એક સમયે ભારતના સૌથી સિનિયર છતાં ટેસ્ટથી વંચિત રહેલા ગુજરાતી ક્રિકેટરની કહાણી

ગુજરાતમાં એવા ઘણા કમનસીબ ક્રિકેટર્સ છે જે એક યા અન્ય કારણસર પણ પોતાના કોઈ વાંક વિના ટેસ્ટ ટીમમાં સામેલ થઈ શક્યા નથી. આવા કેટલાક ક્રિકેટર્સ વિશે આપણે અહી અગાઉ વાત કરી ચૂક્યા છીએ.

આ જ શ્રેણીમાં આવતા વધુ એક કમનસીબ ક્રિકેટર છે બિમલ જાડેજા.

1984ના ઑક્ટોબરમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર ડેવિડ ગોવરની ઇંગ્લૅન્ડની ટીમ વેસ્ટ ઝોન સામે ત્રણ દિવસની મૅચ રમવા આવી હતી અને તે મૅચ સૌરાષ્ટ્રના બે ખેલાડી માટે ખાસ યાદગાર રહી ગઈ હતી.

આમ તો ઇંગ્લૅન્ડ સામેની એ સિરીઝ ઘણા કારણસર યાદગાર રહી હતી, જેમ કે કપિલ દેવને તેમની કારકિર્દીમાં પહેલી અને છેલ્લી વાર ટીમમાંથી પડતા મુકાયા હતા.

શિવરામકૃષ્ણને વેધક બૉલિંગ કરીને તરખાટ મચાવ્યો હતો કે પ્રથમ ટેસ્ટ જીતવા છતાં ભારતે આખરે સિરીઝ ગુમાવવી પડી હતી વગેરે....

પણ આ મૅચમાં તો સૌરાષ્ટ્રના બે ખેલાડી રમ્યા હતા જેને કારણે મૅચ યાદગાર બની ગઈ. એક તો અશોક પટેલ. આ ઑફ સ્પિનરે હજી થોડા દિવસ અગાઉ જ પોતાની વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને બીજા ખેલાડી એટલે ડાબોડી બૅટ્સમૅન બિમલ જાડેજા.

અશોક પટેલે ઇંગ્લૅન્ડના બીજા દાવમાં પાંચ વિકેટ ખેરવીને તરખાટ મચાવ્યો હતો તો બિમલ જાડેજાએ દિલીપ વેંગસરકર સાથે બેટિંગ કરીને 48 રન ફટકાર્યા હતા.

જાડેજાએ તેમની અડધી સદી તો પૂરી કરી નહીં પરંતુ એ વાતની ખાતરી કરાવી દીધી કે તેમના સહકારને કારણે જ વેંગસરકર પોતાની બેવડી સદી પૂરી કરી શક્યા હતા.

એ ઇનિંગ્સમાં વેસ્ટ ઝોનના માત્ર ત્રણ બૅટ્સમૅન જ ટકી શક્યા હતા જેમાં ઓપનર લાલચંદ રાજપૂતના 79 અને વેંગસરકરના 200 રન બાદ જાડેજાના 48 રન મુખ્ય હતા.

જોકે કમનસીબી એ રહી કે આ મૅચને બાદ કરતાં બિમલ જાડેજાને ફરીથી કોઈ ટીમ માટે રમવાની તક સાંપડી ન હતી.

1980-81ની સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફીના નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ અને તેને હૈદરાબાદ સામે રમવાનું આવ્યું.

આ બિમલ જાડેજાની પહેલી જ મૅચ હતી. તેમણે લીગને બદલે નૉકઆઉટ રાઉન્ડમાં રમી રહેલી સૌરાષ્ટ્રની ટીમમાં રમીને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

મિત્રો છતાં સામસામી ટીમમાં

સ્વભાવમાં અત્યંત સૌમ્ય અને લગભગ તમામ સાથે હળીમળી જનારા બિમલ જાડેજા મૂળ તો સૌરાષ્ટ્ર માટે રમે પરંતુ બૅન્કની નોકરીને કારણે રહેવાનું અમદાવાદમાં અને તેને કારણે અમદાવાદની સ્થાનિક લીગમાં પણ તેમનું એટલું જ મોટું નામ.

આમ તો ગુજરાત કે સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટે અલગઅલગ ટીમ એ જ આશ્ચર્યની વાત છે બાકી ઘણા ખેલાડીઓ વિશે એવું બનતું હતું કે દરરોજ સાથે પ્રૅક્ટિસ કરવાની, એક જ ટેબલ પર સાથે નોકરી કરવાની પણ રણજી ટ્રૉફી આવે ત્યારે સામસામે રમવાનું.

બિમલ જાડેજાનું જ ઉદાહરણ લઈએ તો તેઓ અમદાવાદમાં સ્ટેટ બૅન્કની ટીમમાંથી રમે ત્યારે પ્રવીણ દેસાઈ, ભરત મિસ્ત્રી, પંકજ ઝવેરી, અમિષ સાહેબા અને અશોક સાહેબા, કિરણ બ્રહ્મભટ્ટ, રાજીવ દેસાઈ જેવા ખેલાડી તેમની સાથે રમતા હોય, એટલું જ નહીં પણ દરરોજ બપોરના સમયે બૅન્ક તરફથી સાથે પ્રૅક્ટિસ કરવા જાય અને બીજે દિવસે સવારે મોટેરાના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ પર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે સામસામે રમતા હોય.

જોકે મેદાન પર એ જ સાથી કર્મચારી બિમલ જાડેજાને આઉટ કરવા માટે પરસેવો પાડતા હોય પણ સૌરાષ્ટ્રનો આ ડાબોડી બૅટ્સમૅન તે સમયે જરાય મચક આપે નહીં.

અહીં સાથે રમ્યા હોવાને કારણે હરીફની કેટલીક ખૂબી અને ખામીઓ જાણતા હોવા છતાં ગુજરાતના બૉલરો લાચાર બની જતા હતા, કેમ કે રણજી ટ્રૉફીની મૅચ આવતાં જ બાપુનો મિજાજ અલગ જ બની જતો.

બપોરે સાથે લંચ લીધું હોય પણ ક્રીઝ પર પહોંચ્યા બાદ બિમલ જાડેજાનો એક માત્ર લક્ષ્યાંક વધુને વધુ રન ફટકારવાનો હોય.

આઠમા ક્રમના બૅટ્સમૅનથી ત્રીજા ક્રમ સુધીની સફર

બિમલ જાડેજાએ કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે આઠમા ક્રમે તેમને રમવા માટે મોકલાતા હતા પરંતુ એકાદ બે સિઝનમાં જ તેમની કાબેલિયત ઓળખાઈ ગઈ અને તેમના બેટિંગ ક્રમમાં સુધારો થયો.

આગળ જતાં તેઓ ત્રીજા ક્રમના નિયમિત બૅટ્સમૅન બની ગયા. ત્યાર બાદ તો કોઈ આકસ્મિક સંજોગો સિવાય મોટા ભાગે બિમલ જાડેજાએ ત્રીજા ક્રમે જ બેટિંગ કરી હતી.

ત્રીજા ક્રમે રમવા આવીને જાડેજાએ 2267 અને ચોથા ક્રમે રમીને 1184 રન ફટકાર્યા છે તો કારકિર્દીમાં 81 મૅચ રમીને 4822 રનની સાથે સાથે 14 સદી પણ ફટકારી હતી.

ભારતીય ક્રિકેટમાં એક સમય એવો આવ્યો જ્યારે સમગ્ર દેશમાં સૌથી સિનિયર ખેલાડીમાં બિમલ જાડેજાનું નામ આવતું હતું, કેમ કે 1999-2000ની સાલની આસપાસ મોહમ્મદ અઝહરુદ્દીનને બાદ કરતાં એવા કોઈ બૅટ્સમૅન ન હતા, જેમણે 1980-81 અગાઉ કારકિર્દીનો પ્રારંભ કર્યો હોય.

આમ બિમલ જાડેજા એ સમયે માત્ર ગુજરાત કે સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ ભારતના સૌથી સિનિયર બૅટ્સમૅન હતા.

આ સાથે તેમણે પોતાના પ્રદર્શનથી પોતે સિનિયર છે અને શા માટે બે દાયકા સુધી ટકી શક્યા છે તે પણ પુરવાર કરી દીધું હતું.

બિમલ જાડેજાની કારકિર્દી લગભગ સમાપ્ત થવા આવી હતી ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ગુજરાત સામેની મૅચમાં સાડા નવ કલાકની મેરેથોન બેટિંગ તેનો પુરાવો છે.

ગુજરાતની ટીમે 310 રનનો સ્કોર કર્યો હતો. આમ એ સમયના નિયમો મુજબ સૌરાષ્ટ્રને સરસાઈ હાંસલ કરવા માટે 341 રન કરવા જરૂરી હતા. આ સંજોગોમાં અલતાફ મર્ચન્ટની સાથે બિમલ જાડેજાએ ઇનિંગ્સનો પ્રારંભ કર્યો.

શરૂઆતમાં સિતાંશુ કોટક સાથે 165 રનની ભાગીદારી અને ત્યાર બાદ તેમના જેવા જ પ્રતિભાશાળી પ્રકાશ ભટ્ટ સાથે 282 રનની વિશાળ ભાગીદારી ખડકીને બિમલ જાડેજાએ કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી ફટકારી હતી.

579 મિનિટ અને 405 બૉલ રમીને જાડેજાએ 203 રન ફટકાર્યા હતા.

પિતા તરફથી વારસો

બિમલ જાડેજાનો 81 મૅચમાં 4822 રનનો રેકૉર્ડ આજના સમયની સરખામણીએ કદાચ એટલો પ્રભાવશાળી લાગે નહીં, પરંતુ અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે વર્ષમાં માત્ર ચાર જ મૅચ રમવા મળતી હોય અને તેમાંથી ત્રણ મૅચમાં તમારા હરીફ મુંબઈ કે મહારાષ્ટ્ર અને બરોડા હોય ત્યારે તેમની સામેનું પ્રદર્શન ચોક્કસ નોંધપાત્ર કહેવાય.

આ ઉપરાંત વર્ષમાં ચાર મૅચ રમ્યા બાદ એક વર્ષ સુધી રાહ જોવાની હોય અને એવી રાહ એક બે નહીં પરંતુ બે દાયકા સુધી જોઈ હોય તેને આ રેકૉર્ડનું મહત્ત્વ સમજાઈ જશે.

ક્રિકેટના ગુણો બિમલભાઈને વારસામાં મળેલા છે. બિમલ જાડેજાના પિતા મૂળુભા જાડેજા સૌરાષ્ટ્રના સર્વકાલીન પ્રતિભાશાળી બૅટ્સમૅન પૈકીના એક હતા અને તેઓ એક સમયે સૌરાષ્ટ્રના કૅપ્ટન પણ રહી ચૂક્યા હતા.

ન્યાલચંદ, ઠાકોરસાહેબ ઑફ રાજકોટ, નિરંજન મહેતા અને નરોત્તમ જેવા ખેલાડીઓ સાથે રમેલા મૂળુભા જાડેજા પણ સૌરાષ્ટ્ર માટે 1000થી વધારે રન ફટકારી ચૂક્યા હતા.