અમરેલી : સાવરકુંડલાના એક દલિતનો મૃતદેહ દફનાવ્યા બાદ કેમ બહાર કાઢવામાં આવ્યો?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામમાંથી મળેલા દલિત યુવાનના મૃતદેહનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે.

કૉંગ્રેસે દલિત યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વગર તેને અંતિમસંસ્કાર માટે પરિવારજનોને હવાલે કરી દીધો હોવાનો પોલીસ પર આરોપ લગાવ્યો છે.

દરમિયાન આ મૃતક યુવાનનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તેણે પોતાના પર જાનનો ખતરો હોવાનું જણાવ્યું હતું અને પોલીસ પાસે તેણે સુરક્ષા માગી હતી.

આ વીડિયોને ધ્યાનમાં લઈને કૉંગ્રેસે પોલીસ પર એવા પણ આરોપો લાગાવ્યા કે દલિત યુવાન પર જાનનું જોખમ હોવા છતાં પોલીસે કોઈ પગલાં ભર્યા નહીં.

જોકે પોલીસનું કહેવું છે કે આ વાઇરલ વીડિયો જૂનો છે, મૃતકનો આ વીડિયો હાલનો નથી.

પોલીસ પર દબાણ વધતા દફનાવાયેલી દલિત યુવાનના મૃતદેહને ફરી જમીનમાંથી બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ખુદ અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે મૃતદેહને જમીનમાંથી બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર તેના મૃતદેહ પર ઈજાનું કોઈ નિશાન નથી એટલે પોલીસનું કહેવું છે કે તેની હત્યા કરવામાં આવી નથી.

બીજી તરફ ભાજપે કૉંગ્રેસના આરોપોનો જવાબ આપતા કહ્યું છે કે રાજ્યના દલિતો ભૂતકાળની કૉંગ્રેસની સરકારના સમયની સરખામણીએ વધુ સુરક્ષિત છે.

શું હતી ઘટના?

21મી જુલાઈના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામના દલિત યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે અકસ્માતે થયેલા મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ મૃતક દલિત યુવાનના અંતિમસંસ્કાર (દફનવિધિ) પણ કરી નાખ્યા. અંતિમસંસ્કાર થયાના થોડા જ કલાકોમાં અરવિંદનો એક વીડિયો વાઇરલ થયો.

આ વીડિયોમાં અરવિંદ પોતાની જાનનું જોખમ હોવાની વાત કરે છે અને હત્યાની આશંકા દર્શાવે છે. બસ, આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ પર આરોપ લાગવાના શરૂ થઈ ગયા.

અરવિંદ પરમારની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ અને પોલીસ પર આ મામલે ઢાંકપિછોડો કરવાનો આરોપ લાગ્યો.

કૉંગ્રેસનો આરોપ છે કે અરવિંદને જાનનું જોખમ હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. સોશિયલ મીડિયા પર પણ પોલીસ પર ગંભીર બેદરકારી રાખવાના આરોપો લાગ્યા.

આથી દબાણ ઊભું થતાં અમરેલી જિલ્લા પોલીસના વડા હિમકરસિંહે અરવિંદ પરમારના મૃતદેહને જમીનમાંથી બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કર્યું.

અમરેલી પોલીસના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમનો પ્રાથમિક અહેવાલ આવી ગયો છે અને તેમાં જણાવ્યા પ્રમાણે મૃતક અરવિંદ પરમારના શરીર પર ઈજાના કોઈ નિશાન મળી આવ્યા નથી.

કૉંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

કૉંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે રાજ્યમાં પીડિત દલિતો પોલીસને જાનને જોખમ હોવાની આગોતરી જાણ કરતા હોવા છતાં તેમને સુરક્ષા આપવામાં આવતી નથી.

અરવિંદ પરમારના મોતના મામલે તેમણે અમરેલી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે મોતનું કારણ જે હોય તે પરંતુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વગર તેના અંતિમસંસ્કાર કરાવી દેવા તે ગંભીર બેદરકારી છે.

જિગ્નેશ મેવાણીએ અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

કૉંગ્રેસના એસસી સેલના પ્રમુખ હિતેન્દ્ર પિઠડિયા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં કહે છે, "ગુજરાતમાં રોજ ઍટ્રોસિટીની ચાર ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. આ પૈકીની બે ઘટના તો શહેરોમાં નોંધાય છે. છતાં પોલીસ આ મામલે સંવેદનશીલ નથી."

"પોલીસે દલિતોની સુરક્ષા માટે આગોતરી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ ઘટના બની ગયા પછી પોલીસ પહોંચે તેનો શો અર્થ?"

પોલીસનું શું કહેવું છે?

અમરેલી પોલીસે કૉંગ્રેસ પર અધૂરી હકીકતના આધારે આરોપો લગાવ્યા હોવાનું જણાવ્યું છે. અમરેલી પોલીસનું કહેવું છે કે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને જ્યારે અરવિંદ પરમારની વાઇરલ થઈ રહેલી ઑડિયો-વીડિયો ક્લિપ મામલે જાણ થઈ કે તરત જ તેની તપાસના આદેશ આપ્યા હતા.

મૃતક અરવિંદ પરમારે સુરક્ષા માગી હોવા છતાં તેને ન આપી હોવાના પોલીસ પર લાગેલા આરોપોનો જવાબ આપતા અમરેલીના ડિવાયએસપી હરેશ વોરા કહે છે કે સુરક્ષાની માગ માટેનો જે વીડિયો અને ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે તે જૂનો છે.

હરેશ વોરા બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહે છે, "ખુદ અરવિંદના મોટાભાઈ મનસુખભાઈ અને ગુણવંતભાઈએ પોલીસને જણાવ્યું છે કે આ વીડિયો અને ઑડિયો ક્લિપ બે વર્ષ જૂના છે."

હવે પોલીસ પર એ સવાલ થાય કે જો બે વર્ષ પહેલાં અરવિંદ પરમારે પોતાના પર જાનનું જોખમ હોવાનું પોલીસને જણાવ્યું હતું તો ત્યારે પોલીસે કઈ કાર્યવાહી કરી?

તેનો જવાબ આપતા હરેશ વોરા જણાવે છે, "તે સમયે જે-તે યોગ્ય પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. હાલના સમયે અરવિંદે પોલીસને કોઈ આ પ્રકારની ફરિયાદ કરી હોય તેવું જાણવા મળ્યું નથી."

અરવિંદનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું તેવા આરોપોનો જવાબ આપતા હરેશ વોરા કહે છે, "અરવિંદના પરિવારજનોએ જ પોલીસને લેખિતમાં આપ્યું હતું કે તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ નથી કરાવવું કારણ કે તેમને આ મોત મામલે કોઈ શક નથી. જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હોવા છતાં અમે તેને પરિવારજનોને અંતિમસંસ્કાર માટે સુપરત કરી."

પરિવારજનોએ મૃતદેહની દફનવિધિ કરી દીધી હોવા છતાં મામલાએ રાજકીય રંગ પકડતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે મૃતદેહને જમીનમાંથી બહાર કઢાવીને તેનું પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા.

અમરેલીનાં પ્રાંત કલેક્ટર ધારાબહેન ભાલાળા, સમાજ કલ્યાણ અધિકારી, મામલતદાર અને ડીવાયએસપી હરેશ વોરાની ઉપસ્થિતિમાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો.

પ્રાંત કલેક્ટર ધારાબહેન ભાલાળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "તેમના પરિવારને પણ કોઈ સંશય નથી કે કોઈના પર શક નથી, છતાં સત્ય બહાર આવે તે માટે ખુદ તંત્રએ મામલાની તપાસ શરૂ કરી છે. અમારી સતત આ મામલા પર નજર છે અને અમે પોલીસ સાથે સંપર્કમાં છીએ."

