એ ભજન ગાયક જેને પોલીસે 49 વર્ષ બાદ મકાનમાલિકની 'હત્યા'ના 'આરોપ'માં પકડ્યો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારી પાસે જ્યારે સીતારામ તાંતિયા 26 વર્ષના હતા, ત્યારનો ફોટો હતો, અત્યારે એમની ઉંમર 75 વર્ષની છે. આથી અમને એમને શોધવામાં મુશ્કેલી એ પડી કે અમે જે માણસને શોધીએ છીએ, આ એ જ માણસ છે કે અન્ય કોઈ?"

ગુજરાત પોલીસ જ્યારે હત્યાના આરોપીને શોધવા મહારાષ્ટ્ર પહોંચી ત્યારે તેમની કંઈક આવી મૂંઝવણ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર "વર્ષો પહેલાં અમદાવાદમાં ભાડે રહેતો સીતારામ મહિલા મકાનમાલિકના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો અને તેમને માર મારીને જતો રહ્યો હતો. જોકે તેને ખબર નહોતી કે એમણે જે મહિલાને માર માર્યો હતો એમનું મૃત્યુ થઈ ગયું છે."

પોલીસનું કહેવું છે કે, "આ ગુનો આચર્યા બાદ આરોપી મહારાષ્ટ્રમાં સંતાઈને બેઠો હતો. ગામમાં ભજનો ગાવાં જતો હતો."

પૈસાની તાણ ગુનાખોરી તરફ દોરી ગઈ

પોલીસે નોંધેલા કેસ મુજબ વાત 50 વર્ષ પહેલાંના અમદાવાદની છે. સૈજપુર બોઘા વિસ્તાર એવો હતો કે જ્યાં બીજા રાજ્યમાંથી પેટિયું રળવા માટે આવેલા લોકો ભાડે મકાન રાખીને રહેતા, કારણ કે અહીં સસ્તાં મકાન મળતાં હતાં.

આવી જ રીતે મહારાષ્ટ્રના અહમદનગરના પાસેના રાજની ગામથી 1973માં ત્રણ પિતરાઈ ભાઈઓ (મહાદેવ, નારાયણ અને સીતારામ તાંતિયા) રોજગારી માટે અમદાવાદ આવ્યા હતા.

તેઓ નરોડા પાસેની નાની ફેકટરીમાં રોજ મજૂરી કરીને કમાતા અને પેટિયું રળતા હતા.

આ ત્રણેય ભાઈ સૈજપુર બોઘા વિસ્તારમાં એકલાં રહેતાં મણિબહેન શુક્લના મકાનમાં ભાડે રહેતા હતા.

સીતારામ ગમે તેટલું કમાય પણ તેમની પાસે પૈસા વધતા નહોતા. ત્રણેય ભાઈના શોખ પણ અમીરો જેવા હતા.

પૈસા ન હોવાથી ત્રણેય ભાઈ વચ્ચે ભાડા મામલે ઝઘડા પણ થતા હતા.

સરદારનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલ બીબીસી સાથે વાત કરતા કહે છે, "1973ના સપ્ટેમ્બર મહિનામાં સીતારામ તાંતિયા કામ ના મળે ત્યારે નાનીમોટી ચોરીઓ કરતા. સૈજપુર બોઘાની ધનુષધારી સોસાયટીમાં એ સમયે રહેતાં મણિબહેન શુક્લએ આ ત્રણ ભાઈને મકાન ભાડે આપ્યું હતું."

"એક વાર એમના ભાઈઓ બહારગામ ગયા હતા, એ સમયે પૈસા ન હોવાથી સીતારામ તાંતિયા મણિબહેનના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યા હતા, પણ મણિબહેન જાગી જતાં સીતારામ તાંતિયાએ એમને માર માર્યો અને ઘરમાંથી વાસણ-દાગીના ચોરીને ભાગી ગયા હતા અને મહારાષ્ટ્રમાં છુપાઈને બેઠા હતા."

આધાર કાર્ડ બન્યું કડીરૂપ

અમદાવાદમાં હત્યા કરીને મહારાષ્ટ્રના નાનકડા ગામ રાજનીમાં છુપાઈને બેઠેલા સીતારામ તાંતિયાને આધાર કાર્ડના આધારે પકડનાર સરદારનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "49 વર્ષ જૂના કેસમાં ઝડપથી પ્રતિસાદ મળશે એવી અપેક્ષા નહોતી, પણ મહારાષ્ટ્રના અહમદનગરના પાથરડી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ઑફિસર સુહાસ ચૌહાણનો અમને મૅસેજ આવ્યો કે અમે મોકલેલી વિગત મુજબના સીતારામ તાંતિયા નામની વ્યક્તિ ત્યાં રહે છે."

ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે ભાગેડુ અને રીઢા ગુનેગારોને શોધવાની મુહિમ ચલાવાય છે. આ મુહિમના ભાગરૂપે આંતર રાજ્યના ગુનેગારોની વિગતો મોકલવામાં આવે છે, જેથી ગુનેગારને શોધવામાં અલગઅલગ રાજ્યની પોલીસ એકબીજાને મદદરૂપ થઈ શકે.

ગોહિલ કહે છે, "આ પ્રકારે અમે 1973માં સૈજપુર બોઘા વિસ્તારની ધનુષધારી સોસાયટીમાં થયેલી એક હત્યાના વૉન્ટેડ આરોપીની વિગતો મહારાષ્ટ્ર પોલીસને મોકલી હતી."

"આ કેસમાં એ ભાગેડુ હતા. અમે અમદાવાદથી આ ગુનેગારને શોધવા માટે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. એમનું એ સમયનું સરનામું હતું જેના આધારે અહમદનગરના પાથરડી પોલીસ સ્ટેશનથી આવી વ્યક્તિ હોવાનો જવાબ આવ્યો, એટલે અમે અમારી એક ટીમ લઈને મહારાષ્ટ્ર પહોંચ્યા."

ગુનો આચર્યો ત્યારે 26 વર્ષની ઉંમર, આજે 75

પોલીસે જણાવ્યું કે સીતારામે કથિત ગુનો આચર્યો ત્યારે તેમની ઉંમર 26 વર્ષની હતી.

ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલ કહે છે, "અમારી પાસે સીતારામ તાંતિયા 26 વર્ષના હતા ત્યારનો ફોટો હતો, અત્યારે એમની ઉંમર 75 વર્ષની છે. ઉપરાંત એ આજુબાજુના ગામમાં ભજન ગાવાં જતા હતા. અમે નક્કી કરી શકતા નહોતા કે અમે જેને શોધી રહ્યા છીએ એ જ સીતારામ તાંતિયા છે કે અન્ય કોઈ વ્યક્તિ?"

"એના બે ભાઈ નારાયણ અને મહાદેવનાં અવસાન થયાં છે. ગામમાં ત્રણ દિવસ ફર્યા ત્યારે એના પરિવારજનો પાસેથી ખબર પડી કે સીતારામ તાંતિયા પર ભૂતકાળમાં ગુજરાત પોલીસ તરફથી ખૂનનું વૉરંટ આવ્યું હતું અને એ નાની મોટી ચોરીઓ કરતા હતા."

ગોહિલ વધુમાં કહે છે કે પાથરડી પોલીસની મદદથી અમે એમને પકડ્યા અને એમનું આધાર કાર્ડ ચેક કર્યું. એની મદદથી મહારાષ્ટ્રમાં એમની સામે નોંધાયેલી ફરિયાદોની પણ ખાતરી થઈ ગઈ.

ગોહિલ કહે છે "અમે જ્યારે સીતારામ તાંતિયાની પૂછપરછ કરી ત્યારે તેઓ ભાંગી પડ્યા અને એમણે કબૂલ કર્યું કે તેઓ અમદાવાદમાં રહેતા હતા ત્યારે મકાનમાલિકના ઘરમાં ચોરી કરવા ગયા હતા. મકાનમાલિક મણિબહેન જાગી જતાં એમણે માર મારીને ચોરી કરી ઘરની બહાર તાળું મારીને ભાગી ગયા હતા, પણ એમનાથી હત્યા થઈ હોવાની એમને ખબર નહોતી."

પાથરડી પોલીસના વડા સુહાસ ચૌહાણે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે "સીતારામ સામે ભૂતકાળમાં બળાત્કારના પ્રયાસ અને ઘરેણાં-ચોરીની ફરિયાદ થઈ હતી. ગુજરાત પોલીસ પાસેથી અમને જાણકારી મળી ત્યારે સીતારામ તાંતિયાની વિગતો ગુજરાત પોલીસ સાથે શેર કરી અને આ આરોપી પકડાયા."

"49 વર્ષ સુધી છૂપાઈ રહેલા સીતારામનું આધાર કાર્ડ ચેક કર્યા પછી એમની ધરપકડ કરાઈ છે."