બે ભાઈએ માત્ર 12 સેકન્ડમાં અઢી કરોડ ડૉલરની ચોરી કરી, તપાસકારો ચોંક્યા

    • લેેખક, મૅક્સ મત્ઝા
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાની અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભણેલા બે ભાઈ પર માત્ર 12 સેકન્ડમાં જ અઢી કરોડ ડૉલરની ચોરી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ઍન્ટોન પૅરિન-બ્યુનો (24) અને જૅમ્સ પૅરિન-બ્યુનો (28) પર આરોપો છે કે તેમણે મની લૉન્ડરિંગ અને છેતરપિંડી કરે છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે કહ્યું છે કે આ પ્રકારની લૂંટ પહેલી વાર સામે આવી છે.

તપાસમાં સામે આવ્યું છે બંને ભાઈઓ વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થા કહેવાતી મૅસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલોજીમાં ભણેલા છે. તેમણે એપ્રિલ 2023માં આ છેતરપિંડી કરી હતી.

ઇથેરિયમની પ્રોસેસમાં બાકોરું પાડ્યું

ડેપ્યુટી ઍટોર્ની જનરલ લિઝા મૉનેકો કહે છે, “પૅરિન-બ્યુનો બ્રધર્સે અઢી કરોડ ડૉલર ઇથેરિયમ ક્રિપ્ટોકરન્સીમાંથી ચોર્યા છે. તેના માટે તેમણે ટેકનોલૉજીનો ભરપૂર ઉપયોગ કરીને મહિનાઓ સુધી કામ કરીને એક સ્કીમ બનાવી હતી અને પછી અમુક સેકન્ડ્સમાં જ આ ખેલ પાડી દીધો હતો.”

તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારની પહેલી છેતરપિંડી અને મની લૉન્ડરિંગ સ્કીમ પકડી પાડવામાં ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના એજન્ટોએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

ફરિયાદી વકીલોએ આરોપ લગાવ્યો છે કે આ બંને લોકોએ અતિશય ઉચ્ચ કક્ષાની કુશળતા દાખવીને ટ્ર્રાન્ઝેક્શન વેલિડેટ કરવા માટેની ઇથેરિયમની પ્રક્રિયામાં બાકોરું પાડ્યું છે. તેમના કહેવા પ્રમાણે તેના માટે જરૂરી સ્કિલ્સ તેમણે ‘વિશ્વની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી એક ગણાતી યુનિવર્સિટીમાંથી શીખી’ છે.

મીડિયા અહેવાલો પ્રમાણે બંને ભાઈએ ગણિત અને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે તથા બંનેએ એમઆઈટીમાં પણ અભ્યાસ કરેલો છે.

બ્લૉકચેઇનની સુરક્ષા સામે સવાલો ઊઠ્યા

ક્રિપ્ટો મારફત થતી ચુકવણીઓનો રેકૉર્ડ રાખતા લેજરની વાત કરતાં યુએસ ઍટોર્ની જનરલ ડૅમિયન વિલિયમ્સ એક નિવેદનમાં કહે છે કે, “આ છેતરપિંડીને કારણે બ્લૉકચેઇનની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.”

આ ભાઈઓએ કથિત રીતે ઇથેરિયમના ટ્રેડર્સ પાસેથી કપટપૂર્વક પૅન્ડિંગ પ્રાઇવેટ ટ્રાન્ઝેક્શન્સના ઍક્સેસ મેળવી લીધાં હતાં. ત્યાર બાદ જે લોકોને ટાર્ગેટ કર્યા તેમની ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે આ ટ્રાન્ઝેક્શનમાં ફેરફારો કરીને ચોરી કરી હતી.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘ધી ઍક્સપ્લોઇટ’ તરીકે ઓળખાતી આ છેતરપિંડી થોડી જ સેકન્ડ્સમાં થઈ ગઈ હતી.

જ્યારે ઇથેરિયમના પ્રતિનિધિઓએ તપાસ કરી ત્યારે આ બંને ભાઈએ ચોરેલા પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમના ચોરેલા ધનને છુપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

તપાસકર્તાઓ પ્રમાણે છેતરપિંડીનું આ પ્રકારનું "નાવિન્ય" સ્વરૂપ ક્યારેય પહેલાં બન્યું નથી. આ કૃત્ય ફોજદારી આરોપોને પાત્ર છે.

જો આ બંને ભાઈ દોષિત સાબિત થાય તો તેમને 20 વર્ષથી વધુ સમય સુધી જેલની સજા ભોગવવી પડી શકે છે.