વર્લ્ડકપ ફાઇનલ 2024: વિજેતા ભારતીય ટીમ સહિત કોને કેટલા પૈસા મળ્યા?

ભારતે આઈસીસી ટી20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વાર ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવી દીધું હતું.

આ જીત સાથે ભારતીય ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે, તો બીજી બાજુ ભારતીય ટીમ પર પૈસાનો પણ વરસાદ થયો છે.

વિજેતા ટીમ માટે આઈસીસીએ જાહેર કરેલી મોટી રકમ પણ ભારતીય ટીમને મળી છે.

આ સાથે વર્લ્ડકપની ફાઇનલમાં અનેક ઘટનાઓ પણ ઘટી છે. વિરાટ કોહલી અને કૅપ્ટન રોહિત શર્મા બંનેએ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યાર બાદ ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ આંતરરાષ્ટ્રીય ય 20 ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

તો ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડનો પણ કાર્યકાળ પૂરો થઈ ગયો છે.

આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે, કારણ કે ભારતે દસ વર્ષ પછી કોઈ આઈસીસી ટ્રૉફી પોતાના નામે કરી છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

વર્લ્ડકપ 2024માં કઈ ટીમને કેટલા પૈસા મળ્યા?

ભારતીય ટીમની જીત બાદ આઈસીસીએ નક્કી કરેલી રકમ પણ ભારતીય ટીમને મળી છે. આઈસીસીએ આ મેગા ઇવેન્ટ ટી20 વર્લ્ડકપ 2024 માટે રેકૉર્ડ બ્રૅક પ્રાઇઝની જાહેરાત કરી હતી.

ટી-20 વર્લ્ડકપ 2024 માટે આઈસીસીએ કુલ 11.25 મિલિયન ડૉલરની જાહેરાત કરી હતી.

જે અનુસાર, વિજેતા ટીમને 2.45 મિલિયન ડૉલર મળ્યા છે. એટલે ભારતીય ટીમને અંદાજે 20.40 કરોડ રૂપિયા મળ્યા છે.

જ્યારે ફાઇનલમાં હારનાર રનર્સ-અપ ટીમ એટલે કે દક્ષિણ આફ્રિકાની ટીમને ઓછામાં ઓછા 1.28 મિલિયન ડૉલરની કમાણી થઈ છે.

તો સેમિફાઇનલમાં પહોંચીને હારનાર ટીમ અફઘાનિસ્તાન અને ઇંગ્લૅન્ડને અંદાજે 6.54 કરોડ (787,500 ડૉલર) મળ્યા છે.

આ વર્લ્ડકપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. આઈસીસી અનુસાર, જે ટીમો બીજા રાઉન્ડથી આગળ ન વધી હોય તે પ્રત્યેક ટીમને 382,500 ડૉલર અને નવમા અને 12મા સ્થાને રહી હોય એ દરેક ટીમને 247,500 ડૉલર મળ્યા છે.

તો 13માથી 20મા સ્થાન સુધીની ટીમો દરેકને 225,000 ડૉલર, તેમજ દરેક ટીમને (સેમિફાઇનલ અને ફાઇનલ)ને બાદ કરતાં જીતેલી દરેક મૅચ માટે વધારાના 31,154 ડૉલરની જાહેરાત કરાઈ છે.

  • વિજેતાટીમ- અંદાજે 20.40 કરોડ
  • રનર્સ-અપ ટીમ- અંદાજે 10.67 કરોડ
  • સેમિફાઇનલમાં હારનાર ટીમ- અંદાજે 6.48 કરોડ
  • સુપર 8માં પહોંચનાર ટીમ- અંદાજે 3.16 કરોડ

વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારતની ઐતિહાસિક જીત

રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે પહેલી વાર આઈસીસી ટ્રૉફી જીતી છે.

જીત બાદ ભારતીય ખેલાડીઓ પણ ભાવુક બન્યા હતા અને મેદાન પર ઉજવણી સાથે ખેલાડીઓની આંખમાં આંસુ પણ જોવાં મળ્યાં હતાં.

ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2024 જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતે બે વાર ટી-20 વર્લ્ડકપ જીત્યો હોય તેવી ટીમની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.

અત્યાર સુધીમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડની ટીમ બે-બે ટાઇટલ જીતી ચૂકી હતી.

ભારત છેલ્લે 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ટી-20 વર્લ્ડકપ જીત્યું હતું. ત્યાર બાદ ટી20 વર્લ્ડકપનું બીજું ટાઇટલ મેળવવા માટે ભારતને લગભગ સોળ વર્ષ જેટલી રાહ જોવી પડી હતી.

વિરાટ કોહલી અને રોહિત શર્મા શું બોલ્યા?

જીત બાદ કોહલીએ કહ્યું હતું કે, "આ મારો છેલ્લો ટી20 વર્લ્ડકપ હતો. આ એ જ છે જે અમારે મેળવવું હતું. ક્યારેક તમને એવું લાગે કે તમારાથી એક પણ રન બનતો નથી અને ક્યારેક આજે બન્યું એવું જ કંઈક બને છે. ગૉડ ઈઝ ગ્રેટ. આ મારી ભારત માટે પણ છેલ્લી ટી20 મૅચ હતી."

તેમણે કહ્યું હતું કે, "અમારે વર્લ્ડકપ જીતવો હતો. આ ઑપન સીક્રેટ જ હતું. અમે હારી ગયા હોત તો પણ હું આ જાહેરાત કરવાનો હતો. હવે ટી20ની રમતને નવી જનરેશને આગળ લઈ જવાની છે. અમારે આ પળ માટે ઘણી રાહ જોવી પડી, આઈસીસી ટુર્નામેન્ટ જીતવા માટે અમારે ઘણી રાહ જોવી પડી. રોહિતે નવ ટી20 વર્લ્ડકપ રમ્યા અને મારો છઠ્ઠો વર્લ્ડકપ હતો. તેઓ આ જીતના હકદાર છે."

ભારતીય કૅપ્ટન રોહિત શર્માના ચહેરા પર ભવ્ય જીત બાદ સંતોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

તેમણે જીત બાદ કહ્યું હતું કે, "છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અમે જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા તેને વર્ણવવી અહીં અઘરી છે. વ્યક્તિગત એક ખેલાડી અને એક ટીમ તરીકે અમે સખત મહેનત કરી છે."

"હું જાણે કે ખોવાયેલો છું. અત્યારે મારા માટે કહેવું અઘરું છે કે આ કેવી ફિલિંગ હતી. અમે જીતી ગયા એ જ મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે."