You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
58 વર્ષ પહેલાં થયેલી ભેંસોની ચોરીના આરોપી 78 વર્ષીય દાદા કેવી રીતે ઝડપાયા?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિન્દી
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં પોલીસે એક 78 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે જેના પર 1965માં બે ભેંસ અને એક વાછરડાની ચોરી કરવાનો આરોપ હતો.
58 વર્ષ પહેલાં થયેલી કથિત ચોરીના આરોપમાં ગણપતિ વિઠ્ઠલ વાગોર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કથિત ચોરી થઈ ત્યારે તેઓ 20 વર્ષના હતા.
તો પછી શું થયું કે તેમની ધરપકડ આટલાં વર્ષો પછી થઈ શકી છે?
પાંચ દાયકા પછી કેવી રીતે ધરપકડ કરાઈ?
પોલીસે જણાવ્યું હતું કે આરોપી જામીન પર મુક્ત થયા હતા પરંતુ તે પછી તેઓ ગાયબ થઈ ગયા હતા અને પોલીસ તેમને શોધી ન શકી હતી. તેમના સહ-આરોપીનું 2006માં મૃત્યુ થયું હતું.
ગયા અઠવાડિયે, કોર્ટે વાગોરને તેમની પુનઃ ધરપકડ બાદ તેમની વૃદ્ધાવસ્થાના કારણે જામીન પર મુક્ત કર્યા હતા.
આ મામલો ઠંડો પડી ગયો હતો પરંતુ થોડા અઠવાડિયા પહેલાં પોલીસની એક ટીમ પૅન્ડિંગ કેસોની જૂની ફાઇલો તપાસી રહી હતી અને આરોપીને શોધવાનો અંતિમ પ્રયાસ કરવાનું નક્કી કર્યું ત્યારે તે ફરી સામે આવી.
આ ચોરી કર્ણાટકના બિદર જિલ્લામાં થઈ હતી. પરંતુ વાગોર બંને વખત પડોશી રાજ્ય મહારાષ્ટ્રના જુદાં-જુદાં ગામડાઓમાંથી પકડાયો હતો.
પોલીસનું કહેવું છે કે વાગોર અને અન્ય એક વ્યક્તિ, કૃષ્ણા ચંદરે 1965માં પ્રાણીઓની ચોરી કરવાનું કબૂલ્યું હતું જેનાં પગલે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, અને તેમને શરતી જામીન આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ મુક્ત થયા બાદ બંને શખ્સોએ સમન્સ અને વૉરંટનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.
બિદરથી પોલીસ ટીમોને કર્ણાટક તેમજ પડોશી મહારાષ્ટ્રનાં ગામડાઓમાં મોકલવામાં આવી હતી, પરંતુ આ બે વ્યક્તિ, જેઓ ખેતમજૂર તરીકે કામ કરતા હતા, મળી શક્યા ન હતા.
ગયા મહિને આ કેસ ફરીથી ખોલવામાં આવ્યો હતો. બિદર જિલ્લાના પોલીસ વડા ચેન્નાબસવન્ના લંગોટીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, "મારા સાથીઓ ઉમરગા ગામના રહેવાસીઓની પૂછપરછ કરવા લાગ્યા." વાગોરની 1965માં મહારાષ્ટ્રના ઉમરગામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસને લાગ્યું કે કોઈક વૃદ્ધ વ્યક્તિને આ ઘટના યાદ હશે, તેથી તેઓ એક વૃદ્ધ મહિલાને મળ્યા. લંગોટીએ કહે છે કે, "જ્યારે અમે તેમની સાથે વાત કરી, ત્યારે તેમણે નિર્દોષપણે મારા સાથીદારોને કહ્યું કે તે [વાગોર] જીવિત છે."
મહિલાએ તેમને મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના થાકલાગાંવ ગામ તરફ ધ્યાન દોર્યું - પાંચ દાયકાથી વધુ સમય દરમિયાન પોલીસને મળેલી આ સૌથી મોટી ચાવી હતી.
ટીમે ગામની મુલાકાત લીધી જ્યાં રહેવાસીઓએ તેમને કહ્યું કે વાગોર નામની વ્યક્તિ સ્થાનિક મંદિરમાં રહેતી હતી.
વાગોરે પોલીસને પોતાની ઓળખ આપી અને કહ્યું કે તેઓ "કોર્ટમાં જવા માટે ખૂબ ડરી ગયા હતા".
ત્યારબાદ તેમને કર્ણાટક પરત લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તેમનું પ્રતિનિધિત્વ લીગલ એઇડ સોસાયટી પ્રો બોનોના વકીલે કર્યું.