You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વિકસિત દેશ જ્યાં દર પાંચ મિનિટે એક ગાડીની ચોરી થાય છે
- લેેખક, નદીન યૂસિફ
- પદ, બીબીસી ન્યૂઝ, ટોરન્ટો
ઑક્ટોબર 2022ની સવારે જ્યારે લોગન લાફરનિયરે ઊઠીને જોયું કે જ્યાં તેમની “રૈમ રિબેલ ટ્રક” કાર પાર્ક કરી હતી કે એ જગ્યા ખાલી હતી.
તેમની નવી ગાડી ગાયબ હતી. લોગનનું ઘર કૅનેડામાં આવેલા ઑન્ટારિયોના મિલ્ટન શહેરમાં છે.
તેમણે જ્યારે સિક્યૉરિટી કૅમેરા જોયો ત્યારે જાણવા મળ્યું કે રાત્રે અંધારામાં હૂડી પહેરીને આવેલા બે લોકો પિકઅપમાં ઘૂસે છે અને સરળતાથી ગાડી લઈ જાય છે.
થોડાક મહિનાઓ પછી આ ગાડી ઘાનામાં વેચાણ માટે ઉપલબ્ધ ગાડીઓની એક વેબસાઇટ પર જોવા મળી. લોગનના ઘરથી ઘાના સમુદ્રને પાર લગભગ આઠ હજાર 500 કિલોમીટર દૂર છે. લોગનને ભરોસો હતો કે આ ગાડી તેમની જ છે.
તેમણે બીબીસીને જણાવ્યું, “અમે દીકરા માટે ડ્રાઇવર સીટની પાછળ એક લૅપટૉપ હોલ્ડર લગાવ્યું હતું. મારા દીકરાએ જ તે કચરો તેમાં નાખ્યો હતો. જે પ્રકારની અવ્યવસ્થિત વસ્તુઓ મારી ગાડીમાં હતી, તે વેબસાઇટ પર લિસ્ટેડ ગાડીની તસવીરોમાં પણ જોવા મળી હતી. તેમાં કોઈ શંકા નથી કે તે મારી ગાડી છે.”
દર પાંચ મિનિટે એક ગાડી ચોરી થઈ
લોગન લાફરનિયરની આ કહાણી એકલાની જ કહાણી નથી. વર્ષ 2022માં કૅનેડામાં એક લાખ પાંચ હજાર ગાડીઓ ચોરી થઈ હતી. આનો અર્થ એ છે કે દર પાંચ મિનિટે એક ગાડી ચોરી થઈ હતી.
ખુદ કૅનેડાના સંઘીય ન્યાયમંત્રીની ગાડી પણ ચોરી થઈ હતી. ચોરોએ તેમની સરકારી ગાડી ટોયોટા હાઇલેન્ડર એક્સએલઈની બે વખત ચોરી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક મહિનાઓ પહેલાં ઇન્ટરપોલે એક યાદી જાહેર કરી હતી.
આ યાદીમાં 137 એવા દેશોનાં નામ હતાં, જેને કારચોરીના મામલામાં સૌથી ખરાબ ગણવામાં આવે છે. આ યાદીમાં કૅનેડા ટૉપ-10 દેશોમાં સામેલ છે.
ઇન્ટરપોલના એક પ્રવક્તાની માહિતી પ્રમાણે, અહીં ઉલ્લેખનીય છે કે ક્રૅનેડાએ ફેબ્રુઆરીથી જ કારચોરીના આંકડા ઇન્ટરપોલ સાથે શૅર કરવાનું શરૂ કર્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે આ ચોરી થયેલી ગાડીઓનો ઉપયોગ હિંસક ગુનાઓ માટે કરવામાં આવે છે અથવા તો કૅનેડામાં વેચી નાખવામાં આવે છે. આ ઉપરાંત ચોરી થયેલી ગાડીઓને બીજા દેશોમાં પણ મોકલવામાં આવે છે.
ઇન્ટરપોલે કહ્યું, “અમે ફેબ્રુઆરીથી અત્યાર સુધી આખી દુનિયામાંથી લગભગ એક હજાર 500 ગાડીઓ વિશે જાણકારી મેળવી છે જેની કૅનેડામાંથી ચોરી થઈ હતી. ઉપરાંત લગભગ 200 ગાડીઓની ઓળખ દર અઠવાડિયે બીજા દેશોનાં બંદરો પર કરવામાં આવે છે.”
રાષ્ટ્રીય સંકટ
કારની ચોરી એ એવી મહામારી છે કે કૅનેડાના વીમા બ્યૂરોએ તેને 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી છે.
આ સંસ્થાની માહિતી પ્રમાણે, વીમા કંપનીઓએ ગયા વર્ષે ગાડીઓની ચોરીના દાવાને કારણે એક અબજ ડૉલરથી વધારે કિંમતની ચુકવણી કરી હતી.
કૅનેડા માટે આ એક એવી સમસ્યા બની ગઈ છે જેને કારણે દેશના પોલીસ અધિકારીઓએ પોતાની ગાડીઓને ચોરી થતા કેવી રીતે બચાવવી તેના વિશે એક બુલેટિન જાહેર કર્યું હતું.
કૅનેડામાં લોકો પોતે જ પોતાની કારની સુરક્ષાના ઉપાયો કરી રહ્યા છે. તેઓ પોતાની કારમાં ટ્રેકર લગાડી રહ્યા છે અને કેટલાક લોકો ખાનગી સુરક્ષાગાર્ડ પણ રાખી રહ્યા છે.
જે લોકો સક્ષમ છે તે લોકોએ ચોરોને રોકવા માટે ‘રિટ્રેક્ટેબલ બોલાર્ડ’નો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.
કૅનેડાના મિસિસાગા શહેરમાં રહેતા નૌમાન ખાને તેમની અને તેમના ભાઈની કાર ચોરી થઈ ગયા બાદ તેમણે બોલાર્ડ ઇન્સ્ટૉલ કરવાનો વ્યવસાય ત્યારે શરૂ કર્યો છે.
ખાને જણાવ્યું કે ચોર એક વખત જ્યારે તેમના ઘરમાં ઘૂસ્યા ત્યારે તેમનાં પત્ની અને નાનું બાળક સૂતાં હતાં.
તેમણે કહ્યું, “ચોર ઘરની બહાર રાખેલી મર્સિડિઝ જીએલઈની ચાવી ગોતી રહ્યા હતા. મેં જ્યારે તે ચોરને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ભાગી ગયો.”
આ તકલીફને કારણે ખાને પોતાની બધી જ ગાડીઓ વેચી મારી. તેમની પાસે હવે માત્ર બે સામાન્ય ગાડી છે.
ખાન હવે પોતાના વ્યવસાયને કારણે બીજા લોકોની આ પ્રકારની કહાણીઓ સાંભળે છે.
તેમણે કહ્યું, “અમારી પાસે એવા ગ્રાહક હતા જેમની ગલીમાં એટલી વખત ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા કે તેમણે પોતાના ઘરની બહાર એક સુરક્ષાગાર્ડને તહેનાત કર્યો, કારણ કે તેઓ અસુરક્ષિત અનુભવતા હતા.”
કારચોરીનું બંદર સાથે ‘ક્નેક્શન’
યુએસ બ્યૂરો ઑફ જસ્ટિસ સ્ટૅટિસ્ટિક્સના ડાયરેક્ટર એલેક્સિસ પિકેરોનું કહેવું છે કે કૅનેડામાં મોટા પાયે કારોની ચોરી ચિંતાજનક છે, કારણ કે અમેરિકા અને બ્રિટનમાં આ પ્રકારના ગુના વધારે થાય છે તેની તુલનામાં કૅનેડાની વસ્તી ઘણી ઓછી છે.
કૅનેડામાં શહેરો પાસે એટલાં બંદરો પણ નથી જેટલાં અમેરિકામાં છે.
કોવિડની મહામારી પછી અમેરિકા, કૅનેડા અને બ્રિટનમાં કારચોરીની ઘટનામાં વધારો જોવા મળ્યો છે.
આ દેશો દ્વારા આપવામાં આવેલા નવા આંકડા પ્રમાણે, દરેક એક લાખ લોકો દીઠ 300 ગાડી ચોરી થઈ છે.
છેલ્લાં વર્ષોમાં કારચોરીના આંકડામાં થયેલા આ વધારામાં વૈશ્વિક સ્તરે કારોની અછત પણ એક કારણ છે.
હાલમાં નવી અને જૂની બંને ગાડીની ડિમાન્ડ વધી છે.
કૅનેડિયન ઑટોમોબાઇલ ઍસોસિયેશનમાં ડાયરેક્ટર ઇલિયટ સિલ્વરસ્ટીનનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીયસ્તરે કેટલીક કારનાં મૉડલોનું બજાર પણ વધ્યું છે. આ કારણ ગુનાહિત સમૂહો માટે ગાડીઓની ચોરી કમાણીનો એક મુખ્ય સ્રોત બની ગયો છે.
સિલ્વરસ્ટીન કહે છે કે કૅનેડામાં જે રીતે બંદરોનું સંચાલન કરાય છે તેને કારણે બીજા દેશોની તુલનામાં કૅનેડામાં કારચોરીની શક્યતા વધારે છે.
તેમણે કહ્યું, “બંદરો પર દેશથી બહાર જનારી વસ્તુઓની તુલનામાં દેશમાં આયાત થતી વસ્તુઓ પર વધારે ધ્યાન આપવામાં આવે છે.”
સિલ્વરસ્ટીને ઉમેર્યુ, “બંદર પર ગાડીઓને એક વખત શિપિંગ કન્ટેનરોમાં ભરી દેવામાં આવે છે ત્યાર બાદ તેના સુધી પહોંચવું મુશ્કેલ છે.”
જોકે, પોલીસ ચોરાયેલી કેટલીક કારોને રિકવર કરવામાં સફળ રહી છે.
ચોરી થયેલી અમુક કારો જ રિકવર થઈ શકે છે
ગયા વર્ષે ઑક્ટોબરમાં ટોરન્ટો પોલીસે 11 મહિના સુધી ચાલેલી તપાસ વિશે જણાવ્યું હતું.
પોલીસે કહ્યું કે 60 મિલિયન કૅનેડિયન ડૉલરની કિંમતની એક હજાર 80 ગાડીઓ રિકવર કરવામાં આવી છે. આ મામલે 550 લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા.
આ સાથે જ ડિસેમ્બરથી માર્ચના અંત સુધી, બૉર્ડર અને પોલીસ અધિકારીઓએ મૉન્ટ્રિયલ બંદર પર 400 શિપિંગ કન્ટેનરોની તપાસ કરી, જેમાં 600 ચોરાયેલી ગાડીઓ મળી હતી.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારનાં અભિયાનોને ચલાવવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બંદર પર માલની અવરજવર ખૂબ જ વધારે છે. મૉન્ટ્રિયલ બંદર પર વર્ષ 2023માં જ 17 લાખ કન્ટેનરોની અવરજવર થઈ હતી.
બંદરના કર્મચારીઓને મોટા ભાગના કેસોમાં કન્ટેનરના નિરીક્ષણ કરવાનો અધિકાર નથી. કસ્ટમ-કન્ટ્રોલ વિસ્તારોમાં માત્ર બૉર્ડ ઑફિસર જ વૉરંટ વગર કન્ટેનરોને ખોલી શકે છે.
આ દરમિયાન કૅનેડાની સરકારને એક નવો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કૅનેડા બૉર્ડર સર્વિસ એજન્સી સતત કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે.
જૂની પ્રણાલી પણ એક સમસ્યા છે
કારચોરીની તકલીફથી પરેશાન બીજા એક શહેર બ્રૈમ્પટનના મેયર પૈટ્રિક બ્રાઉને હાલમાં જ અમેરિકા અને કૅનેડા વચ્ચે નિરીક્ષણની પ્રણાલીઓની તુલના કરી હતી.
પૈટ્રિકે ન્યૂજર્સીમાં પૉર્ટ નેવાર્ક કન્ટેનર ટર્મિનલનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યાર બાદ તેમણે સમાચારપત્ર નેશનલ પોસ્ટને જણાવ્યું કે અમેરિકાના અધિકારીઓ પાસે સ્કેનર હોય છે. તેઓ કન્ટેનરનું ઘનત્વ માપે છે અને કાયદો જાળવી રાખનાર લોકો સાથે મળીને કામ કરે છે.
પૈટ્રિકે કહ્યું કે આ પ્રકારની વસ્તુઓ આપણે કૅનેડામાં કરતા નથી.
કૅનેડાની સરકારે મે મહિનામાં કહ્યું, “શિપિંગ કન્ટેનરોની તપાસ માટે સીબીએસએની ક્ષમતાને વધારવામાં આવશે. પોલીસને પણ ગાડીઓની ચોરીની સમસ્યાનો સામનો કરવા માટે વધારે ફંડ આપવામાં આવશે.”
જોકે, સિલ્વરસ્ટીન માને છે કારચોરીના આ કેસો કાર બનાવનારી કંપનીઓ સાથે પણ જોડાયેલા છે.
તેમણે કહ્યું, “લોકો ચોરી થયેલી કારની રિકવરીની વાત કરે છે, પરંતુ મારું ધ્યાન એ વાત પર છે કે આપણે એવી ગાડીઓ કેમ બનાવતા નથી જેને ચોરી કરવી મુશ્કેલ હોય.”
કારમાલિકોની તકલીફો યથાવત્
લાફરનિયર જેવા કારમાલિકો પોતાની ગાડીની સુરક્ષા કેવી રીતે કરવી તે વિશે મૂંઝવણ અનુભવે છે.
રૈમ રેબેલ ટ્રક ચોરી થયા પછી લાફરનિયરે ટોયોટા ટ્રંડા ખરીદી છે.
ચોરો સરળતાથી ગાડી ચોરી ન કરી શકે તે માટે લાફરનિયરે પોતાની ગાડીમાં એન્જિન ઇમ્મોબિલાઇઝર લગાવ્યું. ગાડી ચોરી થાય તો એ સ્થિતિમાં ટૅગ ટ્રેકર પણ લગાવ્યું હતું અને વધારે સુરક્ષા માટે ગાડીના સ્ટીયરિંગ વ્હીલ પર એક ક્લબ પણ લગાવ્યું છે.
જોકે, લાફરનિયર તેમ છતાં પણ ચોરોને રોકી ન શક્યા. બે ચોર ફરીથી લાફરનિયરની નવી ગાડીની ચોરી કરવા માટે આવ્યા હતા. ચોરને આ વખતે થોડીક મુશ્કેલીઓ થઈ, પરંતુ ચોર ગાડીનો પાછળનો કાચ તોડીને અંદર ઘૂસી ગયા.
લાફરનિયરની ઊંઘ અવાજને કારણે ઊડી ગઈ અને તેમણે 911ને ફોન કર્યો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ ચોર ભાગી ગયા હતા.
લાફરનિયરે ત્યાર બાદ પોતાની નવી ગાડીના સમારકામનો ખર્ચો કર્યો અને તેને વેચી મારી.
આ આખી ઘટનાને તેઓ ‘હાર્ટ બ્રૅકિંગ’ ગણાવે છે.