કતાર ફૂટબૉલ વર્લ્ડકપની વરવી વાસ્તવિકતા જ્યાં મજૂરોના પરિવારજનોને તેમના મૃતદેહ મળ્યા પણ વળતર નહીં

કતાર ફૂટબૉલ વર્લ્ડકપની વરવી વાસ્તવિકતા જ્યાં મજૂરોના પરિવારજનોને તેમના મૃતદેહ મળ્યા પણ વળતર નહીં

વીસમી નવેમ્બરથી કતારમાં શરૂ થઈ રહેલો ફિફા વર્લ્ડકપ દુનિયાભરના કરોડો ફૂટબૉલ ચાહકોનું એક મહિના સુધી મનોરંજન કરશે. લાખો ચાહકો તેમની ઊંઘના ભોગે પણ તેમની મનપસંદ ટીમની મૅચ જોવા જાગશે. ઝાકઝમાળ ભરેલી આ ટુર્નામેન્ટનું એક પાસુ એ પણ છે જેના કારણે દક્ષિણ એશિયાના સેંકડો લોકોના પરિવારોની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ છે.

આ પરિવારોએ ફિફા વર્લ્ડકપની તૈયારી માટેના નિર્માણ પ્રોજેક્ટોમાં પોતાના સ્વજનો અને સંતાનો ગુમાવ્યા છે. તો કેટલાક લોકો અકસ્માતોને કારણે વિકલાંગ બન્યા છે.

એટલું જ નહીં કતારની સરકાર અને એ નિર્માણ કાર્ય સાથે જોડાયેલી કંપનીઓ તરફથી જીવન ગુમાવી ચૂકેલા લોકોના પરિવારજનો અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને હજી સુધી વળતરના નામે કંઈ નથી મળ્યું.

નેપાળના દક્ષિણમાં આવેલા ધનુષા જિલ્લામાંથી હજારો યુવાનો આજીવિકા માટે કતાર કામ કરવા ગયા હતા. અહીંના એક યુવાન અનિલે બીબીસી સાથે પોતાના સ્વજન વિશે વાત કરી. તેમના સંબંધીનું કતારમાં મૃત્યુ થઈ ગયું. તેમણે કહ્યું, “નેપાળી લોકો કોમ્પ્યૂટર સાયન્સ જેવો અભ્યાસ કરવા છતાં, કતારમાં મજૂરી કરવા જાય છે. મારા સંબંધી પણ એક મજૂર તરીકે ત્યાં ગયા. જો તેમને ખબર હોત તો તેઓ ત્યાં કદી ના ગયા હોત.”

આવી જ રીતે બિલ્ટુ મંડલના પુત્ર સિધ્ધેશ પણ ચાર વર્ષ પહેલાં કતાર કામ કરવા ગયા હતા. તેઓ ત્યાં કામ કરીને પરિવારને ગુજરાન માટે પૈસા મોકલતા રહેતા. ગયા મહિને ત્યાંથી તેના એક મિત્રનો ફોન આવ્યો કે દોહામાં વર્લ્ડકપના માળખાકીય બાંધકામના પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ કામ કરતી વખતે સિધ્ધેશનું મૃત્યુ થઈ ગયું.

બિલ્ટુ મંડલ કહે છે, “કતારમાં અમારા એક સંબંધીનો ફોન આવ્યો અને તેમણે અમને જણાવ્યું કે, સિધ્ધેશનું કામ કરતી વખતે મૃત્યુ થયું છે.”

તેમણે વધુમાં કહ્યું, “અમને કોઈ વળતર નથી મળ્યું. અમને માત્ર તેનો મૃતદેહ મળ્યો હતો. બીજું કંઈ નહીં.”

સિધ્ધેશ જ્યાં કામ કરતો હતો તે કંપનીનો સંપર્ક કરવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ નથી આપ્યો.

આ માત્ર નેપાળની વાત નથી દક્ષિણ એશિયામાંથી સેંકડો હજારો લોકો કતારમાં કામ કરવા માટે જાય છે. વર્લ્ડકપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટે તેમને કામ કરવાની તક તો આપી, પરંતુ સાથે સાથે ત્યાં કામ કરવાની ખરાબ પરિસ્થિતિ અને સુરક્ષાના માપદંડોની કહાણીઓ પણ સામે આવી છે.

કતારની સરકારે કહ્યું છે કે, સ્થિતિમાં સુધાર કરવાના પ્રયત્નોને કારણે હાલત સારી થઈ છે, અને તેઓ આ પ્રોજેક્ટમાં કામ કરનારા લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા માન-સન્માનની જાળવણી માટે કટિબદ્ધ છે.

સતીશ વિલાગાસરમ, વર્ષ 2016માં કતારમાં વર્લ્ડકપ સાથે જોડાયેલા નિર્માણ કાર્યમાં કામ કરતા હતા. પરંતુ થોડા સપ્તાહમાં જ કામના સ્થળે તેઓ એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. હવે તેઓ લાકડી વગર ચાલી નથી શકતા. તેઓ હજું પણ વળતરની રકમની રાહ જોઈ રહ્યા છે.

તેઓ કતારમાં કામના સ્થળે સુરક્ષાની વ્યવસ્થાને લઈને ચિંતિત હતા. તેમણે કહ્યું, “અમારે લિફ્ટમાં ઉપર-નીચે જવાનું હતું. મને ડર હતો કે આટલા ઉપર જઈને ક્યાંક હું પડી ગયો અને મૃત્યુ પામ્યો તો?”

સતીશ જે કામમાં જોડાયેલા હતા તેનાથી જોડાયેલા લોકોએ બીબીસીને કહ્યું કે, તેઓ વ્યક્તિગત મામલાઓમાં કોઈ ટિપ્પણી નથી કરી શકતા. પરંતુ તેમણે જણાવ્યું કે, તેમના કામના સ્થળે થયેલાં દરેક અકસ્માતની પૂરતી તપાસ થાય છે.

કતારમાં યોજાનારા ફૂટબૉલ વર્લ્ડકપમાં કામ કરવા માટે દક્ષિણ એશિયાના વિસ્તારોમાંથી ઘણા બધા લોકો ત્યાં કામ કરવા ગયા તો ખરા, પરંતુ આ ટુર્નામેન્ટમાં તેમણે ખુશીની જગ્યાએ કરુણાંતિકાનો સામનો કરવો પડ્યો છે.

અમારા દક્ષિણ એશિયાના સંવાદદાતા રજની વૈદ્યનાથનનો આ વીડિયો અહેવાલ જોઈએ...