અક્ષર પટેલ : 'નડિયાદના જયસૂર્યા'થી ભારતને ટી20 વર્લ્ડકપ અપાવવા સુધીની કહાણી

વેસ્ટ ઇન્ડિઝ-યુએસએમાં રમાયેલા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2024માં ભારત ચૅમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને દસ વર્ષ પછી આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી છે.

ભારતની આ જીતમાં ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલનો મોટો ફાળો છે. અક્ષર પટેલે ફાઇનલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં 31 બૉલમાં 47 રનની ઇનિંગ રમીને ભારતની ટીમને સ્થિરતા આપી હતી.

વિરાટ કોહલી સાથે તેમણે મજબૂત ભાગીદારી કરી હતી અને કેટલાક જોરદાર શોટ્સ ફટકાર્યા હતા.

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા ઑલરાઉન્ડર સાથે હવે અક્ષર પટેલનું નામ પણ આગળની હરોળમાં ચર્ચાવા લાગ્યું છે.

તમામ ફૉર્મેટમાં અક્ષર પટેલે છાપ છોડી

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અક્ષર પટેલે વન-ડે અને ટી-20માં જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ કમાલ કરી છે. તેમણે પોતાની કારકિર્દીની પ્રથમ ચાર ટેસ્ટની આઠ ઇનિંગ્સમાં 33 વિકેટ ઝડપી હતી.

અક્ષર પટેલે તેમની કારકિર્દીમાં 14 ટેસ્ટ, 57 વન-ડે અને 60 ટી-20 મુકાબલા રમ્યા છે. તેમણે ટેસ્ટમાં 55, વન-ડેમાં 60 અને ટી-20માં 58 વિકેટો લીધી છે.

આઈપીએલમાં તેમણે 150 મૅચમાં 123 વિકેટો સાથે 1263 રન પણ બનાવ્યા છે.

શ્રીલંકાના મહાન અને લિમિટેડ ઑવર્સના ક્રિકેટમાં એક જમાનામાં ઝંઝાવાતી બેટિંગની વ્યાખ્યા બદલી નાખનારા સનથ જયસૂર્યા સાથે પણ અક્ષર પટેલની સરખામણી થતી હતી.

અક્ષર પટેલ મૂળ ગુજરાતના નડિયાદના ક્રિકેટર છે. ગુજરાતના જે પ્રાંતમાંથી પટેલો સમગ્ર દુનિયામાં જઈને વસવાટ કરવા માટે જાણીતા છે ત્યાંથી આ ક્રિકેટરે એનઆરઆઈ બનવાનું નહીં પરંતુ એવી કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું જેના થકી તે સમગ્ર દુનિયાનો પ્રવાસ કરે છે.

મિટિંગની નહીં બેટિંગની ફિકર

જુનિયર ક્રિકેટથી જ અક્ષર પટેલમાં રહેલી અસામાન્ય પ્રતિભાનાં દર્શન થઈ ગયાં હતાં. લગભગ એક દાયકા અગાઉનો આ કિસ્સો છે.

2012નો ડિસેમ્બર મહિનાનો સમય હતો અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું બી-ગ્રાઉન્ડ.

ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમ રેલવે સામે રમવાની તૈયારી કરતી હતી. મૅચના આગલા દિવસે અમ્પાયર્સ અને મૅચ રેફરીએ ટીમના કૅપ્ટન અને ઑફિશિયલ્સની મિટિંગ બોલાવી હતી.

આમ તો આ વાત રૂટિન હતી. મિટિંગ દર વખતે થતી હોય છે પણ આ વખતે અમ્પાયર હતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મેદાન પર સૌથી વધારે ચંચળ અને ચબરાક એવા સદાનંદ વિશ્વનાથ.

સ્વાભાવિક છે કે મોટેરા બી ગ્રાઉન્ડ પર અંડર-19ની મૅચ હોય એટલે અમ્પાયર કે રેફરી ઇન્ટરનેશનલ મૅચ જેવા ગંભીર હોય નહીં. એવામાં ગુજરાતના કૅપ્ટન અક્ષર પટેલ થોડી થોડી વારે અકળાઈ ઊઠતા હતા કે હજી મિટિંગ શરૂ થતી નથી. તેમનું કહેવું હતું કે આ મિટિંગમાં સમય બગાડવા કરતાં થોડી બેટિંગ કરવા મળી જાય, પ્રેક્ટિસ કરવા મળી જાય તો સારું.

એક અધિકારીએ અક્ષર પટેલને તો એમ પણ કહી દીધું કે 'ભાઈ શાંતિ રાખો, રમવાનું તો કાલે મૅચમાં છે જ ને, અત્યારે મિટિંગની ચિંતા કરો' પણ માને તો કૅપ્ટન શેના?

જેમ-તેમ કરીને મિટિંગ પતાવીને અક્ષર નૅટ્સમાં ચાલ્યા ગયા અને બીજે દિવસે કૅપ્ટન અક્ષર પટેલે મેદાન પર પોતાનું હુન્નર દેખાડી દીધું.

આમ તો અક્ષરને એ દિવસે બૉલિંગ કરવાની હતી પણ જસપ્રીત બુમરાહ બૉલિંગ કરી રહ્યા હોવાથી તેમને ખાસ કંઈ કરવાનું ન હતું. પરંતુ બેટિંગમાં તેમણે કમાલ કરી અને શાનદાર બેવડી સદી ફટકારી દીધી.

પેવેલિયનમાં પરત આવીને અક્ષર પટેલે પેલા અધિકારીને કહ્યું પણ ખરું, 'જોયું, મેદાન પર રમી લીધુંને?'

બાળપણથી ક્રિકેટનો શોખ અને આક્રમક બેટ્સમૅન

બાળપણથી અક્ષર પટેલને ક્રિકેટનો શોખ હતો. તેમના પિતા રાજેશભાઈ પણ ઇચ્છતા કે અક્ષર મોટો થઈને ક્રિકેટર બને પણ માતાની ઇચ્છા ઓછી હતી કેમ કે તેમને એક મા તરીકે દીકરો ઘાયલ ન થઈ જાય તેની સતત ફિકર રહેતી. આમ છતાં તેમણે હિંમત કરીને પુત્રને ક્રિકેટ રમતો કરી દીધો.

સામાન્ય રીતે કૉચિંગમાં જઈને દિવસે પ્રૅક્ટિસ કરનારા અક્ષર પટેલ રાત્રિના સમયે ટેનિસ બૉલથી ફ્લડલાઇટ ક્રિકેટમાં રમવા જાય અને જોરદાર ફટકાબાજી કરે.

આજની જેમ એ અરસામાં ટેનિસ બૉલ ક્રિકેટમાં રાત્રે ટુર્નામેન્ટ યોજાતી અને તેમાં સારા એવા પુરસ્કારની જાહેરાતો થતી.

બાળપણમાં અક્ષર તેનાથી અંજાઈને એવી ફટકાબાજી કરે કે એકાદ ઇનામ તો ઘરે લઈને આવે જ, અને આ પ્રયાસમાં તે ક્યારે આક્રમક બૅટ્સમૅન બની ગયા તેની તેમને પણ ખબર ન રહી.

વતન નડિયાદમાં તેમની એક ઓળખ 'નડિયાદના જયસૂર્યા'ની પણ છે. કારણ કે તેમની બેટિંગ જ શ્રીલંકાના મહાન બૅટ્સમૅન જયસૂર્યા જેવી હતી. તેઓ પણ શ્રીલંકન ફટકાબાજ બૅટ્સમૅનની માફક ડાબોડી બેટિંગ કરે છે.

સુનીલ જોશીએ પારખી અક્ષરની પ્રતિભા

એક સ્પિનર તરીકેની તેમની પ્રતિભા નેશનલ ક્રિકેટ ઍકૅડમીમાં ગયા ત્યારે ભારતના ભૂતપૂર્વ સ્પિનર એમ. વેંકટરામન્ના અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર તથા એક સમયે પસંદગીકાર રહી ચૂકેલા સુનીલ જોશીએ પારખી અને તેમને લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગ કરવાની પ્રેરણા આપી.

વર્તમાન ક્રિકેટમાં લિમિટેડ ઓવરનું પ્રમાણ વધારે છે અને એ સંજોગોમાં સ્પિનર રન રોકવા માટે બૉલિંગ કરતા જોવા મળે છે.

બિશનસિંહ બેદી કે વેંકટપથી રાજુની માફક તેઓ બૅટ્સમૅનને લલચાવીને સિક્સર ફટકારવા ઉશ્કેરવાનું જોખમ લઈ શકતા નથી. આથી બૉલર તેના બૉલને ફ્લાઇટ કે લૂપ આપવાનું પસંદ કરે નહીં. અક્ષર પણ આમ જ કરતા હતા.

આ ઉપરાંત તે બૉલને ફ્લાઇટ આપવા જાય તો ફુલટોસ બની જતો હતો. આવા સંજોગોમાં તે વધારે ફ્લેટ બૉલિંગ કરવા લાગ્યા પણ સમય જતાં તેમણે રિયલ સ્પિનરની આવડત કેળવી લીધી.

2013-14માં તેમને ગુજરાતની રણજી ટીમમાં રમવાની તક મળી અને એ જ અરસામાં આઈપીએલમાં તેઓ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માટે રમવા લાગ્યા. 2018માં તો તે ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમતા થઈ ગયા હતા.

વિવેચકો કહેતા કે અક્ષર પટેલ માત્ર વન-ડેના જ ખેલાડી છે અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખાસ સફળ નથી. આ ટીકાનો પણ અક્ષર પટેલે જવાબ આપ્યો હતો.

ગુજરાતની ટીમ તેના હોમગ્રાઉન્ડ નડિયાદમાં આંધ્ર પ્રદેશ સામે રમી રહી હતી. 2020ના ફેબ્રુઆરી મહિનામાં આ મૅચ રમાઈ હતી. ગુજરાતને આ મૅચ જીતવી જરૂરી હતી અને કૅપ્ટન પાર્થિવ પટેલ પાસે બે લેફ્ટ આર્મ સ્પિનર હતા. અક્ષર ઉપરાંત ટીમમાં નવોદિત સિદ્ધાર્થ દેસાઈ હતા.

પ્રથમ દાવમાં અક્ષરે ત્રણ વિકેટ લીધી અને બીજા દાવમાં તો તેમણે સાત વિકેટ ઝડપીને ગુજરાતને શાનદાર વિજય અપાવી દીધો. આમ ફર્સ્ટ ક્લાસ મૅચમાં દસ વિકેટ ખેરવીને તેમણે પુરવાર કરી દીધું કે તેઓ માત્ર વન-ડેના ખેલાડી નથી.

આઈપીએલમાં 1000 કરતાં વધારે રન અને 100થી વધુ વિકેટની બેવડી સિદ્ધિ હાંસલ કરનારા ગણીને ચાર ખેલાડી છે જેમાં એક અક્ષર પટેલ છે.

આ યાદીમાં ઉપરાંત મહાન ટી-20 ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો, રવીન્દ્ર જાડેજા અને સુનીલ નારાયણનો સમાવેશ થાય છે.