રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની જગ્યા કોણ લઈ શકે છે?

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે

ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીતી લીધો છે પરંતુ જીત બાદ થોડા જ કલાકોમાં જાણે કે ટીમની તસવીર બદલાઈ ગઈ છે.

કારણ એ છે કે ટીમના ત્રણ વરિષ્ઠ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ વર્લ્ડકપ જીત્યા બાદ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

આ ત્રણેય ખેલાડીઓનું ભારતીય ક્રિકેટમાં યોગદાન એટલું મોટું છે કે તેમની જગ્યા ભરવી એ બીસીસીઆઈ માટે આસાન નહીં હોય.

રોહિત શર્મા ભારતીય ટીમ સાથે 2007થી છે એટલે કે તેઓ 17 વર્ષથી ભારતની ટીમનો અભિન્ન હિસ્સો છે. વિરાટ કોહલી 14 અને જાડેજા 15 વર્ષથી આ ટૂંકા ફૉર્મેટમાં ભારતનો ભાગ છે.

તેમના જવાથી ખાલી જગ્યાઓ કોણ ભરશે એ મોટો સવાલ છે.

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસ્વાલ ટૉપ ઑર્ડર માટે દાવેદારી કરી શકે છે.

કૅપ્ટન તરીકે શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત વચ્ચે દિલચસ્પ પ્રતિયોગિતા થઈ શકે છે. તેની ચર્ચા આગળ કરીશું પરંતુ પહેલા એ જાણી લઈએ કે ભારતીય ક્રિકેટના છેલ્લા બે દિવસ કેટલા નાટકીય રહ્યા.

પહેલા કોહલી અને પછી રોહિતે કર્યું નિવૃત્તિનું એલાન

ભારતની ટીમ ટી20 વર્લ્ડકપ જીતી એ પછી થોડી જ મિનિટોમાં બ્રૉડકાસ્ટર સાથે થયેલી વાતચીતમાં કોહલીએ કહ્યું, “આ ભારત માટે મારી છેલ્લી ટી-20 મૅચ છે. આ મારો છેલ્લો વર્લ્ડકપ હતો. હું મારું સર્વશ્રેષ્ઠ આપવા માંગતો હતો. કપ જીતવો એ અમારું લક્ષ્ય હતું. જો અમે હારી ગયા હોત તો પણ આ મારી છેલ્લી મૅચ હતી. હવે પછીની પેઢી માટે ક્રિકેટને સંભાળવાનો સમય આવી ગયો છે.”

કોહલીનું પ્રદર્શન ટુર્નામેન્ટમાં કંઈ ખાસ રહ્યું ન હતું. ફાઇનલ પહેલાંની સાત મૅચમાં તેમણે માત્ર 75 રન જ બનાવ્યા હતા.

પણ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે તેમણે 59 બૉલમાં 76 રન બનાવીને ભારતને સંકટમાંથી ઉગાર્યું અને તેમને પ્લૅયર ઑફ ધી મૅચ બનાવવામાં આવ્યા.

ત્યારપછી થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પણ નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતું કે, “આ મારી પણ છેલ્લી ગેમ હતી. આ ટી20 ફૉર્મેટને અલવિદા કરવાનો આનાથી વધુ સારો સમય ન હોઈ શકે. હું કપ જીતવા માંગતો હતો અને સૌનો ધન્યવાદ કરવા માંગતો હતો.”

આ જીત પછીના બીજા જ દિવસે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર લખ્યું કે, “કૃતજ્ઞ હ્રદય સાથે હું આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટને અલવિદા કહું છું. મેં હંમેશા મારા દેશ માટે સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફૉર્મેટમાં પણ આમ કરવાનું યથાવત રાખીશ.”

રોહિત શર્માનું યોગદાન

37 વર્ષીય રોહિત શર્મા T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે વિદાય લઈ રહ્યા છે.

રોહિતે 159 મેચમાં પાંચ સદીની મદદથી 4231 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 32.05 હતી અને સ્ટ્રાઈકરેટ 140.89 હતો.

