You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : હિન્દુમાંથી બૌદ્ધ બન્યા બાદ દલિતો સાથે ભેદભાવ ખતમ થઈ જાય છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, ઉના/અમદાવાદ
ઉનાના મોટા સમઢિયાળાના 60 વર્ષીય બાલુભાઈ સરવૈયા સમજણા થયા ત્યારથી મૃત્યુ પામેલા ઢોરનું ચામડું કાઢીને વેચવાનું કામ કરતા હતા.
તેમને યાદ છે કે તેમના પિતા પણ મૃત્યુ પામેલા ઢોરને ગામમાંથી ખેંચીને બહાર લઈ જતા હતા, ત્યાં અત્યંત દુર્ગંધ વચ્ચે ચામડું કાઢવાનું કામ કરતા હતા અને તેમની પાસે પણ આ જ કામ કરાવતા હતા.
જોકે, 2016માં તેમનાં સંતાનો વશરામ, મુકેશ અને રમેશ સહિત તેમના ભાઈના પુત્ર બેચરને કથિત ગૌરક્ષકોએ ભરબજારે માર માર્યો હતો.
તેમના પર આરોપ હતો કે તેમણે જીવિત ગૌવંશનું કતલ કર્યું હતું. જોકે, પાછળથી આ દાવા પોકળ સાબિત થયા હતા.
આ ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા હતા. એ પછી આશરે બે વર્ષ બાદ 26મી એપ્રિલ 2018ના રોજ આ પરિવારે હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
ગુજરાતમાં દર વર્ષે ઘણા લોકો બૌદ્ધ ધર્મ અપનાવતા હોય છે. તાજેતરમાં પણ ગાંધીનગરમાં ધર્મપરિવર્તનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 14 હજાર જેટલા લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
વર્ષ 2018માં વશરામભાઈના પરિવાર સાથે બનેલી ઘટનાને તાજેતરમાં છ વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે બીબીસીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે એ પરિવાર અને તેમની સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારા અન્ય દલિતોના જીવનમાં શું પરિવર્તન આવ્યું?
‘અમે બદલાયા, અમારું ગામ પણ બદલાયું’
મોટા સમઢિયાળા ગામમાં એક સમય એવો હતો કે જ્યારે સરવૈયા પરિવાર સહિત બીજા દલિતો સાથે એક કે બીજી રીતે ભેદભાવ થતા હતા. જેમ કે તેમના ફળિયામાં ક્યારેક કોઈ આંગણવાડી બહેન બાળકોને લેવા આવતી નહોતી. પરિવારના લોકો સવર્ણો વચ્ચે બેસી શકતા નહોતા, દુકાન પર તેમને એક બાજુ ઊભા રહેવું પડતું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હાલ આ તમામ બાબતોમાં પરિવર્તન આવ્યું હોવાનું પરિવારનું માનવું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વશરામ સરવૈયા કહે છે, “સૌથી પહેલા તો અમારા પરિવારના દરેક સભ્યની વિચારસરણીમાં ફેર પડ્યો છે. હવે અમે વધુ તાર્કિક થયા છીએ. અમે મંદિર વગેરેમાં જતા નથી, બાધા વગેરે રાખતા નથી, એટલે અમારો ખર્ચ ઓછો થયો છે.”
એક સમયે ફાટેલાં કપડાં પહેરનારા વશરામભાઈ હાલ સારા કપડાં પહેરે છે અને પોતે સ્વચ્છ રહે છે. તેઓ વધુમાં કહે છે, “આમ તો વર્ષ 2016માં બનેલી ઘટના બાદ ગામમાં ભેદભાવ ઓછો થઈ ગયો હતો, પરંતુ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ ઘણો ફરક જોવા મળી રહ્યો છે.”
“જેમ કે પહેલાં અમે ગામના વડીલો વચ્ચે બેસીને તેમની સાથે ચા નહોતા પી શકતા, હવે તેવું નથી. પહેલાં અમે વડીલો સાથે બેસવાની પણ હિંમત કરી શકતા નહોતા. હવે અમે એક જ ઓટલા પર બધા સમાજ સાથે બેસીએ છીએ.”
તેમણે આગળ કહ્યું, “હું પહેલાં જ્યારે પણ દુકાને જતો તો અમારા પૈસા પર પાણી છાંટ્યા બાદ જ હાથ લગાવતા હતા. અમને દૂરથી કરિયાણું આપવામાં આવતું હતું. હવે તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હું એમ નથી કહેતો કે બધાએ આ પ્રકારનો વ્યવહાર છોડી દીધો છે, પરંતુ મોટા ભાગના લોકોમાં આ પ્રકારના વ્યવહારને લઈને પરિવર્તન જોવા મળી રહ્યું છે.”
વશરામભાઈ એમ પણ કહે છે કે આ ગામલોકોના વ્યવહારમાં આવેલું આ પરિવર્તન માત્ર તેમણે કરેલા ધર્મપરિવર્તનના કારણે જ નથી આવ્યું. તે એટલા માટે પણ છે કે તેમની સાથે વર્ષ 2016માં બનેલી ઘટના બાદ આનંદીબહેન પટેલ, રાહુલ ગાંધી, માયાવતી, શરદ પવાર સહિતના મોટા નેતાઓ તેમને મળવા આવ્યાં હતાં અને તેની અસર પણ ગામના લોકો પર પડી છે.
'ધર્મ ભલે બદલ્યો પણ ગામલોકો માટે તો એ જ છીએ'
વશરામભાઈના ગામ મોટા સમઢિયાળાથી આશરે ચાર કિલોમિટર દૂર ગાંગડ ગામ આવેલું છે.
આ ગામમાં કડિયાકામ કરતા જયંતીભાઈ રહે છે. તેમણે માતા, પત્ની અને ચાર સંતાનો સાથે વર્ષ 2018માં વશરામભાઈની સાથે જ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેમના જીવનમાં શું ફરક આવ્યો? તો તેમની પાસેથી મળેલો જવાબ વશરામભાઈથી સાવ જુદો હતો.
જયંતીભાઈએ કહ્યું, “ધર્મપરિવર્તન કરવાથી અમે થોડા બદલાઈ જવાના? ગામલોકો માટે તો અમે એના એ જ છીએ. આજે પણ અમે અમારા ગામના સવર્ણોને ત્યાં પ્રવેશી નથી શકતા. તેઓ પણ અમારા ઘરે આવતા નથી. સામાજિક કાર્યક્રમોમાં પણ અમને અન્ય લોકોથી અલગ રાખવામાં આવે છે અને અમને હંમેશાં યાદ કરાવવામાં આવે છે કે અમે દલિત છીએ.”
ગુજરાત અને બૌદ્ધ
- 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતમાં અંદાજે 30 હજાર બૌદ્ધ લોકો વસવાટ કરે છે
- ભારતમાં બૌદ્ધ લોકોની વસતી એક ટકાથી ઓછી છે
- આંતરાષ્ટ્રીય સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના 2021ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં વસતા કુલ બૌદ્ધમાં 89 ટકા લોકો અનુસૂચિત જાતિમાંથી છે, પાંચ ટકા અનુસૂચિત જનજાતિમાંથી, ચાર ટકા ઓબીસીમાંથી, જ્યારે બે ટકા લોકો જ જનરલ કૅટેગરીમાં આવે છે
જોકે, તેમનું માનવું છે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેઓ વર્ષ 2014થી બાબાસાહેબ આંબેડકરના વિચારોને પ્રસરાવવા માટે ગામેગામ પ્રોજેક્ટર પર ફિલ્મો બતાવવાનું કામ કરતા હતા. 2018 બાદ તેમણે પોતાના કામની ઝડપ વધારી દીધી છે.
તેઓ કહે છે, “હું ચાર ચોપડી ભણેલો છું, પરંતુ મારી ત્રણેય દીકરીઓ આજે મેડિકલ, પૅરા-મેડિકલ, એન્જિનિયરિંગ જેવા કોર્સ ભણી રહી છે. મારો આખો પરિવાર શિક્ષણ તરફ વળ્યો છે, જેની આશા આંબેડકરે અમારા પાસેથી રાખી હતી.”
તો અમરેલીના ધારી જિલ્લામાં રહેતા અને પોલીસખાતામાં નોકરી કરતા નવલભાઈનું પણ જયંતીભાઈ જેવું જ માનવું છે.
નવલભાઈએ પણ વર્ષ 2018માં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
તેમનું કહેવું છે, “બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ પણ અમારા પ્રત્યેના સામાજિક દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સરકારી નોકરીમાં પણ અમારી સાથે જાતિવાદ થતો જોવા મળી રહ્યો છે. એટલે બૌદ્ધ ધર્મનો અંગીકાર ભેદભાવનું સમાધાન છે, એમ માનવું સાચું નથી.”
'બૌદ્ધ ધર્મ અંગીકાર ન કર્યો હોત, તો કદાચ અહીં સુધી પહોંચ્યા ન હોત'
જૂનાગઢના રેકરિયા ગામમાં રહેતા મનીષભાઈ પરમારે વર્ષ 2013માં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એક દાયકા બાદ તેમણે પોતાના પારિવારિક જીવનમાં આવેલા ફેરફારો વિશે વાત કરી.
તેમણે કહ્યું, “હું સામાજિક દૃષ્ટિકોણ વિશે વાત નહીં કરું, પણ મારા પરિવારની વાત કરું તો અમને જીવન જીવવાની મજા આવી રહી છે. લગભગ દર મહિને આવતા તહેવારો અને તેમના પર થતા ખર્ચ ન થતા હવે મારી મોટા ભાગની કમાણી મારાં બાળકોના અભ્યાસ પર થાય છે.”
મનીષભાઈનાં ચાર બાળકો પૈકી એક દીકરાએ એમ.એસસી. બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બીજો દીકરો રાજકોટમાં ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરી રહ્યો છે, એક દીકરો એન્જિનિયર બનીને સારી નોકરી રહ્યો છે અને ચોથો દીકરો હજુ કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
તેઓ જણાવે છે, “એટલે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ અમારા પરિવારનું તમામ ધ્યાન બાળકોના અભ્યાસ અને તેમના સારા ભવિષ્ય પાછળ લાગી ગયું હતું. બાળકો પણ ભણતરનું મહત્ત્વ સમજતાં થયાં, જેના કારણે આજે અમને આ પરિણામ જોવા મળ્યું.“
તેમનું માનવું છે કે જો તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર ન કર્યો હોત, તો કદાચ આજે તેઓ જ્યાં છે, ત્યાં સુધી પહોંચ્યા ન હોત.
'આજે અમને નવી ઓળખ મળી છે'
બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે જો જાતિવાદને દૂર કરવો હોય તો દલિતોએ ગામડાંથી શહેર તરફ જવું પડશે. એ સ્થળાંતર તેમને એક નવી ઓળખ આપશે.
31 મે, 1936ના રોજ ‘મહાર કૉન્ફરન્સ’માં સ્થળાંતર પર વાત કરતા બાબાસાહેબે કહ્યું હતું કે જો હિંદુ રહીને માત્ર નામ બદલવામાં આવશે તો દલિતની ઓળખાણ નહીં બદલાય. જો તેમણે પોતાની ઓળખ બદલવી હોય તો તેમની જૂની અટક, જેમ કે મહાર, ચોખામેલા વગેરે છોડીને નવી અટક અપનાવવી પડશે. પરિવર્તન ત્યારે જ આવશે.
સુરતમાં રહેતા 40 વર્ષીય ચંદ્રમણી બૌદ્ધ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને હાલ કોચિંગ ક્લાસ ચલાવે છે. તેમના દાદાએ બાબાસાહેબ આંબેડકર સાથે 1956માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “બાબાસાહેબે કહ્યું હતું કે પહેલાં ધર્માંતરણ પછી નામાંતરણ અને પછી સ્થળાંતર. એ વાતને અમારો પરિવાર વળગીને રહ્યો. મારા દાદાએ ધર્માંતરણ કરીને નામ બદલ્યું, પરિવારની અટક બદલાઈ અને પછી મારા દાદાનો પરિવાર નાગપુરથી મુંબઈ રહેવા આવી ગયો.”
તેઓ આગળ કહે છે, “મારા પિતા રેલવેમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને અમે રેલવે કૉલોનીમાં રહેતા હતા. ત્યાં ક્યારેય જાતિવાદ નડ્યો નથી. આવી જ રીતે પછી મારા પિતા સહપરિવાર સુરત રહેવા આવી ગયા. હાલમાં મારા મોટા ભાઈ ડૉક્ટર છે, મારી બહેન વકીલ છે અને હું એન્જિનિયર છું. બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાથી અમને આટલો ફાયદો થયો છે.”
શું જાતિવાદનો જવાબ બૌદ્ધ ધર્મ છે? નિષ્ણાતો શું કહે છે?
ઘણા લોકો આ વાતથી સહમત છે અને માને છે કે બાબાસાહેબ આંબેડકરે જે રીતે કહ્યું હતું એ રીતે ધર્મપરિવર્તન કરવામાં આવે તો ચોક્કસપણે તે જાતિવાદનો જવાબ છે, પરંતુ જો તેમ ન કરવામાં આવે તો ધર્મપરિવર્તન સમસ્યાનું સમાધાન નથી.
આ વિશે વાત કરતા દલિત કર્મશીલ માર્ટિન મૅકવાન કહે છે, “બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યા બાદ પણ એવા અનેક લોકો છે, જે જાતિવાદનો સામનો કરે છે. ધર્મપરિવર્તન કર્યા બાદ જે લોકો પોતાના ગામમાં રહે છે, તેમની ઓળખ તો એ જ રહેવાની છે જે પહેલાં હતી. માટે આજે પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ ઘણા લોકોને ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે.”
