You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે સુધારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાન ચૂંટાયા, રૂઢિવાદી નેતા જલીલીને હરાવ્યા
- લેેખક, કાસરા નાજી અને ટૉમ બૅનેટ
- પદ, બીબીસી સંવાદદાતા
સુધારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાન તેમના રૂઢિવાદી હરીફ સઈદ જલીલીને હરાવીને ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
ચૂંટણી પરિણામ અનુસાર અત્યાર સુધી ગણાયેલા ત્રણ કરોડ મતોમાથી ડૉ મસૂદ પેઝેશ્કિયાનને 53.3 ટકા વોટ મળ્યા છે જ્યારે જલાલીને 44.3 ટકા મત મળ્યા છે.
પ્રથમ વખતે યોજાયેલા મતદાનમાં સૌથી ઓછું 40 ટકા મતદાન થયું હતું. પ્રથમ વખત યોજાયેલા મતદાનમાં કોઈપણ ઉમેદવારને બહુમતી મળી ન હતી. આ કારણે 28 જૂને ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં મસૂદ પેઝેશ્કિયાનને 50 ટકાથી વધારે મતો મળ્યા હતા.
આ ચૂંટણી ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના મે મહિનામાં એક હેલીકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ કરાવવામાં આવી હતી. આ હેલીકૉપ્ટર દુર્ઘટનામાં રઈસી ઉપરાંત બીજા સાત લોકોનાં પણ મોત થયાં હતાં.
ઈરાનનું આંતરિક મંત્રાલય અંતિમ પરિણામની જાહેરાત કરે તે પહેલાં જ ડૉ. પેઝેશ્કિયાનના સમર્થકો તહેરાન અને બીજાં શહેરોમાં રસ્તાઓ પર ઉજવણી માટે ઊતરી આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં મોટા ભાગના યુવાઓ નાચતા અને તેમના અભિયાનનો વિશેષ લીલા ઝંડા લહેરાવતા જોવા મળી રહ્યા છે, જ્યારે ગાડીઓમાં પસાર થતાં લોકો હૉર્ન વગાડી રહ્યા છે.
પેઝેશ્કિયાનની જીત
હૃદય રોગના સર્જન ડૉ. પેઝેશ્કિયાન ઈરાનની કુખ્યાત મોરલ પોલીસના આલોચક છે. તેમણે "એકતા અને સમાધાન"નું વચન આપીને તેમજ વિશ્વમાંથી ઈરાનની "એકલતા"ને સમાપ્ત કરીને હલચલ મચાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે 2015ની પરમાણુ સમજૂતીના નવીનીકરણ માટે પશ્ચિમના દેશો સાથે ‘રચનાત્મક વાતચીત’નું પણ આહ્વાન કર્યું હતું. આ સમજૂતી હેઠળ જો પશ્ચિમી દેશો ઈરાન પર લગાવેલા પોતાના પ્રતિબંધોમાં ઢીલ આપશે તો ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ રોકી દેશે.
પેઝેશ્કિયાનના હરીફ સઈદ જલીલી આ વાતના પક્ષધર ન હતા. પૂર્વ પરમાણુ વાર્તાકારને ઈરાનના મોટા ભાગના ધાર્મિક સમુદાયોનું સમર્થન છે.
જલીલી પોતાના કટ્ટર પશ્ચિમવિરોધી વલણ અને પરમાણુ સમજૂતીને ફરીથી સ્થાપિત કરવાના વિરોધ માટે જાણીતા છે. તેમણે આ વિશે કહ્યું હતું કે આ ઈરાનની રેડ લાઇનને પાર કરવા જેવું છે.
બીજી વખત થયેલા મતદાનમાં ટકાવારી 50 ટકા રહી જે છેલ્લા અઠવાડિયે થયેલા મતદાનની તુલનામાં વધારે છે, જ્યારે વ્યાપક અસંતોષ વચ્ચે 1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી મતદાન સૌથી ઓછું હતું.
ભારે અસંતોષને કારણે લાખો લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
ઉમેદવારોમાં વિકલ્પની અછત, ઇસ્લામી કટ્ટરપંથીઓનું પ્રભુત્વ અને સર્વોચ્ચ નેતાના નીતિઓ પર મજબૂત નિયંત્રણને કારણે વાસ્તવિક પરિવર્તનની નહીંવત શક્યતાઓને કારણે અસંતોષ વધ્યો હતો.