2007માં, ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં પહેલો ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ તેની ટી-20 કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ સાથે જ તેઓ વિશ્વ ચૅમ્પિયન તરીકે કારકિર્દીનો અંત પણ કરી રહ્યા છે.

ત્યારથી રોહિત શર્મા દરેક ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં રમ્યા છે. તેમના સિવાય માત્ર બાંગ્લાદેશના શાકિબ અલ-હસન જ આવો રેકૉર્ડ ધરાવે છે.

કોહલી અને જાડેજાનું યોગદાન

જ્યારે ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી આ ફૉર્મેટને અલવિદા કહી રહ્યા છે.

કોહલીએ વર્લ્ડકપની 35 મેચમાં 58.72ની સરેરાશ અને 128.81ની સ્ટ્રાઈકરેટથી 1292 રન બનાવ્યા છે.

કોહલીએ ભારત માટે 125 ટી-20 મૅચ રમી છે, જેમાં 48.69ની સરેરાશ અને 137.04ની સ્ટ્રાઇકરેટથી 4188 રન બનાવ્યા. આ ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં કોહલી એ રોહિત શર્મા પછી બીજા ક્રમે છે. કોહલીએ એક સદી અને 38 અડધી સદી ફટકારી હતી.

કોહલીએ 2010માં ઝિમ્બાબ્વે સામે ટી20 કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફૉર્મેટમાં તેઓ સૌથી ઝડપી 35 હજાર રન બનાવનાર ખેલાડી છે.

36 વર્ષીય રવીન્દ્ર જાડેજા આ વર્લ્ડકપમાં તો બહુ ન ચાલ્યા. તેમણે 2009માં તેમની કારકિર્દીની શરૂઆત શ્રીલંકા સામેની મૅચથી કરી હતી. તેમણે 74 મૅચમાં 127.16ના સ્ટ્રાઇકરેટથી 515 રન બનાવ્યા છે. તેમણે 7.13ની ઇકૉનૉમી સાથે 54 વિકેટો ઝડપી હતી.

કોણ બનશે નવા કૅપ્ટન?

વિરાટ કોહલી અને રોહિત શર્મા વિસ્ફોટક કૅપ્ટન રહ્યા છે. રોહિત શર્માએ 62 મૅચમાં ભારતની કૅપ્ટન્સી કરી હતી જેમાંથી ભારતને 49માં જીત મળી હતી. તેમની કૅપ્ટન્સીમાં ટીમ માત્ર 12 જ મૅચ હારી છે.

કોહલીએ 50 મૅચમાં કૅપ્ટન્સી કરી જેમાંથી ટીમ 30 મૅચમાં જીતી હતી 16 મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સવાલ એ છે કે તેમના જેવી ક્ષમતાઓ કોની પાસે છે?

અનેક શ્રેણીમાં ટીમનું નેતૃત્ત્વ કર્યા બાદ અને વર્લ્ડકપમાં રોહિતના ડેપ્યુટી તરીકે સેવા આપ્યા બાદ હાર્દિક પંડ્યા કૅપ્ટન માટે સૌથી મોટો વિકલ્પ છે.

ઋષભ પંતે આઈપીએલમાં પોતાને એક નક્કર વિકલ્પ તરીકે સાબિત કર્યા છે. જ્યારે ટીમ મૅનેજમેન્ટે ઝિમ્બાબ્વે સામેની આગામી શ્રેણીમાં ટીમનું નેતૃત્ત્વ કરવા માટે શુભમન ગિલની પસંદગી કરી છે.

આ વર્લ્ડકપની દરેક મૅચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓપનર તરીકે ઇનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ તેમનું સ્થાન ઓપનર તરીકે લઈ શકે છે.

શુભમન ગિલની દાવેદારી

ગત વન-ડે વર્લ્ડકપમાં શુભમન ગિલે રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ગિલ ટૉપ ઑર્ડરમાં એક ઉત્તમ વિકલ્પ છે.

24-વર્ષનો ગિલ ટૅકનિકલી ખૂબ જ સક્ષમ ખેલાડી છે જે બેકફૂટ અને ગેપ વચ્ચે શૉટ ફટકારવામાં કુશળતા ધરાવે છે. તેમના વ્યક્તિત્ત્વમાં પણ એક પ્રકારની સ્થિરતા જોવા મળે છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ એ તેમના માટે બેટિંગ અને કૅપ્ટનશીપ બંનેમાં પોતાનો દાવો સાબિત કરવાની તક છે.

તેમને સુકાનીપદ સોંપીને પસંદગીકારોએ તેમને લાંબા ગાળાની યોજનામાં વિકલ્પ તરીકે પહેલેથી જ સંકેત આપ્યો છે. વીરેન્દ્ર સેહવાગ પહેલાં જ કહી ચૂક્યા છે કે પંડ્યાની જગ્યાએ ગિલને સુકાનીપદ આપવું જોઈએ.

યશસ્વી જાયસ્વાલ પર પણ સૌની નજર છે.

છેલ્લા એક વર્ષમાં આ પ્રતિભાશાળી બેટ્સમેને ઑપનિંગ બૅટ્સમૅન તરીકે પોતાનું એક મજબૂત નામ સ્થાપિત કર્યું છે. જાયસ્વાલ ઝડપથી રન બનાવવા માટે જાણીતા છે.

તેમણે વૅસ્ટઈન્ડિઝથી લઈને સાઉથ આફ્રિકા સુધીની વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લૅફ્ટ-રાઇટ કૉમ્બિનેશન એ દરેક ટીમ મૅનેજમેન્ટની ઈચ્છા હોય છે.

અત્યાર સુધી તેમણે માત્ર 16 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ રમી છે જેમાં તેમણે એક સદી ફટકારી છે.

ઋતુરાજ ગાયકવાડ પણ રેસમાં

ઑપનિંગ બૅટ્સમૅનોની ભીડમાં ઋતુરાજ ગાયકવાડ પણ પોતાનું વજૂદ બચાવીને બેઠા છે. આ જમણેરી બૅટ્સમૅન છેલ્લા કેટલાક સમયથી ટીમ અને તેની આસપાસ પોતાનું સ્થાન બચાવીને બેઠા છે.

સંભાળીને શરૂઆત કરનાર ઋતુરાજ ગાયકવાડ એક વાર ક્રીઝ પર સ્થાન જમાવી દે પછી તેમને આઉટ કરવા આસાન નથી. ગાયકવાડ પાસે પણ ઝિમ્બાબ્વે પ્રવાસમાં પોતાની કાબેલિયત પુરવાર કરવાનો મોકો છે.

અભિષેક શર્મા બનાવી શકશે જગ્યા?

વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડકપ વિજેતા ટીમના સદસ્ય અભિષેક શર્મા પોતાના આક્રમક સ્ટ્રોક-પ્લે માટે જાણીતા છે. આ વર્ષે આઇપીએલમાં તેમની સારી ઓળખ ઊભી થઈ છે.

ઑસ્ટ્રેલિયાના ટ્રાવિસ હૅડ સાથે ઑપનિંગ ભાગીદારી કરતી વખતે અભિષેકે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે વિસ્ફોટક શરૂઆત કરી અને શરૂઆતની 16 મૅચમાં 204.21ના જબરદસ્ત સ્ટ્રાઇકરેટથી 484 રન બનાવ્યા હતા.

કોણ કરશે નં.3 પર બેટિંગ?

કોહલીએ તેમની કારકિર્દી દરમિયાન નં.3 પર બેટિંગ કરી છે. સવાલ એ છે કે તમે આધુનિક ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનની જગ્યા કઈ રીતે ભરશો? કોહલીના સ્વરૂપમાં ભારત પાસે એક સ્ટાર બેટર, એક જબરદસ્ત ફીલ્ડર અને અએક અનુભવી ‘ક્રિકેટબ્રેઇન’ હતું.

ટીમ મૅનેજમેન્ટે હવે કોઈ એવા ખેલાડીને શોધવો પડશે કે તે મહત્ત્વપૂર્ણ ગણાતા નં.3 ના સ્પૉટ પર આવીને બેટિંગ કરી શકે. શુભમન ગિલ, ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ કે અભિષેક શર્મામાંથી કોઈપણ એ જગ્યા લઈ શકે છે.