સિદ્ધરાજ જયસિંહે જ્યારે રાણકદેવીને 'ઉપાડી જવા' જૂનાગઢને 12 વર્ષ સુધી ઘેર્યું, યુદ્ધના અંતે શું થયું?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કહેવાય છે કે 'મૃત્યુ થાય એટલે વાત પૂરી થાય', પરંતુ જૂનાગઢના રા'નવઘણનું મૃત્યુ ગુજરાતના ઇતિહાસને નવો વળાંક આપવા માટે નિમિત્ત બનવાનું હતું.

તત્કાલીન સોરઠ અને પાટણ રાજ્યોની વચ્ચે ચાલી રહેલા વેરમાં રા'નવઘણના મૃત્યુ પછી નવો અધ્યાય લખાવાનો હતો. એણે પાટણની પ્રભુતાને તો પ્રસ્થાપિત કરી, પરંતુ તે જયસિંહ માટે અભિશાપરૂપ પણ બનનાર હતો.

રા'ખેંગારે પિતાના વેરને આગળ વધાર્યું, પરંતુ તેમાં રાણકદેવીના નામે ત્રીજું પાત્ર પણ ઉમેરાયું. રાણકદેવીના મૃત્યુ સાથે સિદ્ધરાજ જયસિંહનો સંબંધ જાહેર છે, પરંતુ એ સિવાય પણ એક કહાણી જોડાયેલી છે.

એ કહાણી એટલે સિદ્ધરાજ જયસિંહ, રા'ખેંગાર અને રાણકદેવીની કથા અને એમાં પિતાની પ્રતિજ્ઞા પાળનાર પુત્ર; વેરનાં વાવેતર તથા વળામણાં, દગાખોરી તેમજ સ્ત્રી પર આધિપત્ય દ્વારા મહત્તા પ્રસ્થાપિત કરવાની વૃત્તિની સાથે મોહાંધતા પણ વણાયેલાં છે.

મૃત્યુ સાથે શરૂઆત

જૂનાગઢના ચુડાસમા શાસક રા'નવઘણે સિંધના હમીર સુમરાને હરાવીને પોતાની આણ વર્તાવી હતી. તેમનું મૃત્યુ નજીક હતું, પરંતુ મૃત્યુ સમયે તેમને ચાર વાતનો વસવસો હતો, જેના કારણે તેમનો જીવ જતો ન હતો.

બ્રિટિશ સૈન્ય અધિકારી કર્નલ જે. ડબલ્યુ. વૉટ્સને ગુજરાત અને સૌરાષ્ટ્રના ઇતિહાસ વિશે ખાસું ખેડાણ કર્યું છે. તેઓ પોતાના પુસ્તક 'સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ ઑફ જૂનાગઢ' (પેજ નંબર 103) પર લખે છે :

ઈ.સ. 1044માં રા'નવઘણ મરણશૈય્યા પર હતા. તેમના ચાર દીકરા ભીમ, છત્રસાલ, દેવઘણ અને રા'ખેંગાર તેમની પાસે ઊભા હતા, પરંતુ જીવનની બાકી રહી ગયેલી ચાર પ્રતિજ્ઞાઓને કારણે રા'નવઘણનો દેહ છૂટતો ન હતો.

તેમણે ઉમેટાના હંસરાજને હણવાની, વાઘેલા શાસકોના ભોંયરાને ભાંગવાની, પાટણનો દરવાજો ખંડિત કરવાની અને 'મેસાણ' નામના ચારણનું જડબું ફાડવાની પ્રતિજ્ઞા કરી હતી. જોકે, મરણપથારી સુધી તેઓ આ પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યા ન હતા, જેનો તેમને વસવસો હતો.

જોકે, આ બધાં વેરનાં વાવેતર કેવી રીતે થયાં હતાં, તેના વિશે કર્નલ વૉટ્સન નથી જણાવતા. આ અંગે એ. કે. ફાર્બસ 'રાસ માલા-1'માં (પૃષ્ઠ ક્રમાંક 150-153) લખે છે કે, રા'નવઘણે મહી નદીના કિનારે ઉમેટાના રાજાને મોઢામાં તરણું ઝલાવ્યું હતું અને શરણાગતિના સ્વીકાર સ્વરૂપે દીકરી માગી હતી. કુંવરીના ભાઈ હંસરાજને (અમુક લખાણો પ્રમાણે હરરાજ) પિતાનો આ નિર્ણય નહોત ગમ્યો અને તેણે જાહેરમાં રા'નવઘણને મારવાના સમ ખાધા હતા. જ્યારે આ વાતની જાણ રા'નવઘણને થઈ ત્યારે તેણે પણ હંસરાજને મારવાના શપથ લીધા હતા.

જ્યારે જાન જૂનાગઢ જઈ રહી હતી અને ભોંયરા (જસદણ પાસે) પહોંચી ત્યારે ત્યાંના વાઘેલા શાસકને આના વિશે જાણ થઈ. તેમણે હસતાં-હસતાં કહ્યું કે 'જો તેનો ગઢ ભાંગે તો રાણીને રાખી લઉં.' આ સાંભળીને રા'નવઘણે ભોંયરાનો ગઢ ભાંગવાની અને તેના રાજાને મારવાના સમ ખાધા હતા.

એક તબક્કે પાંચાળ પ્રદેશમાં રા'નવઘણ અને પાટણના સોલંકી (ચૌલુક્ય) શાસક જયસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં રા'નવઘણનો પરાજય થયો હતો. જયસિંહે પરાજિત રા'નવઘણની તલવાર લઈ લીધી હતી અને મોઢામાં તણખલું ઝલાવ્યું હતું અને એ બાદ જીવતા છોડ્યા હતા. એ પછી રા'નવઘણે પાટણનો દરવાજો ભાંગવાની પ્રતિજ્ઞા કરી હતી.

રા'નવઘણની મજાક ઊડે એવું ગીત જયસિંહના ભાટકવિ મેસાણે લખ્યું હતું. આથી, ગુસ્સે ભરાયેલા રા'નવઘણે તેમનું જડબું ફાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ફાર્બસ લખે છે કે 'મોટા ત્રણ દીકરાઓએ અલગ-અલગ પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરવાની તૈયારી દાખવી એટલે એમને અલગ-અલગ વિસ્તાર આપ્યા, પરંતુ સૌથી નાના દીકરા રા'ખેંગારે ચારેય પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું પાણી લીધું, એટલે એમને રાજ સોંપ્યું. એ પછી રા'નવઘણનો દેહ છૂટ્યો. '

જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીના પુસ્તક 'તારીખ-એ-સોરઠ' ઉપરાંત કર્નલ વૉટ્સનના મતે આ ઘટના રા'નવઘણ અને રા'ખેંગારના સમયની વાત છે. જ્યારે 'ગુજરાતનો ઇતિહાસ – સોલંકી કાલ' (સંપાદક રસિકલાલ પરીખ અને હરીપ્રસાદ શાસ્ત્રી) સોરઠમાં મળેલા ચાર લેખ અને દાહોદના શીલાલેખના આધારે સિદ્ધરાજ જયસિંહ અને રા'નવઘણ બીજા નહીં, પરંતુ તેમના દીકરા રા'ખેંગાર બીજાના સમકાલીન હોવાનું (પૃષ્ઠ ક્રમાંક 137) અને તેમની વચ્ચે વારસાગત વેર હોવાનું તારણ રજૂ કરે છે.

અલગ-અલગ ઇતિહાસકારોનાં વિવિધ લખાણોમાં દાયકાઓના તફાવત છે, જે ચોક્કસ તારીખ નક્કી કરવામાં અડચણ ઊભી કરે છે. છતાં આનુષંગિક વિગતો વ્યક્તિત્વને પ્રસ્થાપિત કરે છે.

વાયકા કે વિધિની વક્રતા

તત્કાલીન સોરઠના ચુડાસમા અને પાટણના સોલંકી શાસકો વચ્ચે વધુ એક ઘટનાએ નવા વેરનાં વાવેતર કર્યાં હતાં. આને માટે એક કન્યા નિમિત્ત બની હતી.

'ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ'માં (સંપાદક ગોવિંદભાઈ દેસાઈ, પેજ નંબર 172) લખે છે કે જૂનાગઢથી નવ માઈલ ઉત્તરે મજેવડી નામનું ગામ છે. ત્યાંના કુંભારના ઘરે રાણકદેવી નામની કન્યા હતી. જે વાસ્તવમાં ત્યજી દેવાયેલી બાળકી હતી.

રાણકદેવીના જન્મ સાથે સાથે જોડાયેલી પ્રચલિત વાયકા પ્રમાણે તેઓ મૂળ સિંધના પરમાર રાજાનાં પુત્રી હતાં. જ્યારે તેમનો જન્મ થયો, ત્યારે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે તેમનાં કારણે પિતા ઉપર આપત્તિ આવશે, એટલે નવજાત બાળકીનો ત્યાગ કરવામાં આવ્યો હતો. મજેવડીના હડમત કુંભારને આ દીકરી મળી હતી અને તેમણે જ રાણકનો ઉછેર કર્યો હતો.

જોકે, દીવાન રણછોડજી અમરજી તેમના પુસ્તકમાં (પૃષ્ઠ 110-111) રાણકદેવી વિશે અલગ જ વાત લખે છે. તેઓ લખે છે કે રાણકદેવી વાસ્તવમાં સિદ્ધરાજ જયસિંહનાં જ પુત્રી હતાં. તેમના જન્મ પછી જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે નવજાતનું લગ્ન તેના જ પિતા સાથે થશે.

આ સાંભળીને રાજા ખૂબ જ વ્યથિત થયા અને બાળકીને રણમાં રેઢી મૂકી દીધી, જેથી કરીને પશુ-પંખી તેને ફાડી ખાય. કુંભાર દંપતીની તેની ઉપર નજર પડી. તેમણે રા'ખેંગાર સમક્ષ સિદ્ધરાજ જયસિંહનાં દીકરી તરીકે રાણકને રજૂ કર્યાં. જ્યારે રાણકને તેમના પિતાના કૃત્ય વિશે જાણ થઈ, ત્યારે તેમણે આક્રોશમાં ઈ.સ. 895માં દેહત્યાગ કર્યો હોવાનું દીવાન રણછોડજી નોંધે છે.

વિધિના લેખ કહો કે વિધિની વક્રતા આ ત્રણેયના રસ્તા મળવાના હતા અને એકબીજાને કાપવાના પણ હતા.

રા'ખેંગારે પાળી પ્રતિજ્ઞા

જયસિંહ પાટણના સોલંકી (ચૌલુક્ય) વંશના શાસક હતા. તેમના પિતા કર્ણદેવ તથા માતા મીનળદેવી હતાં. તેમણે ચારેય દિશામાં પોતાના રાજની સીમાઓ વિસ્તારી હતી.

કર્નલ વૉટ્સન તેમના પુસ્તકમાં (પેજ 104) પર લખે છે, પિતાના મૃત્યુ પછી રા'ખેંગારે પદભાર સંભાળ્યો. તેમણે પોતાની રાજધાનીને વંથલીથી જૂનાગઢ ખસેડી હતી, છતાં વંથલીમાં ખાસો સમય પસાર કરતો.

સત્તા સંભાળ્યા બાદ રા'ખેંગારને માહિતી મળી કે જયસિંહ માળવાના મોરચે વ્યસ્ત છે અને પાટણથી દૂર છે. એટલે તેમણે સોલંકીઓના શાસકના કેન્દ્ર ઉપર હુમલો કર્યો. તેમણે પાટણનો પશ્ચિમનો દરવાજો તોડ્યો અને તેને કાળવામાં મુકાવ્યો.

તેમણે ઉમેટાના હરરાજની હત્યા કરીને મહી નદીમાં પોતાની તલવાર સાફ કરી. પરત ફરતા તેણે ભોંયરાના ગઢને ભાંગ્યો હતો અને તેના શાસકની હત્યા કરી હતી.

રા'ખેંગારના ત્રણ ભાઈઓએ મેસાણ ચારણનું જડબું ફાડવાની પ્રતિજ્ઞાનું પાલન કરતાં ખચકાયા હતા, પરંતુ રા'ખેંગારે તેમના મોંમાં સોનું અને હીરા-મોતી ભર્યાં. લોકો બોલી ઊઠ્યા કે 'તેનું મોં ફાટી ગયું છે, ' એ પછી રા'ખેંગાર અટક્યા હતા.

જોકે, બાદમાં ચારણને પાલિતાણાથી 12 માઈલ દક્ષિણપશ્ચિમમાં મેસણકા ગામ નિભાવ માટે આપ્યું હતું. રા'ખેંગારે કહ્યું, “આ કામ હું કટારથી ન કરી શક્યો હોત.”

પાટણના ગાદીપતિ સિદ્ધરાજ નિઃસંતાન હતા. બારોટ શ્રીકંઠે સોરઠ પંથકમાં રાણકને જોયાં અને તેમનાં પગલાંના આધારે તે રાજપરિવારનાં દીકરી હોવાનું અનુમાન કર્યું. હડમત કુંભારે આ વાત સ્વીકારી હતી. બારોટે હડમત કુંભાર સમક્ષ જયસિંહ સાથે રાણકનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેમનાં થકી જે સંતાન થાય તે પાટણના શાસક બનશે એવો કોલ પણ આપ્યો હતો.

રાણક એટલાં બધાં તે સુંદર હતા કે જયસિંહ સાથે તેનાં ખાંડાલગ્ન થાય તે પહેલાં જૂનાગઢનો રા'ખેંગાર તેમનું હરણ કરીને લગ્ન કર્યું એટલે જયસિંહ ક્રોધે ભરાયા હતા અને એમમે જૂનાગઢ ઉપર ચઢાઈનું નેતૃત્વ તેણે કર્યું હતું.

ઘર ફૂટ્યું, ઘર ગયું

રા'ખેંગાર પોતે ઉપરકોટમાં રહેતા અને રાણકદેવી જૂનાગઢના કિલ્લામાં મહેલમાં રહેતાં. મહેલથી ઉપરકોટ આવવા-જવાનો એક રસ્તો હતો. જેની સુરક્ષા દેશળ અને વિશળ પાસે હતી. તેઓ રા'ખેંગારના ભાણેજ હતા. તેમના પિતાના મૃત્યુ પછી રા'ખેંગારે જ તેમનો ઉછેર કર્યો હતો.

ફાર્બસ તેમના પુસ્તકમાં (પૃષ્ઠ 152) લખે છે જયસિંહે 12-12 વર્ષ સુધી જૂનાગઢનો ઘેરો ઘાલ્યો હતો, પરંતુ તેને જીતવામાં સફળતા મળી ન હતી. એક વખત કોઈ વાતે દેશળ-વિશળને રા 'ખેંગાર સાથે વાંધો પડ્યો, એટલે તેઓ જયસિંહ સાથે ભળી ગયા. તેમણે પાટણની સેનાનો ગઢમાં પ્રવેશ કરાવી દીધો.

રા'ખેંગાર પાસે તૈયારી કરવાનો સમય રહ્યો ન હતો, છતાં તેમણે મુકાબલો કર્યો અને માર્યા ગયા હતા.

એ પછી બંને ભાઈઓ જયસિંહને જૂનાગઢના કિલ્લે લઈ ગયા, જ્યાં તેમણે મામી રાણકદેવીને દરવાજો ખોલવા કહ્યું. આ પહેલાં શું થયું છે, એના વિશે અજાણ રાણકદેવીએ ગઢનો દરવાજો ખોલ્યો અને સિદ્ધરાજ અંદર પ્રવેશી ગયા. ત્યાં તેમણે રા'ખેંગાર અને રાણકના બે પુત્રોને રમતા જોયા એટલે તેમને મારી નાખવાનો આદેશ આપ્યો. રાણકદેવીને એમ હતું કે રા'ખેંગાર કેદી તરીકે પકડાયા છે. જયસિંહ જ્યારે રાણકદેવીને રાણી બનાવવાની ઇચ્છાએ બંધક બનાવીને પાટણ પરત ફરી રહ્યા હતા, ત્યારે વર્ધમાનપુર (હાલનું વઢવાણ) પાસે જયસિંહે રાણકદેવીને જાણ કરી કે તેણે રા'ની હત્યા કરી છે અને રાણકદેવીને રાણી બનાવવા ઇચ્છે છે.

ફાર્બસ લખે છે કે રાણકદેવીએ જયસિંહના અંતઃપુરમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો. તેમને 'સત ચઢ્યું' અને તેમણે પતિની પાઘડી સાથે સતી થવાની ઇચ્છા વ્યક્ત કરી. રાણકદેવીનું આવું સ્વરૂપ જોઈને જયસિંહ ગભરાઈ ગયા અને તેમની બીજી ઇચ્છા પૂછી. ત્યારે રાણકદેવીએ કહ્યું હતું કે, “જો તું અહીં મારું મંદિર બનાવીશ તો તારું રાજ રહેશે, પરંતુ તે મારા દીકરાઓની હત્યા કરી છે એટલે તું પણ નિર્વંશ મરીશ.” બાદમાં ભોગાવો નદીના કિનારે રાણકદેવી સતી થઈ ગયાં.

કેટલીક વાયકા પ્રમાણે, શંકરના મંદિરમાં તેમણે આશરો લીધો અને ત્યાં સતના આધારે ધરતીને 'મારગ કરી દેવા આહ્વાન કર્યું' અને એમ જ થયું અને રાણકદેવી તેમાં સમાઈ ગયાં.

બાદમાં જયસિંહે દેશળ અને વિશળના નાક કાપી અને તેમને દેશનિકાલ આપ્યો હતો. કર્નલ વૉટ્સન તેમના પુસ્તકમાં (પેજ નંબર 104-105) લખે છે કે દેશળ શરાબ પીધેલી અવસ્થામાં હતો અને તેણે રાણકદેવી સાથે ગેરવર્તાવ કર્યો હતો એટલે રા'ખેંગારે બંનેને કાઢી મૂક્યા હતા એ પછી બંને જયસિંહ સાથે ભળી ગયા હતા.

જયસિંહ બન્યા 'સિદ્ધરાજ'

રાણકદેવી પ્રત્યેની આસક્તિ જયસિંહ માટે અભિશાપરૂપ બની ગઈ હતી, પરંતુ જૂનાગઢની લડાઈમાં વિજય તેમના માટે આશીર્વાદરૂપ નીવડ્યો હતો.

પ્રભાસ અને દક્ષિણ કાઠિયાવાડના કેટલાક વિસ્તારોમાં 'સિંહ સંવત્સર'ના નામે નવા સંવતનો ઉલ્લેખ જોવા મળે છે. (ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, દેસાઈ, 172-173) જે જયસિંહ સિદ્ધરાજના સમયમાં ચાલુ થયો હોવાનું માનવામાં આવે છે.

દાહોદમાં ઈ.સ. 1140ના (વિક્રમ સંવત 1196) લેખ પ્રમાણે, 'સુરાષ્ટ્ર અને માળવાના રાજાઓને તેણે કેદમાં નાખ્યા હતા. સિંધુરાજ અને બીજા રાજાઓનો તેણે નાશ કર્યો અને ઉત્તરના રાજાઓ પાસે પોતાની આણ મનાવી.'

શાસ્ત્રી અને પરીખ (ગુજરાતનો ઇતિહાસ – સોલંકી કાલ, પેજ નંબર 137-138) કે. કા. શાસ્ત્રીના એ મત સાથે સહમત થાય છે કે જેમ માળવાના રાજાને કેદ કરીને સિદ્ધરાજ તેમને પાટણ લઈ ગયા હતા એવી જ સોરઠના રાજાને (રા'ખેંગારને) પણ તેઓ લઈ ગયા હશે. પાછળથી મોઢામાં તરણું લેવરાવીને તેમને છોડી દીધા હશે. પરત ફરતી વેળાએ વઢવાણ પાસે કોઈ પણ રીતે રા'ખેંગારનું મૃત્યુ થયું હશે અને ત્યાં રાણી સતી થઈ હશે.

‘ગુજરાતી વિશ્વકોશ'માં સિદ્ધરાજ જયસિંહ વિશેના વ્યક્તિત્વ પરિચયમાં સૌરાષ્ટ્રના વિજયથી તેમને 'સિદ્ધ ચક્રવર્તી'નું બિરુદ મળ્યું અને તે 'સિદ્ધરાજ જયસિંહ' તરીકે વિખ્યાત થયા હોવાનો મત કે. કા. શાસ્ત્રી વ્યક્ત કરે છે.

સિદ્ધરાજ જયસિંહે અહીં સજ્જન નામના દંડાધિપતિની (ગવર્નર) નિમણૂક કરી હતી, જેણે નેમિનાથ મંદિરને લાકડામાંથી પથ્થરનું બનાવડાવ્યું હતું. પરંતુ તેને ચુડાસમાઓએ અમુક જ વર્ષોમાં ઉઠાડી મૂક્યો હતો. સિદ્ધરાજની ઇચ્છા હતી કે તેમને પુત્ર થાય અન્યથા તેમનું રાજ ભત્રીજા કુમારપાલને મળે એમ હતું. એમની કોઈ કારી ફાવી નહોતી અને છેવટે પાટણની ગાદી કુમારપાલને મળી હતી.

રાણકદેવી અને રા'નવઘણના જીવન ઉપર ગુજરાતી ફિલ્મો બની છે. ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી અને જય ભિખ્ખુ જેવા સર્જકોએ પણ સિદ્ધરાજ જયસિંહના જીવન પર પુસ્તકો લખ્યાં છે. જેમાં દંતકથાઓ અને લોકકથાઓનો ઉપયોગ કરીને વ્યાપક રીતે 'સર્જનાત્મક સ્વતંત્રતા' લેવામાં આવી છે. એટલે તેને ઐતિહાસિકના બદલ ‘Hi-Fi’ (હિસ્ટોરિકલ ફિક્શન) શ્રેણીમાં મૂકી શકાય.

જૂનાગઢનો પહાડ ચઢતી વખતે રસ્તામાં પથ્થરો પર 'રાણકદેવીના થાપા' નજરે પડશે. તેમનો ચોક્કસ સમયગાળો નક્કી કરવો મુશ્કેલ હોય, તો પણ 'ગુજરાતના ઇતિહાસ પર રાણકદેવીના થાપા' ચોક્કસથી જોઈ શકાય છે.