ઈરાનના રાષ્ટ્રપતિનું જે હેલિકૉપ્ટરથી મૃત્યુ થયું તેનો ઇતિહાસ કેવો રહ્યો છે?

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું જે બેલ-212 હેલિકૉપ્ટર ક્રૅશ થવાને મોત થયું તે હેલિકૉપ્ટર હવે ચર્ચામાં છે.

રઈસી સાથે હેલિકૉપ્ટરમાં ઈરાનના વિદેશમંત્રી અમીર-અબ્દુલ્લાહિયન, ઈરાનના પૂર્વીય અઝરબૈઝાન પ્રાંતના ગવર્નર મલિક રહમતી પણ સવાર હતા.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં તબરેઝના મોહમ્મદ અલી અલ-એ-હાશિમનું નામ પણ સામેલ છે.

કિઝ કલાસી અને ખોદાફરિન બંધથી હેલિકૉપ્ટરે રવિવારે તબરેઝ શહેર માટે ઉડાન ભરી હતી.

રઈસી આ બંધનું ઉદ્ધાટન કરવા માટે રવિવારે ઈરાન-અઝરબૈઝાનની બૉર્ડરે ગયા હતા.

રઈસીના કાફલામાં ત્રણ હેલિકૉપ્ટર હતાં, જેમાંથી બે સલામત ઠેકાણે પહોંચી ગયાં હતાં.

જે હેલિકૉપ્ટર નિયત સ્થળે ન પહોંચી શક્યું અને દુર્ઘટનાનો શિકાર બન્યું તે બેલ-212 હેલિકૉપ્ટર છે.

આ હેલિકૉપ્ટર વિશે કેટલીક વાતો જાણીએ.

બેલ 212 હેલિકૉપ્ટરની કેટલીક ખાસ વાતો

બેલ 212 હેલિકૉપ્ટર વિયતનામ યુદ્ધમાં જેનો વપરાશ થયો હતો એ યુએચ-વન એન ટ્વિનની જેમ પેસેન્જર હેલિકૉપ્ટર છે.

આ હેલિકૉપ્ટર સરકારી અને પ્રાઇવેટ બંને ઑપરેટરો વાપરે છે.

સમાચાર એજન્સી રૉઇટર્સ પ્રમાણે, આ હેલિકૉપ્ટર 1960ના સમયગાળામાં કૅનેડાની સેના માટે બનાવવામાં આવ્યું હતું. તે યુએચ-1 નું નવું મૉડલ હતું.

નવી ડિઝાઇનમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવા હેલિકૉપ્ટરની ક્ષમતા પહેલાં કરતાં વધારે છે.

અમેરિકી મિલિટરી ટ્રેઇનિંગ સાથે સંકળાયેલા દસ્તાવેજો અનુસાર, 1971માં તેને રજૂ કરવામાં આવ્યું ત્યાર પછી તરત જ તેને અમેરિકા અને કૅનેડાએ પોતાના કાફલામાં સામેલ કરી દીધું.

આ હેલિકૉપ્ટરને યુટિલિટી હેલિકૉપ્ટર કહેવામાં આવે છે. આથી તેને યુએચ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએચ જેવા નામનો ઉપયોગ સેના કરે છે.

આ હેલિકૉપ્ટરનો ઉપયોગ કેવા કામમાં થાય છે?

આ હેલિકૉપ્ટરને દરેક પ્રકારનાં કામમાં લઈ શકાય છે, જેમ કે યાત્રિકોને લાવવા લઈ જવા, આગ બુઝાવવી, માલવાહક તરીકે કામ કરવું, હથિયારોનો સપ્લાય વગેરે.

ઇબ્રાહીમ રઈસી જે હેલિકૉપ્ટરમાં સવાર હતા તેને મૉડિફાઇ કરવામાં આવ્યું હતું જેથી કરીને સરકારના ટોચના અધિકારીઓ, નેતાઓની યાત્રામાં તેનો ઉપયોગ થઈ શકે.

આ હેલિકૉપ્ટરને અમેરિકી કંપની બેલ ટેક્સટ્રૉન બનાવે છે. કંપનીનું વડુંમથક ટેક્સાસમાં છે.

બેલ હેલિકૉપ્ટરનું સૌથી નવું મૉડલ બેલ 412 છે, જેના વિશે કંપનીની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે તે પોલીસ, મેડિકલ પરિવહન, સૈનિકોના આવાગમન, ઍનર્જી ઇન્ડસ્ટ્રી અને અગ્નિશમનનાં કામોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સી તરફથી મળેલા દસ્તાવેજો પ્રમાણે તેમાં ક્રૂ સહિત કુલ 15 લોકો બેસી શકે છે.

