ત્રણ નવા ફોજદારી કાયદા આજથી લાગુ થયા, જાણો તેનાથી શું-શું બદલાશે?

ત્રણ ફોજદારી કાયદા- ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા એક જુલાઈ એટલે કે સોમવારથી દેશમાં લાગુ થઈ ગયા છે.

આ વિધેયકને ગત વર્ષે સંસદનાં બંને સદનમાંથી ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યું હતું.

વિધેયક બંને સદનમાં પાસ કરતી વખતે માત્ર પાંચ કલાકની ચર્ચા કરાઈ હતી અને એ સમયે વિપક્ષના 146 સંસદસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

એ સમયે વિપક્ષ અને કાયદાના જાણકારોએ કહ્યું હતું કે જે કાયદા દેશની ન્યાય વ્યવસ્થાને બદલી નાખશે, તેના પર સંસદમાં ઠોસ ચર્ચા થવી જોઈતી હતી.

આજથી નવા કાયદા દેશમાં લાગુ થઈ ગયા છે જ્યારે કેટલાંક બિન-ભાજપ શાસિત રાજ્યોએ આ કાયદાનો વિરોધ કર્યો છે. રવિવારે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે રાજ્ય સરકારો ભારત સુરક્ષા સંહિતામાં પોતાના તરફથી સંશોધન માટે સ્વતંત્ર છે.

સોમવારથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ભારતીય દંડ સંહિતા 1860, દંડ પ્રક્રિયા સંહિતા, 1973 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872ની જગ્યા લઈ ચૂક્યા છે.

નવી ભારતીય ન્યાય સંહિતામાં નવા ગુનાઓ સામેલ કરાયા છે. જેમને લગ્નનો વાયદો કરીને દગો આપવાના મામલામાં દસ વર્ષ સુધીની જેલની સજા. વંશ, જાતિ-સમુદાય કે લિંગના આધારે મૉબ લિંચિંગના મામલામાં ઉંમરકેદની સજા, સ્નૅચિંગ માટે ત્રણ વર્ષ સુધીની જેલની સજા છે.

યુએપીએ જેવા આતંકવાદ-વિરોધી કાયદાઓને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.

એક જુલાઈની રાત્રે 12 વાગ્યાથી દેશભરના 650થી વધારે જિલ્લા ન્યાયાલયો અને 16 હજાર પોલીસ સ્ટેશનોએ આ નવી વ્યવસ્થા અપનાવવાની છે. હવે આ સંજ્ઞેય ગુનાઓને સીઆરપીસીની કલમ 154 સિવાય બીએનએસએસની કલ 173 હેઠળ નોંધવામાં આવશે.

નવા ફોજદારી કાયદા લાગુ થવાથી શું-શું બદલાશે?

  • ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યોને નવા અપરાધની શ્રેણીમાં સામેલ કરાયા છે. આઈપીસીમાંથી તકનીકી રીતે રાજદ્રોહ દૂર કરાયો છે. જેના પર સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો હતો, આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જેમાં કેવા પ્રકારની સજા આપી શકાય તેની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે.
  • આતંકવાદી કૃત્યો જે અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ જેવા વિશેષ કાયદાઓનો ભાગ હતા તે હવે ભારતીય ન્યાય સંહિતામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
  • તેવી જ રીતે પાકીટની ચોરી જેવા નાના સંગઠિત ગુનાઓને રોકવા માટે જોગવાઈઓ દાખલ કરાઈ છે. અગાઉ આવા સંગઠિત ગુનાઓનો સામનો કરવા માટે રાજ્યો પાસે પોતાના કાયદા હતા.
  • મૉબ લિંચિંગ એટલે કે જ્યારે પાંચ કે તેથી વધુ લોકોનું ટોળું જાતિ અથવા સમુદાય વગેરેના આધારે કોઈ વ્યક્તિની હત્યા કરે છે ત્યારે આ જૂથના દરેક સભ્યને આજીવન કેદની સજા કરવામાં આવશે.
  • લગ્નનાં ખોટા વચન હેઠળ સેક્સને ખાસ અપરાધ તરીકે મૂકવામાં આવ્યો છે.
  • વ્યભિચાર અને કલમ 377 જે ગે સેક્સ પર કાર્યવાહી કરતી હતી તેને હવે દૂર કરવામાં આવી છે.
  • અગાઉ માત્ર 15 દિવસના પોલીસ રિમાન્ડ મળી શકતા હતા. પરંતુ હવે ગુનાની ગંભીરતાને જોતા તેને 60 કે 90 દિવસનો સમય આપી શકાય છે.
  • નાના અપરાધો માટે સજાના નવા સ્વરૂપમાં સમુદાયિક સેવાનો સમાવેશ કરાયો છે. સામુદાયિક સેવા સમાજ માટે ફાયદાકારક હોવાનું કહેવાયું છે.
  • હવે તપાસમાં ફૉરેન્સિક પુરાવા એકત્રિત કરવાને ફરજિયાત કરાયું છે.
  • માહિતી ટેકનૉલૉજીનો વધુ ઉપયોગ જેમ કે શોધ અને જપ્તીનું રેકૉર્ડિંગ, તમામ પૂછપરછ અને સુનાવણીઓ ઑનલાઇન મોડમાં કરવી.એફઆઈઆર, તપાસ અને સુનાવણી માટે ફરજિયાત સમય મર્યાદા નક્કી કરાઈ છે. ઉદાહરણ તરીકે હવે સુનાવણીના 45 દિવસમાં ચુકાદો આપવો પડશે. ફરિયાદના 3 દિવસમાં એફઆઈઆર દાખલ કરવી પડશે.હવે માત્ર મૃત્યુદંડના દોષિતો જ દયા અરજી દાખલ કરી શકશે. અગાઉ એનજીઓ અથવા નાગરિક સમાજજૂથો પણ દોષિતો વતી દયા અરજી દાખલ કરતા હતા.

ડર, આશંકા અને આપત્તિ

કાયદા લાગુ કરાયા તેના એક અઠવાડિયા પહેલાં વિપક્ષ શાસિત રાજ્યોનાં બે મુખ્ય મંત્રી પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કાયદાને લાગુ ન કરવાની માગ કરી હતી.

તામિલનાડુ અને કર્ણાટકે આ કાયદાના નામ પર પણ વિરોધ વ્યક્ત કર્યો હતો કે કર્ણાટક અને તામિલનાડુનું કહેવું હતું કે બંધારણના અનુચ્છેદ 348માં કહેવાયું છે કે સંસદમાં રજૂ કરવામાં આવેલા કાયદા અંગ્રેજીમાં હોવા જોઈએ.

દેશનાં જાણીતાં વકીલ અને પૂર્વ ઍડિશનલ સૉલિસિટર જનરલ ઇંદિરા જયસિંહે હાલમાં જ પત્રકાર કરણ થાપરને કહ્યું હતું કે જો ત્રણ નવા ફોજદારી કાયદા એક જુલાઈએ લાગુ કરવામાં આવશે તો આપણી સામે સૌથી મોટી "ન્યાયિક સમસ્યા" ઊભી થઈ જશે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આરોપીની "જિંદગી અને તેની આઝાદી ખતરામાં પડી શકે છે."

ઇંદિરા જયસિંહે કાયદામંત્રીની સાથે-સાથે દેશના બધા પ્રમુખ વિપક્ષી નેતાઓને સાર્વજનિક રૂપે અપીલ કરી હતી કે તેઓ ત્રણ ફોજદારી કાયદા પર ત્યાં સુધી રોક લગાવે જ્યાં સુધી તેની પર ચર્ચા નથી થઈ જતી. તેમનું કહેવું છે કે એક વખત ફરીથી ઝીણવટ સાથે વિચાર કરવામાં આવે.

તેમણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કાયદાનું મૂળભૂત તત્ત્વ છે કે કોઈ પણ ત્યાં સુધી સજાને પાત્ર નથી જ્યાં સુધી તેણે એ કામ ત્યારે ન કર્યું હોય જ્યારે તેવું કરવું ગુનો હતું. આ કાયદાની ભાષામાં સબ્સ્ટેન્ટિવ લૉ એટલે મૂળ કાયદો કહેવાય છે. હવે જે પહેલાં ગુનો નહોતો, આજે ગુનો બની ગયો છે. એવામાં આ કાયદો ત્યારે લાગુ થશે, જ્યારે તમે આ ગુનો કાયદો લાગુ થયા બાદ કર્યો હોય.

પરંતુ આપણા પ્રક્રિયાત્મક કાયદા એટલે પ્રોસિજર લૉ, જેને અત્યાર સુધી આપણે દંડ પ્રક્રિયા સંહિતાના નામથી ઓળખતા હતા, તે આવી રીતે કામ નથી કરતી. પરંતુ કોર્ટમાં સુનાવણી નવા કાયદાથી થશે અથવા નવા પ્રક્રિયાત્મક કાયદાથી, તેને લઈને (વિવાદ) ચર્ચા રહેશે. મને લાગી શકે કે નવા કાયદામાં મારા પ્રત્યે ભેદભાવ થાય છે તો હું ઇચ્છીશ કે મારી ટ્રાયલ જૂના પ્રક્રિયાત્મક કાયદા હેઠળ થાય.

આ કાયદાની મુશ્કેલીઓ અંગે તેઓ કહે છે, "ભારતીય દંડ સંહિતા દોઢ સદીથી પણ જૂની છે અને દંડ પ્રક્રિયા સંહિતાને પણ 1973માં સંશોધિત કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે તેની ન્યાયિક વ્યાખ્યા કરી છે અને એટલે ભારતીય દંડ સંહિતા અને દંડ પ્રક્રિયા સંહિતા અંગે આપણી પાસે નિશ્ચિતતા છે."

"નવા કાયદાને એ સ્તરની નિશ્ચિતતા હાંસલ કરવામાં વધુ 50 વર્ષ લાગશે. ત્યાં સુધી જજને એ ખબર નહીં હોય તે તેણે શું કરવાનું છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ કાયદાની કોઈ વિશેષ જોગવાઈ પર નિર્ણય ન કરે અને દેશમાં સેંકડો અને હજારો જજોમાંથી દરેક જજ કાયદાની અલગઅલગ વ્યાખ્યા કરી શકે છે. એવામાં એકરૂપતા હશે જ નહીં."

"પરંતુ સવાલ એ પણ છે કે આ બધામાં કોણ ફસાશે- એ જે આરોપી છે. મૂળ ચિંતા એ છે કે આરોપી સાથે શું થઈ રહ્યું છે? શું એ વાતની ગૅરંટી છે કે જ્યારે આ બધું સ્પષ્ટ થતું હશે, તો આરોપી જામીન પર હશે, કાયદા હેઠળ એવી કોઈ ગૅરંટી અપાઈ નથી."

"સવાલ એ પણ છે કે શું તમે બૅકલૉગમાં જે કેસ પડ્યા છે, તેના અંગે વિચાર્યું છે, શું તેને પણ ધ્યાનમાં રાખ્યું છે?"

ઇંદિરા જયસિંહ એ પણ કહે છે કે "બંધારણના અનુચ્છેદ 21માં બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય જીવન અને સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય."

માનવાધિકાર કાર્યકર તિસ્તા સેતલવાડે પણ નવા ફોજદારી કાયદાઓને ‘બંધારણની મજાક’ ગણાવ્યા છે.

સેતલવાડે ‘ભારતના નવા ફોજદારી કાયદાઃ સુધારો કે દમન?’ વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં શુક્રવારે બોલતાં કહ્યું કે "આ કાયદા બંધારણમાં નિહિત અધિકારોની મજાક ઉડાવે છે. આ કાયદાના પસાર કરતાં પહેલાં વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર હતી, પરંતુ એવું નથી થયું."

સેતલવાડનું કહેવું છે કે આ કાયદા "લોકતંત્ર અને લોકતાંત્રિક તાણાવાણાની વિરુદ્ધ છે" અને "હિન્દુ રાષ્ટ્રની દિશામાં આગળ ડગલું ભરવા જેવું છે."