દલિત સાહિત્યકાર અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયા એક ઉદાહરણ આપીને સમજાવે છે કે “આંબેડકરે બૌદ્ધ ધર્મનો યથાવત્ સ્વીકાર કર્યો ન હતો. તેમણે 22 પ્રતિજ્ઞા લીધી હતી. જે મારા મત પ્રમાણે એક રાજકીય એજન્ડા હતો. જોકે, આજકાલ જે ધર્મપરિવર્તન થાય છે, તે એક ધાર્મિક એજન્ડા છે અને તે પણ ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અપનાવતા હોય છે. જેથી કોઈ મોટો ફરક પડવાની શક્યતા નહિવત્ રહે છે.”
તેઓ આગળ કહે છે, “સાથેસાથે દલિત સમુદાયમાં હજુ સુધી પોતાની એક જાતિપ્રથા કે સબ-કાસ્ટ પદ્ધતિ છે, તેને બૌદ્ધ લોકો પણ હજુ સુધી ચૅલેન્જ કરી શક્યા નથી. માટે બૌદ્ધ ધર્મ તો જાતિવાદનો જવાબ હોય એવું હાલની દૃષ્ટિએ તો લાગતું નથી.”
આ જ રીતે દલિત નેતા પ્રીતિબહેન વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “બૌદ્ધ ધર્મ અમુક લોકોમાં એક નવા પ્રકારનો કટ્ટરવાદ લાવી રહ્યો છે, જેમ કે એવાં અનેક ઉદાહરણો છે કે કોઈ વ્યક્તિ પોતાનાં માતા-પિતાની મરજી વિરુદ્ધ તેમને ઇમોશનલ કરીને બૌદ્ધધર્મ અપનાવવા મજબૂર કરે છે. ઘણા લોકો માટે બૌદ્ધ ધર્મ અપનાવવાની માત્ર ધૂન લાગી છે, પરંતુ મેં જોયું છે કે તેઓ તેનું પાલન કરી શકતા નથી.”
શું બૌદ્ધ ધર્મની જાતિવાદ પર અસર નહિવત્ છે?
તેવી જ રીતે બૌદ્ધાચારી આનંદ શાક્ય બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે કે, “હું માનું છું કે હિન્દુ ધર્મથી બૌદ્ધ ધર્મ તરફ આવેલા લોકો સાથે બીજા સમાજોના લોકોના સામાજિક વ્યવહારમાં કોઈ ખાસ ફરક આવતો નથી, પરંતુ ધર્મપરિવર્તન કરે છે તે વ્યક્તિ કે પરિવારના લોકોમાં ખૂબ મોટા ફરક આવે છે અને સમય જતા તેનો ફાયદો નવી પેઢીને થાય છે.”
સમાજશાસ્ત્રી અને લેખક વિદ્યુત જોષી આ વિશે કહે છે કે, "જાતિ-વ્યવસ્થા તે ધર્મ સાથે નહીં, પણ સમાજના વર્ગ સાથે જોડાયેલી છે, માટે ધર્મ બદલવાથી વર્ગ નથી બદલાઈ જતો."
"રાજા રામમોહન રાયની બ્રહ્મો સમાજની ક્રાંતિને યાદ કરીએ તો ખબર પડે કે, જાતિપ્રથાથી કંટાળેલા લોકોએ બ્રહ્મો સમાજને અંગીકાર કર્યો, પછી તેમણે પોતાનો એક અલગ વર્ગ ઊભો કરી દીધો, હવે તેઓ પણ દલિતો સાથે નથી મળતા. જ્યાં સુધી 'વૈયક્તિક સમાજ' નહીં બને અને લોકોને તેમના જન્મથી નહીં, પરંતુ કર્મથી ઓળખાણ નહીં મળે, ત્યાં સુધી બુદ્ધિઝમથી કોઈ જ ફરક નહીં પડે."
તો ગુજરાત બુદ્ધિસ્ટ ઍકેડૅમી નામની સંસ્થાના જનરલ સેક્રેટરી રમેશ બૅન્કરનો જરાક જુદો મત છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "બુદ્ધિઝમ અપનાવવાનો મુખ્ય ધ્યેય તો પોતાને બદલવાનો છે, પોતે આત્મવિશ્વાસ કેળવવાનો છે અને તે કામ થઈ રહ્યું છે. જે લોકો બૌદ્ધ બની ચૂક્યા છે, તેમના જીવનમાં ફરક પડ્યો છે, બીજા લોકો તેમના વિશે શું વિચારે છે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી, પરંતુ પોતે લઘુતાગ્રંથીથી મુક્ત થઈ જતા હોય છે."