You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'જમીનમાં ભાગ લેવા' પુત્રે પિતાની હત્યાનો કારસો રચ્યો, એક ભૂલથી કેવી રીતે પકડાયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભરૂચના મુક્તમપુરા પાછળ આવેલા સૂમસામ વિસ્તારમાં એક દરગાહ આવેલી છે. સામાન્ય રીતે શાંત રહેતો આ વિસ્તાર એક દિવસે વહેલી સવારે ગોળીઓના અવાજથી ગૂંજી ઊઠે છે.
અવાજ સાંભળીને દરગાહમાં બેસેલા લોકો અવાજની દિશામાં દોડી ગયા હતા. ત્યાં પહોંચતા જ જમીન પર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી હતી. એમાંથી એક વ્યક્તિએ તેને ઓળખી કાઢી અને તાત્કાલિક ઇજાગ્રસ્તના પુત્રને બોલાવીને સારવાર માટે વડોદરાની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા.
ગોળીઓ વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનું નામ છે રામઈશ્વર શાહ અને તેમને લોહીલુહાણ હાલતમાં ઓળખનાર વ્યક્તિનું નામ છે ગનીભાઈ.
ઘટનાક્રમ એવો છે કે ભરૂચ પાસે હાઈવે પર કૂંડાં અને માટલાનો વ્યવસાય કરતા રામઈશ્વર શાહ પર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો.
તેમના પુત્રે શરૂઆતમાં પોલીસને આપેલી માહિતી અનુસાર, તેમના વતન બિહારમાં રહેતા પરિચિત વ્યક્તિ અંસહુલ હક્કે સોપારી આપીને આ ગોળીબાર કરાવડાવ્યો હતો.
પુત્રે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. અગાઉ પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાથી શરૂઆતમાં પોલીસે પણ માની લીધું હતું કે પૈસાની તકરારને આ થયું હોઈ શકે છે.
જોકે, ભરૂચના પોલીસ અધીક્ષક લીના પાટીલના કહેવા પ્રમાણે, એક મામૂલી માટલાના વેપારીની હત્યા માટે કોઈ વ્યક્તિ સોપારી આપીને બિહારથી ભરૂચ હત્યારાઓ મોકલે એ વાત ગળે ઊતરતી ન હતી. ઊંડાણપૂર્વક તપાસ કરતા ખબર પડી કે દીકરો જે વ્યક્તિ તરફ શંકાની સોય દોરી રહ્યો હતો તેની આ મામલામાં કોઈ સંડોવણી જ ન હતી.
આથી પોલીસે ગોળીબાર કરનારા લોકોને શોધવાની સાથેસાથે દીકરાની તલસ્પર્શી તપાસ કરી તો દીકરાએ કબૂલ્યું કે સગા દીકરાએ પિતાની હત્યા કરાવવા માટે બિહારથી શાર્પશૂટર્સ બોલાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ દીકરાએ આવું કર્યું કેમ? હત્યારાઓ શોધ્યા કેવી રીતે? સમગ્ર પ્લાન કેવી રીતે બનાવ્યો? અને કેવી રીતે પોલીસના હાથે પકડાયો? આ સહિતના અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ...
'ઓળખીતાએ જૂની અદાવતમાં હુમલો કરાવ્યો'
સમગ્ર ઘટના અંગે વાત કરતા ગનીભાઈએ બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે તેઓ રોજની દરગાહમાં સેવા આપવા માટે ગયા હતા. ત્યાં અચાનક દરગાહની પાછળના ભાગે ઝાડીઝાંખરાંમાંથી ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવ્યો અને તરત જ ચીસો સંભળાઈ.
તેમણે કહ્યું, "આ સાંભળતા જ અમે ત્યાં દોડી ગયા અને જોયું તો રામઈશ્વરભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. અમે તાત્કાલિક તેમના દીકરા લલનને ફોન કર્યો અને તેમને હૉસ્પિટલ લઈ ગયા."
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે હુમલાખોરો જોયા? તો તેમણે આ મુદ્દે નકારમાં જવાબ આપ્યો.
