1983ની ક્રિકેટ વર્લ્ડ કપ મૅચ જ્યારે ભારત વિશ્વ વિજેતા બન્યું

    • લેેખક, વંદના
    • પદ, બીબીસી ટીવી એડિટર

ક્રિકેટનું મક્કા એટલે લંડનનું લોર્ડ્સ ગ્રાઉન્ડ. આ એ જ મેદાન છે જ્યાં 36 વર્ષ અગાઉ 25 જૂન 1983ના દિવસે ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

લોર્ડ્સ ખાતે કપિલ દેવના હાથમાં વર્લ્ડ કપ ટ્રૉફી- આ તસવીર ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર તસવીર હશે.

વિજેતા ટીમના સભ્ય રહેલા મદન લાલે એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત મને હંમેશાં યાદ આવે છે, "અંતિમ વિકેટ ઝડપ્યા બાદ અમે ખુશીને કારણે એવા દોડ્યા કે માનો કોઈ અમારા જીવની પાછળ પડ્યા હોય."

દરેક નિયમ અને કાયદાઓને તોડી ભારતીય દર્શકો પીચ પર દોડી આવે છે તે તસવીર જોઈને જ ખબર પડી જાય છે કે ભારતીય દર્શકોમાં કેવો ઉત્સાહ હશે.

તે સમયે ક્રિકેટના બાદશાહ તરીકે ઓળખાતી વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે ભારત 183 રનમાં આઉટ થઈ ગઈ હતી. પરંતુ આખરે ભારત 43 રને જીતી ગયું હતું અને મોહિંદર અમરનાથ મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.

ભારતીય ટીમની જીત વખતે પત્રકાર માર્ક તુલી ભારતમાં હતા. તેમણે મને કહ્યું હતું કે જ્યારે તેઓ દિલ્હી માટે આવી રહ્યા હતા ત્યારે રસ્તાઓ પર એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી.

ઇંગ્લૅન્ડમાં ભારતીય ટીમની તસવીર

લોર્ડ્સ ગ્રાઉન્ડ ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ એ માટે પણ છે કે તેના મ્યુઝિયમમાં ક્રિકેટને લગતી ઘણી વસ્તુ જોવા જેવી છે.

ઇંગ્લૅન્ડમાં કોઈ પણ ભારતીય ટીમનો પ્રથમ ક્રિકેટ પ્રવાસ 1886માં અહીં રાખવામાં આવેલી તસવીરમાં કેદ છે. તે સમયે પારસીઓની એક ટીમ ભારતથી ઇંગ્લૅન્ડ આવી હતી.

ભારતીય ક્રિકેટના સુપરહીરો સી. કે. નાયડુની સહી કરેલું બેટ અહીં રાખવામાં આવેલું છે. તેઓ ભારતની પ્રથમ ટેસ્ટ ટીમના કૅપ્ટન હતા જે 1932માં લોર્ડ્સ ખાતે રમવા આવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્ત થયા બાદ તેઓ 60 વર્ષની ઉંમરમાં રણજી રમી હતી અને 69 વર્ષની ઉંમરે ચૅરિટી મૅચ રમી હતી.

1964માં ભારતના ઇંગલૅન્ડ પ્રવાસનું પોસ્ટર હોય કે પછી શેન વોર્નની 300 વિકેટની યાદ હોય અથવા તેંડુલકરની સહી કરેલું ટી-શર્ટ કે પછી દ્રવિડનું સહી કરેલું બેટ... ક્રિકેટના ઇતિહાસમાં બનેલી ઐતિહાસિક ઘટનાની યાદો લોર્ડ્સ મ્યુઝિયમમાં સચવાયેલી છે.

ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની રેસમાં સામેલ ભારત અને ઇંગલૅન્ડ વચ્ચે લોર્ડ્સમાં રવિવારે મૅચ યોજાશે. રવિવારે લોર્ડ્સ ખાતે કોઈ એવી વ્યક્તિ પણ હશે જેમણે 1983 વર્લ્ડ કપની મૅચ જોઈ હોય.

મેં ભલે 1983ની જીત ના જોઈ હોય પરંતુ 2008માં લોર્ડ્સ ખાતે એકઠી થયેલી 1983ની પૂરી ટીમ વર્લ્ડ કપ જીતની 25મી વર્ષગાંઠ ઉજવવા એકઠી થઈ હતી. તે જોવાની મને તક મળી હતી.

આગામી મૅચમાં ભારતીય ક્રિકેટપ્રેમીઓને આશા હશે કે 1983 અને 2011ની યાદોમાં વધુ એક યાદ અને ટ્રૉફી સામેલ થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો