ભારતીય ટીમને જ્યારે ફૂટબૉલ વર્લ્ડકપ રમવાની તક મળી અને એણે ગુમાવી દીધી

    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • 1950ના ફૂટબૉલ વર્લ્ડકપ ઑટોમૅટિક ક્વૉલિફાય થવા છતાં ભારતીય ટીમે ભાગ કેમ ન લીધો?
  • ભારતીય ટીમ ઉઘાડા પગે ફૂટબૉલ રમવા માગતી હતી, શું તે કારણે તેમને ફિફાએ મંજૂરી નહોતી આપી?
  • કે આર્થિક કારણોને લીધે ટીમે પીછેહઠ કરવી પડી? શું હતું ખરું કારણ?

કતારમાં 20 નવેમ્બરથી ફૂટબૉલ વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ફૂટબૉલ રમનારી 32 સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે આ ઘમસાણ બાદ એ નક્કી થશે કે ફૂટબૉલ વિશ્વનો બાદશાહ કોણ છે.

સમગ્ર વિશ્વમાં ફૂટબૉલની રમતને સંચાલિત કરનારી સંસ્થા ફિફા અનુસાર 20 નવેમ્બરથી 18 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન રમાનારા આ વર્લ્ડકપને લગભગ પાંચ અબજ લોકો જોશે.

ગત વખતે એટલે કે વર્ષ 2018નો વર્લ્ડકપ કુલ ચાર અબજ લોકોએ જોયો હતો. કતારમાં થનાર વર્લ્ડકપ, વર્લ્ડકપ ફૂટબૉલનું 22મું આયોજન છે. પરંતુ ભારતીય રમતપ્રેમીઓ માટે તેને લઈને ઉત્સાહિત થવાની કોઈ વાત નથી, કારણ કે અત્યાર સુધી ભારત આ ટુર્નામેન્ટમાં એક પણ વખત ભાગ નથી લઈ શક્યું.

ભારત ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્યારે ભાગ નથી લઈ શક્યું, પરંતુ આજની પેઢી ઓછામાં ઓછું રમતપ્રેમીઓને માલૂમ હશે કે એક એવી પણ તક આવી હતી, જ્યારે ભારત વર્લ્ડકપ ફૂટબૉલમાં ભાગ લઈ શક્યું હોત.

હકીકત એ જ છે કે ભારતીય ફૂટબૉલ ટીમ આજથી 72 વર્ષ પહેલાં એટલે કે 1950માં બ્રાઝિલમાં રમાઈ રહેલ વર્લ્ડકપમાં ભાગ લેવા જવાની હતી, પરંતુ ભારતીય ટીમ તેમાં અંતે ભાગ નહોતી લઈ શકી.

ભારતને આ તક કેવી રીતે મળી હતી?

વાત એમ હતી કે બીજા વિશ્વયુદ્ધને કારણે 1942 અને 1946માં વર્લ્ડકપ ફૂટબૉલનું આયોજન નહોતું થઈ શક્યું.

1950માં 12 વર્ષ સુધી રાહત જોયા બાદ વર્લ્ડકપનું આયોજન થવાનું હતું. બ્રાઝિલમાં થનાર વર્લ્ડકપ માટે માત્ર 33 દેશોએ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રમવા માટે સંમતિ વ્યક્ત કરી હતી.

ક્વૉલિફાઇંગ ગ્રૂપ 10માં ભારતને બર્મા (મ્યાંમાર) અને ફિલિપાઇન્સ સાથે જગ્યા મળી હતી. પરંતુ બર્મા અને ફિલિપાઇન્સે ક્વૉલિફાઇંગ રાઉન્ડમાંથી પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં.

એટલે કે ભારત વગર રમ્યા વગર જ વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરી ગયું હતું. ઇતિહાસ દૂર નહોતો. ભારતીય ટીમને પ્રથમ વખત ફૂટબૉલમાં પોતાનાં કરતબ બતાવવાની ટિકિટ મળી ચૂકી હતી.

1950ના વર્લ્ડકપમાં ભારતનું ગ્રૂપ

1950ના વર્લ્ડકપ ફૂટબૉલનો જ્યારે ફાઇનલ રાઉન્ડ ડ્રૉ તૈયાર થયો, ત્યારે ભારતને પૂલ – 3માં સ્વીડન, ઇટાલી અને પરાગ્વે સાથે જગ્યા મળી.

જો ભારતે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોત તો તેનું પ્રદર્શન કેવું હોત?

આ અંગે દિવંગત ફૂટબૉલ પત્રકાર નોવી કપાડિયાએ વર્લ્ડકપ ફૂટબૉલની ગાઇડ બુકમાં લખ્યું છે : “એ વખતે પરાગ્વેની ટીમ મજબૂત નહોતી, ઇટાલીએ પોતાના આઠ મુખ્ય ખેલાડીઓને અનુશાસનહીનતાનું કારણ ધરી સામેલ નહોતા કર્યા. ટીમ એટલી ખરાબ પરિસ્થિતિમાં હતી કે બ્રાઝિલ પહોંચ્યા બાદ ટીમના કોચ વિટોરિયો પોઝ્ઝોએ રાજીનામું આપી દીધું હતું. સ્વીડનની ટીમ ભારત સાથે મુકાબલા માટે સારી સ્થિતિમાં હતી, આ પ્રમાણે જોઈએ તો ભારત ગ્રૂપમાં બીજા નંબર પર રહી શક્યું હોત પરંતુ ટીમને શ્રેષ્ઠ ઍક્સપોઝર મળ્યું હોત.”

1950માં કેવી હતી ભારતીય ફૂટબૉલની પરિસ્થિતિ?

1950માં ભારતીય ફૂટબૉલ ટીમ પાસે વધુ આંતરરાષ્ટ્રીય ઍક્સપોઝર નહોતું પરંતુ ટીમની પ્રતિષ્ઠા રમતને સારી રીતે રમનાર દેશ તરીકેની જરૂર હતી.

આની ઝલક ભારતીય ટીમે 1948માં બ્રિટનમાં રમાયેલા ઑલિમ્પિકમાં દેખાડી હતી. ફ્રાન્સ જેવી મજબૂત ટીમથી ભારત માત્ર 1-2ના અંતરથી હાર્યું હતું.

આ દરમિયાન ટીમના ફૉરવર્ડ અને ડ્રિબ્લરની રમતને કારણે ભારતીય ફૂટબૉલ પોતાની ઓળખ બનાવવામાં લાગ્યું હતું.

અહમદ ખાન, એસ. રમણ, એમ.એ. સત્તાર અને એસ. મેવાલાલ જેવા ખેલાડીઓ લોકોના પ્રશંસક હતા.

એ ઑલિમ્પિકમાં ભારતના આ તમામ ખેલાડી ઉઘાડા પગે ફૂટબૉલ રમવા ઊતર્યા હતા. જોકે, રાઇટ બૅક પર રમનારા તાજ મહમદ બૂટ પહેરીને રમ્યા હતા.

બ્રાઝિલ વર્લ્ડકપમાં કેમ ભાગ ન લઈ શકી ટીમ?

 1950ના વર્લ્ડકપમાં ભારતીય ફૂટબૉલ ટીમ આખરે કેમ ભાગ ન લઈ શકી, એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી મળતો.

જોકે ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એઆઈએફએફ)એ જે આધિકારિક કારણ જણાવ્યું હતું, એ પ્રમાણે, પસંદગીમાં અસંમતિ અને અભ્યાસ માટે પર્યાપ્ત સમય ન હોવાને કારણે ટીમે નામ પાછું લઈ લીધું હતું.પરંતુ આને લઈને વર્ષો સુધી ચર્ચા થઈ છે, તેમાં સૌથી વધુ ચર્ચા એ વાત પર થઈ કે ભારતીય ખેલાડી ઉઘાડા પગે ફૂટબૉલ રમવા માગતા હતા અને ફિફાને આ મંજૂર નહોતું.

પરંતુ નોવી કપાડિયા સિવાય વરિષ્ઠ રમતગમત પત્રકાર જયદીપ બસુના હાલમાં આવેલ પુસ્તક પણ આ કારણને વધુ વિશ્વસનીય નથી માનતું.

જયદીપ બસુ દ્વારા સંપાદિત પુસ્તક ‘બૉક્સ ટુ બૉક્સ : 75 યર્સ ઑફ ધ ઇન્ડિયન ફૂટબૉલ ટીમ’માં લખ્યું છે કે, “ફિફા દ્વારા ભારતીય ખેલાડીઓ ઉઘાડા પગે રમે તે વાતને લઈને આપત્તિ વ્યક્ત કરવાનો સવાલ જ નહોતો.”

બ્રિટનમાં રમાયેલા ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા સાત-આઠ ખેલાડીઓના હવાલાથી જયદીપ બસુએ લખ્યું છે, “એ ટીમમાં સામેલ સાત-આઠ ખેલાડીઓની ટ્રાવેલ બૅગમાં સ્પાઇક બૂટ પર રાખેલા હતા અને આ ખેલાડીઓ માટે પોતાની પસંદગીનો મામલો હતો.”

ખરેખર આ એ સમયગાળ હતો, જ્યારે ફૂટબૉલ ખેલાડીઓ પોતાના પગે મોટો પાટો બાંધીને રમવાનું પસંદ કરતા હતા અને 1954 સુધી આ ચલણ વિશ્વના અન્ય દેશોમાં પણ મોજૂદ હતું.

શું પૈસાની અછત હતી કારણ?

ભારતે વર્લ્ડકપ ફૂટબૉલમાં ભાગ ન લીધો તેનું કારણ આર્થિક હોવાનું પણ મનાતું હતું. પરંતુ આ દાવો પણ સત્ય હોવાના પુરાવા પૂરતા પ્રમાણમાં નથી.

જયદીપ બસુએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે બ્રાઝિલ સુધી જવા માટે ટીમના ખર્ચનો મુદ્દો હતો, પરંતુ તેનું સમાધાન કરી લેવાયું હતું.તેમણે લખ્યું છે કે એ સમયે ભારતના ત્રણ રાજ્ય સ્તરના ફૂટબૉલ સંઘોએ ખર્ચમાં ભાગીદારી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આટલું જ નહીં નોવી કપાડિયાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં બ્રાઝિલે ભારતીય ફૂટબૉલ સંઘનો સંપર્ક કરીને ટીમના ખર્ચનો મોટો ભાગ ચૂકવવાનો વાયદો કર્યો હતો.

નોવી કપાડિયાના પુસ્તક પ્રમાણે બ્રાઝિલના આ વિશ્વાસનાં બે કારણો હતાં – એક તો સ્કૉટલૅન્ડ, ફ્રાન્સ, તુર્કી અને ચેકોસ્લોવાકિયાની ટીમોએ પણ ફૂટબૉલ વર્લ્ડકપથી પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં હતાં અને બ્રાઝિલ ઇચ્છતું હતું કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના દેશની ટીમ બ્રાઝિલમાં ફૂટબૉલમાં રમે.

જયદીપ બસુના પુસ્તક પ્રમાણે ભારતે 16 મે, 1950ના રોજ વર્લ્ડકપ જનાર ટીમ જાહેર કરી દેવાઈ હતી. ભારતના પ્રસ્તાવિત કાર્યક્રમ પ્રમાણે ભારતીય ટીમ 15 જૂનના રોજ બ્રાઝિલ માટે રવાના થઈ હોત અને ભારતની પ્રથમ મૅચ 25 જૂનના રોજ પરાગ્વે સાથે રમાવાની હતી. પરંતુ તે બાદ જે થયું, તેને જયદીપ બસુ ભારતીય ફૂટબૉલ વિશ્વનું સૌથી મોટું રહસ્ય ગણાવે છે, જેનો કોઈ જવાબ નથી મળ્યો.

જોકે, નોવી કપાડિયા અને જયદીપ બસુનાં પુસ્તકો પરથી એ સ્પષ્ટ થાય છે કે એ દરમિયાન ભારતીય ફૂટબૉલ ખેલાડી કે ફૂટબૉલ અધિકારી કોઈ પણ આ તકનું મહત્ત્વ નહોતા સમજી શક્યા.

ખરેખર એ સમયે ભારતીય હૉકી ટીમ ઑલિમ્પિક રમતોની ચૅમ્પિયન ટીમ બની ચૂકી હતી અને દરેક રમતવીર માટે લોકપ્રિયતાનો અંતિમ માપદંડ એ જ હતો.

આવી પરિસ્થિતિમાં ભારતીય ફૂટબૉલ ટીમમાં રમનાર અને રમત ચલાવનાર બંને માટે ઑલિમ્પિકમાં સારા પ્રદર્શન પર ધ્યાન આપવું વધુ જરૂરી હતું.

આ સિવાય 1951ની એશિયન રમતોનું આયોજન પણ દિલ્હીમાં થવાનું હતું. મેજબાન ટીમ તરીકે ભારતનો હેતુ તેમાં સારું પ્રદર્શન કરવાનો હતો.

અહીં એ વાત અંગે પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે કે 1950 સુધી સમગ્ર વિશ્વમાં વર્લ્ડકપની લોકપ્રિયતા એટલી નહોતી, જેટલી પછીનાં વર્ષોમાં થઈ. ત્યારે તે એક ગ્લૅમરરહિત રમત ટુર્નામેન્ટ હતી.

નિયમોની જાણકારીનો અભાવ

એ પણ સ્પષ્ટ છે કે નિયમોની જાણકારીના અભાવને કારણે પણ ભારતના ફૂટબૉલ અધિકારીઓએ આવો નિર્ણય કર્યો હશે.

ખરેખર આ વર્લ્ડકપ ફૂટબૉલમાં ભાગ લેનાર ખેલાડીઓને ત્યારે પ્રૉફેશનલ ખેલાડીઓનો ટૅગ મળી જતો હતો.

ખેલાડીઓ પ્રૉફેશનલ બની જાય તેનો અર્થ એ થયો કે તેમને ઑલિમ્પિક અને એશિયન રમતોમાં ભાગ લેવાની મંજૂરી નહોતી મળતી. કારણ કે એ સમયે આ ટુર્નામેન્ટોમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે અમૅચ્યોર હોવું જરૂરી હતું.

 જોકે આ નિયમથી બચવાના રસ્તા પણ હતા, જેમ કે હંગરી, રશિયા અને અન્ય સોશિયાલિસ્ટ દેશો વર્લ્ડકપ ફૂટબૉલમાં ભાગ લેનારા ખેલાડીઓને સૈન્યના સભ્યો ગણાવી દેવાતા અને દાવો કરાતો કે સૈન્યના સભ્યો પ્રૉફેશનલ ન હોઈ શકે. પરંતુ સંભવ છે કે આની જાણકારી એ સમયે ભારતીય ફૂટબૉલના અધિકારીઓને નહોતી.

બની શકે કે એશિયન રમતો અને ઑલિમ્પિક રમતોમાં ભાગ નહીં લેવા દેવાયા એ બીકના કારણે ભારતીય ફૂટબૉલ સંઘે 1950ના વર્લ્ડકપમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હશે.

પરંતુ આ નિર્ણય એવું બ્લંડર સાબિત થયો, જેનો ડંખ પાછલાં 72 વર્ષોથી ભારતના રમતપ્રેમીઓને પરેશાન કરી રહ્યો છે, અને આ દુ:ખ દર ચાર વર્ષે થનાર વર્લ્ડકપ ફૂટબૉલ દરમિયાન વધી જાય છે.