હેલિકૉપ્ટર સાથે સંકળાયેલા ડેટાની વેબસાઇટ હૅલિસ અનુસાર, બેલ 212 હેલિકૉપ્ટરની લંબાઈ 17 મીટર અને ઊંચાઈ અંદાજે ચાર મીટર હોય છે.

ગ્લોબલ ઍર વેબસાઇટ અનુસાર, બેલ 212 હેલિકૉપ્ટરને ચલાવવા પાછળ એક કલાકમાં અંદાજે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

વેપન સિસ્ટમ વેબસાઇટ અનુસાર, આ હેલિકૉપ્ટર 230થી 260 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડે છે.

આ હેલિકૉપ્ટરનો ઉપયોગ ક્યાં થાય છે?

આ હેલિકૉપ્ટરનો ઉપયોગ જાપાનના તટરક્ષકો કરે છે જ્યારે અમેરિકામાં તેનો ઉપયોગ ફાયર ડિપાર્ટમેન્ટ અને લૉ એજન્સીઓ કરે છે.

થાઇલૅન્ડમાં નેશનલ પોલીસ પણ આ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે.

સમાચાર એજન્સી રૉઇટર્સ પ્રમાણે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઈરાન આ પ્રકારનાં કેટલાં હેલિકૉપ્ટરોનો ઉપયોગ કરે છે.

પરંતુ ફ્લાઇટ ગ્લોબલની વર્ષ 2024ની વર્લ્ડ ઍરફોર્સ ડિરેક્ટરી પ્રમાણે ઈરાનની વાયુસેના અને નૅવી પાસે આવાં 10 હેલિકૉપ્ટર છે.

આ પહેલાં તે હેલિકૉપ્ટર સપ્ટેમ્બર 2023માં ક્રૅશ થયું હતું. ત્યારે યુએઈમાં એક પ્રાઇવેટ ઑપરેટરનું હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું.

ઈરાનમાં આ રીતે 2018માં હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સપ્ટેમ્બર 2013માં મુંબઈમાં પણ બેલ 212 ટ્વિન બ્લૅડ હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. ત્યારે આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

એવિયેશન સેફ્ટી નેટવર્ક વેબસાઇટના દાવા અનુસાર, 1972થી 2024 સુધી બેલ 212 સાથે જોડાયેલી 432 ઘટનાઓ બની છે. તેમાં 630 લોકોનાં મોત થયાં છે.

ઈરાનનું ઉડ્ડયન ક્ષેત્ર

હેલિકૉપ્ટર ક્રૅશ થવાનાં કારણો વિશે અત્યાર સુધી ખબર પડી નથી. પરંતુ ઍર ટ્રાન્સપૉર્ટ અંગેનો ઈરાનનો અત્યાર સુધીનો રેકૉર્ડ ખરાબ રહ્યો છે.

તેનું એક કારણ દાયકાઓથી લગાવવામાં આવેલા અમેરિકી પ્રતિબંધો પણ ગણવામાં આવે છે. તેના કારણે ઈરાનનું ઉડ્ડયનક્ષેત્ર નબળું પડ્યું છે.

રઈસી બેલ 212 હેલિકૉપ્ટરમાં સવાર હતા જે અમેરિકામાં બનેલું છે.

ભૂતકાળમાં ઈરાનના સંરક્ષણમંત્રી, પરિવહનમંત્રી, ઈરાનના ભૂમિદળ અને વાયુસેનાના પ્રમુખો પણ પ્લૅન કે હેલિકૉપ્ટર ક્રૅશમાં માર્યા ગયા હતા.

મે 2001માં ઈરાનના પરિવહનમંત્રીનું વિમાન પણ ક્રૅશ થઈ ગયું હતું, જેના કાટમાળને શોધવામાં ભારે તકલીફ પડી હતી. આ વિમાનમાં 28 લોકો સવાર હતા અને કોઈ જીવિત બચ્યું ન હતું.

ઈરાનની સરકારમાં સુધારકોની આગેવાનીમાં જ્યારે દેશના ઍરક્રાફ્ટને આધુનિક બનાવવાની કોશિશો કરવામાં આવી ત્યારે પશ્ચિમી દેશો સાથે કેટલાક કરાર પણ કરવામાં આવ્યા. તેમાં પ્રતિબંધો પર ઢીલ મૂકવાની વાત પણ હતી.

જોકે, તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારમાંથી પીછેહઠ કર્યા બાદ એ દિશામાં પ્રયત્નો બંધ થઈ ગયા.

કટ્ટરપંથીઓએ ઉડ્ડયનક્ષેત્રને મજબૂત કરવા માટે વિદેશી સહયોગીઓ પર નિર્ભર રહેવાની વાત કરીને સુધારકોની પ્રયત્નોની નિંદા કરી.