ભારતીય ટીમ માત્ર સૂર્યકુમાર યાદવની બેટિંગ પર વધુ પડતી નિર્ભર છે?

    • લેેખક, વિધાંશુકુમાર
    • પદ, સ્પૉર્ટ્સ પત્રકાર, બીબીસી હિન્દી માટે

ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની ટી-20 સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી છે.

ત્રીજી મૅચ વરસાદને કારણે રોકાઈ ગઈ હતી અને નાટકીય રીતે ભારતે સિરીઝ પર કબજો કરી લીધો છે.

જોકે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાંથી બહાર નીકળેલી ટીમે મૅનેજમૅન્ટને વિચારવા પર મજબૂર કરી દીધી છે.

એક વર્ષ પહેલાં વર્લ્ડકપના પ્રથમ રાઉન્ડમાં બહાર થયા બાદ ટીમ આ વખતે જોરદાર પ્રદર્શન કરવાના પ્રયાસ કરી રહી હતી, પરંતુ પરિણામ એનું એ જ રહ્યું.

ટુર્નામેન્ટમાંથી સબક લઈને ટીમ ઇન્ડિયા ન્યૂઝીલૅન્ડમાં યુવા ખેલાડીઓ સાથે પોતાની રમતમાં થોડા ફેરફાર કરવા માગે છે.

જોકે એક મૅચમાં તેમને જીત મળી હતી, પરંતુ રમતના અભિગમમાં જે પરિવર્તનની અપેક્ષા હતી તે હજુ સુધી દેખાયો નથી.

પાવરપ્લેમાં દમ નથી

ઑસ્ટ્રેલિયામાં હારનું સૌથી મોટું કારણ એ હતું કે બેટિંગ પાવરપ્લેનો યોગ્ય રીતે ઉપયોગ નહોતો થયો. આ ટુર્નામેન્ટમાં પાવરપ્લેમાં ભારતીય ટીમથી ઓછા રન માત્ર UAEની ટીમે જ બનાવ્યા હતા.

જ્યારે વર્લ્ડકપમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગ કરી રહ્યા હતા, ત્યારે આ સિરીઝમાં તેમને આરામ આપવામાં આવ્યો હતો અને તેમની જગ્યાએ ઋષભ પંત અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા.

બીજી ટી20ના પાવરપ્લેમાં ભારતનો સ્કોર એક વિકેટ ગુમાવીને 42 રન થયો હતો, જે આત્મવિશ્વાસ વધારનારો ન હતો.

ભારતીય ટીમે ઇંગ્લૅન્ડના અભિગમની નકલ કરવાની જરૂર છે, જેમાં અંગ્રેજી બૅટ્સમૅનો પ્રથમ બૉલથી જ સામેની ટીમ પર હાવી થઈ જાય છે અને વિકેટ પડે તો પણ સ્કોરિંગ રેટમાં ઘટાડો થવા દેતા નથી.

આ મૅચમાં પણ જૂની ભારતીય ટીમ જોવા મળી હતી, ખાસ કરીને પંતની બેટિંગ જે શરૂઆતથી જ વિકેટ બચાવીને રમવા માગે છે.

પંતની જગ્યાએ સવાલો ઊભા થશે

વ્હાઇટ બૉલ ક્રિકેટમાં ભારતીય ટીમમાં ઋષભ પંતની ભૂમિકાને લઈને ટીમ મૅનેજમૅન્ટ અને પંત પણ મૂંઝવણમાં છે.

વર્લ્ડકપમાં પંત પહેલાં દિનેશ કાર્તિકને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને જ્યારે તેઓ 4 મૅચમાં કંઈ ખાસ કરી શક્યા નહીં, ત્યારે ટીમમાં પંતની ઍન્ટ્રી પહેલાં બૅટ્સમૅન તરીકે અને ત્યાર બાદ બૅટ્સમૅન કીપર તરીકે થઈ.

પંતને બેટિંગ ક્રમમાં 6 અથવા 7 નંબર પર રમવાની તક મળી હતી, હાર્દિક પંડ્યા પછી જ તેમનો નંબર આવ્યો હતો. એ બંને મૅચમાં પંતનું બેટ શાંત રહ્યું હતું.

ઘણા નિષ્ણાતો માને છે કે પંતને ખરેખર રમાડવો જ જોઈએ અને એ પણ ટૉપ ઑર્ડરમાં કારણ કે તેઓ મૅચવિજેતા ખેલાડી છે.

ન્યૂઝીલૅન્ડમાં તેમને ઓપનિંગ કરવાની તક મળી હતી, પરંતુ એવું લાગી રહ્યું હતું કે, તેઓ કોઈ માનસિક તણાવમાં છે અને તેઓ ખૂલીને પોતાની સ્ટાઇલમાં રમી શકતા નથી.

તેમણે 13 બૉલમાં 6 રન બનાવ્યા હતા અને ફર્ગ્યુસનના બૉલને સ્લેશ કરતી વખતે હવામાં કૅચ થઈ ગયો. પોતાનો મનપસંદ શૉટ લેતી વખતે તેમની નજર બૉલ પર ન હતી, જેના કારણે તેમને નુકસાન થયું હતું.

જો પંતના સ્ટ્રાઇકરેટ પર નજર કરીએ તો ખબર પડશે કે છેલ્લાં બે-એક વર્ષમાં તેમનો સ્ટ્રાઇકરેટ ઘટ્યો છે અને તેમાં આઈપીએલના આંકડા પણ સામેલ છે.

પંત સાથે ઈશાન કિશને ઓપનિંગ કર્યું, જેણે 31 બૉલમાં 36 રન બનાવ્યા. કિશન વિકેટકીપર બૅટ્સમૅન પણ છે અને પંત જાણે છે કે એક મ્યાનમાં બે તલવારો ન રહી શકે.

પંત પાસે આગામી પસંદગીકારોને પ્રભાવિત કરવાની વધુ એક તક છે. જો આ ઇનિંગમાં તેઓ જોરદાર બેટિંગ નહીં કરે તો રોહિત અને રાહુલના આવ્યા બાદ તેઓ ટીમમાં પોતાની દાવેદારી કેવી રીતે રજૂ કરી શકશે એ જોવાનું રહેશે.

બૅટ્સમૅનોને પણ લેવી પડશે બૉલિંગની જવાબદારી

આધુનિક ટી-20 ક્રિકેટ ઘણો બદલાવ આવ્યો છે અને ખેલાડીઓ પર તમામ સમસ્યાઓમાં પારંગત થવાનું દબાણ પણ રહે છે.

જો વર્લ્ડચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમ પર નજર કરીએ તો તેમની પાસે ઘણા ઑલરાઉન્ડર છે અને લગભગ બધા બૅટ્સમૅન બૉલિંગ પણ કરી શકે છે.

ભારતીય ટીમના સ્પષ્ટ બૅટ્સમૅન પાસેથી પણ ઘણી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ 2-3 ઓવરમાં બૉલિંગ પણ કરી શકે છે. જરૂરી નથી કે દરેક મૅચમાં તેમને બૉલિંગ કરવી પડે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તૈયાર રહેવું જોઈએ.

બીજી મૅચ બાદ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પણ એ તરફ ઇશારો કર્યો કે આવનારા સમયમાં તેઓ ઓછી બૉલિંગ કરશે અને તેઓ પાસે અપેક્ષા રાખી હતી કે બૅટ્સમૅનો પણ આગળ આવે અને કેટલીક ઓવર્સ કરે.

તેઓને પ્રથમ મૅચની કૉમેન્ટરી દરમિયાન સાઇમન ડુલે શ્રેયસ અય્યર તરફ ઇશારો કર્યો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ કઈ બૉલિંગ કરી ન હતી ત્યારે તેમણે સ્પિનની 2-3 ઓવર શા માટે ફેંકી ન હતી.

સૂર્યકુમાર પર વધુ પડતી નિર્ભરતા

ભારતીય ક્રિકેટમાં હાલ સૂર્યકુમારની ચર્ચા થઈ રહી છે. એટલે સુધી કે ભારતની પોલિટિકલ કૉમેન્ટરીમાં પણ દેશના અજેય રહેનારા કેટલાક દિગ્ગજ નેતાઓની તુલના સૂર્યકુમારની બેટિંગ સાથે કરવામાં આવી રહી છે.

બીજી ટી-20માં તેમણે સદી ફટકારી અને 51 બૉલમાં અણનમ 111 રન બનાવ્યા અને તેમના વિરોધીઓ પણ તેમનાં વખાણ કરતા જોવા મળ્યા હતા.

ન્યૂઝીલૅન્ડના કોચ ગૅરી સ્ટેડે કહ્યું હતું કે, “અમે બધાએ તેમના શૉટ્સ આશ્ચર્યથી જોયા છે. અમે ટીમ મીટિંગમાં તેની ચર્ચા કરી છે અને મૅચ પહેલાં પણ તેની બેટિંગને કેવી રીતે રોકવી તે અંગે વાત કરીશું.”

અસલી વખાણ એ જ હોય છે જે દુશ્મનો તરફથી થાય છે. સૂર્યકુમારે એ સ્થાન હાંસલ કરી લીધું છે, પરંતુ ભારતીય ટીમ માટે ડર એ છે કે ક્યાંક તેમની સૌથી મોટી તાકાત જ તેમની નબળાઈ ના બની જાય.

ટીમ માત્ર સ્કાયની બેટિંગ પર જ નિર્ભર રહેવાનું પસંદ કરશે નહીં, તેથી તે મહત્ત્વનું છે કે અન્ય બૅટ્સમૅન પણ આગળ આવે અને ઝડપી બેટિંગનો પરિચય આપે અને સ્કોરને અંતિમ ઓવર્સમાં વધારવાની જવાબદારી માત્ર સૂર્યકુમાર પર જ ના છોડી દે.

નેપિયરમાં રમાયેલી મૅચમાં મેડિકલ કારણોના લીધે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસન રમ્યા નહોતા.

તેમની જગ્યાએ સાઉદીએ ટીમની કૅપ્ટનશિપ કરી હતી. તેમણે અંતિમ મૅચની છેલ્લી ઓવરમાં હેટ્રિક લીધી હતી. ન્યૂઝીલૅન્ડની ટીમમાં પણ ઘણા મુદ્દા એવા છે જેને તેઓ ઉકેલવા માગે છે.

વિલિયમસનની જગ્યાએ માર્ક ચેમ્પિયન નંબર 3 પર રમ્યા હતા. તો છઠ્ઠા નંબર પર બેટિંગ કરનારા જીમી નીશમ પણ છેલ્લી ઘણી ઇનિંગમાં બૅટિંગથી કંઈ ખાસ કરી શક્યા નથી.