You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડુંગળી-બટાકા વેચીને અમદાવાદ પોલીસે આરોપીને કેવી રીતે પકડ્યો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“અમદાવાદમાં મિસ્ત્રીકામના સહારે ચોરી કરનારી ગૅંગ સક્રિય થઈ હતી. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે એ ગૅંગ ચોરી કરી મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં સંતાઈ જતી. ગામમાં પોલીસ ઓળખાઈ ન જાય એટલે અમે ત્યાં ફુગ્ગાવાળા અને શાકભાજીવાળા બનીને ગયા. ત્યાં બે દિવસ ફુગ્ગા અને શાકભાજી વેચીને અમે ચોરીના આરોપીને પકડવામાં સફળ થયા.”
અમદાવાદના સોલાસ્થિત ડિટેક્ટિવ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. રાવિયા ચોરીના આરોપીને કેવી રીતે પકડ્યા તેની વાત કરે છે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ચોરીના મામલા સામે આવી રહ્યા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર આ ચોરીઓ મોટે ભાગે નવાં બનેલાં ઘરોમાં અથવા તો તાજેતરમાં જ મિસ્ત્રીકામ કે રંગકામ થયું હોય તેવાં ઘરોમાં થતી હતી.
પોલીસને તેની પ્રાથમિક તપાસમાં અનેક સીસીટીવી કૅમેરા ચેક કર્યા બાદ એક વ્યક્તિ પર શંકા ગઈ હતી અને આગળ તપાસ શરૂ કરી હતી.
પરંતુ એ શંકાસ્પદ વ્યક્તિ વારંવાર મધ્ય પ્રદેશ જતી રહેતી હોવાથી પોલીસ માટે તેને પકડવી સરળ ન હતી.
કઈ રીતે પોલીસે આ ચોરીના આરોપીને પકડવા માટે પ્લાન બનાવ્યો અને તેને 48 કલાકમાં જ પકડી લીધો એ કહાણી રસપ્રદ છે.
કઈ રીતે ચોરી કરતો હતો આરોપી?
અલગ-અલગ વિસ્તારોમાં થતી ચોરી વિશે તથા આરોપીની ટેકનિક વિશે પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. રાવિયાએ બીબીસી સાથે વાતચીત કરી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશથી ઘણા લોકો રંગકામ અને મિસ્ત્રીકામ કરવા માટે અમદાવાદ આવે છે. તેઓ પહેલાં મિસ્ત્રીકામ કરતા હોય ત્યારે ઘરોની રેકી કરી લે છે અને પછી ચોરી ઘરમાંથી ચોરી કરીને મધ્ય પ્રદેશ જતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને તેની પ્રાથમિક તપાસના આધારે આનંદ શર્મા નામના શખ્સ પર શંકા ગઈ હતી.
કે.ડી. રાવિયા જણાવે છે કે, “આનંદ શર્મા પણ મધ્ય પ્રદેશમાંથી અમદાવાદ મિસ્ત્રીકામ કરવા આવતો હતો અને જે ઘરમાં મિસ્ત્રીકામ કરવા જાય તે ઘરના સભ્યો પાસેથી વાતચીતમાં બધી વિગતો જાણી લેતો હતો અને ત્યારબાદ મધ્ય પ્રદેશથી તેની ગૅંગ લાવીને ચોરી કરતો હતો.”
ચોરીના સમયગાળા પર નજર રાખીને પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં નવા બનેલા ફ્લૅટ્સ પર નજર રાખી હતી અને સઘન પૅટ્રોલિંગ કર્યું હતું.
ચાણક્યપુરી વિસ્તારમાં નવા બનેલા આ ફ્લૅટ્સમાં જ આનંદ શર્માએ ફર્નિચરનું કામ કર્યું હતું. તેને એ વાતની પણ માહિતી હતી કે આ ફ્લૅટ્સમાં રહેતા કેટલાક લોકો ફરવા જવાના છે.
સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે આ વિસ્તારમાં નવા બનેલા ફ્લૅટ્સમાં ચોરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને સઘન પેટ્રોલિંગ ગોઠવ્યું હતું."
"આનંદ શર્મા પર અમારી નજર હતી અને તે મધ્ય પ્રદેશથી તેની ગૅંગ લઈને પણ આવ્યો હતો. પણ તેની સાથે આવેલા બે લોકો વળતી ટ્રેનમાં જ મધ્ય પ્રદેશ પાછા જતા રહ્યા હતા. પરંતુ થોડા દિવસોમાં જ ચાણક્યપુરીમાંથી જ એક વકીલના ઘરેથી ચોરી થઈ હતી અને દોઢ લાખનાં ઘરેણાં ચોરાયાં હતાં."
વકીલના ઘરે થયેલી ચોરી બાદ પોલીસે તપાસ વધુ સઘન કરી હતી.
આરોપીને પકડવા પોલીસે કેવી રીતે સ્ટ્રેટેજી બદલી?
આર.એચ. સોલંકી જણાવે છે કે, “અમે તરત સીસીટીવી તપાસ્યા તો એક સ્કૂટર ત્યાંથી પસાર થતું જોવા મળ્યું. આ સ્કૂટરનો નંબર ન હતો પણ ચોરીની મૉડસ ઑપરેન્ડી એક ટેવાયેલા ગુનેગાર જેવી હતી. એટલે અમે આ કેસ ડિટેક્ટિવ સ્ટાફ (ડી-સ્ટાફ)ને સોંપી દીધો.”
ડી-સ્ટાફના પીઆઈ કે.ડી. રાવિયા કહે છે કે, "અમને ફૂટેજમાં એક ગોલ્ડન કલરનું સ્કૂટર દેખાતું હતું જેના આગળના ભાગે નંબર પ્લૅટ ન હતી અને પાછળની નંબરપ્લૅટ વાળી નાખવામાં આવી હતી. એટલે સ્કૂટરને નંબર પરથી પકડવું અઘરું હતું. પરંતુ ગોલ્ડન કલરનું સ્કૂટર ભાગ્યે જ કોઈની પાસે હોય એટલે અમે તેને શોધવાનું ચાલુ કર્યું."
"સીસીટીવી પરથી ખ્યાલ આવ્યો કે તે સ્કૂટર અમદાવાદની બહાર ગયું નથી. અંતરિયાળ વિસ્તારોના સીસીટીવી ચેક કરતા અમને સ્કૂટર બધે જ દેખાયું પણ ચહેરો ઢાંકેલો હોવાથી ન દેખાયો. તેના સ્કાર્ફ પરથી અમને અંદાજ આવ્યો કે આ વ્યક્તિ મધ્ય પ્રદેશ કે ઉત્તર પ્રદેશની છે.”
આગળ તપાસ કરતા પોલીસને એક ચાની લારી પાસેના સીસીટીવીમાં તે વ્યક્તિનો ચહેરો દેખાય છે. એ સ્કૂટરની તપાસ કરતા ખબર પડી કે તે એક પાણીપૂરીવાળાનું હતું, જે આરોપી આનંદ શર્માના ગામનો હતો અને તેનું સ્કૂટર આનંદ વાપરતો હતો.
કે.ડી. રાવિયા કહે છે કે “હવે જ અમારી ખરી કસોટી શરૂ થઈ હતી.”
પોલીસે ત્યારબાદ પાણીપૂરીવાળાની સઘન પૂછપરછ કરીને તેના શંકાસ્પદ આનંદ શર્માના ગામ વિશે માહિતી મેળવી હતી.
આરોપી આનંદ શર્મા મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ભાદરોલી ગામનો રહેવાસી હતો.
પોલીસે પાણીપૂરીવાળા મારફત તેના રહેઠાણની વિગતો મેળવી તો જણાયું કે સાંકડી ગલીવાળા અંતરિયાળ વિસ્તારોમાં તે રહેતો હતો જ્યાં તેને પકડવો મુશ્કેલ હતો. તે જરૂર સિવાય પોતાનો ફોન પણ શરૂ કરતો ન હતો, તેથી તેનું લોકેશન પણ પકડમાં આવતું ન હતું.
પોલીસે પકડવા માટે બદલ્યો વેશ
પોલીસે ત્યારબાદ મધ્ય પ્રદેશમાં પાણીપૂરીવાળાની મદદથી જ્યાં આનંદ શર્મા ચા પીવા આવતો હતો તેની નજીક ફુગ્ગા અને શાકભાજીની લારીની વ્યવસ્થા કરાવી.
પોલીસ જવાનોએ વેશપલટો કરીને એ લારી પર શાકભાજી અને ફુગ્ગા વેચવાનું કામ શરૂ કર્યું. પરંતુ આનંદ શર્માએ ચા ઘરે મંગાવવાનું શરૂ કર્યું હતું અને તે ચા પીવા આવતો ન હતો.
ઇન્સ્પેક્ટર કે.ડી. રાવિયા કહે છે, “એ જે જગ્યાએ રહેતો હતો ત્યાં સુધી પહોંચવા માટે અમે તેની શેરીમાં જ મકાન ભાડે શોધવાનું નાટક કરી ત્યાં પહોંચ્યા. એમનું મકાન પહેલેથી જ અમે ઓળખી લીધું હતું. અમે તે શેરીમાં ગયા ત્યારે આનંદ શર્મા પણ બહાર નીકળ્યો હતો.”
મોડી રાત્રે પોલીસે ઘર પર રેડ પાડી હતી અને આનંદ શર્માને પકડી લીધો હતો.
પોલીસે સળંગ ચાર દિવસ ઉજાગરા કરીને આ ચોરને પકડી લીધો. આરોપી પાસેથી સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને આનંદ શર્માએ ગુનો પણ કબૂલ કરી લીધો છે, એટલે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.