હરેશ વોરાના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમનો પ્રાથમિક અહેવાલ આવી ગયો છે અને વિસરાનો રિપોર્ટ આવતા વાર લાગશે.

તેઓ કહે છે, "પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ પ્રમાણે મૃતદેહ પર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. તેથી હત્યા થઈ હોય તેવા સંશય પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે."

પરિવારજનોનું શું કહેવું છે?

મૃતક અરવિંદ પરમારના મોટાભાઈ ગુણવંતભાઈ પરમાર પણ કબૂલે છે કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તેમણે જ ના પાડી હતી.

અમરેલી ખાતેના બીબીસી સહયોગી ફારુખ કાદરી સાથેની વાતચીતમાં ગુણવંતભાઈ પરમાર કહે છે, "અમને પોલીસે કહ્યું હતું કે અરવિંદના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. અમે એ ગફલતમાં હતા કે પોસ્ટમોર્ટમ કરાવવામાં અમારે પૈસા ચુકવવા પડશે."

"તેનો ખર્ચો કેટલો થશે, શું નહીં? અમને તેની કોઈ જાણકારી નહોતી, તેથી અમે પોલીસને વિનંતી કરી કે અમારે પીએમ કરવાની જરૂર નથી, અમને કોઈના પર શંકા નથી. અમે આ પ્રકારનું નિવેદન આપ્યું એટલે અમને પોલીસે અરવિંદનો મૃતદેહ સોંપી દીધો."

પોતાને જાનનું જોખમ હોવા અંગેના વાઇરલ થએલી અરવિંદના વીડિયો-ઑડિયો ક્લિપ મામલે વિગતો આપતા ગુણવંત પરમાર કહે છે, "આ વીડિયો જ્યારે અમારા ગામમાં ચૂંટણી હતી તે વેળાનો એટલે કે બે વર્ષ જૂનો છે. આ અત્યારનો નથી."

"મારો નાનો ભાઈ અરવિંદ દારૂનો ધંધો કરતો હતો. તે લોકો સાથે માથાકૂટ કર્યા કરતો હતો. તેનો તાજો કોઈ વીડિયો નથી."

આ મામલે હિતેન્દ્ર પિઠડિયા પોલીસને સવાલ પૂછતા કહે છે, "ભલે આ ક્લિપ જૂની હોય પરંતુ તે વખતે પણ પોલીસે શી કાર્યવાહી કરી?"

ભાજપે આપ્યો કૉંગ્રેસના આરોપોનો જવાબ

ગુજરાત સરકાર દલિતોની સુરક્ષા મામલે ગંભીર નથી તેવા કૉંગ્રેસના આરોપોનો જવાબ આપતા ભાજપે કહ્યું છે કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા મામલે સજાગ પણ છે અને ગંભીર પણ.

ભાજપના પ્રવક્તા કિશોર મકવાણા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "ભૂતકાળના કૉંગ્રેસ સરકારના દલિત પર અત્યાચારના કેસોના આંકડા જોશો તો ખ્યાલ આવશે કે ભાજપના રાજમાં દલિતો કેટલા સુરક્ષિત છે."

હાલમાં દલિતો પર અત્યાચારના જે બનાવો બન્યા છે તે મામલે જવાબ આપતા કિશોર મકવાણા કહે છે, "ગુજરાત સરકાર છેવાડાના માનવીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને જે ઘટતું કરવાનું રહે છે તે મામલે કાર્યવાહી કરશે."

તેઓ કૉંગ્રેસને દલિત વિરોધી પાર્ટી ગણાવે છે. આ મામલે તેઓ કૉંગ્રેસ પાર્ટી પર હુમલો કરતા કહે છે, “કૉંગ્રેસના નેતાઓને દલિતોની પડી નથી, તેઓ માત્ર રાજકીય રોટલાં શેકવાનું કામ કરે છે.”