રામઇશ્વરભાઈને જ્યારે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને મામલાની જાણ પોલીસને કરવામાં આવી તો તેમના પુત્ર લલને જણાવ્યું કે વર્ષ 2019માં તેમના પિતાએ બિહારના શિવહરમાં પરિચિત વ્યક્તિ અંસહુલ હક્ક પાસેથી એક પ્લૉટ ખરીદ્યો હતો.
આ પ્લૉટની ખરીદી બાદ તેના દસ્તાવેજ કરવા બાબતે અને પૈસાની રકઝકના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે અંસહુલે તેમના પિતાના માથામાં ધારિયું માર્યું હતું. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે નોંધાવેલા કેસમાં અંસહુલ જેલમાં પણ ગયા હતા.
લલનના જણાવ્યા અનુસાર, જામીન પર છૂટ્યા બાદ અંસહુલે અનેક વખત રામઈશ્વરભાઈને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આથી તાજેતરમાં થયેલો હુમલો પણ તેમણે જ કરાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
લલને આ મુજબ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
હુમલાખોરોની શોધ અને પોલીસને મળેલી મહત્ત્વપૂર્ણ કડી
જોકે, પૈસાની લેતીદેતીના કારણે સર્જાયેલા જૂના વિવાદની અદાવતે માટલાના વેપારીને મારવા માટે કોઈ વ્યક્તિ ભાડૂતી માણસો રાખે અને તેમને બિહારથી ભરૂચ મોકલે, એ વાત પોલીસને ગળે ન ઊતરી.
ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક લીના પાટીલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે બિહાર પોલીસની મદદ લઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે જૂના કેસમાં લલને જે બે મોબાઇલ નંબર આપ્યા હતા, એ રામઇશ્વરભાઈ જ્યારે હુમલો થયો ત્યારે બિહારમાં જ હતા.
તેમણે આગળ કહ્યું, "ઘટનાસ્થળની તપાસ કરતા જાણવા મળ્યું કે ગોળીબાર દેશી તમંચામાંથી થયો હતો અને કોઈએ વ્યવસ્થિત રીતે રેકી કરીને તેમના પર હુમલો કર્યો છે."
આ બધી બાબતોને સાંકળીને લોકલ ક્રાઇમની એક ટીમ બનાવી અને તેમના દ્વારા તપાસ શરૂ કરાવી.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પૅક્ટર ઉત્સવ બારોટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે જ્યારે લલનને પૂછ્યું કે તેમને બિહારના લોકો પર શંકા કેમ છે? તો તેણે ગોળગોળ જવાબો આપ્યા. એ વારંવાર માત્ર એક જ રટણ કર્યા કરતો હતો કે 'અમારા જેવા ગરીબ માણસોને મારીને અંસહુલને શું ફાયદો થવાનો છે?' તેથી અમે લલનને પણ શકમંદોના દાયરામાં રાખ્યો."
તેમણે આગળ કહ્યું, "આ દરમિયાન અમે ભરૂચ રેલવેસ્ટેશનની આસપાસમાં આવેલી સસ્તી હોટલોમાં બિહારથી આવીને રહ્યા હોય તેવા લોકોની તપાસ કરાવી. સાથે જ જ્યાં હત્યાનો પ્રયાસ થયો એ જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજોની તપાસ્યા."
હોટલોમાં તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે રેલવેસ્ટેશન પાસેની ક્લાસિક હોટલમાં બિહારથી આવેલા ત્રણ લોકો રોકાયા હોવાનું જાણવા મળ્યું. પોલીસે તેમના ફોન નંબર મેળવ્યા.
પીઆઈ બારોટે કહ્યું, "બીજી બાજુ પોલીસને લલન પાછળ લગાવેલા બાતમીદારો પાસેથી જાણવા મળ્યું કે તેમને મળવા માટે બિહારથી ત્રણ લોકો આવ્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે લલન 11 એપ્રિલ સુધી આ લોકોના સંપર્કમાં હતો અને તેણે જ તેમના માટે રૂમ બુક કરાવ્યો હતો અને તેમના જમવાનો ખર્ચ પણ ઉપાડ્યો હતો."
તેમણે આગળ કહ્યું, "વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા આ ત્રણેય વ્યક્તિઓ અને લલન મળ્યા હોય તેવા ફૂટેજ પણ મળી આવ્યા. આ ઉપરાંત એ ત્રણ વ્યક્તિઓમાંથી એકે હુમલાના દિવસે સવારે લલનને ફોન પણ કર્યો હતો."