કેટલાક લોકોએ પહેલા તબક્કામાં મતદાન કર્યું ન હતું. આ લોકોને ડૉ. પેઝેશ્કિયાનના પક્ષમાં મતદાન કરવા માટે રાજી કરવામાં આવ્યા જેથી કરીને જલીલીને રાષ્ટ્રપતિ બનવાથી રોકી શકાય.
તેમને બીક હતી કે જલીલના વિજય સાથે ઈરાનનો બહારની દુનિયા સાથે ટકરાવ વધશે. આ કારણે ઈરાનને વધારે પ્રતિબંધ સિવાય બીજું કંઈ મળશે નહીં.
સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ શું કહ્યું?
ચૂંટણી લડવા માટે બંને ઉમેદવારોએ ગાર્જિયન કાઉન્સિલની એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ગાર્જિયન કાઉન્સિલ મોલવીઓ અને ન્યાયશાસ્ત્રીઓની કુલ 12 સભ્યોની સમિતિ છે જે ઈરાનમાં એક મહત્ત્વપૂર્ણ શક્તિ ધરાવે છે.
ગાર્જિયન કાઉનસ્લિની પ્રક્રિયામાંથી લગભગ કેટલીક મહિલાઓ સહિત 74 ઉમેદવારોને હટાવવામાં આવ્યાં હતાં.
માનવ અધિકાર સંગઠનો દ્વારા ગાર્જિયન કાઉન્સિલની પહેલાં પણ ટીકા કરવામાં આવી હતી કે કાઉન્સિલ એવા ઉમેદવારોને અયોગ્ય ગણાવે છે જે શાસન પ્રત્યે વફાદાર નથી.
નાગરિક અશાંતિનાં વર્ષો પછી ઘણા યુવાન અને મધ્યમ-વર્ગના ઈરાનીઓ સત્તા પર ઊંડો અવિશ્વાસ ધરાવે છે અને અગાઉ મતદાન કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે.
ઈરાની સોશિયલ મીડિયા પર પર્શિયન હેશટેગ "દેશદ્રોહી લઘુમતી" વાયરલ થયો છે, જેમાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ઉમેદવારને મત ન આપે અને જે કોઈ આમ કરે છે તેને "દેશદ્રોહી" કહે છે.
પરંતુ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ આ વાતને નકારી છે કે ઓછું મતદાન તેમના શાસનનો અસ્વીકાર દર્શાવે છે.
તેમણે કહ્યું, "ઓછા મતદાન પાછળ કેટલાંક કારણો છે. નેતા અને સમાજશાસ્ત્રી તેની તપાસ કરશે. જોકે, કોઈ એમ વિચારે છે કે જે લોકોએ મતદાન નથી કર્યું તે લોકો વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યા છે તો તે સંપૂર્ણપણે ખોટું વિચારે છે."
જોકે, તેમણે સ્વીકાર કર્યો કે ઈરાનના કેટલાક લોકો વર્તમાન શાસનને સ્વીકારતા નથી.
ખામેનેઈએ કહ્યું, "અમે તેમની વાતને સાંભળીએ છીએ અને જાણીએ છીએ કે તેઓ શું કહી રહ્યા છે અને એવું નથી કે તેઓ છુપાયેલા છે અને દેખાતા નથી."
ઈરાનમાં સ્થાનિક મીડિયાએ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સુધારવાદી સમાચાર પત્ર સાજંદેગીએ કહ્યું, "ભવિષ્ય તમારા મત સાથે જોડાયેલુ છે." જ્યારે હમ્મિહાન સમાચાર પત્રએ કહ્યું, "હવે તમારો વારો છે."
તહેરાન નગરપાલિકા દ્વારા સંચાલિત સમાચાર પત્ર હમશહેરીએ ‘મતદાનનાં 100 કારણ’ શીર્ષક સાથે એક લેખ પ્રકાશિત કર્યો હતો. સરકાર સંચાલિત સમાચાર પત્રએ કહ્યું, "ઈરાન લોકોની રાહ જોઈ રહ્યું છે."