સ્નેહ રાણા : એ મહિલા ક્રિકેટર જેણે 10 વિકેટ ખેરવીને દક્ષિણ આફ્રિકાને એકલપંડે પછાડી દીધું

    • લેેખક, વર્ષા સિંહ
    • પદ, બીબીસી માટે, દેહરાદૂનથી

ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટમૅચમાં યજમાન ટીમે 10 વિકેટે વિજય મેળવ્યો છે.

સ્પિનર સ્નેહ રાણાએ ભારતીય વિજયમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી અને મહેમાન ટીમની 10 વિકેટ ખેરવી. આ ભવ્ય પ્રદર્શન બદલ રાણાને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.

રાણા ઉપરાંત શફાલી વર્મા તથા સ્મૃતિ મંધાનાએ પણ દમદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને ભારતીય વિજયમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો.

ટૉસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્મા અને મંધાનાએ કૅપ્ટન હરમનપ્રીતકોર નિર્ણયને ખરો સાબિત કર્યો અને પહેલી વિકેટ માટે 292 રનની ભાગીદારી નોંધાવી. મંધાનાએ 149 તથા વર્માએ 205 રન બનાવ્યા. તેઓ બેવડી સદી ફટકારનારાં બીજા મહિલા ક્રિકેટર બન્યાં.

બંનેની શાનદાર ઇનિંગ્સને પગલે ભારતે છ વિકેટે 603 રનનો જુમલો ખડકી દીધો અને ઇનિંગ્સને સમાપ્ત જાહેર કરી.

એ પછી સ્નેહ રાણાએ તેમની બૉલિંગની કમાલ દેખાડી અને 77 રન આપીને આઠ વિકેટ લીધી. રાણાની બૉલિંગ સામે દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 266 રનમાં આટોપાઈ ગઈ. આમ પહેલી ઇનિંગમાં ભારતને 337 રનની લીડ મળી અને દક્ષિણ આફ્રિકાએ ફોલૉઑન થવું પડ્યું.

બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 373 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ, આમ ભારતને વિજય માટે 37રનનું ટાર્ગેટ મળ્યું.

સ્મૃતિ મંધાના અને શફાલી વર્માની જોડીએ માત્ર 9.2 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધો અને ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો.

પાંચ વર્ષંની ઉંમરે શરૂઆત

સ્નેહ રાણાના પ્રારંભિક દિવસોને યાદ કરતાં તેમના કોચ નરેન્દ્ર શાહે બીબીસીને જણાવ્યું, "વારાણસીમાં મૅચ ચાલી રહ્યો હતો અને 11 વર્ષીય સ્નેહ રાણા મેદાનની ચારેકોર બૉલને ફટકારી રહી હતી. દર્શકોની તાળીઓનો ગડગડાટ સતત ચાલુ હતો. જે મૅચમાં 20-20 વર્ષની યુવતીઓ રમી રહી હતી, તેમાં 11 વર્ષની છોકરી પોતાની બેટિંગ દ્વારા છવાઈ ગઈ હતી."

સ્નેહ રાણાએ માત્ર પાંચ વર્ષની ઉંમરમાં શેરી ક્રિકેટથી રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમની રમતમાં વિશેષ વાત હતી, જેની માહિતી સ્થાનિક ક્રિકેટગુરુઓ સુધી પહોંચી.

કોચ નરેન્દ્ર શાહના કહેવા પ્રમાણે, "પહેલાં તો સ્નેહના પપ્પાએ કહ્યું કે છોકરી ક્રિકેટ નહીં રમે, પરંતુ એક જ અઠવાડિયામાં નવ વર્ષની બાળકી હાથમાં બૅટ લઈને ક્રિકેટની બારીક વાતો શીખવા માટે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગઈ હતી."

શરૂઆતની સફર

સ્નહેના પરિવારમાં માતા અને બહેન છે. પરિણીત બહેન માતાનું ધ્યાન રાખે છે. વર્ષ 2021માં સ્નેહના પિતાનું નિધન થઈ ગયું હતું.

માતા વિમલા રાણાનાં કહેવા પ્રમાણે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચવાની સ્નેહ રાણાની સફર સરળ ન હતી. અમારે બે દીકરીઓ છે. અમારાં પરિવારે દીકરીઓ ઉપર ક્યારેય કોઈ નિયંત્રણ નથી લાદ્યાં. જોકે, પાડોશીઓ અને સંબંધીઓ કહેતાં કે છોકરીઓને ક્યાં મોકલો છો, આ શું કરી રહ્યાં છો? એ જ લોકો આજે કહે છે કે સ્નેહ તેમની ભત્રીજી કે ભાણેજ છે."

વિમલ રાણાએ અખબારોમાં છપાયેલા સ્નેહ રાણાના સમાચારોને પણ સાચવીને રાખ્યા છે. તેઓ કહે છે : "અમારા ગામમાં માત્ર છોકરા જ ક્રિકેટ રમતા, છોકરીઓ નહીં. જોકે, સ્નેહ એટલું સારું ક્રિકેટ રમતી કે છોકરાઓ તેને પોતાની સાથે લઈ જતા. ગામમાં રમાયેલી એક ટુર્નામેન્ટ દરમિયાન સ્નેહે એટલું સારું પ્રદર્શન કર્યું હતું કે તેના એ સમયનાં કોચ કિરણ શાહે કહ્યું હતું કે મને આ છોકરી ગ્રાઉન્ડ ઉપર જોઈએ."

કોચ નરેન્દ્રના કહેવા પ્રમાણે, "એ સમયે ઉત્તરાખંડનું પોતાનું ક્રિકેટ ઍસોસિએશન ન હતું. તે રમી શકે તે માટે અમે તેને હરિયાણા લઈ ગયા. જ્યાં તેને અંડર-19 રમવાની ખાસ તક ન મળી, એ પછી અમે પંજાબ ક્રિકેટ ટીમ સાથે વાત કરી."

"ત્યાં તેણે અંડર-19 ક્રિકેટમાં પોતાની કમાલ દાખવી અને ઉત્તરાખંડની છોકરી પંજાબની ટીમની કૅપ્ટન બની ગઈ. એ પછી તે જ્યાં-જ્યાં રમી, તેને વિજય મળ્યો. સિનિયર ટીમ, રેલવે તથા ભારતીય-એની ટીમે સ્નેહ રાણાના નેતૃત્વમાં અનેક વિજય મેળવ્યા."

'અ ન્યૂ હીરો ફૉર ઇન્ડિયા'

નરેન્દ્ર શાહ ઉમેરે છે, "સ્નેહની અંદર ક્રિકેટ ઠાંસી-ઠાંસીને ભર્યું છે. તે બારેક વર્ષની હતી, ત્યારે 18-19 વર્ષના છોકરાએ લગભગ 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બૉલ ફેક્યો હતો, જે સ્નેહને સાથળ પર વાગ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં, પરંતુ તે રડી નહીં. એ ઘાવ સ્મૃતિચિહ્ન જેવો બની રહ્યો છે."

વર્ષ 2016માં શ્રીલંકા સામેની મૅચ દરમિયાન તેને ઘૂંટણ ઉપર ઈજા થઈ એ પછી સ્નેહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લગભગ પાંચ વર્ષ માટે થંભી ગયું. તેની ઇન્ટરનેશનલ કૅરિયર શરૂ થયાને માંડ બેએક વર્ષ થયાં હતાં કે આ મુશ્કેલી આવી પડી હતી.

કોચના કહેવા પ્રમાણે, "સ્નેહ રાણા માટે એ સમય ખૂબ જ કપરો હતો. એક તરફ તેની સારવાર ચાલુ હતી, તો બીજી તરફ તે સ્થાનિક ટુર્નામેન્ટો રમતી. સ્નેહનો કૉલ આવ્યો કે ઇંગ્લૅન્ડ જનારી ટીમ માટે તેનું સિલેક્શન થયું છે. એ તેની પ્રથમ ટેસ્ટમૅચ હતી."

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચ દરમિયાન સ્નેહે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું જેના પગલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 'અ ન્યૂ હીરો ફૉર ઇન્ડિયા'ના મથાળા સાથે સ્નેહ વિશે લખ્યું.

એ મૅચમાં ભારતીય ટીમ હારને આરે પહોંચી ગઈ હતી અને ફૉલોઑન રમી રહી હતી, ત્યારે સ્નેહે 154 બૉલ રમીને અણનમ 80 રન ફટકાર્યા અને મૅચ ડ્રૉ થઈ ગઈ. એ પહેલાં છેક 1998માં કોઈ મહિલા ક્રિકેટરે આઠમા ક્રમે ઊતરીને 50થી વધુ રન કરવાનું પરાક્રમ કર્યું હતું.

સ્નેહ રાણા પહેલી વખત ક્રિકેટ રમી ત્યારે બધાની નજર તેમના પર હતી. 6 માર્ચે પાકિસ્તાન સામેની મૅચમાં ભારતની પાંચ વિકેટ પડી ગઈ હતી. મૅચ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ હતી. એવામાં સ્નેહ ફરી એક વખત તારણહાર બન્યાં. તેમણે અણનમ 53 રન ફટકાર્યા અને ટીમના સ્કૉરને 255 પર પહોંચાડ્યો. એ પછી બે વિકેટ પણ લીધી. આ મૅચમાં વિજય બાદ સ્નેહ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં.

'કાંકરા-પથ્થર હઠાવીને મેદાન તૈયાર કરતાં'

સ્નેહનાં મોટાં બહેન રૂચી રાણા નેગી ઉંમરમાં તેમનાં કરતાં છ વર્ષ મોટાં છે. તેઓ કહે છે, "પહેલાં લોકો છોકરાઓની મૅચ જોવા જતા. હવે છોકરીઓની મૅચો જોવા માટે પણ જાય છે. ક્રિકેટ હવે માત્ર મૅન્સ વર્લ્ડ નથી."

"બૅટ્સમૅન જ નહીં, બૅટ્સવિમૅન પણ ધમાલ મચાવી રહી છે. સ્નેહ જ્યારે ઘરે આવે ત્યારે લોકો તેમની દીકરીઓને તેમની પાસે લઈને આવે છે અને તેમને ક્રિકેટમાં કેવી રીતે આગળ વધારી શકાય, તેના વિશે માર્ગદર્શન મેળવે છે."

દેહરાદૂનમાં ક્રિકેટની પ્રૅક્ટિસ કરી રહેલી છોકરીઓ પણ સ્નેહ રાણાની જેમ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માગે છે. ક્રિકેટ શીખવા માટે ચમોલથી દેહરાદૂન આવેલાં માનસી નેગીનાં કહેવા પ્રમાણે, "સ્નેહદીદી અહીં આવે ત્યારે કહે છે કે એમને તો કાંકરા-પથ્થર હઠાવીને ક્રિકેટ રમવા માટે મેદાન તૈયાર કરવું પડતું."

"તમારી પાસે પ્રૅક્ટિસ કરવા માટે સુંદર ગ્રાઉન્ડ છે, જેમાં માત્ર પરસેવો પાડવાનો છે અને પોતાનામાં જોમ ભરવાનું છે." જે સ્નેહના વિજયનું સિક્રેટ છે.

સ્નેહના નાનપણનાં કૉચ કિરન શાહના કહેવા પ્રમાણે, "ક્રિકેટમાં એક ખેલાડીને તૈયાર કરવા માટે લગન તથા અનેક વર્ષની મહેનતની જરૂર પડે છે. ક્રિકેટ સહેલી રમત નથી, વિશેષ કરીને છોકરીઓ માટે. દેહરાદૂનમાં ક્રિકેટ રમતી છોકરીઓ પણ સ્નેહ રાણાને આદર્શ માને છે અને તેમના જેવી બનવા ચાહે છે."