બીજી તરફ બિહારમાં પોલીસ એ વાત જાણવાનો પ્રયાસ કરી રહી હતી કે પિતા-પુત્ર વચ્ચેના સંબંધોની કેવી પરિસ્થિતિ હતી અને બિહારમાં 2019માં શું થયું હતું?
આ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે 2019માં અંસહુલ દ્વારા કરાયેલા હુમલા બાદ રામઇશ્વરભાઈની સારવાર માટે લલને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. પિતા-પુત્રના સંબંધો વિશે જાણવા પોલીસે લલન સાથે રહેતા તેમના મામા જગન્નાથની પૂછપરછ કરી.
પોલીસ અધીક્ષક લીના પાટીલે જણાવ્યું, "પૂછપરછમાં જગન્નાથે કહ્યું કે પિતા-પુત્ર વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી પૈસા બાબતે તકરાર થતી રહે છે. પણ મામલો શું હતો એ વિશે કોઈને ખબર નહોતી."
ત્યાર પછી પોલીસે લલન પર નજર રાખવાની શરૂ કરી અને તેને મળવા આવેલા મિત્રોની વિગતો એકઠી કરીને તેમને પકડવા એક ટીમ મોકલી.
આ વિશે લીના પાટીલે કહ્યું, "બિહારમાં સતત બે દિવસ સુધી નજર રાખ્યા બાદ અમે સૌથી પહેલા લલનના નાનપણના મિત્ર નંદકિશોર ઉર્ફે ટુનટુશ શાહને પકડ્યો. તે અગાઉ બિહારમાં બાઇકચોરીના ગુનામાં પકડાયો હતો. અમને તેની પાસેથી એક દેશી તમંચો પણ મળી આવ્યો. ત્યાર પછી હરિઓમ શાહ અને રામશંકર શાહ નામના અન્ય બે લોકોને પકડ્યા અને ગુજરાત લાવ્યા."
ત્રણેય મિત્રોને ગુજરાત લાવ્યા બાદ પોલીસે લલન શાહની પણ ધરપકડ કરી અને ચારેયને સાથે બેસાડીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.
કબૂલાતમાં શું કહ્યું?
જિલ્લા પોલીસ અધીક્ષક લીના પાટીલ કહે છે કે લલનના મિત્રોએ કબૂલાત કરી હતી કે લલન જ્યારે બિહારમાં ગયો હતો ત્યારે તેણે તેમને કહ્યું હતું કે તેના પિતા પૈસા માટે રકઝક કરે છે. જો તેમનું મૃત્યુ થાય તો બિહારમાં રહેલી જમીનમાંથી તેમને ભાગ મળે અને તે કારોબાર પણ સંભાળી શકે. આ સાથે જે તેણે મિત્રોને પણ પૈસા આપવાની વાત કરી હતી.
પાટીલ આગળ કહે છે, "લલને કબૂલાત કરી હતી કે 2019માં પિતાની સારવાર માટે તેણે લીધેલા પૈસા પર વ્યાજ ચઢતું જતું હતું. તેના પિતા બિહારમાં તેમના ભાઈઓને પૈસા મોકલતા હતા પણ લલનને પૈસા આપતા નહોતા. બે ભાઈઓને ખેતી ઉપરાંત વધારાના પૈસા મળતા હતા. જ્યારે લલનને તેણે સારવાર કરાવવા ઉછીના લીધેલા પૈસા પણ પાછા મળતા ન હતા. જેથી તેણે બિહારથી આ ત્રણ મિત્રોને બોલાવ્યા, રેકી કરાવી અને હત્યા કરવા મોકલ્યા."
જોકે, લલનના કરતૂત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે તેણે હોટલ જાતે બુક કરાવી, ખુદના ફોન પરથી તેમની સાથે વાત કરી અને સૌથી મોટી મૂર્ખામી એ હતી રે મનઘડંત વાર્તા ઉપજાવી કે બિહારથી હત્યા કરવા માટે લોકો આવ્યા હતા. જો તેણે એ વાર્તા ન ઘડી હોત તો આ બ્લાઇન્ડ કેસ હોત અને તેને સૉલ્વ કરવામાં પડકાર પણ આવ્યા હોત.