસીસીઆઈમાં પરિવારવાદ

નવા બંધારણમાં પુત્ર-પુત્રીઓને બીસીસીઆઈના બોર્ડની ચૂંટણીમાં ઊતરવાથી કોઈ રોક નથી. આથી પોતાનાં પુત્ર-પુત્રીઓના માધ્યમથી જૂના લોકો પણ પોતાનું આધિપત્ય યથાવત્ રાખી શકે છે.

તો આ સાથે જ ભારતીય ક્રિકેટ પ્રશાસનમાં જૂના સંચાલકો નવા ચહેરા સાથે પરત ફર્યા છે.

આઈસીસી અને બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચૂકેલા એન. શ્રીનિવાસનનાં પુત્રી રૂપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ ઍસોસિયેશનનાં નવા અધ્યક્ષ છે.

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ છે.

ભાજપ નેતા અને પૂર્વ બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ હવે બીસીસીઆઈના કોષાધ્યક્ષ બનવાના છે.

દેશના ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના એજીએમમાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના સભ્ય છે અને હવે તેઓ બીસીસીઆઈના આગામી સચિવ બનશે.

જેસીએના નવા ઉપાધ્યક્ષ ધનરાજ પણ રાજ્યસભાના સાંસદ અને જીસીએના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીના પુત્ર છે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ચિરાયુ અમીનના પુત્ર પ્રણવ વડોદરા ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ છે.

તો દિવંગત જયવંત લેલેના પુત્ર અજિત સચિવનું પદ સંભાળશે. તેમજ બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શશાંક મનોહરના પુત્ર અદ્વૈત વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશન (વીસીએ)માં છેલ્લાં પાંચ વર્ષથી ઉપાધ્યક્ષ છે.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ યદુપતિ સિંઘાનિયા છે. આ અગાઉ અંદાજે બે દાયકા સુધી તેમના પતિ ગૌર હરિ આ પદ પર રહ્યા હતા.

છત્તીસગઢ ક્રિકેટ સંઘની ખુરશી પણ પૂર્વ અધ્યક્ષ બળદેવસિંહ ભાટિયાના પુત્ર પ્રભતેજ પાસે છે.

રાજસ્થાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનું નામ વૈભવ ગેહલોત છે જે મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા અશોક ગેહલોતના પુત્ર છે.

બીસીસીઆઈની વાર્ષિક જનરલ મિટિંગમાં રાજકુમાર સિંહને ઍસોસિયેશનના પ્રતિનિધિ તરીકે નૉમિનેટ કરાયા છે.

તેઓ બીજી વાર કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા છે અને મણિપુર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મહાસચિવ છે.

લોઢા સમિતિની ભલામણ અનુસાર કોઈ પણ સરકારી હોદ્દોદાર પદગ્રહણ ન કરી શકે.

પણ નવાઈની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત સીઓએએ જ એમસીએનું બંધારણ માન્ય રાખ્યું છે અને એમસીએએ રાજકુમારને બીસીસીઆઈ એજીએમમાં પોતાના પ્રતિનિધિ તરીકે માન્ય રાખ્યા છે.

પૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ છે.

ફિક્સિંગમાં તેમનું નામ આવતાં બીસીસીઆઈએ તેમના પર પ્રતિબંધ લાદ્યો હતો. હાઈકોર્ટે બાદમાં આ પ્રતિબંધ ખસેડી લીધો હતો.

નાગાલૅન્ડ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ કેચનગુલી રિયો મુખ્ય મંત્રી નેફિયો રિયોના પુત્ર છે.

ઓડિશા ક્રિકેટ ઍસોસિયેશનના પૂર્વ સચિવ આશીર્વાદ બહેરાની ખુરશી હવે તેમના પુત્ર સંજયને મળી ગઈ છે.

વિજય પાટીલ હવે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ છે.

તેઓ બિહારના પૂર્વ રાજ્યપાલ ડીવાય પાટીલના પુત્ર છે. 10-15 દિવસ અગાઉ થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા શાહઆલમ એમસીએના નવા સભ્ય તરીકે ચૂંટાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો