You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રિકેટરો પણ ચોંકી જાય એવા શૉટ સૂર્યકુમાર કઈ રીતે મારે છે?
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
જો તમે કાર્ટૂન સિરિયલો જોતા હશો તો તમને જાણ હશે કે ક્રિકેટ રમવું કેટલું સરળ છે.
બૉલ ગમે તેટલી ઝડપથી બૅટર તરફ આવી રહ્યો હોય, ખતરનાક બાઉન્સર હોય કે અંગૂઠો ચગદી નાખવાના ઇરાદાથી ફેંકવામાં આવેલ 'ટૉ બ્રૅકર' હોય કે યૉર્કર હોય, ગૂગલી હોય કે 'દૂસરા' હોય.
કાર્ટૂન પાત્ર તેના બૅટને સ્વિંગ કરીને ઘુમાવે એ સાથે જ હવામાં તરતો બૉલ સીમારેખાની બહાર પહોંચી જાય છે.
બાળકો આ શૉટ જોઈને ખૂબ મજા લે છે, તાળીઓ પાડે છે અને આવા પાવરફૂલ શૉટ્ રમવાનાં સપનાં જોવા લાગે છે. પરંતુ કલ્પનાની આ ઉડાણની મેદાનમાં પહોંચતા જ હવા નીકળી જાય છે.
જોકે, વર્તમાનમાં એક ખેલાડી એવો છે જે 'કાર્ટૂન'ની બેટિંગસ્ટાઇલને વાસ્તવિકતા બનાવી રહ્યો છે અને એ છે સૂર્યકુમાર યાદવ.
ટી-20 ક્રિકેટના આ જમણેરી માસ્ટર-બ્લાસ્ટરની પ્રશંસામાં કયા નિષ્ણાતો અને કયા ચાહકો પ્રશંસાના કેવા ઉદ્દગારો કાઢે છે તે વાંચવું રસપ્રદ રહેશે.
સૂર્યકુમારની પ્રશંસા
"નંબર વને બતાવી દીધું છે કે શા માટે તે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. મેં મૅચ લાઈવ જોઈ નથી પરંતુ હું ચોક્કસ કહી શકું છું કે આ ઇનિંગ્સ એક વીડિયો ગેઇમ જેવી હશે." - વિરાટ કોહલી
"અમે નસીબવાળા છીએ કે સૂર્યકુમારને મેદાન પર બેટિંગ કરતા જોઈ શક્યા." - મહમદ કૈફ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારે શ્વાસ લેવાનું મશીન જોઈએ છે, સૂર્યકુમાર યાદવ અમારા શ્વાસ રોકી રહ્યા છે." - હર્ષા ભોગલે
"આજકાલ સ્કાય આગના ગોળા ફેકી રહ્યો છે. તેની પોતાની લીગમાં."- વીરેન્દ્ર સેહવાગ
"અલબત્ત. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટી-20 બૅટ્સમૅન" - લક્ષ્મણ શિવરામકૃષ્ણન
ટી-20 વર્લ્ડકપમાં પોતાની ધાક જમાવ્યા બાદ સૂર્યકુમાર ન્યૂઝીલૅન્ડની ધરતી પર પણ ચમકવા લાગ્યા છે.
પ્રથમ મૅચ તો વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ બીજી મૅચમાં ‘સૂર્ય’એ જે આગ ઓકી તેની આગળ ન્યૂઝીલૅન્ડ રાખ થઈ ગયું. સૂર્યકુમાર એવી ધાક જમાવે છે કે બીજા છેડે ઊભેલો બૅટ્સમૅન દર્શક બની જાય છે, પછી ભલે તે વિરાટ કોહલી જેવો મજબૂત બૅટ્સમૅન જ કેમ ન હોય.
જ્યારે સૂર્યકુમાર ક્રિઝ પર આવ્યા તે પછી અન્ય બૅટ્સમૅન 38 બૉલમાં 44 રન જ બનાવી શક્યા, જ્યારે સૂર્યકુમારે 51 બૉલમાં 111 રન બનાવ્યા.
આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે બાકીના બૅટ્સમૅનો માત્ર સાત ચોગ્ગા અને બે છગ્ગા જ ફટકારી શક્યા.
72 મિનિટની આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે ઘણા એવા શૉટ રમ્યા જે અવિશ્વસનીય નહીં તો પણ ચર્ચા જગાવનારા તો હતા જ.
જોશની સાથે હોશ પણ
ઉદાહરણ તરીકે ભારતીય ઇનિંગ્સની 19મી ઓવરમાં ઝડપી બૉલર લોકી ફર્ગ્યુસનના હાથમાં બૉલ હતો.
સૂર્યકુમાર યજમાન ટીમના બૉલરોને મેદાનની ચારેબાજુ ફટકારી રહ્યા હતા. દેખીતી રીતે ડેથ ઓવરોમાં બૉલિંગ કરવાનો ઘણો અનુભવ ધરાવતા 32 વર્ષીય ફર્ગ્યુસને સૂર્યકુમાર માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવી હતી.
આ સમયે ફર્ગ્યુસને સૌથી અસરકારક મનાતો લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે યૉર્કર બૉલ ફેંક્યો અને તે પણ બૅટ્સમૅનથી ઘણી દૂર વાઈડ લાઇનની ખૂબ જ નજીક.
સામાન્ય રીતે સામાન્ય બૅટ્સમૅન માટે આટલા ઝડપી બૉલને સ્પર્શ કરવો મુશ્કેલ હોય છે, પરંતુ સૂર્યાએ તેને બાઉન્ડ્રી લાઇનની બહાર ધકેલી દીધો હતો.
કૉમેન્ટેટરોની ચર્ચા ચોગ્ગા વિશે ન હતી, પરંતુ તેઓ આશ્ચર્યચકિત હતા કે સૂર્યકુમારે તેના બૅટને આટલા ઝડપી બૉલનો સ્પર્શ કેવી રીતે કરાવી દીધો.
વાસ્તવમાં શૉટ રમવા માટે સૂર્યકુમાર તેમની ગ્રીપ એટલી ઝડપથી બદલી નાખે છે કે તેના માટે બૉલને ફટકારવો સરળ બની જાય છે. એ કહેવું ખોટું નહીં ગણાય કે આમાંના ઘણા એવા શૉટ છે, જે ક્રિકેટ કોચિંગની બુકમાં નથી પણ તેમણે જાતે જ આવિષ્કાર કર્યો છે.
એવું નથી કે સૂર્યકુમાર પાસે માત્ર 'પાવર હિટિંગ' કરવાની આવડત છે, તેઓ એ પણ જાણે છે કે મૅચમાં પરિસ્થિતિ અનુસાર ગિયર ક્યાં બદલવો.
એવી વિકેટ પર જે વરસાદથી ખૂબ ભીની હતી અને યજમાન ટીમ સ્પિનર બૉલરો સાથે આ સ્થિતિનો લાભ લેવા માંગતી હતી.પરંતુ સૂર્યકુમારે આ વ્યૂહરચના બિનઅસરકારક સાબિત કરી દીધી. ન્યૂઝીલૅન્ડના સ્પિન બૉલરોએ તેમના બૉલને સૂર્યકુમારના બૅટની આસપાસ ફેંક્યા પણ સૂર્યકુમાર આ બૉલને બાઉન્ડ્રી પાર કરવામાં બિલકુલ ચૂક્યા નહીં.
મૅચની તૈયારી માટે તમે શું કરો છો?
સૂર્યકુમાર યાદવે કહ્યું, "જ્યારે તમે સારું કરી રહ્યા હો ત્યારે તમે તમારાં બધાં કામ અન્ય દિવસની જેમ કરો છો. મૅચના દિવસોમાં પણ હું 99 ટકા તે જ કરવાનો પ્રયાસ કરું છું, પછી ભલે મારે કસરત કરવી હોય, ભોજન લેવું હોય કે 15-20 મિનિટની ઊંઘ લેવી હોય... તે પછી હું મેદાનમાં ઊતરું છું ત્યારે મને સારું લાગે છે."
અને જ્યારે ક્રિકેટ નથી રમતા ત્યારે...
"ત્યારે હું મારી પત્ની સાથે મોટા ભાગનો સમય વિતાવું છું. હું મારાં માતા-પિતા સાથે વાત કરું છું. એક વસ્તુ જે મને જમીન સાથે જોડાયેલી રાખે છે તે એ છે કે અમે ક્યારેય મૅચ વિશે વાત કરતા નથી. કોઈ ચર્ચા થતી નથી અને તે કારણે હું લાંબા સમય સુધી ખુશ રહું છું."
શું તમે તમારા શૉટના રિપ્લે જુઓ છો?
"હાસ્તો... જ્યારે હું હાઇલાઇટ્સ જોઉં છું, ત્યારે મારા કેટલાક શૉટ્સ જોઈને મને નવાઈ લાગે છે. હું સારું રમું કે ન રમું, હું દરેક વખતે મૅચની હાઇલાઇટ્સ જોઉં છું."