જ્યારે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને કારણે અંગ્રેજોના દિલ્હી દરબારમાં સોપો પડી ગયો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઇંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમ તથા તેમનાં પત્નીના સ્વાગત માટે વર્ષ 1911માં દિલ્હી ખાતે દરબાર ભરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓ તથા ભારતના રાજવીઓ હાજર રહીને બ્રિટિશ શાસક પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રગટ કરવાના હતા.

ભારતના દેશ-વિદેશના મુલાકાતીઓ, અંગ્રેજ અધિકારીઓ, રાજવીઓ, તેમના સહાયકો તથા નોકરો સહિત અઢી લાખ લોકો નિવાસ કરી શકે તે માટે શામિયાણા ઊભા કરવામાં આવ્યાં હતાં. દિલ્હી દરબારમાં લગભગ એક લાખ લોકો હાજર હતા. એવામાં સયાજીરાવ ગાયકવાડ તૃતીયના આચરણને કારણે અંગ્રેજોમાં સોપો પડી ગયો હતો.

તત્કાલીન વિવેચકોના મતે એકદમ ભવ્ય કાર્યક્રમમાં બરોડાના શાસકે ઇંગ્લૅન્ડના રાજા પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કર્યો હતો, તો આવું કેમ થયું તેના માટે બીજા તર્ક પણ આપવામાં આવ્યા.

આંખે દેખ્યો અહેવાલ

દિલ્હી દરબારમાં હાજર રહેવા માટે ઇંગ્લૅન્ડના તથા ભારતના રાજવીઓ તથા તેમના પરિવારોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. જેમાં આયર્લૅન્ડનાં ઉમરાવ લીલા વિંગફિલ્ડનો (Lilah Wingfield) પણ સમાવેશ થતો હતો. તેમણે પોતાની ભારતયાત્રાનું વિવરણ પોતાની ડાયરીમાં લખ્યું હતું.

એમની ડાયરી અકસ્માતે સેકન્ડહૅન્ડ બુકસ્ટૉલ સુધી પહોંચી ગઈ હતી. જ્યાંથી તે લીલાનાં પૌત્રી જેસિકા ડગલસ-હોમને મળી. જેસિકા પાસે દાદીની દિલ્હી દરબારની મુલાકાત વેળાની તસવીરો હતી, પરંતુ વિગતો ન હતી. હવે, ખૂટતી કડી જોડાઈ ગઈ હતી.

દાદીની ડાયરીનાં આધારે જેસિકાએ 'અ ગ્લીમ્પ્સ ઑફ અમ્પાયર' નામનું પુસ્તક લખ્યું. જેમાં તેમણે દિલ્હી દરબારમાં ઘટેલી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ નોંધ્યો છે. લીલા લખે છે : 'બ્રિટીશરાજમાં મહત્ત્વની બાબતમાં બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય હૈદરાબાદના નિઝામ પછી બીજાક્રમે હતા.

'દરેક ભારતીય રાજા કે રાજકુંવર ઇંગ્લૅન્ડના સમ્રાટ સમક્ષ હાજર થાય, ત્રણ વખત ઝૂકે અને પીઠ દેખાડ્યા વગર પાછા ફરે એ પ્રકારની વ્યવસ્થા હતી. ખુલ્લા મંચમાં યોજાયેલા કાર્યક્રમમાં બરોડાના રાજા પરંપરાગત શાહી આભૂષણ અને પોષાક પહેરીને આવ્યા હતા, પરંતુ રાજા સમક્ષ જવાનું હતું તે પહેલાં અલંકાર ઉતારી દીધા.

'ઇંગ્લૅન્ડના રાજા સામે જરાક નમ્યા, અમુક ડગલા પાછળ ખસ્યા અને પછી ફરી ગયા. આ સમયે તેમની પીઠ શાહી દંપતી તરફ હતી અને બેફિકરાઈથી સોનાની મૂઠવાળી લાકડી લહેરાવતા ત્યાંથી ચાલી નીકળ્યા. આ ઘટનાને કારણે અંગ્રેજ અધિકારીઓમાં સોપો પડી ગયો હતો.'

આ સિવાય પાછા ફરતી વેળાએ સયાજી રાવ કથિત રીતે 'બેઅદબીપૂર્વક હસ્યા' પણ હતા, એવી પણ વ્યાપકપણે ચર્ચા થઈ હતી.

આચરણ એક, વિશ્લેષણ અનેક

આ ઘટના વિશે ન કેવળ ભારતીય, પરંતુ પશ્ચિમી મીડિયામાં ભારે ચર્ચા થઈ અને તેમના આચરણને બ્રિટિશ રાજા તથા સરકાર પ્રત્યે તિરસ્કાર તરીકે રજૂ કરવામાં આવ્યું.

લંડનના વિક્ટૉરિયા તથા આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે એશિયન વિભાગના વડા એના જૅક્સને અગાઉ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, 'ભારતમાં બ્રિટિશ શાસનના દબદબાને રજૂ કરવા માટે એ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતના રાજવી પરિવારોએ ઇંગ્લૅન્ડના રાજા સમક્ષ હાજર થઈને તેમના પ્રત્યે સન્માન દેખાડવાનું હતું.'

'પ્રતીકાત્મક વિરોધ દેખાડવાનું આચરણ બહાદુરીપૂર્વકનું અને મહત્ત્વપૂર્ણ હતું, કારણ કે એ કાર્યક્રમમાં બ્રિટિશ ભારતના દિગ્ગજ લોકો હાજર હતા.'

એ દિવસે શું થયું હતું, તેના વિશે ખાસ ચર્ચા નથી થઈ અને બહુ થોડા લોકોને આ ઘટના વિશે માહિતી છે. તત્કાલીન અંગ્રેજ સરકારે પણ આ ઘટનાને અવગણવામાં શાણપણ સમજ્યું હતું, જેથી કરીને તેને વધુ મહત્ત્વ ન મળે.

ભારતીય ઇતિહાસકાર અમર ફારુકીના મતે, 'બરોડાના શાસકે 'નોધપાત્ર બહાદુરી' દેખાડી હતી. એ સમયે દેશમાં સ્વતંત્રતા માટે અવાજ બુલંદ થઈ રહ્યો હતો અને કોઈપણ રાજવી દ્વારા વ્યક્ત કરવામાં આવેલો આ સૌથી પ્રબળ વિરોધ હતો.'

ફારુકી ઉમેરે છે કે, 'આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના હતી, છતાં એ સમયે અને પછીના વર્ષો દરમિયાન તેના વિશે જેટલી ચર્ચા થવી જોઈએ, એટલી નથી થઈ, કારણ કે આઝાદીની ચળવળ સાથે જોડાયેલા લોકો સ્વતંત્રતા પછી પોતાની જાતને રાજવીઓ સાથે જોડાયેલાં દેખાડવા માગતા ન હતા.'

'તત્કાલીન રાજવીઓને બ્રિટિશરાજ દ્વારા આચરવામાં આવેલા અત્યાચારોના ભાગીદાર માનવામાં આવતા, એટલે આવાં પ્રકરણોને ઇતિહાસમાંથી મીટાવી દેવામાં આવ્યા. પાઠ્યપુસ્તકોમાં રાજવીઓના પ્રદાન વિશે કંઈ ભણાવવામાં આવતું નહીં.'

મહારાજાના પૌત્ર રણજીતસિંહના મતે, "એ સમયે આ ઘટનાને કારણે આઝાદીની ચળવળ સાથે જોડાયાયેલા લોકોનું મનોબળ વધ્યું હતું. તેઓ દેશવાસીઓમાં આત્મગૌરવ અને આત્મસન્માનની ભાવના જાગૃત કરવા માગતા હતા. આ તથા આવી અન્ય ઘટનાઓ દ્વારા તેમણે આ કામ કર્યું હતું."

દિલ્હી દરબાર પછી રાજધાનીને કલકત્તાથી દિલ્હી ખસેડવાના નિર્ણયની તથા બંગાળના વિભાજન જેવી મહત્ત્વપૂર્ણ જાહેરાતો થઈ હતી.

ભૂલ કે ઇરાદાપૂર્વક?

સ્ટેનલી રાઇસે બરોડાના તત્કાલીન રાજવી સયાજીરાવ ગાયકવાડ તૃતીય વિશે બે ભાગમાં પુસ્તક લખ્યું છે. બીજા ખંડમાં તેમણે દિલ્હી દરબારની ઘટના ઉપર પ્રકાશ પાડ્યો છે. તેઓ લખે છે કે એ ઘટનાની આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે ચર્ચા થઈ અને જે બ્રિટિશરો બરોડા વિશે કશું નહોતા જાણતા, તેના વિશે જાણવા લાગ્યા હતા.

અનિવાર્ય કારણોસર સયાજીરાવ રિહર્સલ સમયે હાજર રહી શક્યા ન હતા. એ પછી રૅસિડન્ટ, દિવાન કે તેમના ભાઈ દ્વારા આચાર વિશે કોઈ તાલીમ આપવામાં આવી ન હતી. હૈદરાબાદના નિઝામ પછી બરોડાના મહારાજાએ હાજર થવાનું હતું.

જ્યાં ભારતના રાજવીઓ બેઠાં હતાં, ત્યાંથી તખત દૂર હતો. હજારો લોકોની સામે એમણે એટલે સુધી ચાલી જવાનું હતું, જે મહારાજા માટે અસામાન્ય હતું. પાછા ફરતી વખતે શામિયાણાના થાંભલા સાથે ટકરાયા હતા, એટલે શું છે, તે જોવા માટે તેઓ પાછા ફર્યા હતા, એવો તર્ક પણ પુસ્તકમાં આપવામાં આવ્યો છે.

એક મિત્ર સાથે વાત કરતા સયાજીરાવે કહ્યું હતું, "મને માત્ર એક વખત જ નમવા માટે કહેવામાં આવ્યું હતું. હું પાછળ ખસ્યો છતાં બહાર નીકળવાનો દરવાજો દેખાયો નહીં એટલે મેં ફરજ પરના અધિકારીને તેના વિશે પૂછ્યું. તેણે મને જમણી બાજુએ વળી જવા માટે કહ્યું. મેં એ મુજબ કર્યું, રાજવીઓનું અપમાન કરવાનો મારો ઇરાદો ન હતો અને એમ કરવું પણ મને ખોટું જણાયું હોત."

મહારાજાએ તેમના મિત્ર ઇલિયટને લખેલા પત્રમાં એ ઘટના વિશે વિવરણ આપ્યું છે, તેઓ લખે છે, "મારાથી માત્ર એ ભૂલ થઈ કે મારે વધુ થોડાં ડગલાં પાછળ ખસીને પછી પલટવું જોઇતું હતું. કેટલાક લોકોએ મેં એવું ઇરાદાપૂર્વક કર્યું હોવાનું વિશ્લેષણ કર્યું. વાસ્તવમાં ન કેવળ રાજા પરંતુ અન્ય કોઈ સાથે આવું કશું કરવાનું હું સપનેય કલ્પી ન શકું."

બરોડાના પ્રિન્ટિંગ પ્રેસમાં ગેરમાર્ગે દોરનારા શિર્ષકો હેઠળ બ્રિટિશરાજ વિરૂદ્ધ સામગ્રી પ્રકાશિત થતી અને બૉમ્બે તથા અન્ય રાજની પોલીસ આના વિશે તપાસ કરી રહી હતી, એટલે આ ઘટનાનું 'રાજ પ્રત્યે તિરસ્કાર'નું વિશ્લેષણ થવું સ્વાભાવિક હતું.

છતાં સયાજીરાવ તૃતીયની પ્રજાવત્સલતા પર કદાચ જ કોઈ કશું કહી શકે. વર્ષ 1906માં સયાજીરાવે કન્યાઓ સહિત રાજ્યોના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને નિઃશુલ્ક બનાવ્યું હતું. એ સમયે અન્યત્ર એક હજાર વિદ્યાર્થીઓ ઉપર પાંચ ડૉલરનો ખર્ચ થતો, તો બરોડામાં 55 વિદ્યાર્થી ઉપર પાંચ ડૉલર ખર્ચાતા. શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો.

સયાજીરાવ ગાયકવાડે મહિલાઓને વ્યાપક અધિકારો આપ્યા તથા જ્ઞાતિઆધારિત ભેદભાવને ગુનાહિત કૃત્ય ઠેરવ્યું. રાજ્યમાં બૅન્કિંગ, ટેક્સ્ટાઇલ, અને ભારે ઉદ્યોગો વધે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા.

દિલ્હી દરબારની ઘટના પછી મહારાજા સયાજીરાવ તૃતીયે માફી માગતા પત્રો બ્રિટીશરાજને લખ્યા હતા. તેઓ હજુ શંકાની પરિઘમાં હતા કે વર્ષ 1914માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અંગ્રેજોની પ્રાથમિક્તા બદલાઈ ગઈ હતી.

આ સંજોગોમાં કરાર પ્રમાણે, બરોડાની સરકારે યુદ્ધ સમયે શક્ય એટલી મદદ કરી, જેના કારણે સંબંધો થોડાં સામાન્ય થયા, પરંતુ અંગ્રેજઅધિકારીઓ કદાચ ક્યારેય તેમને એ ઘટના માટે માફ નહોતા કરી શક્યા.